Antim Vadaank - 2 in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 2

Featured Books
Categories
Share

અંતિમ વળાંક - 2

અંતિમ વળાંક

પ્રકરણ ૨

ઈશાનને નવાઈ લાગી. લગ્નમાં શરત હોય ? જોકે ઈશાને તેના મનનો ભાવ ઉર્વશીને કળાવા ન દીધો.

“ઉર્વશી,જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો સામે દેખાતો આખે આખો ટાવરબ્રીજ તને ગીફ્ટ માં આપી દઉં”. ઈશાને મજાકના સૂરમાં કહ્યું હતું.

“ઇશાન, મારે તો આખે આખું લંડન જોઈએ છે”.

“મતલબ ?”

“મતલબ એમ કે લગ્ન બાદ આપણે અહીં લંડનમાં જ સ્થાયી થઈશું”. ઉર્વશીએ તેના બોબ્ડ હેરમા હાથ ફેરવતા કહ્યું હતું.

“કેમ લંડન જ ? એની સ્પેસિક રીઝન ફોર ધેટ ?”

“ઈશાન, એરહોસ્ટેસની નોકરીને કારણે દુનિયાના ઘણા શહેર જોઈ લીધા છે. લંડનની તોલે એક પણ ના આવે”.

“બસ ઇતની સી બાત ડાર્લિંગ? હું તને અત્યારે જ પ્રોમિસ આપું છું કે લગ્ન બાદ ચાહે દુનિયા ઇધર કી ઉધર હો જાયે આપણે લંડનમાં જ વસવાટ કરીશું”. ઈશાને ઉર્વશીનો નાજૂક હાથ પોતાના બંને હાથમાં લઈને કહ્યું હતું. ઉર્વશી દુનિયા ભૂલીને ઇશાનને વળગી પડી હતી. સામે દેખાતો ટાવરબ્રીજ ધીમે ધીમે બંધ થઇ રહ્યો હતો. ઇશાનના બાહુપાશમાં સમાયેલી ઉર્વશીના બંને હાથોની પક્કડ ઇશાનની પીઠ પર મજબૂત થઇ રહી હતી.

બીજે દિવસે રોયલ આલ્બર્ટ હોલમાં દુનિયાભરના ફોટોગ્રાફરો ઉમટી પડયા હતા. અચાનક પાછળથી ઇશાનની પીઠ પર કોઈકે હળવેથી ધબ્બો માર્યો. ઈશાને ચમકીને પાછળ જોયું તો સસ્મિત ચહેરે મૌલિક ઉભો હતો. “યાર મેં તને મેસેજ કર્યો હતો કે મારા ઘરે જ ઉતરજે તો પણ તું હોટેલમાં જ ઉતર્યો ને?”મૌલિકના અવાજમાં ફરિયાદનો સૂર હતો.

મૌલિકને જોઇને ઇશાન તેને ભેટી પડયો. બંને મિત્રો કોલેજમાં ત્રણ વર્ષ સાથે જ ભણ્યા હતા. સ્નાતક થયા બાદ ઇશાન ફોટોગ્રાફીનો કોર્સ કરીને મુંબઈમાં સ્થાયી થયો હતો જયારે મૌલિક જર્નાલીઝમનો કોર્સ કરીને લંડનમાં.

“યાર તારા નવા નવા લગ્ન થયા છે. અત્યારે હનીમૂનનો ગોલ્ડન પીરીયડ ચાલતો હોય ત્યાં મારે વળી ક્યાં કબાબમાં હડ્ડી બનવું ?” ઈશાને હસતાં હસતાં કહ્યું.

“ઇશાન, મારા લગ્નને તો લગભગ એક વર્ષ થવા આવ્યું. એક વર્ષ સુધી કાંઈ હનીમૂન થોડું ચાલે?”

“યાર, મને શું ખબર. મારા ક્યાં લગ્ન થયા છે ?”

“ ઇશાન,એ તો થશે ત્યારે ખબર પડી જશે. કહેવાય છે કે લંડનમાં વાઈફ અને વેધરનો કોઈ ભરોસો નહી”.

