અંગત ડાયરી
============
શીર્ષક : સ્ટ્રગલ ફોર સમથીંગ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૧૦, મે ૨૦૨૦, રવિવાર
ચાર્લ્સ ડાર્વિનને તો તમે નહીં જ ભૂલ્યા હો. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિ સંદર્ભે જે મુખ્ય વાતો કરી, એમાં એક છે અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ. માણસની બેસિક ઇન્સ્ટિન્ક્ટ, એમ સમજી લો ને કે માનવના અનકોન્શિયશ માઈન્ડમાં લખાયેલી કેટલીક મૂળભૂત ભાવનાઓમાં એક છે જીવન સંઘર્ષ અને એ પણ અસ્તિત્વ માટે, જસ્ટ ફોર બીઇન્ગ. આ અસ્તિત્વ એટલે તમારી ભીતરે રહેલું ‘સમથીંગ’.
માણસ હંમેશા પોતાની અંદર રહેલા ‘સમથીંગ’ને પબ્લિશ કરવા ઝઝૂમતો રહે છે. એ પોતાની વાણી, વર્તન અને વિચાર દ્વારા સતત પોતાની અંદરનું ‘સમથીંગ’ પોતે સમજવા અને આસપાસના લોકોને સમજાવવા માંગે છે. યાદ કરો, તમે જયારે નંબર વન આવ્યા હતા એ દિવસ. કોઈ પરિક્ષા કે કોઈ સ્પર્ધા કે કોઈ ઇન્ટરવ્યુમાં તમે બાજી મારી હોય ત્યારનો તમારો અહેસાસ કેવો હતો? એ દિવસે તમે તમારી અંદરનું જે ‘સમથીંગ’ હતું એને સફળતાપૂર્વક પ્રગટ કરી શક્યા હતા. આ સફળતાના સંતોષ કે હરખને લીધે ભીતરે એનર્જી વેગીલી બની હતી. તમારી ચાલ બદલી ગઈ હતી, તમારી આંખોમાં નોખો ખુમાર ભરાઈ ગયો હતો.
આપણા દેશમાં હંમેશા ઝઝૂમનારાઓની પૂજા થઇ છે. મહારાણા પ્રતાપ, શિવાજી જેવા યોદ્ધાઓ છેલ્લા શ્વાસ સુધી અંગ્રેજો-મુઘલો સામે ઝઝૂમ્યા. જીતો નહીં તો વાંધો નહીં, પણ ઝઝૂમશો નહીં તો આ દેશ તમને માફ નહીં કરે. આપણે ત્યાં મરવાના વાંકે જીવનારાઓનું કોઈ સ્થાન નથી. જીવવા માટે, જીતવા માટે ઝઝૂમનારાઓનું અહીં વધુ મહત્વ છે. વિશ્વાસ રાખજો ઈશ્વર ઝઝૂમનારાઓની વધુ નજીક હોય છે.
જો તમને લાગતું હોય કે ચોતરફ ભ્રષ્ટાચાર ફેલાઈ ગયો છે, ચોર - લૂંટારાઓ વધી ગયા છે, તો આસપાસના જ કોઈ બાળમંદિરના બાળકોને જોઈ આવજો. જો તમને લાગતું હોય કે ક્યાંય ઉમંગ, ઉત્સાહ, જોશ નથી રહ્યા તો એકાદ કોલેજની વેલકમ પાર્ટી કે એન્યુઅલ ફન્કશન જોઈ લેજો. જો તમને લાગે કે બદમાશો પાસે ભગવાન પણ લાચાર છે તો એકાદ સ્મશાન સામે આખો દિવસ ઊભા રહી જોજો.
ઝઝૂમવું એ સામાન્ય કામ નથી. યાદ રહે મિત્રો, નોર્મલ કામ તો નોર્મલ માણસો પણ કરી શકે. જે કામ બે કલાકમાં પૂરું થઇ શકે એમ હોય એ કામ કરવા માટે છ કલાકનો સમય આપવામાં આવે તો એ કામ કોઈ સામાન્ય વ્યક્તિ પણ કરી શકે, પરંતુ એ કામ કરવા માટે એક કે અર્ધી જ કલાકનો સમય આપવામાં આવે અને જે વ્યક્તિ એ કામ કરી શકે એનામાં કૈંક ‘એક્સ્ટ્રા ઓર્ડીનરી’ છે એમ સાબિત થાય. પેલું એની ભીતરનું ‘સમથીંગ’ પ્રગટ થાય. એને જ સમાજ સેલ્યુટ કરે છે ને!
આ સમથીંગનો સાક્ષાત્કાર જ હેપીનેસ છે. તમે તમારી ભીતરે રહેલી એનર્જીથી આખી જિંદગી માત્ર બ્રેડ-બટર કમાઈ ખાઓ એટલે ઓર્ડીનરી જિંદગી જીવાઈ ગઈ, ઇતિ સિદ્ધમ્. જો તમે એ એનર્જીથી બીજાના બ્રેડ-બટર છીનવી લો તો પાસીંગ માર્ક પણ ગયા સમજી લેવું. અને જો એ એનર્જીથી તમે બીજાને બ્રેડ-બટર આપવા સક્ષમ બનો તો પેલું ‘સમથીંગ’ તમારામાં છે એનો આનંદ માણી શકો.
