Nasib na Khel - 31 in Gujarati Fiction Stories by પારૂલ ઠક્કર... યાદ books and stories PDF | નસીબ ના ખેલ... - 31

Featured Books
Categories
Share

નસીબ ના ખેલ... - 31

ધરા મૂંઝવણમાં હતી કે તેની સામે આ બધી જે વાત આવી છે એ સાચી છે કે ખોટી કોને પૂછે? અને વાતના મૂળ સુધી પહોંચવું પણ જરૂરી હતું કારણ જો સાચું શું છે એ પોતે નહિ જાણે તો અનેક શંકાઓ તેને ઘેરી વળશે, અને તેની સીધી અસર તેના આવનાર બાળક પર થશે... પણ શું કરવું અને કેમ કરવું એ જ તે સમજી નોહતી શકતી.
પ્રસંગમાં હાજરી આપવા બહારગામ થી અન્ય મહેમાનો કુટુંબીજનો આવવા લાગ્યા હતા, ઘરમાં માણસો ની ચહલપહલ વધી રહી હતી, આવામાં એ કોને પૂછે કેવી રીતે પૂછે??? નિશા પણ જાણે બધું કામ એની માથે હોય એમ ફરી રહી હતી, ધરાની સામું જોવાનો ય જાણે એને સમય ન હતો, હકીકત માં એ બીજ મહેમાનો સામે એ દેખાડો કરી રહી હતી કે બધું પોતે જ કરે છે, આ પ્રસંગ ની જવાબદારી એની માથે જ છે..... હજી ત્યાં ગામડામાં જુના જે સંબંધીઓ હતા એમને આમંત્રણ આપવા જવાનુ બાકી હતું, અને આ કામ ધરા ના મોટા જેઠાણી એ નિશા ને સોંપ્યું.
નિશા ગામડામાં અમુક જે ઘરે આમંત્રણ આપવાનું હતું ત્યાં કહેવા જવા નીકળી અને અહીં ધરા નું કામ થઈ ગયું, ધરા જાણવા માંગતી હતી પણ કોઈને પૂછવું ન પડ્યું, બધા જાણે આ સમયની જ રાહ જોતા હતા કે ક્યારે નિશા દૂર થાય અને ક્યારે ધરા સાથે વાત કરી શકે.....
નિશા ઘરમાંથી બહાર ગઈ કે તરત જ ધરા ના મોટા જેઠાણી ધરાને ઉપર મેડી એ લઈ ગયા, અને ધરા ને કહેવા લાગ્યા કે સુવાવડ પછી ધરા પિયરમાં જાજુ ન રોકાય, સવા મહિનો થાય કે તરત અહીં આવી જાય, ધરા પૂછવા લાગી કે કેમ આટલો આગ્રહ કરો છો તો હજી તો એના જેઠાણી એને કાંઈ કહે એ પહેલા જ ધરા ની ભત્રીજા વહુ જેના ઘરે લગ્ન પછી એક મહિનો થયો અને બધા જમવા ગયા હતા એ બોલવા આવી, અને બીજા રૂમ માં ધરાને લઇ ગઈ... ધરા કચવાતા મને એની સાથે ગઈ કારણ એને તો પોતાની જેઠાણી પાસેથી માંડ વાત જાણવા મળે એમ હતી ત્યાં જ આ બોલાવી ગઈ, પણ હકીકત એ હતી કે આ ભત્રીજા વહુ પણ ધરા ને કાંઈ કહેવા જ માંગતી હતી, જો કે એણે પણ ધરાને પહેલા એમ જ કહ્યું કે બાળકના જન્મ પછી ધરા પિયરમાં જાજુ ન રહેતા જેમ બને એમ જલ્દી અહીં પાછી આવી જાય,
એક પછી એક બધા સીધી કે આડકતરી રીતે ધરા ને વહેલાસર સાસરીમાં પરત આવી જવા માટે જ આગ્રહ કરતા હતા, કોઈ ચોખ્ખું કહી નોહ્તું શકતું, પણ ધરા એ પણ આજે જાણે કમર કસી હતી કે જે હશે તે પોતે વાતની સચ્ચાઈ જાણીને જ રહેશે,
સાંજની રસોઈ નો સમય થઈ રહ્યો હતો, ગામડું હતું એટલે ચૂલા પર રસોઈ થતી હતી, ધરા ના મોટા જેઠાણી અને પેલી ભત્રીજા વહુ રસોડામાં રસોઈ ના કામે લાગ્યા અને ધરા એમની પાછળ પાછળ રસોડા માં ગઈ... બંનેએ ધરા ને ખુબ ના પડી કે અહીં ચૂલા પાસે ગરમી થશે તું બહાર બેસ બધા સાથે પણ ધરા એ બહાનું કાઢ્યું કે એણે ચૂલા માં ક્યારેય રસોઈ કરી નથી તો એને શીખવી છે, અને આમ એ આ બંને સાથે રસોડા માં જ બેઠી, બહાર અન્ય મહેમાનો અને બાળકો હતા, જે મજાક મસ્તી કરી રહ્યા હતા, નિશા હજી આવી ન હતી અને ધરા એ આડીઅવળી કાંઈ વાત કર્યા વગર સીધું પૂછી જ લીધું કે બધા એને તરત પાછા આવવા માટે દબાણ કેમ કરે છે? વાત શું છે?? ગમે તે હોય પોતાને જાણવી જ છે, અને પછી પોતે ગામડાની રીત (જે એના મોટા જેઠાણી એ જ સમજાવી હતી ) મુજબ સમ પણ આપી દીધા,
