મહેલ તરફ આગળ વધતા પહેલા એ લોકો નુએન પાસે ગયા. રાજા કેરાકને જોઈ નુએન ખુશ થઈ ગયો. બધી સ્થિતિ એની સમજમાં આવી ગઈ. પછી નિયાબીએ નુએનને દરેક વાત જણાવી દીધી.
નુએન: ઓહ! આતો અયોગ્ય થયું.
નિયાબી: હા પણ મને એ ના સમજ પડી કે મોઝિનો ઉપર કાલનિંદ્રાચક્રની અસર કેમ ના થઈ?
કેરાક: કેમકે એ મોઝિનો છે. જાદુના દરેક દાવપેચ એ જાણે છે. એણે પહેલાથી જ આની વ્યવસ્થા કરી રાખી હશે.
નિયાબી આ સાંભળી નવાઈ પામી. એ કેરકને જોવા લાગી.
કેરાક એની દ્રષ્ટિ સમજી ગયો ને બોલ્યો, નિયાબી મોઝિનો એક જાદુગર છે. આ ત્રિશુલ એના માટે ખૂબ મહત્વનું છે. ને એટલે એણે એની સભાળના ભાગ રૂપે પોતાના ઓરડાને જાદુથી સુરક્ષિત કર્યો હશે. કદાચ એવું હશે કે એના ઓરડામાં કોઈ જાદુ અસર ના કરતો હોય.
નુએન: હા એવું જ હશે. નહીંતો કાલનિંદ્રાચક્રની અસર થવી જોઈતી હતી.
કેરાક: ચાલો કઈ નહિ. એ હમણાં જવા દો. ઝાબી અને અગીલા તમે બંને છુપાઈને આગળ વધો. જો કોઈ સમસ્યા થાય તો સામે આવી મદદ કરજો. નુએન તું અને રીનીતા મારી સાથે ચાલો.
નુએન નિયાબી તરફ ફરી બોલ્યો, પણ નિયાબી દેવીસિંહ ક્યાં? એ હજુ નથી આવ્યા?
નિયાબી: ના હજુ સુધીતો નહિ.
નુએન: ઓહ..... દેવીસિંહ વગર આગળ વધવું યોગ્ય રહેશે?
કેરાક: તમે એની ચિંતા ના કરો. એ આવી જશે.
હવે એ લોકો મહેલ તરફ આગળ વધવા લાગ્યા. પણ એ વધુ આગળ ના જઈ શક્યા. કેમકે મોઝિનો આગળ રસ્તો રોકીને જ બેઠો હતો. મોઝિનો ઘણું બધું સમજી ગયો હતો કે આ શુ થયું. પણ બધું નહિ.
કેરાક રસ્તામાં જ મોઝિનોને જોઈ જરા પણ વિચલિત ના થયો કે ના મોઝિનો કેરકને જોઈ. કેમકે બંને બહુ સારી રીતે જાણતા હતા કે આ બધું શુ છે?
મિઝીનો એકદમ અદા સાથે પોતાની ખુરશી પર બેઠો હતો. એણે એક સરસ સ્મિત સાથે કેરાક સામે જોયું. પછી ઉભો થયો ને થોડો આગળ વધી બોલ્યાં, સ્વાગત છે કેરાક મિઝીનોના રાજ્યમાં. મને ખબર હતી કે તારા સિવાય બીજું કોઈ આવી હિંમત ના કરી શકે.
કેરાકનું નામ સાંભળી લુકાસા એકદમ નવાઈ પામી ગઈ. એ કેરાક વિશે જાણતી હતી. પણ માતંગીને નવાઈ લાગી. એને ખબર ના પડી કે આ કેરાક કોણ છે? એની આંખો ચારેતરફ પોતાના પિતા દેવીસિંહને શોધવા લાગી.
કેરાક મોઝનોને નીચે થી લઈ ઉપર સુધી જોવા લાગ્યો. એ હજુ એવો જ દેખાતો હતો. બસ થોડો અલગ પહેરવેશ હતો. આંખોમાં આજે પણ એના માટે દ્ધવેશ દેખાઈ રહ્યો હતો. એની પાસે ત્રિશુલ નહોતું છતાં એ બિલકુલ વિચલિત નહોતો દેખાઈ રહ્યો. એકદમ શાંત હતો.
