રાઈટ એંગલ
પ્રકરણ–૨૧
એ પછીના પંદર દિવસમાં કોફી શોપનું મોટાભાગનું કામ પતી ગયું હતું. બસ હવે દિવસ નક્કી કરવાનો હતો કે ક્યારે કોફી શોપનું ઉદ્રધાટન કરવું. કશિશ અને કૌશલ દિવસ નક્કી કરવાનું વિચારી રહ્યાં હતાં ત્યાં રાહુલનો ફોન આવ્યો,
‘કાલે સેશન્સ કોર્ટમાં હિયરિંગ છે, મેમ કાલે અગિયાર વાગે આવી જજો.‘ અને અચાનક કશિશ કોફી શોપના કામમાંથી બહાર આવી.
ઓહ! કોફીશોપની રામાયણમાં એ કોર્ટ કેસ તો ભૂલી જ ગઇ હતી. કાલનો દિવસ મહત્વનો બની રહેશે. કશિશે એ વિશે રાહુલ સાથે ડિટેઇલમાં બધી વાત કરી લીધી. સેશન્સમાં લાંબી દલીલ નહીં થાય પણ પોતાની વાત રજૂ કરવાનો એક મોક્કો બન્ને પક્ષને મળશે. તેવી માહિતી રાહુલે આપી. રાહુલ સાથે વાત પૂરી થઇ એટલે કશિશ બોલી,
‘હવે આજે નહીં આપણે એક–બે દિવસ પછી કોફી શોપના ઓપનની ડેટ નક્કી કરીએ? મારો મૂડ ઓફ થઇ ગયો છે અને કાલના હિયરિગને લઇને થોડી એક્સાઇટ છું.‘
કૌશલને આ વાત ગમી નથી એ એના ચહેરા પરથી ખબર પડતી હતી. જે એના વર્તનમાં પણ દેખાયું,
‘તું અને તારો કેસ! તું ફ્રી થાય ત્યારે કહેજે આપણે ડેટ નક્કી કરી લઇશું.‘ આટલું બોલી એ એના રુમમાં જતો રહ્યો. કશિશ એને તાજુબીથી જોઇ રહી. હજુ થોડા દિવસ પહેલાં કૌશલ એના કેસ વિશે પૂછતો હતો ને અચાનક કેસની વાત આવી તો ઓવર રિએકટ કરે છે!
*****
બીજે દિવસે કશિશ વહેલી ઊઠી ગઇ. સમયસર કોર્ટ પહોંચવાનું હતું. સાડાદસ વાગે એ કોર્ટ જવા નીકળતી હતી અને એ હજુ તો કારમાં બેઠી ત્યાં પાછળથી કૌશલનો અવાજ આવ્યો,
‘હેય કિશુ, હું તારી સાથે કોર્ટ આવું છું. પ્લિઝ વેઈટ!‘
કશિશ વિસ્મયથી એને જોઇ રહી. બસ સીધે સીધું કહી દીધું કે હું કોર્ટ આવું છું. જ્યારે એને કૌશલની મદદની જરુર હતી ત્યારે એણે મદદ કરી નહી. આજે જ્યારે તે એની મદદ વિના પોતાની લડાઇ એકલી લડી રહી છે ત્યારે હવે એ કોર્ટ આવવા ઈચ્છે છે? વ્હોટસ રોંગ વીથ હીમ?
એક ક્ષણ માટે કશિશને થઇ આવ્યું કે એ ના પાડી દે. પણ માંડમાંડ હાલકડોલક થતો એનો સંસાર ટ્રેક પર આવ્યો છે ત્યાં ક્યાં ના પાડવી. ઘણીવાર સંસાર રથના પૈંડા સમાન ન હોય તો ય સમાન રાખવા પ્રયત્ન કરવો પડતો હોય છે. તો જ સંસાર રથ ટકી શકે છે. એણે પોતાના અવાજને સંતુલિત રાખીને કહ્યું,
‘ઓ.કે...!‘ કૌશલ એની બાજુની સીટ પર ગોઠવાઇ ગયો. કશિશ ચૂપચાપ ડ્રાઇવિંગ કરતી રહી. એ કશું બોલી નહીં એટલે કૌશલને પણ હવે અહેસાસ થયો હતો કે કદાચ કશિશને એ કોર્ટ આવે છે તે ગમ્યું નથી. એટલે બન્ને વચ્ચે વણકહે ક્ષોભજનક મૌન છવાઇ ગયું. કશિશ વિચારતી હતી કે કૌશલ શા માટે કોર્ટ આવતો હશે? જ્યારે કૌશલ વિચારતો હતો કે કશિશને હું કોર્ટ આવું છું તે શું કામ નહીં પસંદ હોય?
