ચાર લંગોટિયા ભાઈબંધ. હર્ષદ, વિશાલ, હિતેશ અને સંજય. ચારેયના ઘરો પણ બાજુ-બાજુમાં જ અને સ્કુલ પણ બધાએ સાથે જ પૂરી કરી. હા, કોલેજમાં ચારેય જુદા થઇ ગયા હતા પણ મનમેળ ચારેય વચ્ચે બહુ સારો, એટલે એક બીજા વગર ચાલેય નહિ અને ભેગા મળે તો મીઠો ઝઘડો કર્યા વગર રહે પણ નહિ. આમ ચારેય ધાર્મિક વૃત્તિના એટલે ક્યારેય આઉટ લાઈન પર નહિ ચઢેલા અરે ફિલ્મ જોવા પણ ભાગ્યે જ ગયા હશે.
એક દિવસ પણ આ ચારેયને એક-બીજા સાથે મળ્યા વગર ચાલે નહિ એવામાં આ કોરોના મહામારીમાં લોકડાઉન આવ્યું. આંગળીના વેઢા ગણી ગણીને લોકડાઉન પૂરું થવાની ચારેય મિત્રો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ લોકડાઉન તો દિવસે દિવસે આગળ જ વધી રહ્યું હતું, પૂરું થવાનું નામ જ નો’તું લેતું. હા, દરરોજ રાત્રે ૧૦ વાગ્યે ચારેય મિત્રો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળતા અને અલક-મલકની વાતો કરતા. શરૂઆતમાં કોરોના ટોપિક પર જ વાતચિત થતી પરંતુ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ કોરોના કે લોકડાઉનનો ટોપિક સાઈડમાં સરકી ગયો અને ભવિષ્યમાં બધા શું સિદ્ધિ હાંસલ કરવા માંગે છે તેના પર વિચાર-મંથન શરુ થઇ ગયું.
ઘણા દિવસો અને મહિનાઓ બાદ લોકડાઉનનો અંત આવ્યો. જે જગ્યાએ આ ચારે ય રહેતા હતા તે વિસ્તારને સરકારશ્રી તરફથી ગ્રીનઝોન જાહેર કરવામાં આવ્યું. છતાં સાવચેતીના ભાગરૂપે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ અચૂક થઇ રહ્યો હતો. લોકડાઉન ખુલવાની પ્રથમ રાત્રીએ જ ચારેય મિત્રો કેટલાયે દિવસો બાદ રૂબરૂ, ફેસ ટુ ફેસ મળ્યા. એક-બીજાને ગળે વળગી ખુબ આનંદ વ્યક્ત કર્યો અને એક-બીજા વગર ગમતું નો’તું એવી અલક-મલકની વાતો કરી. પેટ ભરીને વાતો કર્યા બાદ જયારે મોડી રાત્રે બધા છુટા પાડવા જતા હતા ત્યારે હિતેશે બધાને યાદ કરાવ્યું કે “આપણે પેલું નક્કી કર્યું છે તે પ્રરાક્રમી કાર્ય કરવા માટે ક્યારે નીકળી પડવું છે ?” બધા એક-બીજા સામે જોઈ સહમતિના સુરમાં એકી સાથે જ બોલી ઉઠ્યા “કાલે જ નીકળીએ”
વહેલી સવારે ચારેય મિત્રો પોતપોતાની બેગપેકમાં નિર્ધારિત લીસ્ટ મુજબ સામાન ભરીને નક્કી કરેલા સ્થળે ભેગા થયા. એક-બીજાને હાથ તાળી દઈ ચારેયે પર્વત ચઢવાનું પગપાળા શરુ કર્યું. સંસાર વ્યવહારમાં બહુ ઓછી રુચિ ધરાવતા ચારેય મિત્રો અલખની આરાધનામાં મગ્ન થવા બ્રહ્મચર્યની વાતો કરતા કરતા એક નાની પગદંડી જેવી કેડી પર એકબીજાની પાછળ-પાછળ ચાલતા-ચાલતા આગળ વધી રહ્યા હતા. ઘણું બધું ચાલ્યા બાદ પરસેવે રેબઝેબ થઈને ચારેય ભેરુઓ વિસામો ખાવા એક પથ્થર પર બેઠા. આગળની સાધના માટેનું પ્લાનીંગ થયું. થોડું પાણી પીને પાછા આગળ વધ્યા.
ઢળતી સંધ્યાએ એક સાવ નિર્જન ગુફામાં બધા પહોંચ્યા. સાથે લાવેલા સામાનમાંથી જમવાનું એક-બીજા સાથે શેર કરીને ચારેયે પેટપૂજા કરી. ગુફાની બાજુમાં જ એક નાના તળાવ જેવું પાણીનું કુંડ આવેલું હતું તેમાં સ્નાન કરી બધા સાધના કરવા માટે તૈયાર થયા. રાત ઢળી ચુકી હતી એટલે ગુફામાં ભયંકર અંધારું વ્યાપી ગયું હતું. હર્ષદે પોતાના થેલામાંથી એક મીણબતી કાઢી પણ માચીસ કે લાઈટર લાવવાનું ભૂલાઈ ગયું હતું એટલે સંજયે અંધારામાં જ પોતાની બેગ ફંફોળી અને માચીસ શોધી કાઢી. માચીસમાં માત્ર એક છેલ્લી કાંડી બચી હતી. બહુ જ સજાગતા પૂર્વક સંજયે એ છેલ્લી કાંડીથી મીણબતી પ્રગટાવી. આજુ-બાજુ સન્નાટો વ્યાપી ગયો હતો. એકદમ જ શાંતિ. કોઈ વાહનો કે કોઈ પશુ-પક્ષીઓનો અવાજ પણ આ ગુફા સુધી નો’તો પહોંચતો.