કેરાક એનું નિરીક્ષણ કરી રહ્યો છે એ જોઈ મોઝિનો બોલ્યો, કોઈ બદલાવ દેખાય છે તને? હજુ એવો જ છું.
કેરાક હસતા હસતા બોલ્યો, હા એવો જ છે. આજે પણ તારી આંખોમાં મારા માટે એજ દ્ધવેશ અને નફરત દેખાઈ રહી છે.
મોઝિનો: ૭એકદમ બરાબર કેરાક. એમા તો બિલકુલ ફેરફાર થયો નથી. પણ દાદ આપવી પડે તારી હિંમતની. આટલા વર્ષો પછી પણ તે મને શોધી નાંખ્યો. ને મારુ ત્રિશુલ પણ લઈ લીધું.
કેરાકના ચહેરાના ભાવ એકદમ બદલાઈ ગયા. એના ચહેરા પર ગુસ્સો આવી ગયો. એ બોલ્યો, તારું નહિ મોઝિનો. મોરૂણના રાજાનું ત્રિશુલ છે આ. તે એ પોતાના ગુરુની હત્યા કરી ઝૂંટવી લીધું હતું.
મોઝિનો: હા બરાબર છે. પણ હવે એ મારુ છે. હું એનો રાજા છું. તું મને એ પાછું આપી દે.
કેરાક: અસંભવ. હવે આ ત્રિશુલ એના મૂળ માલિક પાસે આવી ગયું છે.
મોઝનો: ઓહ.....તો તું છે મોરૂણનો રાજા. ખૂબ સરસ કેરાક. પણ આ ત્રિશુલ મેં મારી આવડત થી મેળવ્યું છે. એટલે એ મારું છે.
કેરાક: ના મોઝિનો તે એ ઝૂંટવી લીધું હતું. નિયમ પ્રમાણે તારે એને સ્પર્ધામાં જીતીને મેળવવાનું હતું. પણ તું કાયર હતો. તને ખબર હતી કે તું સ્પર્ધામાં જીતી નહિ શકે. એટલે તે એ ઝૂંટવી લીધું. ને પછી મોં છુપાવી ભાગી ગયો. કેરાકના શબ્દે શબ્દમાં નફરત ટપકી રહી હતી.
મોઝિનો એની વાત સાંભળી ગુસ્સે થઈ ગયો. ને જોરથી બરાડ્યો, ખબરદાર જો મને કાયર કહ્યો છે તો. ઝૂંટવવા માટે પણ હિંમત જોઈએ. જે તારી પાસે નહોતી.
કેરાક એકદમ ગુસ્સામાં બોલ્યો, હા નહોતી કેમકે મારી પાસે નિયમમાં રહી એને જીતવાની તાકાત હતી. હું તારા જેમ ચોર નથી.
મોઝિનો હવે ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. એણે પોતાની તલવાર બહાર કાઢી ને બોલ્યો, ખબરદાર જો હવે આગળ કઈ બોલ્યો છે તો. પછી એણે ઈશારાથી ઓનીરને પૂર્યો હતો એ પાંજરું આગળ કર્યું ને બોલ્યો, મારુ ત્રિશુલ મને આપી દે. નહીંતો હું આની ગરદન ઉડાડી દઈશ.
કેરાક એકદમ હસવા લાગ્યો. એણે બંધી બનાવેલી લુકાસા અને એના સાથીઓને આગળ કર્યા.
મોઝિનો લુકાસાને બંધી જોઈ ડઘાઈ ગયો. સાથે માતંગીને પણ જોઈ. એણે કેરાક સામે જોયું.
કેરાક હસ્યો ને બોલ્યો, તું તારી આ લુકાસા લઈ લે ને આ યુવાનને છોડી દે. ને જો તે એમ ના કર્યું તો.......
મોઝિનો: તો....તું શુ કરીશ. હું આને નહિ છોડું.
કેરાકે પોતાની તલવાર ઉગામી અને લુકાસાની ગરદન પર મૂકી.