એમ જ કોર્ટ બિલ્ડિંગ આવી ગયું. રાહુલ તૈયાર જ હતો એટલે એની સાથે એ બન્ને સેશન્સ કોર્ટમાં ગયા. તે પહેલાં કૌશલની ઓળખાણ રાહુલ સાથે કરાવી. બધાં કોર્ટરુમમાં પહોંચ્યાં અને એમનો નંબર બોલાયો એટલે ઉદયના વકીલ નિતિન લાકડાવાલાએ પોતાની દલીલ રજૂ કરી.
બન્ને પક્ષ માટે હવે કશું નવીન ન હતું. કારણ કે જે ખેલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ખેલાયો હતો એની નાની આવૃતિ જેવો ખેલ અહીં પણ ખેલાયો. બસ નવીન એ હતું કે હવે આજના કોર્ટના નિર્ણય પર બન્નેનુ ભાવિ નિર્ભર હતું. નિતિન લાકડાવાલાએ એમના અસીલ નિર્દોષ હોય એમની રિવિઝન અરજી મૂંજર કરવામાં આવે તેવી દલીલ કરી. એના વિરુધ કશિશના વકીલ રાહુલની દલીલ હતી કે આરોપીની સામે પૂરતા પૂરાવા છે એટલે કોર્ટમાં કેસ ચાલવો જોઇએ. આરોપીની રિવિઝન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટની જેમ નામંજૂર થવી જોઇએ.
બન્ને પક્ષની દલીલ સાંભળીને જજ રિસેસ પછી ચુકાદો સંભળાવશે તેવું કહ્યું એટલે બન્ને પક્ષકારો પોતા પોતાના વકીલ સાથે કોર્ટરુમની બહાર આવ્યા. મહેન્દ્રભાઇ એઝયુઝવલ નિર્લેપ દેખાવવાનો પ્રયત્ન કરતાં હતા. પણ કશિશ સામે જોતા અને એમની આંખોમાં અજાણતા કોઈ પાપ થઇ ગયું હોય તે પછી થતો પસ્તાવો છલકાતો હતો. બસ કશિશ એ વાંચી અને સમજી શકતી જ્યારે ઉદય એ સમજી શકવા જેટલો લાગણીશીલ ન હતો.
પણ ઉદય આજે ખૂબ ગંભીર દેખાતો હતો. એને કૌશલને કોર્ટમાં જોઇને આશ્ચર્ય થયું હતું. એ માનતો હતો કે કશિશ એની સામે કોર્ટે ચડી છે તે કૌશલને પસંદ નથી. જો આજે કૌશલ અહીં હોય એનો મતલબ કે એ આ લડાઇમાં કશિશના પક્ષે છે. તો એવું હરગીઝ થવું ન જોઇએ. એના વકીલે એને સમજાવ્યું હતું એવું થયું તો પોતાનો કેસ નબળો પડી શકે છે. એટલે આજે કૌશલ છે એ વાતનો ફાયદો પણ ઉઠાવી લેવો. એટલે એ જેવો કોર્ટરુમમાંથી બહાર નીકળ્યો કે તરત કૌશલ તરફ ગયો. એણે કશિશ સામે જાણી જોઇને જોયું જ નહી.
‘આજે તો તમે ભૂલા પડયા છો ને?‘ કૌશલ તરફ ઉદયે હાથ મિલાવવા માટે હાથ લંબાવતા કહ્યું. કૌશલ પોતાનાથી બે વર્ષ ઉંમરમાં નાનો તે છતાં ઉદય પોતાની બહેનના પતિ તરીકે એને માન આપવા માટે તમે કહીને બોલાવે છે. કૌશલે એની સાથે હાથ મિલાવ્યો. કશિશ નછૂટકે કૌશલની સાથે ત્યાં ઊભી રહી,
‘બસ એમ જ , એક વાર કોર્ટ જોઇ લીધી હોય તો સારું ને! કદીક જરુર પડી તો કામ લાગે!‘ કૌશલ મજાક કરી. અને ઉદયે મોક્કો ઝડપી લીધો,
‘તમે આ સારું કર્યું, મારી બેનનું ઠેકાણ નથી, તમને ય મારી જેમ કયારે જરુર પડી જાય તે કહેવાય નહી!‘ ઉદયે મજાકને ક્રૂર કટાક્ષમાં ફેરવી નાંખી.