ચારેયે સંપૂર્ણ મૌન જાળવવું અને કોઈ પણ સંજોગોમાં શાંતિનો ભંગ નહિ કરવો તેમજ નિર્ધારિત સાધનામા આગળ વધ્યે જવું તેવું નક્કી કરી આંખ બંધ કરી ધ્યાન કરવા બેઠા. ગુફામાં માત્ર એક મીણબતીનો પ્રકાશ જ ટમટમી રહ્યો હતો. ચારેયના પડછાયા મીણબતીની ડગમગતી ઝ્યોતને લીધે ગુફાની દીવાલો પર ભયાવહ રીતે હલબલી રહ્યા હતા. બહાર પવન સુસવાટા ભેર શરુ થયો હતો. જાણે કોઈ વાવાઝોડું આવશે કે અનરાધાર વારસાદ શરુ થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા.
અચાનક પવનનું એક ઝાપટું ગુફામાં પ્રેવેશ્યું અને મીણબતીને એક જ ઝાટકે હોલવી નાખી. ગુફ્ફામાં નિબીડ અંધકાર છવાઈ ગયો. વિશાલથી રહેવાયું નહિ અને તે બોલી ઉઠ્યો, “અરે યાર, આ મીણબતી તો હોલવાઈ ગઈ. હવે ?” હિતેશે આંખ ખોલતા વિશાલને ટકોર કરી “શશશ....!! આપણે બોલવાનું નથી, મૌન રાખવાનું છે. ભૂલી ગયો ?” ત્યાં તો હર્ષદ બરાડી ઉઠ્યો “આ બધું શું ચાલી રહ્યું છે ? તમે મૌનભંગ કેમ કર્યું ?” શાંતિથી બેઠેલો સંજય ધીમેથી આંખ ખોલતા બોલ્યો “વાહ, જોયું ? હું એકલો જ શાંતિથી બેસી રહ્યો અને શાંતિનો ભંગ ના કર્યો”
વાચકમિત્રો, ઉપરના પ્રસંગમાં ચારેય મિત્રોએ અલગ-અલગ કારણોસર મૌનભંગ કર્યો. આપણા જીવનમાં પણ ડોકિયું કરીએ તો કંઇક આવી જ ઘટનાઓ થતી હોય છે. વિશાલ, કે જે સ્થૂળ સંજોગોમાં જ ચલાયમાન થઇ ગયો. ફક્ત મીણબતી જ હોલવાઈ જવાથી તેમણે નક્કી કરેલો ધ્યેય, સાધના બધું ભૂલી જઈને મૌનભંગ કરી બેઠો. આપણે પણ ઘણી વખત જીવનમાં નક્કી કરેલો ધ્યેય આવી સ્થૂળ અને છુલ્લક બાબતોમાં જ ભૂલી જઇએ છીએ. હિતેશનું મૌનભંગ એ કારણે થયું કે તેનું ચિત સાધનામાં કે પ્રભુ ભક્તિમાં લીન ન હતું પરંતુ બીજા લોકો શું કરે છે તેની પડી હતી. પરિણામે વિશાલના બોલવાથી તરત જ તે પણ બોલી ઉઠ્યો અને પોતાની જાતને રોકી ન શક્યો. જેમ આપણે પણ પોતાના કાર્ય કરતા બીજા લોકો શું કરે છે તેનું વધારે ધ્યાન રાખતા હોઈએ છેએ. ખરું ને ?
હર્ષદે પેલા બન્ને પર ક્રોધ કરી બધી સાધના પર પાણી ફેરવી દીધું. મૌનભંગ નહિ કરવાનું કહેવા માટે પણ તે પેલા બન્ને પર બરાડી ઉઠ્યો. જેમ “શાંતિ રાખો”ની સુચના મોટે મોટેથી ઘાટા પાડીને અપાતી હોય છે. અને ચોથો મિત્ર સંજય કે જે શાંતિથી ધ્યાન ધરી રહ્યો હતો તે ગર્વની ગારવતામાં મદ હતો અને તે પણ છેલ્લે મૌનભંગ કરી માનના લાડુ ખાવા લાગ્યો. સંજય ધારેત તો મૌન રહી શકેત. બીજા ત્રણેય મૌનભંગ કરીને શું ચર્ચા કરી રહ્યા છે તેના પર ધ્યાન આપ્યા વગર પોતે સાધના ચાલુ રાખી શકેત. પણ ના, એવું કરે તો પોતે સાધના સરસ કરી રહ્યો છે તે બીજાને ખબર કેવી રીતે પડે ? જીવન-વ્યવહારમાં પણ આવું જ કંઇક થઇ રહ્યું હોય છે પોતે જે કંઈ ક્રિયા કરી રહ્યો છે તે બીજાને ખબર ના પડે તો કામનું શું ? પોતાને તો કંઈ ઇનામ મળે જ નહિ ને ? કેટલાક લોકોનું તો લક્ષ જ એ હોય છે કે હું કંઇક સારું કામ કરું અને લોકો ધ્યાન જ ના આપે તો એ કામ કરવાનો મતલબ શું ?
એક બહુ સાચી વાત કોઈએ કરી છે,
“It is the province of knowledge to speak; it is the privilege of wisdom to listen” એટલે કે, બોલવું તે જ્ઞાનનું પ્રદર્શન છે અને સંભાળવું એ ડહાપણનું પ્રદર્શન છે.
ગુજરાતીમાં પણ કહેવત છે ને, “અધુરો ઘડો, છલકાય ઘણો”