મોઝિનોએ આ જોઈ પોતાના વાળ ખેંચ્યા. પગ પછાડયા. એને જીમુતાને ઓનીરને છોડવાનો ઈશારો કર્યો.
લુકાસાએ આ જોયું. એ જોરથી બોલી, જાદુગર મોઝિનો તમે એવું કઈ જ ના કરો. ભલે આ મને મારી નાંખે. તમે મારા માટે તમારું ત્રિશુલ ના જવાદો.
મોઝિનોએ લુકાસા સામે જોયું. એ જાણી ગયો કે કેરાકે લુકાસાને દોસમણી જાદુથી બંધી બનાવી છે. ને આ જાદુ એ પણ નહિ તોડી શકે. એટલે એણે કઈક વિચારી ઓનીરને છોડવાનો નિર્ણય કર્યો.
મોઝિનો: હું આને છોડીશ. પણ એક શરતે. તું લુકાસા ને છોડી દે.
કેરાક: કોઈ વાંધો નથી. કેરાકે લુકાસાને જાદુથી મુક્ત કરી.
હવે એક તરફ થી લુકાસા ને એક તરફ થી ઓનીર આગળ વધવા લાગ્યા. જેવા બંને સાથે આવ્યા લુકાસાએ સ્ફૂર્તિથી ઓનીરનો હાથ પકડી એને ધક્કો માર્યો. ને કોઈ કઈ સમજે એ પહેલાં લુકાસાએ પોતાના જાદુથી એને કાચનો બનાવી દીધો. ને મોઝિનોની બાજુમાં ઉભી રહી ગઈ.
અચાનક આ બધું થવા થી નિયાબી એકદમ ગુસ્સે થઈ ગઈ અને એણે પોતાની તલવાર કાઢી ને જોરથી બરાડી, લુકાસા....આ...હું તને છોડીશ નહીં. પણ લુકાસાએ એને પણ કાચની બનાવી દીધી. નિયાબી તલવાર સાથે કાચમાં પરિવર્તિત થઈ ગઈ.
આ જોઈ મોઝિનો ખુશ થઈ ગયો. એણે હસતા હસતા કહ્યું, કેરાક આ મારુ રાજ્ય છે. અહીં તારું કઈ નહિ ચાલે. હવે જો તું ઈચ્છતો હોય કે આ લોકો સહીસલામત રહે તો ત્રિશુલ મને આપી દે.
કેરાક વિચારમાં પડી ગયો. એ પોતે આ વિદ્યાને તોડી શકતો હતો. પણ મોઝિનો એને એવું કરવાનો મોકો નહિ આપે. નુએન, અગીલા કે ઝાબી ટક્કર લઈ શકે એમ નહોતા.
મોઝિનો: વિચાર નહિ કેરાક ત્રિશુલ મને આપી દે. નહીંતો આ યુવાનને હું નીચે ફેંકી દઈશ. ને તું તો સારી રીતે જાણે છે કે એકવાર આ કાચમાં પરિવર્તિત થયેલો યુવાન નીચે પડીને તૂટી ગયો તો એનું મોત નક્કી છે.
મોઝિનોની વાત સાચી હતી. જો ઓનીર નીચે પડી ગયો તો એનું મોત જ હતું. પણ એ પોતાના ગુરુને આપેલું વચન તોડવા નહોતો માંગતો. જો એ મોઝિનોની વાત માને તો પણ એની પર ભરોસો કરવો યોગ્ય નહોતો. એ દગો કરી શકે એમ હતો. એણે ત્રિશુલ બચાવવાનું વિચાર્યું. જોકે એના બદલે એણે પોતાનો દીકરો ખોવો પડે એમ હતો.
કેરાક ખૂબ જ હિંમત રાખી બોલ્યો, જેવી તારી ઈચ્છા. હું ત્રિશુલ તને નહિ આપું.
મોઝિનોએ લુકાસા સામે જોયું ને ઈશારાથી ઓનીરને નીચે પાડી દેવા કહ્યું. લુકાસાએ ઓનીરના કાચના બનેલા પૂતળાને ધક્કો માર્યો. પણ બરાબર એજ સમયે દેવીસિંહ કૂદી પડ્યો. ને ઓનીર નીચે પડે એ પહેલા એને પકડી લીધો. ને એના બીજા સાથીઓ સૈનિકો પર તૂટી પડ્યા.