કશિશએ તે સાંભળીને કૌશલ સામે તીર નજરે જોઇને ધ્યેયની ઓફિસ તરફ ચાલવા લાગી. રાહુલ એને અનુસર્યો. કશિશનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો હતો. છેલ્લાં કેટલા દિવસથી કૌશલનું વિયર્ડ વર્તન એ જોતી આવી હતી પણ આજે હદ થઇ ગઇ. આટલાં દિવસ સુધી એ કોર્ટ આવ્યો નહી. એ ઇચ્છતી હતી કે એને સપોર્ટ કરે ત્યારે મદદ ન કરી અને હવે આવ્યો છે તો એને મદદ કરવાના બદલે એ મજાક કરીને એને હર્ટ કરે છે? આવી રીતે પતિ–પત્નીના સંબંધ સચવાય?
કશિશ ઓફિસમાં પહોંચી અને એણે ધ્યેયને જોયો તેવું જ એણે કૌશલ અને ઉદયે કેવું વર્તન કર્યું તે બધું જ ધ્યેયને કહી દીધું. ધ્યેય કશું જ બોલ્યા વિના ચૂપચાપ એને સાંભળાતો રહ્યો. એ સમજી ગયો હતો કે એકવાર કશિશના મનમાં ગુસ્સો છે તે નીકળી જવો જોઇએ. પછી જ તે શાંત થશે. ધ્યેયએ રાહુલને પાણી લાવવા ઇશારો કર્યો. રાહુલે પાણી આપ્યું તે કશિશે પીધું પછી થોડી એ શાંત થઇ.
‘કોફી પીશ?‘ ધ્યેયએ પૂછયું.
કશિશ કશું બોલી નહીં માત્ર માથું હલાવ્યું. થોડીવારમાં ચાર કપ કોફી આવી. એ જોઇએ કશિશ કશું બોલવા જતી હતી ત્યાં જ કૌશલ ત્યાં આવ્યો. એને જોઇને ધ્યેયના ચહેરા પર સ્મિત આવ્યું. એણે ઊભા થઇ અને હસીને એને આવકાર્યો.
‘વેલકમ ટુ માય ઓફિસ! પ્લિઝ હેવ અ સીટ!‘
કશિશ આશ્ચર્યથી બધાને તાકી રહી. કશિશ જ્યારે પોતાનો ગુસ્સો કાઢતી હતી ત્યારે જ ધ્યેય પહેલું કામ કૌશલને મેસેજ કરીને ઓફિસમાં બોલાવવાનું કર્યું હતું. એટલે જ કૌશલ ત્યાં આવ્યો હતો. જે રીતે કશિશ એને ઉદય સાથે મૂકીને આવી ગઇ હતી તેથી એ પણ ગૂંચવાયો હતો કે હવે શું કરવું? કશિશે જે કહ્યું તેથી ધ્યેય તરત સમજી ગયો હતો કે ઉદય સાથે કૌશલ વધુ સાથે રહે તે કશિશના હીતમાં નથી. આથી જ એણે મેસેજ કરીને એને બોલાવી લીધો.
ધ્યેયએ કેસ વિના જ બીજી વાત કરી. બધાંએ કોફી પીધી. તે પછી કૌશલ ઊભો થયો,
‘કિશું હું ઓફિસ જાવ છુ. ડ્રાઇવરને મેં અહીં બોલાવી લીધો છે. સાંજે વહેલો આવી જઇશ.‘
કશિશ કશું બોલી નહી. એનો ગુસ્સો હજુ યથાવત હતો. ઉદયને કટાક્ષ કરવાનો મોક્કો કૌશલે આપી દીધો કશિશને ગમ્યું ન હતું. એ ઇચ્છતી હતી કે કૌશલે સોરી કહેવું જોઇએ. પણ બધાંની હાજરીમાં કૌશલને તેવું કહેવામાં ઇગો નડતો હતો. એટલે એણે ઓફિસ જતાં રહેવાનું મુનાસિબ માન્યું.