ઇશાન મૌલિકનો હાથ પકડીને એ તરફ લઇ ગયો જે ગેલેરીમાં તેના કેટલાક ફોટોગ્રાફ્સને સ્થાન મળ્યું હતું. “વાઉ.. માઈન્ડ બ્લોઇંગ” ઇશાને પાડેલા ફોટોને જોઇને મૌલિક બોલી ઉઠયો હતો. “મૌલિક, આ તો હજૂ શરૂઆત છે. ભવિષ્યમાં આખા એક્ઝીબીશનમાં માત્ર ઇશાન ચોકસીના જ ફોટા જોવા મળશે”. ઇશાનની આંખમાં જાણેકે સપનાની ઈમારત ઉભી થઇ રહી હતી. “ઇશાન એક સલાહ આપું ? તારા જે કોઈ સપના હોય તે લગ્ન પહેલાં જ પુરા કરી લેજે”. મૌલિકના આવાજમાં ભળેલો વિષાદ ઇશાન પામી ગયો પણ અત્યારે તે બાબતે વાત કરવાનું યોગ્ય ન લાગતાં તે મૌન જ રહ્યો.

થોડી વાર બાદ બંને મિત્રો હોલની બહાર આવીને એક રેસ્ટોરન્ટમાં બેઠા. મૌલિકે સ્નેક્સ અને કોલ્ડ્રીંકનો ઓર્ડર આપ્યો. ”મૌલિક, યાદ છે ? કોલેજમાં આપણે એટલા બધા ક્લોઝ હતા કે અન્ય મિત્રો આપણને “કપલ” કહીને ચીડવતા હતા”. “હા ઇશાન, વોહ ભી ક્યા દિન થે ?” મૌલિક બોલી ઉઠયો હતો. નાસ્તો પૂરો કરીને મૌલિકે આગ્રહપૂર્વક કહ્યું “ઇશાન, વાસ્તવમાં અત્યારે હું તને લેવા માટે જ આવ્યો છું. મારું ઘર વેમ્બલીમાં છે. ચાલ આપણે હોટેલ પરથી તારો સામાન લઇ આવીએ”. મૌલિક ઇશાનના જવાબની રાહ જોયા વગર જ તેની કાર પાર્કિંગમાંથી બહાર મુખ્ય રસ્તા પર લઇ આવ્યો.

“મૌલિક, ભાભીને વાત તો કરી છે ને ?” હોટેલમાંથી ઇશાનનો સામાન લઈને મૌલિકે કાર તેના ઘર તરફ લીધી ત્યારે રસ્તામાં ઈશાને પૂછયું.

“નેન્સી અત્યારે તેના પિયર લેસ્ટર ગઈ છે”. મૌલિકે વાતને પૂર્ણવિરામ મૂકી દીધું.

લંડનના સુવ્યવસ્થિત ચાલી રહેલા ટ્રાફિકમાં મૌલિકની કાર નિયત ગતિએ જઈ રહી હતી. ઇશાનને યાદ આવ્યું કે લગ્ન બાદ જયારે મૌલિકનો ફોન આવ્યો હતો ત્યારે તે ફૂલ ફોર્મમાં હતો. “યાર, તેનું નામ નેન્સી છે. મારી સાથે જ જોબ કરે છે. ક્રિશ્ચિયન છે તેથી મમ્મીનો થોડો વિરોધ હતો પણ પપ્પાએ તેને સમજાવી હતી કે રાજાને ગમે તે રાણી. આખરે મમ્મી માની ગઈ. ઇશાન, હું ખરેખર નસીબદાર છું કે મને આવા ઉમદા પેરેન્ટસ મળ્યા”.

“અને વાઈફ પણ” સામે છેડેથી ઈશાને કહ્યું હતું.

“ઇશાન, નેન્સી જેવી બ્યુટીફૂલ છોકરી મારામાં એવું તો શું જોઈ ગઈ હશે કે મને સામે ચાલીને પ્રપોઝ કર્યું. તારા જેવો હેન્ડસમ લૂક હોય તો બરોબર છે”. મૌલિકે નિખાલસતાથી કહ્યું હતું.

“અચ્છા, તો એમ વાત છે?હવે લંડન આવું એટલે નેન્સીને મારાથી દૂર જ રાખજે”. ઈશાને મજાક કરી હતી.

“સાલા ઈશાનિયા, તારે તો નેન્સીને ભાભી જ કહેવાનું છે. આમ પણ હમણાં નજીકના ભવિષ્યમાં તું ક્યાં લંડન આવવાનો છે? તે પહેલાં તો એટલી હદે હું નેન્સીને મારી બનાવી દઈશ કે મારા સિવાય તે કોઈનો સપનામાં પણ વિચાર નહિ કરે”. મૌલિકે કહ્યું હતું.

ફોનના સામા છેડે ઇશાન ખડખડાટ હસી પડયો હતો.