દેવીસિંહે ઓનીરને ઉંચકી બાજુમાં લઈ લીધો. નુએને કેરાકને કહ્યું, આ દેવીસિંહ છે.
કેરાક દોડીને દેવીસિંહ પાસે ગયો અને ને પોતાના જાદુથી ઓનીર પરનો જાદુ તોળી દીધો. ઓનીર પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. અગીલા અને ઝાબીએ આવીને નિયાબીને પણ સંભાળી લીધી. ઝાબીએ નિયાબીનો જાદુ તોળી દીધો. ઝાબી પણ આ જાદુ જાણતો હતો.
ઝાબી: તમે ઠીક છો ને નિયાબી?
નિયાબી: હા હું બરાબર છું.
પછી બરાબર લડાઈ જામી. દેવીસિંહ અને મોઝિનો, લુકાસા અને નિયાબી- અગીલા, ઓનીર, ઝાબી બીજા બધા સાથે લડી રહ્યા હતા. બધા પોતપોતાની રીતે લડી રહ્યા હતા. દેવીસિંહ મોત બનીને મોઝિનો ઉપર તૂટી પડ્યો હતો.
દેવીસિંહ: મોઝિનો હવે તારો સમય પૂરો થઈ ગયો છે. તારું મોત મારા હાથે જ લખાયું છે.
મોઝિનો: દેવીસિંહ એતો લડાઈ નક્કી કરશે કે કોણ જીતશે.
બંને તલવાર લઈ બરાબર જામી પડ્યા હતા.
લુકાસા પોતાના જુદા જુદા જાદુ વડે નિયાબી અને અગિલાને હંફાવી રહી હતી. જોકે નિયાબી અને અગીલા પણ પાછી પડે એમ નહોતી. એ બંને પણ પોતાના જાદુ વડે લુકાસા સામે લડી રહી હતી.
ઓનીર અને ઝાબી લાકડાના સૈનિકો પર તૂટી પડ્યા હતા. એ બંને સળગતા તીર દ્વારા આ સૈનિકો પર હુમલો કરી રહ્યા હતા. એમાં તેઓ સફળ થઈ રહ્યા હતા.
નુએન, રીનીતા અને કેરાક પોતાના જાદુ વડે લોખંડના સૈનિકો સાથે લડી રહ્યા હતા.
આ બધું બરાબર હતું. પણ છતાં મોઝિનોના યાંત્રિક સૈનિકોને પહોંચવું મુશ્કેલ હતું.
નુએન: રાજા કેરાક આ સૈનિકોને પહોંચવું મુશ્કેલ છે. આપણે આ સૈનિકોને રોકવા મોઝિનોના યાંત્રિક સૈનિકો જ્યાંથી તૈયાર થાય છે એ ઓરડો શોધવો પડશે. આપણે ત્યાં જઈને આ સૈનિકોને રોકી શકીશું.
કેરાક: એ ઓરડો ક્યાં છે? ચાલ આપણે બંને જઈએ.
નુએન: મને નથી ખબર. આ મને દેવીસિંહે કહ્યું હતું. આપણે એ ઓરડો શોધવો પડશે. એ મહેલના કોઈ ભોંયરામાં છે.
કેરાક: નુએન એ શોધવું પડશે. ચાલો.
ત્યાં માતંગી આવી ને બોલી, હું તમને ત્યાં લઈ જઈશ રાજા કેરાક.
કેરાક અને નુએન એકબીજાને જોવા લાગ્યા. એ બંનેને તો ખબર નહોતી કે આ દેવીસિંહની દીકરી છે. એમના માટે તો માતંગી મોઝિનોની સેનાપતિ હતી.
માતંગી એમની દ્વિધા સમજી ગઈ. એ બોલી, તમે ચિંતા ના કરો હું તમને યોગ્ય જગ્યાએ લઈ જઈશ. તમે મારા પર ભરોસો કરી શકો છો.