ધ્યેય ઊભો થઇને કૌશલને બહાર સુધી મૂકવા ગયો. એ જેવો પાછો આવ્યો કે તરત કશિશ ટોન્ટમાં બોલી,
‘સો મિસ્ટર ધ્યેય સુચક, આપે બધી દોસ્તી કૌશલ નાણાવટી સાથે જ નિભાવવાની છે નહી?‘
ધ્યેય એનો ટોન્ટ સાંભળીને હસી પડ્યો,
‘જી, તમને ઇર્ષા થાય છે મિસિસ કશિશ ?‘
કશિશે જવાબમાં મોઢું ચડાવ્યું. એટલે ધ્યેયને ફરી હસવું આવ્યું, પછી જરા સિરિયસ થઈને બોલ્યો,
જો કિશુ, વાત એટલી બધી ગંભીર નથી. કૌશલને હથિયાર બનાવીને ઉદયે તને નિશાન બનાવી છે. સો જસ્ટ ટેક ઇટ ઇઝી!‘
‘કૌશલની ય ભુલ કહેવાય ને? એવી મજાક કરવાની શી જરુર હતી?‘ કશિશ હજુ ય નારાજ હતી.
‘કિશુ, ક્યારેક એવું થઇ જાય છે યાર! માણસ ન ઇચ્છતો હોય તો ભૂલમાં એવું બોલાય જાય, હવે ચીભડાંના ચોરને ફાંસીની સજા તો ન અપાય ને?‘ ધ્યેય સહેજ આવશેમાં સમજાવવાની કોશિશ કરી અને એ કામિયાબ રહી.
‘હમમ...‘ આટલુંબોલી કશિશ ચુપ થઇ ગઇ એટલે ધ્યેયએ વાત ફેરવવા પૂછયું,
‘પછી કેવું રહ્યું સેસન્શ કોર્ટમાં?‘
કશિશે બધી વિગતવાર વાત કરી. ધ્યેયએ બધું નિરાંતથી સાંભળતો હતો. બધી વાત પૂરી કરી છેલ્લે કશિશે પૂછયું,
‘તને શું લાગે છે?‘
‘હમમ...કશું પ્રેડિકેટ કરી શકાય તેમ નથી. યુ નો આ કેસ બહુ અલગ છે. મારી અત્યાર સુધીની પ્રેકટિસમાં આવો કેસ મેં જોયો નથી. મેં તારો કેસ રાહુલને ફોરવર્ડ કર્યો તે પહેલાં આ વિશે ઘણાં સાથે વાત કરી ને થોડા કોર્ટ રેકોર્ડ પણ જોયા પણ કશું કામનું મળ્યું નહી. એટલે મને લાગે છે કે જજના નિજી ઓપિનિયન અને આપણાં કાયદાને ધ્યાનમાં રાખીને આજનો ચુકાદો આવશે.
ધ્યેયનો જવાબ સાંભળીને કશિશ બોલી,
‘ટૂંકમાં ભગવાન ભરોસે..!‘
‘જી...એક બીજી વાત કહું? પ્લિઝ ડોન્ટ માઇન્ડ ઇટ..આ કેસ તે કર્યો ત્યાર જ મેં કહ્યું હતું કે તારે ભાગે બહુ સહન કરવાનું આવશે. એટલે કૌશલ સાથે જે રફ પેચીસ સોલ્વ થઇ ગયા છે તે હવે ફરી ન આવે તેનું ધ્યાન રાખજે.‘ ધ્યેયે બોલ્યો એટલે કશિશે એની સામે જોયુ,
‘જો ધી, વગર વાંકે બધું સહન કરી લેવામાં હું માનતી નથી. અને મારીભૂલ હોય તો હું સ્વીકારવામાં પાછી પાની નથી કરતી. એટલે જે મારાથી થઇ શકે તે કરીશ.‘
કશિશે જે રીતે આવેશથી કહ્યું તેથી ધ્યેય સમજી ગયો કે કોર્ટમાં કશિશ અને કૌશલ વિશે જે ડ્રામા થયો તે સિવાય પણ બન્ને વચ્ચે કાંઇક ચાલી રહ્યું છે. એટલે પોતે આટલે જ અટકી જવું જોઇએ. બન્નેમાંથી થોડો સમય કોઇ બોલ્યું નહી. ત્યાં રાહુલ આવ્યો,
‘મેમ રિસેસનો ટાઇમ પૂરો થયો, કોર્ટરુમમાં જઇએ?‘ એ સાંભળીને કશિશ ઊભી થઇ. જતા જતાં બોલી,