અચાનક મૌલિકે રેડ સિગ્નલને કારણે કાર થોભાવી. ઇશાન તરત વર્તમાનમાં આવી ગયો. “ભાભી અમસ્તા જ પિયર ગયા છે ? ઈશાને પૂછયું.

“ દોસ્ત,ઘરે પહોંચીને નિરાંતે વાત કરીએ”. બંને મિત્રો વચ્ચે ફરીથી મૌન પથરાઈ ગયું. મૌલિકે વાતાવરણ હળવું કરવા માટે કાર ટેપ ચાલુ કર્યું. ભપ્પી લહેરીનું જૂની ફિલ્મનું ગીત વાગી રહ્યું. ”બમ્બઈસે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો”. ઇશાન મનોમન વિચારી રહ્યો આવું ગીત વાગતું હોય ત્યારે મૌલિક તેના મૂળ સ્વભાવ પ્રમાણે તો સાથે ગાવા માંડે અથવા એટલીસ્ટ સીટી તો વગાડે જ... તેની બદલે મૌલિક ચૂપચાપ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. નેન્સી સાથેના લગ્નને પૂરું વર્ષ પણ થયું નથી ત્યાં એવી તો શું સમસ્યા આવી પડી હશે કે મારો જીગરી યાર મૌલીક આટલી બધી વેદનાનો પહાડ ઉપાડીને ચાલી રહ્યો છે? અચાનક ઇશાનના મનમાં ચાલતી ગડમથલ પકડી પાડી હોય તેમ મૌલિક બોલી ઉઠયો “દોસ્ત, તારા લગ્ન નથી થયા એટલે તને નહી સમજાય કે ગુલાબના ફૂલ નીચે છુપાયેલ કાંટાની વેદના કેવી હોય છે?” મૌલિકની આંખમાં ભીનાશ હતી. ત્યાં જ મૌલિકનું ઘર આવી ગયું. બંને મિત્રો કારમાંથી ઉતરીને વેમ્બ્લીના બેઠા ઘાટના મકાનમાં પ્રવેશ્યા ત્યારે બહાર સ્નોફોલ ચાલુ થઇ ગયો હતો. લંડનમાં દર કલાકે મોસમ બદલવાની નવાઈ જેવું હોતું નથી. મૌલિકે ચાલુ કરેલ હીટરની ગરમી ધીમે ધીમે રૂમમાં ગરમાવો લાવી રહી હતી. બંને મિત્રો નાઈટ ડ્રેસ પહેરીને સોફા પર બેઠા. મૌલિકે કોફીના મશીનમાંથી બે કપ કોફી કાઢીને એક કપ ઈશાનના હાથમાં આપ્યો. ઈશાને વાતાવરણ હળવું કરવા માટે કોમેન્ટ કરી “યાર, મને તો એમ કે તું અહીં આવીને વાઈન પીતો થઇ ગયો હોઈશ”. “ઇશાન, તારી સામે આજે પણ એ જ સીધો સાદો મૌલિક છે જે કોલેજમાં હતો. યાદ છેને ઇશાન, કોલેજમાં મારા તદ્દન સાધારણ લૂકને કારણે કોઈ છોકરી મને ઘાસ નહોતી નાખતી. તારા હેન્ડસમ લૂકને કારણે છોકરીઓ તારા પર લાઈન મારતી હતી અને તું કોઈને કોઠું આપતો નહોતો ત્યારે હું તને બિરદાવતો હતો”. “મૌલિક, એ કોલેજની વાતો છોડ હવે મારે તો તારી લંડનની વાતો સાંભળવી છે”. ઈશાને કહ્યું હતું.

”દોસ્ત,અહીંના જાણીતા વીકલીમાં પત્રકાર તરીકે સેટ થઇ ગયો છું.. ” ઈશાને મૌલિકની વાત કાપતાં કહ્યું. “મૌલિક, તારી એ નોકરીને કારણે તારે અહીની મોટી મોટી હસ્તીઓ સાથે ઓળખાણો છે એ વાત તો આપણે ફોનમાં પણ થઇ ચૂકી છે. મારે તો તારી અને નેન્સીની પ્રેમકથા સાંભળવી છે”. ઈશાને કોફીનો ખાલી કપ ટીપોય પર મુકીને મુદ્દાની વાત કરી. ઇશાન, મારા અને નેન્સી વચ્ચે બ્રેક અપ થઇ ગયું છે”. મૌલિકે રહસ્યસ્ફોટ કર્યો.

ક્રમશઃ