શીર્ષક:શરદી મારી બહેનપણી
જોકે આમ તો મને કોઈ બહુ કે થોડું કંઈપણ પૂછતું જ નથી પરંતુ કોઈનો મગજ ફરી જાય ને મને એવું પૂછી બેસે કે ,"તમારી બહેનપણી કેવી હોવી જોઈએ?" તો હું કહું કે મારે તો જૂની,જાણીતી એક શાશ્વત અને આદર્શ બહેનપણી હોવી જોઈએ અને છે પણ તે શરદી. એવું એટલા માટે કે શરદી કોઈ દિવસ મને છોડવા માંગતી જ નથી જાણે તેને અન્ય રોગો પાસેથી લોન લઈને મારા અસ્વસ્થ શરીરમાં એક ફ્લેટ ન ખરીદી લીધો હોય!
બાળપણથી મારા શરીરની એક રોગપરંપરા રહી છે કે જ્યારે જ્યારે મારી છ માસિક,નવ માસિક કે વાર્ષિક પરીક્ષાઓ આવે ત્યારે શરદી-ઉધરસ મને પ્રોત્સાહન આપવા હાજર જ હોય!કોઈક વખત તો એને એમ થાય કે પરીક્ષા અઘરી હશે એમ જાણીને તાવ પણ પ્રોત્સાહન આપવા આવી જાય.પણ તેનું આ પ્રોત્સાહન મને તો તકલીફદાયક જ રહેતું.હું વધારે તકલીફ ભોગવીને જ મહેનત કરતો.જોકે ડોકટર આ બધા રોગોના ફ્લેટને ખાલી કરવાની તાકાત રાખે છે પણ એને ખાલી કરવાનું ભાડું આજકાલ બહુ મોંઘુ હોય છે.
પણ હું જ્યારે જ્યારે મારા અસ્વસ્થ શરીરમાં 'અચલ' સ્થાન ભોગવી રહેલા રોગોને ડોક્ટરની મદદથી ચલિત કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે પેલો પહોળી આંખો વાળો,ગળામાં ભગવાન શંકરની જેમ નાગરૂપી સ્ટેથોસ્કોપ પહેરેલો,સ્વચ્છ કપડામાં પોતાના આસન પર બિરાજેલો ડોક્ટર અવશ્ય મારા હાથ કે આંગળીમાં એકાદ છિદ્ર કરાવી, મારી નિર્દોષ વેદનાના ચિત્કારથી લોહી કાઢી એના પર સંશોધન કરવાનો આદેશ તો આપે જ!પછી જ દવારૂપી ગુંડાઓને મોકલી મારા અસ્વસ્થ શરીરમાં રોગોના ફ્લેટ ખાલી કરાવે અને તો પણ પેલા ફ્લેટ ખાલી તો ખાલી પણ રહે તો ખરા જ!
પણ મારી પાક્કી બહેનપણી એવી શરદીએ અનેકવાર મારા અસ્વસ્થ શરીરમાં ધરતીકંપ લાવેલો છે.આમ તો હું શાળાની પરીક્ષાઓ માંડ માંડ પાસ કરી શકું છું પણ મારા એક શિક્ષકના જરૂર કરતાં વધારે 'પ્રતિભા શોધ કસોટી' આપવાના આગ્રહને લીધે મેં આ કસોટી આપવા,મારી સગાઈ ટાણે છોકરીનો બાપ પણ મારો જેવડો બાયો ડેટા માંગે એવડું ફોર્મ મેં ભર્યું.આ કસોટી આપવા મારા શિક્ષકનો ત્યાં સુધીનો આગ્રહ હતો કે જો હું તે પરીક્ષા ન આપવાની રજુઆત કરું તો પણ તે મને બે ચાર થપ્પડ મારીને પણ ફોર્મ ભરવાનો અત્યાચાર મારી ઉપર કરત.ના,આ આગ્રહ મારી ભણવામાં હોશીયારીને લીધે નહિ પરંતુ કદાચ મારા જેવો કવિતાના રવાડે ચડેલો વિદ્યાર્થી આ પરીક્ષામાં ગુજરાતીમાં પાસ થઈ જાય ને કંઇક શિષ્યવૃત્તિ મળે ને તે શિક્ષક પોતાની જ્ઞાતિમાં કોલર ઊંચા કરીને 'તે શિષ્યવૃત્તિ મેળવનાર આપણો વિધાર્થી' એમ કહી શકાય તેના માટે એનો આગ્રહ - ના,અતિઆગ્રહ હતો.