નુએન: સેનાપતિ માતંગી તમે કેમ મોઝિનોની વિરુદ્ધ અમારી મદદ કરવા તૈયાર છો?
માતંગી: કેમકે હું મોઝિનોની સચ્ચાઈ જાણી ગઈ છું. હું મારા રાજ્યની વફાદાર બનવા માંગુ છું.
કેરાક: ને મોઝિનો?
માતંગી: તમે ચિંતા ના કરો એને ખબર નહિ પડે.
કેરાક, નુએન તું અહીં ધ્યાન રાખ. હું જાવ છું આની સાથે.
નુએન: રાજા કેરાક આપણે આને જાણતા નથી. ભરોસો ના કરી શકાય.
કેરાક: તું ચિંતા ના કર એ હું જોઈ લઈશ. તું અહીં સંભાળ.
નુએને કમને કેરાકની વાત સ્વીકારી લીધી. માતંગી અને કેરાક યાંત્રિક ઓરડા તરફ ચાલ્યા.
કેરાક: મને સમજ ના પડી કે તમે કેમ મોઝિનોની વિરુદ્ધ છો?
માતંગીએ ચાલતા ચાલતા કેરાક સામે જોયું. પછી નિસાસો નાંખતા બોલી, મેં કહ્યું એમ હું મોઝિનોની સચ્ચાઈ જાણી ગઈ છું.
કેરાક: કઈ સચ્ચાઈ?
માતંગી: એ જ કે એ કોણ છે? એણે રાયગઢના રાજા સાથે શુ કર્યું? ને એના કારણે રાયગઢની રાજકુમારી રજળી પડી.
માતંગીની વાત સાંભળી કેરાક ઉભો રહી ગયો. એણે અચરજ સાથે માતંગી સામે જોયું ને પૂછ્યું, રાજકુમારી? કોણ રાજકુમારી?
માતંગી: રાયગઢની રાજકુમારી. રાયગઢની રાજકુમારી પોતાનો હક્ક લેવા પાછી આવી ગઈ છે.
ફરી ચાલતા ચાલતા કેરાકે પૂછ્યું, તમને આ બધું કેવી રીતે ખબર?
માતંગી: હું જરૂર મોઝિનોની સાથે દેખાવ છું પણ એની સાથે નથી. એણે મારુ લાલનપાલન કર્યું છે એટલે હું એની સાથે છું. જોકે એણે પોતાના સ્વાર્થ માટે મારો ઉછેર કર્યો છે. પણ ઉછેર તો કર્યો છે ને?
કેરાક: એટલે મોઝિનોએ તમારો ઉપયોગ કર્યો?
માતંગી: ના એ ઉપયોગ કરે એ પહેલા સમયે એ મોકો એના હાથમાં થી છીનવી લીધો.
કેરાક: એટલે?
માતંગી: હું રાયગઢના સેનાપતિ દેવીસિંહની દીકરી છું. જો કે પહેલા મને આ ખબર નહોતી. પણ હવે મને ખબર પડી ગઈ છે.
માતંગીની વાત સાંભળી કેરાકે પ્રશ્નવાચક દ્રષ્ટિથી માતંગી સામે જોયું. માતંગીએ કેરાક સામે જોઈ હકારમાં માથું હલાવ્યું.
બંને જણ ચૂપચાપ ચાલવા લાગ્યા.
આ તરફ લડાઈ બરાબર જામી હતી. નિયાબી અને અગીલાએ લુકાસાને બરાબર હંફાવી દીધી હતી અને બંધી બનાવી લીધી હતી. નિયાબીએ લુકાસાની જાદુઈ લાકડી તોડી નાંખી હતી. એટલે હવે લુકાસા માટે જાદુ કરવું મુશ્કેલ હતું.
બીજી બાજુ મોઝિનો દેવીસિંહ પર ભારી પડ્યો હતો. એણે દેવીસિંહને અધમુવો કરી દીધો હતો. પણ હજુ સુધી દેવીસિંહે હાર નહોતી માની. એ બહાદુરીથી લડી રહ્યો હતો. એની સ્થિતિ જોઈ નિયાબી એની મદદ માટે આવી ગઈ. નિયાબીએ દેવીસિંહ સામે જોયું. માથું હલાવ્યું ને ઈશારામાં જ કહ્યું, સાથે લડીએ?