‘કોફી હાઉસનું કામ પૂરું થવા આવ્યું છે, ૨૫ જૂને કોર્ટમાં ડેટ છે એટલે આપણે તેપછીના વીકમાં એટલે કે પાંચ જુલાઇએ ઓપનિંગ રખીએ રાખી દઇએ? એ વર્કિગ ડે છે તો તને ફાવશે?‘
‘સ્યોર ડિયર...આ વીલ મેનેજ!‘
‘ઓ.કે. ...બાય.‘
રાહુલ અને કશિશ કોર્ટમાં પહોંચ્યા ત્યારે ઉદય અને એના વકીલ આવી ગયા હતા. મહેન્દ્રભાઇ એક ખુરશી પર બેઠાં હતા. એમના ચહેરા પર થાક દેખાતો હતો. સિત્તેર વર્ષની ઉંમરે આમ કોર્ટમાં આવ જા કરવી સહેલી વાત નથી. પપ્પાને વાંરવાર કોર્ટ આવવું પડે છે તે વિચારીને કશિશને પારાવાર અફસોસ થતો હતો. પણ શું કરે એ લાચાર હતી. જે મિશન લઇને એ લડે છે તે માટે આટલું કરવું રહ્યું.
જજ સાહેબ આવ્યા અને બધાં ઊભા થયા પછી કશિશના કેસનો નંબર બેલિફ બોલ્યો એટલે જજે જોઇ લીધું કે બન્ને પક્ષ વકીલ સાથે હાજર છે એટલે જજે એમનો ચુકાદો સંભળાવ્યો,
‘ઊભયપક્ષની દલીલ સાંભળી. આ મુજબનો હાઇકોર્ટમાં કેસ નંબર‘ એમ કહીને જજે હાઇકોર્ટમાં આને લગતો કેસ ચાલ્યો હતો એની વિગત આપી અને કહ્યું,‘કે તે ચુકાદાને ધ્યાનમાં લેતા આ અદાલત મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદાને સમર્થન આપે છે. આરોપીની રિવિઝન અરજી નામંજૂર થાય છે. એટલે કે આરોપી ઉદય મહેન્દ્ર શાહ તથા મહેન્દ્ર શાહ પર ટ્રાયલ ચલાવવાનો આદેશ કરે છે. ‘
આજ સુધી કશિશે સંયમ જાળવી રાખ્યો હતો પણ આજે ઉદયે સવારે વર્તન કર્યું તેથી એ હવે માફ કરવાના મૂડમાં ન હતી.એણે ઉદય તરફ જોઇને થમ્સ ડાઉનનો ઇશારો કર્યો. જાણે કહેતી હોય,
‘ લે લેતો જા. કૌશલને મારા વિરુધ્ધ ચડાવતો હતો ને તેનો જ બદલો તને મળ્યો.‘
માણસ પોતે સારા કર્મ કરે તા એના સારા ફળ મળે તેવી આશા રાખતો હોય છે પણ પોતાના ખોટા કર્મના ફળની સામે પોતાનું પણ બૂરું થશે તે વિશે વિચારતો નથી. પણ કુદરત હમેશાં તેમા બેલેન્સ કરતી હોય છે.
કોર્ટનો નિર્ણય સાંભળીને ઉદય નિરાશ થઇ ગયો. પોતાના પર ટ્રાયલ ન ચાલે તે માટે એણે વકીલ સાથે મળીને અનેક ધમપછાડા કર્યા હતા. પણ કોઇ કારી ફાવી નહી. હવે કોર્ટમાં કેસ ચાલશે જ. કદાચ ઉદયને એના કર્મના ફળ મળી રહ્યાં હતા.
ઉદયને નિરાશ જોઇને એના વકીલ નિતિન લાકડાવાલા બોલ્યા,
‘તમે ચિંતા ન કરો. ચાર્જ ભલે ફ્રેમ થાય પણ એ પુરવાર કરવા અઘરા છે અને આપણાં ભાથામાં હજુ ઘણાં હથિયાર છે.‘ ઉદયની આંખમાં આ સાંભળીને ચમક આવી કે એવા ક્યાં હથિયાર હશે જેથી કેસ એની ફેવરમાં થઇ શકે?
(ક્રમશ)
કામિની સંઘવી