અંશ અને ભરત વૃદ્ધાને નમસ્તે કહી આદરભાવથી ઉભા રહ્યા. વૃદ્ધાએ એની તરફ નજર કરી થોડીવાર એમ જ જોઈ રહી. "ઓહ તમે આવી ગયા બન્ને, મને એમ હતું કે તમે નહિ આવો." થોડું સ્મિત કરી હુક્કાનો કસ લીધો અને નાની બાળકીને કહ્યું કે, "જા અંદર જઈ ચમેલીને કહે બે ખુરશી લઈ આવે." બાળકી અંદર જતી રહી. વાતાવરણ શાંત હતું. કોઈ જ બોલતું ન હતું. ત્રણે વચ્ચે મૌન હતું. માત્ર હુક્કાનો અવાજ આવતો હતો. ત્યાં જ અંદર થી ચમેલી બે ખુરશી લઈને આવી. ફરી ભરત એના લટકા, ઉભરતા વક્ષ, ગુલાબી હોઠ, કાજલ કરેલી કામણગારી આંખો પર મોહિત થઈ ગયો. મનમાં જ વિચારવા લાગ્યો કે કાશ એક રાત મને આના હુસન્નના દીદાર કરવા મળે. એ રાત જીવનની ઉત્તમ રાત બની જાય." એના વિચારો અને તોડતા ચમેલી ખુરશી નીચે મૂકી ને બોલી, "લ્યો બેસો આપ. આપ સહુ લેશો? ચા-કોફી કે પછી ઓર કુછ..?" ઓર કુછ શબ્દ ચમેલીએ કામુકભાર મુક્યો. અને ભરત તો પાણીપાણી થઈ ગયો.
"ના કશું જ નથી પીવું આભાર તમારો અમે ઘરેથી નાસ્તો કરીને જ આવ્યા છીએ." અંશ બોલ્યો ત્યાં તો ભરતે કોણીથી ઠોસો માર્યા. અંશ સમજી ગયો હતો કે ભરત ચમેલી પર લટ્ટુ થઈ ગયો છે.
"અરે કઈક તો પીવો અમારી મહેનતની કમાઈનું પીવડાવી છીએ. અમે સમાજને લૂંટીને કે ગરીબોનું હડપીને તમને આગ્રહ નથી કરતી." થોડા રોફ સાથ ચમેલી બોલી ગઈ. આ સાંભળી પેલી વૃદ્ધાએ થોડો ઠપકો આપ્યો.
"કોઈને આમ ન કહેવાય, આ છોકરા કઈક અલગ કારણથી આવ્યા છે. અને આપણાં આંગણે આવેલા લોકો સાથે આપણે માત્ર પ્રેમ જ દાખવવાનો."
"જી મૌસી, થોડુંક બોલાય ગયું. મૌસી તમારે કશું જોઈએ છે...?" કહેતી ચમેલી પોતાનું મસ્તક થોડું નીચું કરીને વૃદ્ધાની પાસે ઉભી રહી ગઈ.
"ના, મારે હવે કશું નથી જોઈતું, પેલી છોટકીનું અંદર ધ્યાન રાખજે. હવે તું અંદર જા, મારે આ યુવાનો સાથે થોડી વાતો કરવી છે." ચમેલી અંદર જવા માટે પોતાના પગ ઉપાડે ત્યાં જ ભરત બોલી ઉઠ્યો, "એક મિનિટ.." થોડી સેકન્ડ રોકાયો, પછી આગળ બોલ્યો, "અમે તમારું આ ઘર જોઈ શકીએ..." ખબર નહિ પણ આજે ભડવીર ભરતના શબ્દ લથડીયા ખાઈ રહ્યા હતા.
વૃદ્ધા પણ ભરતની આ વાત સાંભળીને હસવા લાગી. " અરે અમારા ઘર ન હોઈ માત્ર અમારે જીવન જીવવા માટે મકાન હોઈ છે. અને એ મકાન ક્યારેય ઘર નથી બનતું. ભલે એ સુવર્ણથી બનેલું હોઈ."
"સોરી, પણ અમે અંદર જોઈ શકીએ કે અંદર શુ શુ વ્યવસ્થા હોઈ છે, અમે જે ફિલ્મોમાં જોઈએ છીએ એવું હોય છે કે પછી કઈક અલગ હોય છે. મેં ક્યારેય ગણિકાનું મકાન અંદરથી નથી જોયું. તમારી રજા હોઈ તો અમે જોઈ શકીએ..." ભરતના શબ્દોમાં વિનંતીભાવ અને નમ્રતા હતી. ભરતનું આ રૂપ જોઈ અંશ પણ અવાક બની ગયો. " સાલું આનામાં ક્યાંથી આવો ભાવ પ્રગટ થયો. પણ સારું થયું પૂછ્યું એ મારાથી તો આવું પુછાય પણ નહીં, એવી હિંમત તો ન હતી મારા." મનમાં ને મનમાં અંશ સ્મિત કરવા લાગ્યો.
"અરે મને કોઈ તકલીફ નથી, આપ અંદર જોઈ આવો જેથી તમારો ફિલ્મો અને વાસ્તવિકતાનો ભ્રમ તૂટી જાય. ચમેલી આ બન્નેને તું અંદર લઈ જઈ બતાવ કે આપણા મકાનમાં શુ હોઈ છે અને આપણે કેવી રીતે રહીએ છીએ. આવેલા ગ્રાહકો સાથે કઈ જગ્યા પર મિલન થાય છે. આ શણગાર પાછળનું વાસ્તવિક રૂપ આ લોકોને જોવું છે. જા, અંદર લઈ જા અને બતાવ આમને." વૃદ્ધા એક ઊંડા ઘાવને દબાવીને બનાવટી હાસ્ય સાથે બોલી ગઈ. પણ અંશ આ ભેદને કળી ગયો હતો. વૃદ્ધાના ચહેરા પર જે રેખા બદલાય હતી એ રેખા અંશ વાંચી શકતો હતો.
(ક્રમશ:)