મિત્રો, સંઘર્ષ તો કમ્પલસરી છે જ. ચોર - લૂંટારાઓને ઓછો સંઘર્ષ હોય છે? પ્લાન બનાવવા, જોખમ લેવા, પકડાઈ ગયા પછી દંડા ખાવા આ બધું કંઈ સહેલું નથી. આ તો સાત્વિક પ્રકૃતિવાળા લોકો પોઝિટીવ સંઘર્ષ પસંદ કરે છે અને તામસીવાળા નેગેટીવ બસ એટલો જ ફર્ક છે. બાકી સંઘર્ષ તો કમ્પલસરી છે. ઘરમાં બેસી રહેવામાંય સંઘર્ષ છે અને લોકડાઉનની ઐસીતૈસી કરી ચાર રસ્તા સુધી ચક્કર મારવા જવામાંય સંઘર્ષ છે. પસંદગી તમારી... યથેચ્છસિ તથા કુરુ..
સૌ પોતપોતાની ધૂનમાં છે. એક પ્રકારના ઘેનમાં છે. ઉઠે છે, બ્રશ કરે છે, ચા પીએ છે, વોટ્સઅપ, ફેસબુક જુએ છે, બે'ક કમેન્ટ મારે છે, ખાય છે, પીએ છે અને ઊંઘી જાય છે. જન્મે છે, ભણે છે, કમાય છે, પરણે છે, પરણાવે છે અને મરી જાય છે – બસ જીવતો નથી. ટોળે ટોળા આ જ ધૂનમાં સાંઠ, સીત્તેર, એંશી વર્ષ કાઢી નાખે છે.
એંશી વર્ષના આપણા આયુષ્યના અચિવમેન્ટ્સનું લિસ્ટ તો બનાવી જોજો. ખાધું, પીધું અને મજા કરી – ભોળા કબૂતર કે વફાદાર કૂતરા કે લુચ્ચા શિયાળની જેમ.. બસ ખાધું, પીધું અને મજા કરી. અણસમજુ બાળક કારની ચાવીથી રમતો હોય, એને તમે ચોકલેટ આપો એટલે એ તમને કારની ચાવી આપી દે. એને કાર કરતા નાનકડી ચોકલેટ વધુ કિંમતી લાગે. આવડી મોટી જિંદગીની કિંમત ચૂકવીને આપણે પણ શું ખરીદી રહ્યા છીએ? આ જ જિંદગીની કિંમતે અબ્દુલ કલામે, ગાંધીજીએ, મહારાણા પ્રતાપે, મીરાંબાઈએ કે પ્રમુખસ્વામી મહારાજ કે પાંડુરંગ શાસ્ત્રીજીએ જે ખરીદ્યું, ‘જીવી બતાવ્યું’ એ જોતાં આપણે પેલા અણસમજુ બાળકની લાઈનના હોઈએ એવું લાગી રહ્યું છે. આ બધાના જીવનમાં બે વાત કોમન હતી: એક, આ લોકોએ કદી ‘રોદણાં’ નથી રોયા, કમ્પ્લેઇન કરવામાં સમય નથી બગાડ્યો અને બીજું, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભીતરી ‘સમથીંગ’ને પ્રગટ કરવા, સમાજોપયોગી બનાવવા ઝઝૂમતા રહ્યા છે.
જેમ તોફાને ચઢેલા વર્ગખંડમાં અચાનક કડક શિક્ષક પ્રગટ થાય અને પાંચ જ સેકન્ડમાં વિદ્યાર્થીઓ પોતપોતાની પાટલી પર નાકે આંગળી રાખીને બેસી જાય, એમ જગતગુરુ શ્રી કૃષ્ણ કનૈયાએ અચાનક જ તોફાને ચઢેલા માનવ સમાજને ચુપચાપ ઘરમાં બેસાડી દીધો છે. ડાહ્યા વિદ્યાર્થી જેવા સંતો-સજ્જનો તો હાથ જોડીને જ બેઠા હતા, એમને તો ચોમેર પથરાયેલી આ શાંતિમાં ઈશ્વરની સતત હાજરીનો અહેસાસ થઇ રહ્યો છે, એમની શ્રદ્ધા તો વધી રહી છે, પણ તોફાને ચઢેલા લોર્ડ ઓફ લાસ્ટ બેંચ જેવા ઠોઠનિશાળિયા એવા આપણને કુટુંબજીવન જીવતાં શીખવતું આ ચેપ્ટર થોડું અઘરું લાગી રહ્યું છે. આજે આપણે મશાલ લઈ સરઘસ કાઢવા નહીં, ઘરમાં પરિવાર સાથે રહેતા શીખવા માટે ઝઝૂમવાનું છે, આજે બહાદુર એ નથી જે નિયમોની ઐસીતૈસી કરી રખડવા નીકળી પડે, આજે બહાદુર એ છે જે ઘરમાં રહી પરિવારજનોની હિમ્મત-ઉત્સાહ અને ધીરજને ટકાવી રાખે.
મિત્રો, સ્કૂલમાં જેમ બેલ વાગે અને પિરીયડ પૂરો થાય એમ આ ‘પિરીયડ’ પણ પૂરો થઇ જશે, પણ ખુદ શ્રી કૃષ્ણસર અત્યારે જે સમજાવવા માંગે છે એ સમજવામાં જીવ પરોવશો તો કદાચ ‘સારા માર્કે પાસ’ થઇ જશો. જો કૃષ્ણ કાનુડાએ જીવ-જગત સાથે દગાબાજી ન કરી હોય તો એના ‘મમૈવાંશો જીવલોકે’નો અર્થ એ આપણી ભીતરે છે એવો થાય છે. એ અંશને – એ ‘સમથીંગ’ને ઓળખ્યા વિના, પ્રગટ કર્યા વિના, એનો સાક્ષાત્કાર કર્યા વિના આપણે આપણી અંતિમયાત્રા નીકળવા દેવાની નથી અને કૃષ્ણ કાનુડાએ દગાબાજી કરી નથી એની મારી ગેરંટી.
બાકી તમે ખુદ સમજદાર છો.
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)