ઉનાળો તેની ભરયુવાનીમાં તપતો હતો. ગાડીનું એર કન્ડિશનર ખરાબ થઈ ગયેલ ને વળી, લાંબી મુસાફરીનાં કારણે શરીરમાં પણ થાક વર્તાતો હતો, ગાડી આગળ ચલાવવાની શકિત જ જાણે ક્ષિણ થઈ હોય તેમ લાગતું હતું. હું પરિવાર સાથે મારાં જુનાં સ્ટેશનથી પસાર થઈ રહ્યો હતો ને મારી જુની યાદો તાજી થઈ ગઈ. મેં અર્ધાંગિનીને વાત કરી કે ચાલ અહીં થોડો સમય રોકાઈ ક્યાંક આરામ કરી લઈએ. મારી વાત સાંભળી એનાં ચહેરાનાં ભાવ બદલાયાં, જે હું સરળતાથી વાંચી શકતો હતો. તે કહેવા માંગતી હતી કે અહીં કોઈ આપણને ઓળખતું નથી, આપણે કોને ત્યાં જઈશું અને ક્યાં રોકાશુ? પણ એ કંઈ બોલે એ પહેલાં જ મેં કહ્યું ચાલ હું તને કોઈને મળવાં લઈ જાઉં. એ દિગ્મૂઢ થઈ મને જોઈ રહી!
મારી ગાડી નિર્જન રસ્તાનો પથ કાપવા લાગી, અદાલતના બિલ્ડીંગની બાજુમાં આવેલ તે ક્વાર્ટરે પહોંચતાં બહું વાર ન લાગી. રજાનો દિવસ અને એમાં વળી વેરાન સ્થળે એકલું અટૂલું એ ક્વાર્ટર. મારી પત્નીને એવું લાગેલ કે કદાચ ત્યાં રહેતાં સાહેબ મારાં ઓળખીતા હશે, તેથી તેમને મળવાં હું ત્યાં આવ્યો હોઈશ, પણ ગાડીનો દરવાજો ખોલતાં જ તેણે કહ્યું કે અહીં તો કોઈ નથી, ઘરે તો તાળું છે. મેં તેને સમજાવી ગાડીમાંથી ઉતારી. હું કોને મળવા માગતો હતો તેની તેને શું ખબર !!! નસીબ જોગે કમ્પાઉન્ડનો દરવાજો ખુલ્લો હતો, તે ખોલી અમે અંદર પ્રવેશ કર્યો.
બળ બળતાં બપોરનાં તાપથી ત્રાસીને, સૂરજ સામે ગુસ્સો કરતું વૃક્ષોનું એક ટોળું મેં મારી ભાર્યાને બતાવ્યું. અમને આવતાં જોઈ, તરુઓએ ડાળીઓ હલાવી અમારું અભિવાદન કર્યું. મે'માનને આવતાં જોઈ નાનાં બાળતરુઓ બેબાકળા થઈ મોટાં ઝાડની પાછળ સંતાવા લાગ્યાં. વૃક્ષોએ ડાળીઓ ઝુકાવી અમારાં ઓવારણાં લીધાં ને તાજી જન્મેલી કુંપળોને મારી ઓળખાણ આપતાં બોલ્યાં કે, "બેટા! આપણી રગોમાં પાણીની સાથે આમનો 'પરસેવો' પણ વહે છે." આ વાર્તાલાપ સાંભળી ક્વાર્ટરની અગાસીમાં વામકુક્ષી કરવાં જરીક આડો પડેલો પેલો જિજ્ઞાસુ 'પવન' પણ દોડીને વૃક્ષની ડાળી આવીને બેઠો ! ત્યાં કોઈ જ ન હતું તેમ છતાંય જાણે અમે મહેફિલ ભરીને બેઠાં હોઈએ તેવું લાગતું હતું. છાંયડામાં બેઠાં ત્યારે અમારાં ઉપર નાનું સરખું ચાંદરડુ પણ ન પડે તેની તેમણે પૂરી કાળજી લીધેલી. વાતાનુકૂલિત ઓરડામાં પણ એવી ઠંડક ભાગ્યે જ મળી હશે, જેવી તે દિવસે તે તરુવરની શીતળ છાયામાં અનુભવેલી! તેમણે હેતનો ઠંડો પાલવ ઢાંકી શીતળતા બક્ષેલી, તેમની પાવન નિશ્રામાં અમારી લાંબી મુસાફરીનો થાક ક્યાં અલોપ થઈ ગયો તે ખબર જ ન પડી.
આ એ જગ્યા હતી, જ્યાં વર્ષો અગાઉ મેં મારા જીવનનો કેટલોક સમય ગાળેલો. આ વૃક્ષોને મેં વાવેલાં અને ડોલે ડોલે પાણી સિંચીને ઉછેરેલા.
અંત્યંત નજીકનાં કોઈ સગાં સંબંધીને મળીને વિદાય લેતો હોઉં તેવાં ભાવ સાથે, ને તેઓને વ્હાલ કરી, સજળ નયને ત્યાંથી પગ ઉપાડ્યા, તો મારી પત્ની પણ જાણે પિયરમાંથી વિદાય લેતી હોય તેમ ભાવવિભોર જણાતી હતી.
ખરા બપોરે જો કોઈ માનવીનાં ઘરનો દરવાજો ખખડાવ્યો હોત તો કદાચ 'ઉનાળાના ભર બપોરે ક્યાંથી ટપકી પડ્યાં' તેવું મનમાં બોલી, પીઠ પાછળ મોઢું મચકોડ્યુ હોત, પણ આતો 'વૃક્ષ' એ ક્યારેય પોતાનાં વાવનારને ભૂલે ?
થોડુંક ચાલી, પાછળ નજર કરી તો, વૃક્ષો પોતાની શાખાઓ હલાવી જાણે અમને કહેતાં હતાં કે, 'આવજો ને વધું વૃક્ષ વાવજો !!'
ધરતીનાં છોરું ને પરોપકારના પ્રતીક એવાં વૃક્ષોને ઉગાડીને મેં કોઈ ઉપકાર થોડો કરેલ? જન્મ્યો ત્યારથી મારો ભાર વેઠતી આ વસુંધરા પ્રત્યેની એતો નાનકડી ફરજ માત્ર તો હતી. આ વૃક્ષ જ છે કે જે કાયમ સંબંધ સાચવી જાણે છે, અંતિમ સંસ્કાર વખતે પણ તે કાષ્ટ સ્વરૂપે જરૂર હાજરી પુરાવે છે.
પદ્મશ્રી લેખક આદરણીય શ્રી ગુણવંત શાહે એ સાચું જ કહ્યું છે કે જે વ્યક્તિએ જીવન પર્યંત એક પણ વૃક્ષ વાવીને ઉછેર્યું નથી તે વ્યક્તિ ખરેખર વાંઝણી છે.
તરુવર, સરવર સંતજન ચોથા વરસે મેહ, પરમારથ કે કારજ સૌને ધરિયા દેહ.
(પૃથ્વી દિવસ નિમિત્તે)
સંજય_૨૨_૦૪_૨૦૨૦
slthakker123@gmail.com