આજે પણ ઘણી જગ્યા એ સમ બહુ માનવામાં આવે છે, આમ કરો તમને મારાં સમ છે, આમ ન કરો, આ ન ખાવ તમને મારાં સમ છે, આટલુ તો કરવું જ પડશે મારાં સમ......
અને ધરા ની આ રીત કામ કરી ગઈ, બંને જણા ધરા એ આપેલા સમ પાસે જાણે વિવશ થઈ ગયા અને નિશા અને કેવલ ના અનૈતિક સંબંધો નો ભેદ ખોલવા લાગ્યા, એ બધી જ વાત ફરી સામે આવી જે થોડા દિવસ પહેલા ધરાને એના નણંદ ના છોકરાઓ એ કરી હતી, અને એ વાત પણ સામે આવી જે એ બાળકો નોહતા કહી શક્યા અથવા તો નોહતા જાણતા, કાંઈ રીતે બંને પકડાયા હતા અને ત્યાર બાદ કેવલ ને ઘરમાંથી કાઢી પણ મુક્યો હતો એ સામે આવ્યું અને પછી કઈ રીતે નિશા એ નાટક કરીને થોડા જ મહિનાઓ માં કેવલને ફરી ઘરે પાછો બોલાવી લીધો હતો એ બધું જ સામે આવ્યું.
શા માટે બધા ઈચ્છે છે કે ધરા જલ્દી પછી આવે એ પણ કીધું કારણ કે જો ધરા હશે તો કદાચ કેવલ નિશા તરફ ઓછો ઢળશે અને આ સંબંધોનો અંત આવશે એમ બધાને લાગતું હતું, નિશા એના સ્વભાવ ને કારણે અને આ સંબંધ ને કારણે કુટુંબ માં અણમાનીતી થઈ ગઈ હતી, અને બધા નો લગાવ, સ્નેહ અને સહાનુભૂતિ ધરા તરફ હતી એ હવે સ્પષ્ટ થઈ ગયું હતું.
પણ હવે ધરા દ્વિધા માં હતી કે આગળ શું કરવું? શું કેવલ એની ભાભી ને છોડીને શકશે? શું નિશા કેવલ ને છોડશે?? શું એનો સંસાર સુખમય વીતશે? પોતે જે કાંઈ જાણ્યું છે એ પોતાના મમ્મી પપ્પા ને કહેવું યોગ્ય રહેશે?? શું કરવું આગળ હવે?
ત્યાં જ નિશા આવી ગઈ, રસોડા માં તો આ વાત નો અંત આવી ગયો પણ ધરા ના મનમાં વિચારો બંધ નોહતા થતા, એ બધા સાથે તો હતી પણ છતાં પોતાનામાં જ ખોવાયેલી હતી, સરખું જમી પણ નોહતી શકતી, ધરાના મોટા જેઠાણી બધું સમજી ગયા હતા, એમણે ધરા ને ખુબ સમજાવી, કે આમ આ વાતનો હલ નહિ નીકળે, ઉલ્ટાનું તારા બાળક પર આની ખરાબ અસર પડશે, બીજા કોઈનું વિચારવાના બદલે અત્યારે ફકત તારા બાળક નું વિચાર અને સરખું જમી લે, પણ વાત જાણ્યા પછી જાણે ધરા ની ભૂખ જ મરી ગઈ હતી, એને પોતાનું ભવિષ્ય સાવ અંધકારમય લાગતું હતું, આમ ને આમ બે દિવસ પસાર થઈ ગયા અને ધરા ના શ્રીમંત નો પ્રસંગ આવી ગયો, વહેલી સવારે જ ધરાના મમ્મી પપ્પા આવી પહોંચ્યા, પપ્પાને જોતા જ ધરા એમની પાસે ગળે વળગીને રડી પડી, ધીરજલાલ જબરી કોઠાસૂઝ ધરાવતા હતા, એ સમજી ગયા કે કાંઈક તો થયું છે, એમણે ધરાને એની મમ્મી સાથે ઉપર મેડી પર મોકલી, અને ધરાના મોટા જેઠાણી ને, અને બાકી મહેમાનો ને રામ રામ કરીને પોતે પણ ઉપર ધરા પાસે આવ્યા, હજી તો ખબરઅંતર પૂછી ને ધરાના રડવાનું કારણ પૂછ્યું ત્યાં જ નિશા આવી પહોંચી, અને ધરા ને જ ખીજાવા લાગી કે પછી તારે તારા પિયર જ રહેવાનું છે આમ બધા નીચે હોય અને તું આવી રીતે ઉપર આવે એ સારુ ન લાગે, ખોળાભરત ની વિધિ પણ કરવાની છે ચાલ નીચે, અને ધીરજલાલ ને કહ્યું કાકા તમે અને કાકી અહીં આરામ કરો નીચે બધું તૈયાર થઈ જાય પછી બોલાવી જઈશ હું...
આમ મીઠુ બોલીને ધીરજલાલ પાસે સારી થઈને ધરાને નીચે લઇ આવી નિશા...