બિચાળા શિક્ષકને ખબર નહોતી કે હું ભાગ્યવિહોણો માણસ છું.ઈશ્વરે સામાન્ય રીતે તમામ મનુષ્યોના કપાળની પાછળના ભાગમાં ભાગ્ય-મગજ-બુદ્ધિ વગેરે મુક્યા હશે પણ મારા કપાળના પાછળના ભાગે આ કશુંય મૂક્યું નથી.આ બધાને બદલે તેણે ત્યાં એક જ વસ્તુ મૂકી છે - શરદી.નિબંધમાં વિષયાંતર થયો હોય એવું તમને લાગ્યું હશે પરંતુ શરદીથી ઉપરોક્ત અઘરા નામવાળી પરીક્ષામાં મારી યાતનાઓ આપની સમક્ષ મુકું તે પહેલાં,જેમ શરદી થાય એ પહેલાં છીંક તેની પૂર્વભૂમિકા બાંધે તેમ મેં પણ પૂર્વભૂમિકા બાંધી.
એ દિવસે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મને શરદી તો થઈ જ ચુકી હતી.જીવનની પ્રથમ શિષ્યવૃત્તિ હું લેવા જતો હોય તેમ,જાણે મારી સાથે કોઈ સેલ્ફી નહિ પડાવે તેવા ભય વાળો હું કોઈ નવોદિત લેખક હોય તેમ એ શરદીએ મારો પીછો પકડેલો.આજકાલ બજારમાં 'એક પર એક મફત'ની યોજનાઓ ખૂબ ચાલે છે તેમ મારે પણ એક એવી જ યોજના છે અને હા એ યોજના મેં માંગી નહોતી તો પણ ઈશ્વરે મારા પર ઉપરથી (અથવા નીચેથી) ધરાર ઠસાડેલી છે અને એ છે-'એક પરીક્ષા શરદી છીંક મફત.'જોકે હું તો પરીક્ષા ખરીદવા તૈયાર નહોતો પણ ક્યાં સંજોગોમાં મારે તેને કમને પણ ખરીદવી પડી તેની વાત હું આગળ કરી ચુક્યો છું.(એ યાદ ન હોય તો હવે એમાં તમારો વાંક છે)
એ દિવસે શરદીથી એકદમ જાણે માથે પથ્થર મુક્યો હોય એવા ભારે થઈ ગયેલા માથાને,શરદી હિમાલયમાંથી છૂટી પડીને જે ઊંડા ખાડામાંથી ગટરમાં જાય તે લાલ થઈ ગયેલા બે ખાડા અને તેની સમગ્ર રચના,મારું આખું શરીર અને વડીલો-સ્વજનોની વણમાંગી સલાહ આ બધું જ લઈને હું પરીક્ષા દેવા નીકળ્યો-સાયકલ પર!મગજ મારે હતું નહીં(ઉપર જણાવ્યા મુજબ) એટલે એને લેવાનો કોઈ સવાલ જ નહોતો.આમ તો અમારા કાઠિયાવાડમાં પોલીસ રસ્તા પર કોઈ દિવસ સાઈડ રોકતા નથી પણ આજે એ કર્મ તેમને કર્યું!મારી બાજુમાં ઉભેલા બાઈકવાળા ભાઈ પર મને છીંક આવવાના લીધે મારા નાકના એ ઊંડા ખાડામાંથી નીકળેલા બિન્દુઓના અમીછાંટણા એ સજ્જન પર થયા ને એ અચાનક દુર્જન બની મારા પર ભડકયા.એ મને શરદીની સાથે હાથ પગ તોડીને દવાખાને મોકલવા માટે તત્પર બન્યા કે પોલીસ આવીને,મારા મુખમાંથી 'સોરી'જેવો સસ્તો શબ્દ સાંભળીને એ દુર્જન ફરી સજ્જન બન્યા અને ખૂન્નસ ભરેલી નજરે મારી સામે જોઇને ચાલ્યા ગયા.
હું આવા બે ત્રણ સજ્જનોથી બચતો બચતો શાળાએ પહોંચ્યો અને શાળાનું નામ હતું-'શરદી હાઈ સ્કૂલ'. ના,માફ કરશો-'સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ'.આ શરડીએ જીવનમાં એટલો હેરાન કર્યો છે કે જ્યાં 'સ' કે 'શ' દેખાય શરદી જ યાદ આવે.હું મારી સાયકલ અંદર પાર્કિંગમાં રાખવા જતો હતો ત્યાં મને મારી જેમ જ શરદીથી પીડાતા પાંચ સિક્યુરીટીવાળા દેખાયા. જે પોતાના નાકની શ્લેષમમાં પરિવર્તિત ન થયેલી ગંગા વડે ધરતીને પવિત્ર કરતા હતા.હું મારી સાયકલ રાખીને આવતો જ હતો ત્યાં મને એક જોરદાર છીંક આવી ને તમે કદાચ ન માનો પણ મારા ભાગ્યની અવળચંડાઈ મુજબ મારી પાછળ ત્રણ વાઘ જેવા કૂતરા પડ્યા ને હું હરણની જેમ આગળ ભાગતો ભાગતો પેલા સિક્યુરિટીવાળા પાસે પહોંચ્યો અને એના નિત્ય પથ્થરો મારવાના પ્રયાસોથી હું બચ્યો.
અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈને,કોઈ પણ ઉંદરને બિલાડી જોઈને,પ્રેમી પંખીડાને પોલીસની ગાડી જોઈને,વિદ્યાર્થીઓને આદમખોર માસ્ટર જોઈને,કોલેજના ભણેશ્રી(મારા જેવા) છોકરાને કોઈ નખરાળી છોકરી(હજુ મને મળી નથી) જોઈને જેટલો ભય ન લાગે એટલો ભય મને એ પરીક્ષાખંડમાં પ્રવેશતા લાગ્યો.ગોળ ગોળ ચશ્મામાં લાલ ટમેટા જેવી આંખોવાળા,પેટને પેટ ન સમજીતા ગટર સમજીને ભોજન કરતા હોય એવી સાબિતી આપતી મોટી ફાંદવાળા, ભીંતમાં છત્રી ટીંગાળી હોય તેવું ઇન-શર્ટ કરેલા અમારા સુપરવાઈઝરે મને પ્રશ્ન પત્ર-જવાબવહી હાથમાં આપ્યું ને મેં પથ્થરમાંથી હીરા નહીં પણ હીરામાંથી પથ્થર શોધવા જેટલી તકલીફ પડે એટલી તકલીફ વેઠીને મેં મારો બેઠક નંબર શોધ્યો અને બેસીને જવાબ લખવાનું શરૂ કર્યું.ત્યાં અનેક લોકોની ભીડમાં ક્રાઈમ બ્રાન્ચનો કોઈ જાસૂસ ખબરી ગુનેગારને શોધવા જેવી નજર રાખતો હોય તેવી નજર રાખીને પેલો ગોળમટોલ સુપરવાઈઝર અમારી આસપાસ અર્ધ પ્રદક્ષિણા કરવા લાગ્યો.
ત્યાં કોને ખબર મારી બહેનપણી શરદી ને ખાડા વાટે બહાર નીકળવાનું મન થયું હશે અને તેણે તેની પૂર્વ ભૂમિકા સમાન છીંક ને મોકલી એના રશ્મિ બિંદુઓનો સ્પર્શ પેલા દુંદાળા સુપરવાઇઝરને થયો ને ખબર નહી મારી ધ્રાણેન્દ્રિયમાંથી જાણે તેઝાબ વરસ્યું હોય એવા તેઓ ગુસ્સે થયા આખા વર્ગના છોકરાઓ જાણે હું દોષી હોય તે રીતે મારી સામે તાકી રહ્યા હતા ને ત્યાં આ શું કોઈ અગમ્ય શક્તિ વડે ખેંચાઇ રહ્યો હતો હું ઢસડાઈ રહ્યો હતો ને જાણે ગુરુત્વાકર્ષણ બળ વડે હું બ્રહ્માંડમાં ફેંકાયો હોય તેમ પરીક્ષા ખંડની બહાર ફેંકાયો. મારી આંખોમાંથી આંસુ બસ પડું પડું જ હતા પણ મેં અંદર બેઠેલી કોઈ અનભિજ્ઞ શક્તિથી તે રોકી લીધા.
હું ફરી પાછો આગળની ઘટનાઓનું પુનરાવર્તન કરતો કરતો સાયકલ વડે ઘરે પહોંચ્યો ને ત્યાં યુદ્ધમાં પરાજિત થઈને આવેલા યોદ્ધાને જેમ તેના પરિવારજનો તુચ્છકારની ભાવનાથી આશ્વાસન આપે તેમ મારા માતાએ મને પૂછ્યું,"કેવી ગઈ પરીક્ષા?" મેં દુર્યોધન ની અદા થી કહ્યું ,"આ મને બહેનપણી રૂપે શરદી મળી છે ને એટલે પરીક્ષા વગર જ મને શિષ્યવૃત્તિ આપી દેવાના છે."ત્યાં મારી એક જરૂર કરતાં વધારે ઉત્સાહી બહેને કહ્યું,"વાહ રે,તમારી બહેનપણી શરદી! બધાને આવી બહેનપણી મળે."આ વાક્ય સાંભળતા જ હું સમસમી ગયો.