Pentagon - 7 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૭

Featured Books
Categories
Share

પેન્ટાગોન - ૭


(કબીર કૂવાની બહાર આવ્યો અને એણે સનાની ફિલ્મ માટે મદદ કરવાનું કહ્યું. આ વખતે કબીરની સાથે બીજા મિત્રોને પણ દીવાલ પર રહેલું ચિત્ર સાચુકલું બની ગયેલું દેખાયું અને ફરીથી કબીર એકલો ચાલી નીકળ્યો હતો...)
સાગર, રવિ અને સન્ની કૂવા પાસે પહોંચ્યા ત્યારે કબીરે કૂદકો મારી દીધો હતો. એ લોકોની એક પણ બૂમ કબીરે સાંભળી ન હતી. બધા કૂવાની પાળી પાસે ઊભા ઊભા નીચે જોઈ રહ્યા હતા. પાણીમાં પડેલો કબીર હવે પૂરા ભાનમાં હતો અને તરતો તરતો આ બધાની સામે જોઈ રહ્યો હતો.

“જોઈ શું રહ્યા છો ટોપાઓ? દોરડું ફેંકો." કબીર ચિલ્લાયો.

“પહેલા તું એ કે ટણપા તારે કેટલી વખત ન્હાવાનું છે? એ પણ આમ સીધો કૂવામાં ધુબાકો મારીને?" રવિએ પૂછ્યું.

“આજે ને આજે જ તે આ બીજી વખત કૂવામાં જંપ માર્યો. પાગલ થઇ ગયો છે?" સાગર બોલ્યો.

“મને નક્કી કંઈ ગરબડ લાગે છે. આની ઉપર કોઈ સાયો છે કે એના શરીરમાં કોઈ બીજી આત્મા!" સન્નીએ અટકી અટકીને કહ્યું.

“ચૂપ કર તું પણ યાર. આના શરીરમાં બીજી આત્મા! વૉટ નોનસેન્સ? આના શરીરમાં બીજાની આત્મા આવી ગઈ તો એની આત્મા ક્યાં ગઈ? તું છે ને આ ભૂતો વાળી વેબ સિરીઝ જોવાનું બંધ કર." રવિએ સન્નીને ટોક્યો.

“સલાઓ બહાર આવીને એક એકને ફટકારીશ દોરડું નાખો.." કબીર રાડ પાડીને કહી રહ્યો.

“એક કામ કર હવે સન્ની આ દોરડું અહીંયા કૂવામાં જ લટકાવી રાખ અને એનો એક છેડો આ ગરગડી એ બાંધી રાખ. ફરીથી આ અંદર કૂદી પડે તો આપણી જરૂર ના પડે એ એની મેળે જ બહાર આવી જશે." સાગરે કહ્યું અને ત્રણેય જણાં હસી પડ્યા.

એ બધાએ આસપાસ નજર નાખી અને પેલું દોરડું શોધ્યું. એ અત્યારે પણ એ જ જગ્યાએ પડ્યું હતું જ્યાંથી પહેલી વાર સાગરે એને ઉઠાવેલું, એ જ ડોલ સાથે. આ વખતે રવિએ ડોલ ઉઠાવી લાવ્યો અને સાગરને બતાવતા કહ્યું, “આ ડોલ પહેલી વખત કૂવામાં ફેંકી ત્યારે એમાં જે માટી અને કચરો હતો એ અત્યારે પણ છે. કબીરને બહાર કાઢવા આ ડોલ કૂવામાં ફેંકેલી તો એ ધોવાઇ કેમ ના ગઈ?"

સાગરે એ જાડા દોરડાને હાથમાં લેતાં કહ્યું, “આ રસ્સી જો એ જરાય ભીની નથી! આટલું જાડું દોરડું કલાકમાં સુકાઈ ગયું?"

“અલ્યા ક્યાં ચાલ્યા ગયા બધા?" કબીર ફરી બૂમ પાડી ઉઠ્યો.

