Hawelinu Rahashy - 9 in Gujarati Fiction Stories by Priyanka Pithadiya books and stories PDF | હવેલીનું રહસ્ય - 9

Featured Books
Categories
Share

હવેલીનું રહસ્ય - 9



આત્માએ લિપ્તાને ઘર સુધી પહોંચાડી દીધી હતી. હજી પણ એ મૂર્છિત અવસ્થામાં જ હતી. આવી હાલતમાં પણ એની આંખના આંસુ વહેતા જ હતા. હેમિષાબેન આખી રાત એની પાસે જ બેઠા હતા. હવે તો સવાર પડી ગઈ હતી. છતાં લિપ્તા ભાનમાં આવવાનું નામ નહોતી લેતી. હોશમાં આવીને એ તૂટક તૂટક શબ્દો બોલતીને રડતાં રડતાં ફરી બેભાન થઈ જતી. હવે હેમિષાબેનને લિપ્તાની ચિંતા થતી હતી. એમણે આત્માને યાદ કરી. થોડા સમયમાં આત્મા એમની સામે આવી. લિપ્તાની આ હાલત જોઈ આત્મા પણ દ્રવી ઉઠી. આત્માએ મોઢા આગળ હાથ રાખીને કોઈ મંત્ર બોલ્યો. મંત્રના પુરા થતા જ આત્માના હાથમાં એક પાણી જેવું પ્રવાહી દ્રશ્યમાન થયું. આત્માએ પળનો પણ વિલંબ કર્યા વગર એ પ્રવાહી લિપ્તાને પીવડાવી દીધું. લિપ્તાને ભાન આવતું હતું એ જોઈ આત્મા અદ્રશ્ય થઈ ગઈ.

લિપ્તાને સંપૂર્ણપણે હોશ આવી ગયો. એ પહેલાં કરતા થોડી સ્વસ્થ લાગતી હતી પણ એની આંખોનો ધોધ કેમેય કરીને બંધ નહોતો થતો. હેમિષાબેને એના વાંસામાં હાથ પસવારતા પૂછ્યું, "શું થયું બેટા? કેમ આમ કરે છે?" લિપ્તા આ સાંભળી થોડી ડરી ગઈ. થોડીવાર પછી એ બોલી, "મ...મેં કાલે કુ....કૂવામાં કંઈ જોયું." લિપ્તાને આટલી ગભરાયેલી જોઈ હેમિષાબેનને ચિંતા થઈ પણ એ સ્વસ્થતા જાળવતા બોલ્યા, "હા દીકરા મને કહે તો ખરા કે તે એવું શું જોયું?" આ સાંભળી લિપ્તા હેમિષાબેનને વળગીને પહેલા કરતા પણ વધારે રડવા લાગી. હેમિષાબેન ક્યાંય સુધી એને પંપાળતા રહ્યા.

થોડીવારે લિપ્તાએ રડવાનું બંધ કર્યું પણ હજી એના ડૂસકાં શમ્યા નહોતા. એ બોલી, "કૂવામાં મેં મારી જાતને એક જુના જમાનાના ભવ્ય કપડામાં જોઈ. હવેલીના ઈતિહાસમાં જે ચિત્રદિતના કુકર્મો સાંભળ્યા હતા એ બધા એ કૂવામાં કોઈ પિક્ચરના સીનની જેમ જોયા. એમાં વનિષ્કા એ બીજું કોઈ નહિ પણ હું પોતે જ હતી. મારો પાછલો જન્મ વનિષ્કાનો હતો." લિપ્તા લમણે બે હાથ દઈને બોલી, "આ બધું વિચારીને મારું માથું ફાટે છે." આ જોઈ હેમિષાબેન બોલ્યા, "તારો પાછલો જન્મ વનિષ્કાનો હતો એ મને ખબર છે પણ મને એ નહોતી ખબર કે એ વાતની જાણ તને આ રીતે થશે." આ સાંભળી લિપ્તા બોલી, "તમને આ વાત ખબર હતી તો મને અત્યાર સુધી કેમ ના કહી?" હેમિષાબેન જવાબ આપતા બોલ્યા, "બધી વસ્તુનો એક સમય હોય છે. મને આત્માએ તને આ વાત જણાવવાની ના પાડી હતી. હવે તને સમજાયું કે કેમ ફક્ત તું જ પર્વ અને લક્ષવને બચાવી શકે એમ છે? કેમ એ એક વ્યક્તિ તું જ છે કે જે હવેલીમાં પ્રવેશી શકશે?" જવાબમાં લિપ્તા ચૂપ જ રહી. એને ચૂપ જોઈ હેમિષાબેન બોલ્યા, "હું તને બીજી એક વાત કહું છું જે તું નથી જાણતી. આ આત્મા એ બીજું કોઈ નહિ પરંતુ વનિષ્કાના દાદી છે." આ સાંભળી લિપ્તાના ચહેરાના હાવભાવ ન બદલાયા.