દેવીસિંહે પણ માથું હલાવી કહ્યું, હા.
પછી બંને મોઝિનો સામે બાથ ભીડી.
ઓનીર અને ઝાબી લાકડાના સૈનિકોને માત આપી રહ્યા હતા.
માતંગી: અહીંયા આવી જાવ. હવે અહીં થી આપણે નીચે જવાનું છે.
કેરાક માતંગીના કહ્યા પ્રમાણે તેને અનુસરે છે. માતંગી એને નીચેની તરફ એક ભોંયરામાં લઈ જાય છે. ત્યાં અલગ અલગ ત્રણ ઓરડા છે. માતંગી એક ઓરડા પાસે આવી ઉભી રહી જાય છે.
માતંગી: આ ઓરડો છે યાંત્રિક ધાતુના સૈનિકોનો. પણ આને કેવી રીતે ખોલવો એ મને નથી ખબર.
કેરાક આગળ આવ્યો ને બોલ્યો, તમે પાછળ ખશો.
માતંગી પાછળ ખસી જાય છે. દરવાજો લોખંડનો હતો. કેરાક પોતાના જાદુથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. કેરાક બે ત્રણવાર પ્રયત્ન કરે છે. પણ એને સફળતા મળતી નથી.
માતંગી: રાજા કેરાક કદાચ આ દરવાજો ત્રિશુલથી ખુલી જશે.
કેરાકે માતંગીની સામે જોયું. ને પછી ત્રિશુલ આગળ કર્યું. એ પહેલીવાર ત્રિશુલનો ઉપયોગ કરવાનો હતો. એણે આંખો બંધ કરી મનમાં પોતાના ગુરુનું નામ લીધું. પછી માં કામખ્યાંનું સ્મરણ કર્યું. પછી આંખો ખોલી ત્રિશુલ દરવાજા પર અડાડયું. ધીરે ધીરે દરવાજામાં કાણું પડવા લાગ્યું. જે ધીરે ધીરે મોટું થવા લાગ્યું. અંદર જવા જેટલી જગ્યા થઈ ગઈ.
કેરાકે ત્રિશુલ પાછું લઈ લીધું ને માતંગી સામે જોયું. પછી એ ઓરડાની અંદર ગયો. માતંગી કેરાકની પાછળ અંદર ગઈ. ઓરડો અંદરથી ખૂબ મોટો હતો. એમ ઘણા બધા ધાતુના સૈનિકો હતા.
માતંગી: આ લોકોને ચલાવવા માટે એક યાંત્રિક સાધન છે. એ શોધવું પડશે.
કેરાક: હા પણ એ દેખાતું નથી.
બંને અંદર શોધખોળ કરવા લાગ્યા. થોડી મહેનત પછી એમને એ યાંત્રિક સાધન મળી ગયું. બંનેએ સાધનને ચકાસવા લાગ્યા. એ બહુ મોટું નહિ હતું. એક ચકરડું સતત ગોળ ગોળ ફરી રહ્યું હતું. ને એના લીધે. બીજા ઘણા બધા ચકરડા ફરી રહ્યા હતા. કેરાકે એને બંધ કેવી રીતે થાય એ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ એને સફળતા ના મળી. એટલે એણે ત્રિશુલ આગળ કરી એ યાંત્રિક સાધન પર આગ નાખવા લાગી. આગના કારણે એ ધીમે ધીમે એ સાધનના જુદા જુદા ભાગો છુટા પડવા લાગ્યા. ને ધીરે ધીરે આખું સાધન છૂટું પડી ગયું. કેરાકે ત્રિશુલ પાછું ખેંચી લીધું. કેરાક અને માતંગી ખુશ થઈ ગયા.
કેરાક: ચાલો હવે બાકી રહી ગયેલી લડાઈ જીતી લઈએ.
માતંગી: હા ચાલો. પછી બંને ત્યાં થી નીકળી લડાઈ ચાલી રહી હતી એ તરફ ભાગ્યા.
ક્રમશ..................