Lakhva vishe in Gujarati Motivational Stories by Sagar books and stories PDF | લખવા વિશે...

The Author
Featured Books
Categories
Share

લખવા વિશે...

લખવા વિશે......

છેલ્લા ઘણા સમયથી કશુંક લખવા વિષે વિચારું છું, પણ શું લખવું, કેવા પ્રકારનું લખવું, ક્યાંથી શરૂઆત કરવી, કયા વિષય ઉપર લખવું એની પણ દ્વિઘા છે. એટલે વિચાર્યું કે લાવને લખવા માટેની આ મનની મથામણ જ લખી નાખું.

અભ્યાસક્ર્મના વર્ષો પુરા કર્યાં પછી ફક્ત કામકાજ પૂરતું જ લખવાનું થતું, ક્યારેય કોઈ સર્જનાત્મક પ્રકારનું કે એવું કઈ લખવાનો અનુભવ જ નથી એટલે તો આટલી મુંજવણ છે. કહે છે કે લખવા માટે તો માં સરસ્વતીદેવી ની કૃપા હોઈ તો જ લખી શકાય, પણ એવું કઈ થોડું હોય કે સરસ્વતીદેવી તેની કૃપા અમુક ઉપર જ રાખે અને બાકીનાને બાકાત રાખે? ના ભાઈ ના, માતાના આશીર્વાદ તો બધા ઉપર સરખા જ હોઈ જો આપણે સાચા મનથી પ્રાર્થના કરીએ અને ખંતપૂર્વક મેહનત કરીએ.

વાંચનના બહોળા શોખને કારણે જ લખવાની અદમ્ય ઈચ્છા થઇ આવી છે, બીજા લેખકોના પુસ્તકો વાંચતા થાય છે કે શું આ લોકોંને લખવાની કળા આત્મસાત જ હશે કે પછી એમને પણ બીજી બધી કળાઓની જેમ લેખનકળાને પણ વિકસાવી હશે? શું તેમને પણ મારા જેવી લખવા વિશેની દ્વિઘા શરૂઆતમાં થઇ હશે? શું મારા જેવીજ દ્વિઘા અન્ય લોકોંને પણ થતી હશે? થતી જ હશે પણ મને લાગે છે કે એ લોકોએ કાંઈક વિષય નક્કી કરીને લખવાની શરૂઆત કરીને દ્વિઘાને પાર કરી ગયા હશે. કેમકે ક્યાંક વાંચેલું યાદ આવે છે કે લેખક અને અન્ય લોકોમાં તફાવત એ છે કે લેખક કોઈ પણ રીતે લખીને પોતાનું સર્જન કરી બતાવે છે.

મને લાગે છે કે લખવાની શરૂઆત માટે અમુક લોકો બીજા લોકોને પોતાનું લખાણ કેવું લાગશે? મારુ લખાણ વાંચશે કે નહીં? મારુ લખાણ વાંચીને મારા વિષે શું વિચારશે? વ્યાકરણ કે જોડણીની ભુલ તો નહિ થાય ને? આવા પ્રકારના ભયને લીધે જ અટકી જતા હોય છે. પણ મારે તો આ બધા ભયોને હડસેલીને કાંઈક તો લખવું જ છે એવો દ્રઢ નીર્ધાર કરીને જ આ લખવા બેઠો છું. કોઈને મારુ લખાણ પસંદ પડે કે ના પડે એ તો બહુ પછીની વાત છે પણ એ પહેલા મારે કાંઈક તો સારું એવું લખી બતાવવું જોઈએ.

શા માટે લખવું જોઈએ? એ માટેનું મજબુત કારણ તો નથી મારી પાસે, પણ આને શોખ કહો કે ઘેલછા કહો મારે તો લખવા માટે એ કેળવવી જ છે. પોતાની જાતને નજીકથી ઓળખવી હોય તો લખવાની શરૂઆત કરી દો એ વિચાર જ લખવા માટેનું સબળ કારણ જણાય છે. એક પ્રખ્યાત લેખકના શબ્દોમાં કહીએ તો 'લખવું એ ફક્ત પૈસા બનાવવા માટે કે પ્રખ્યાત થવા માટે જ નથી,પણ અંતમાં તો એ જ મહત્વનું છે કે તમારું લખાણ વાંચીને તમે કેટલાના જીવનને સ્પર્શ કર્યો, ખુદ તમારા જીવનને પણ.' લખવાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે એ હકીકત તો અત્યારે જ તાદૃશ્ય થાય છે.

આમતો આખા-આખા પુસ્તક લખવાની ઈચ્છા થાય છે, પણ આટલું લખતા જ સમજમાં આવી ગયું છે કે ઈચ્છા રાખવી સહેલી વસ્તુ છે ને એને અમલમાં મુકવી અઘરું છે. હવે લખવું જ છે તો કયા પ્રકારનું લખું એવો પ્રશ્ન થાય છે? વાર્તા, કવિતા, નિબંધ, નવલકથા, પ્રવાસવર્ણન, પ્રેરણાત્મક લેખો, લઘુકથાઓ, માઈક્રોફિકશન એવું એવું તો ઘણા પ્રકારનું છે, પણ મને લાગે છે કે આ બધામાંથી કોઈની શરૂઆત કરતા પહેલા લખવા માટેની મનની આ મથામણ જ લખી નાખવી જોઈએ.

વિષય વિશેની વધારે મથામણ કરીશ તો કાંઈ સુઝશે જ નહિ એના કરતા તો બહેતર છે કે સૌપ્રથમ તો મારા વિશે, મારા વિચારો વિશે, મારા અનુભવો, મારા જીવન વિશે, મારી આસપાસનું વાતાવરણ, મારા મિત્રો, મારો પરિવાર આ બધા વિશે લખવાનું શરુ કરી દઉં જેથી ધીરે-ધીરે સ્પષ્ટતા આવતી જાય અને લખવાનો કાઈંક મહાવરો પણ થાય. હવે લખવા વિશે વધારે લખીશ તો આ લેખ જ લંબાતો જશે અને તમને પણ જો મારી જેમ જ લખવાની મૂંઝવણ હશે તો તમે પણ આ લેખ વાચીંને લખવા માટે ઉતાવળા થતા હશો માટે અત્યારે તો કલમ અટકાવું છું. અને હા, આ લેખ પૂરો કર્યો છે મારુ લખવાનું નહિ....લખીને પણ કાંઈક સારું સર્જન કરવા માટે તમને બધાને ALL THE BEST....