બપોર થઈ ગઈ હતી. લિપ્તા એમ જ સવારની શૂન્યમનસ્ક થઈને બેઠી હતી. એનો પાછલો જન્મ જાણ્યા પછી એ જડ બની ગઈ હતી. એ ન તો કંઈ બોલતી હતી કે ન કોઈ બોલાવે એનો જવાબ આપતી. આ જ હાલતમાં એની સામે આત્મા આવી. આત્માને જોતા જ એ એમને બાઝી પડી અને બોલી, "દાદી, મને કંઈ જ નથી સમજાતું કે આ બધું શું થાય છે. દાદી હું લક્ષવ અને પર્વને બચાવી શકીશ?" હવે લિપ્તા માટે આત્મા એના દાદી બની ગયા હતા. એના એ જ પાછલા જન્મના દાદી કે જેમની પાસે એના દરેક પ્રશ્નનો ઉત્તર રહેતો. દાદી બોલ્યા, "હા. તું એમને સમય આવીએ જરૂર બચાવી લઈશ પણ આ સમયે તારે પોતાને જ સંભાળવાની જરૂર છે. તું આ રીતે હિંમત હારી જઈશ તો હાર્દિબેનને કોણ સાચવશે? આ સમય આવી રીતે તૂટવાનો નથી બેટા. તું આવી ત્યારની આમ જ સુનમુન બેઠી છે. હાર્દિબેન પાસે પણ નથી ગઈ. તું એમની પાસે રહે. તું સાથે હોઈશ તો એ જલ્દી સાજા થશે." આમ બોલીને દાદી જતા રહ્યા. લિપ્તાને પણ હવે પહેલા કરતા સારું હોય એમ લાગતું હતું. એનામાં એના દાદીના શબ્દોએ એક અલગ જ શક્તિનો સંચાર કર્યો હતો.

લિપ્તા હાર્દિબેન પાસે ગઈ. હેમિષાબેન પણ ત્યાં જ હતા. લિપ્તાને જોઈને હાર્દિબેન ઉભા થયા. લિપ્તા એમની બાજુમાં બેઠી. હાર્દિબેન બોલ્યા, "લક્ષવ... લક્ષવ મળી જશે ને?" આ સાંભળી લિપ્તા બોલી, "હા મમ્મી, તને મારા પર ભરોસો છે ને? હું કોઈ પણ રીતે પાછો લાવી દઈશ. તું ચિંતા ના કર. તું બસ તારું ધ્યાન રાખ. લક્ષવ તને આવી હાલતમાં જોશે તો એને કેવું લાગશે?" હાર્દિબેન કંઈ ન બોલ્યા. બસ એક હળવી મુસ્કાન આપી. એમનો હસતો ચહેરો જોઈ લિપ્તા પણ ફૂલની માફક ખીલી ઉઠી.