“લે મારા બાપ પકડ..." રવિએ ડોલ સાથે દોરડું કૂવામાં ધીરે ધીરે લંબાવ્યું અને એ પકડી કબીર બહાર આવ્યો.

“વાત શું છે ભાઈ? તું કંઈ છુપાવતો તો નથી ને!" સાગરે પૂછ્યું.

“પહેલા કપડાં બદલીલે પછી વાત કરીએ." સાગરે કહ્યું અને બધા પાછા અંદર આવ્યા.

કબીર નવા કપડાં પહેરી નીચે આવ્યો ત્યારે જમવાનું તૈયાર છે એવી સૂચના આપવા રઘુ આવી ગયો હતો. બધા ભૂખ્યા થયા હતા. જમ્યા પછી વાત કરીએ એમ નક્કી કરી બધા ટેબલ પર ગોઠવાયા. આજે રસોઈમાં રઘૂની મદદ કરવા એક સ્ત્રી આવેલી. એણે ઢોકળીનું ચટાકેદાર શાક બનાવેલું. આજ સુધી ચારેય મિત્રોમાંથી કોઈએ આ શાક નહતું જોયું. એમને આ ગમેલું. સાથેની બીજી વાનગીઓ પણ સારી હતી પણ આ શાકનો ટેસ્ટ કંઇક અલગ જ હતો.

“આ અમારા રાજસ્થાનની પ્રખ્યાત ડીશ છે. તમે લોકોએ કદાચ પહેલી વાર ટેસ્ટ કરી. આજે જે બાઈએ આ શાક બનાવ્યું એ રાજસ્થાનથી હમણાં જ અહીં આવી છે એટલે એણે ત્યાંની ટ્રેડિશનલ ડીશ બિલકુલ રાજસ્થાની ટેસ્ટ પ્રમાણે બનાવી છે!" સનાએ માહિતી આપી અને બધાની ડિશમાં બીજું શાક પરોસવા રઘુને ઈશારો કર્યો.

“રાજસ્થાની ટેસ્ટ એટલે? તમે લોકો અમારા કરતા કંઈ અલગ ખાઓ છો?" રવિએ સવાલ કર્યો.

“ટ્રેડિશનલ રાજસ્થાની ડીશ લાલ ચટ્ટક હોય. અમને લોકોને તીખી તમતમતી અને ભરપૂર ખડા મસાલા વાળી ગ્રેવી ગમે. એ પણ પકવવાની દેશી ઘીમાં." સના આ કહી રહી હતી ત્યારે જ એનું ધ્યાન કબીર તરફ ગયું.

“કબીર હમણાં તે બ્લૂ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલું હતું, રાઇટ? એ યલ્લો ટી શર્ટ અને બ્લેક ટ્રાઉઝર કેવી રીતે બની ગયું?"

બધા લોકો એકબીજાની જોઈ રહ્યા. સનાની સામે વાત કરવી કે નહીં એ વિચારી રહ્યા. એ લોકોની મુંઝવણ જોઈ કબીરે જ વાત ચાલુ કરી.

“હું હમણાં ફરીથી કૂવામાં પડી ગયેલો!"

“ઓહ્ માય ગોડ! પહેલી વખત શું થયેલું? મતલબ કૂવાની પાળી એટલી નીચી નથી કે કોઈ એની મેળે અકસ્માતે અંદર પડી જાય!" સનાએ કબીર સામે આશ્ચર્યથી જોતા કહ્યું.

“હું મારી મેળે એમાં કૂદી ગયેલો." કબીર આટલું બોલીને ચૂપ થઈ ગયો. એ કંઇ વિચારી રહ્યો હતો. કોઈને એને ખલેલ પહોંચાડવી યોગ્ય ન લાગી અને બધા ચૂપ રહ્યા. થોડીક મિનિટના મૌન બાદ કબીરે એની વાત શરૂ કરી.