સાંજ થતા લિપ્તા બારી બહાર ઉભી હતી. ફરી વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. એને કંઈ યાદ આવ્યું હોય એમ એ જલ્દી જલ્દી ચાલતી - લગભગ દોડતી જ ગામના પાદરે પહોંચી. આંખો બંધ કરીને એણે એના દાદીને યાદ કર્યા. દાદી એની સામે આવ્યા. આ જોઈ લિપ્તા ખુશ થઈ. એ બોલી, "હવે હું આ હવેલીમાં જઈ શકું ને?" આ સાંભળી એના દાદી બોલ્યા, "ના બેટા. હવે જ્યારે અમાસ આવશે ત્યારે તારે ફરી મહેલમાં જવું પડશે. આ વખતે હું તારી સાથે નહિ આવી શકું. હવે પછીનો બધો જ માર્ગ તારે એકલીએ કાપવાનો છે. હવેથી હું માત્ર તારી માર્ગદર્શક જ બની શકીશ." લિપ્તા આશ્ચર્યના ભાવ સાથે બોલી, "કેમ? મારે ફરી મહેલમાં કેમ જવું પડશે?" દાદીએ જવાબ આપ્યો, "હજી તને આ હવેલીમાં જવાનો રસ્તો નથી ખબર. એ માટે તારે મહેલમાં જવું પડશે અને ગ્રંથમાંથી એ રસ્તો શોધવો પડશે." પછી લિપ્તાના બાજુબંધ તરફ નજર નાખી દાદીએ કહ્યું, "આ બાજુબંધના લીધે તું અંદર તો સરળતાથી પહોંચી જઈશ પણ એ ગ્રંથના વાંચન સમયે તારે ખૂબ જ સાવધાની રાખવી પડશે." દાદીએ એક ઊંડો નિઃસાસો નાખ્યો.

ચિંતાતુર અવાજે દાદીએ કહ્યું, "લિપ્તા, તું જલ્દી ઘરે જા. મને લાગે છે કે હવેલીમાં લક્ષવ અને પર્વ સાથે કંઈ ન થવાનું થઈ રહ્યું છે. હું તને હવે કાલે મળીશ." લિપ્તાના પ્રત્યુત્તરની રાહ જોયા વિના દાદી અદ્રશ્ય થઈ ગયા. એ જલ્દી હવેલીએ પહોંચ્યા. થોડી પણ વાર કર્યા વગર જલ્દીથી એમણે લક્ષવ અને પર્વના ઓરડા તરફ ડગ માંડ્યા. એ ત્યાં પહોંચે એ પહેલાં જ એમને અવાજ સંભળાયો. એમણે જોયું તો ચિત્રદિતની આત્મા એમણે લગાવેલું સુરક્ષાકવચ તોડવાનો પ્રયત્ન કરતો હતો. એમણે મનોમન ભગવાનને કવચ સલામત રહે એવી પ્રાર્થના કરી. ચિત્રદિતને એ રોકી શકે એમ નહોતા કારણ કે જો ચિત્રદિતને એમના હોવાની જાણ થાય તો એ કંઈ એવું પગલું ભરે કે જેનાથી લિપ્તાને નુકસાન થાય. લિપ્તાની પોતાનો પાછલો જન્મ જોયા પછી શું હાલત થઈ એ જાણ્યા પછી તો એ બિલકુલ નહોતા ઈચ્છતા કે આ જન્મમાં ચિત્રદિત લિપ્તા સાથે કંઈ પણ ખોટું કરે. જો આ જન્મમાં ભૂલથી પણ કંઈ ન થવાનું થશે તો લિપ્તાનું શું થશે એ વિચાર જ એમને ડરાવી દેવા માટે પૂરતો હતો.

શું ચિત્રદિત સુરક્ષાકવચ તોડવાના પ્રયત્નમાં સફળ થશે? જો એ સફળ થઈ ગયો તો લક્ષવ અને પર્વનું શું થશે? લિપ્તા બીજીવાર મહેલ જવાની હિંમત કરી શકશે? જો હવે એ મહેલમાં જશે તો ત્યાં એને હવેલીની અંદર જવાનો માર્ગ મળશે? આ બધા સવાલના જવાબ જાણવા વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."