“કાલે રાત્રે અમે લોકો જંગલમાંથી પાછા આવ્યા ત્યારથી મને એક યુવતી દેખાય છે. ખૂબ સુંદર છે એ યુવતી. હું એની સામે જોઉં ને જાણે કોઈ સપનામાં ચાલ્યો જાઉં છું. એની પાછળ પાછળ ચાલવા લાગું છું. હું મારા હોશમાં જ નથી હોતો. બસ એ યુવતીને નીરખ્યા કરવાનું જ મન થાય. એ મને પેલા કૂવા પાસે લઈ જાય છે અને એ એની અંદર ઉતરી જાય છે. એની પાછળ હું પણ કૂવામાં ઝંપલાવી દઉં છું અને પછી તરત એ યુવતી દેખાતી બંધ થઈ જાય છે. હું ભાનમાં આવી જાઉં છું અને મારી જાતને કૂવાના ઠંડા પાણીમાં જોઈ નવાઈ પામુ છું. મને નથી ખબર એ યુવતી કોણ છે. આજ સુધી મેં એને ક્યારેય નથી જોઈ પણ મને એવું લાગે છે જાણે હું એને ઓળખું છું. વરસોથી હું એ ચહેરો જોતો આવ્યો છું." કબીર હાલ પણ બોલતા બોલતા એ ચહેરામાં ખોવાઈ ગયો.

“દેખ ભાઈ આ જે કંઈ પણ આપણી સાથે ઘટી રહ્યું છે એ મને બરાબર નથી લાગતું. આપણે જેમ બને એમ જલદી અહીંથી નીકળી જવું જોઈએ." રવિએ કહ્યું.

“મને રવિની વાત યોગ્ય લાગે છે. આમેય આપણે જે વાઘનો શિકાર કરવા અહીં આવેલા એ તો છે નહિ!" સન્નીએ કબીર અને બાકીના બધા સામે નજર કરતા કહ્યું.

“ખાલી આજની રાત રોકાઈ જાઓ. મારી ફિલ્મ પૂરી થઈ જાય એટલે ચાલ્યા જજો." સનાએ વિનંતી કરતી હોય તેવી રીતે કહ્યું.

“અહીંયા અમારા ભાઈબંધને આટલી તકલીફ પડી રહી છે અને તને બસ તારી ફિલ્મની પડી છે? આમ જોવા જઈએ તો આ બધું તારા કારણે જ ઉભુ થયેલું છે. તે જ કબીર સુધી ખોટી માહિતી પહોંચાડી અને અમે લોકો અહીં આવ્યા." ક્યારનોય ચૂપ બેસી બધાની વાતો સાંભળી રહેલો સાગર અચાનક ઉશ્કેરાઈ ગયો હતો.

“આ બધું મારે લીધે નહિ તમારી લાલચને કારણે થયું છે! વધારે શક્તિ, વધારે પાવર મેળવવા તમે લોકો છેક આટલે સુધી લાંબા થયા છો. મેં તમને સીધું કહ્યું હોત કે આવી કોઈ ફિલ્મના શૂટિંગ માટે મારે તમારી જરૂર છે તો કોઈ આવ્યા હોત?" સના પણ થોડું ગરમ થઈને બોલી ગઈ.

“હશે એ જે હોય તે હવે અમારે અહીંયા નથી રોકાવું. તું તારી ફિલ્મ ગામમાંથી કોઈ માણસોને બોલાવીને પૂરી કરી લેજે." રવિએ કહ્યું અને ઊભો થઈ ગયો, “ચાલો યાર સમાન લઈને આવી જાઓ, આપણે હાલ જ અહીંથી નીકળી જઇશું."

“તમે લોકો અહીં આવ્યા ભલે તમારી મરજીથી પણ જશો મારી મરજીથી." સના વિચિત્ર રીતે બધા સામે જોતી, મલકતી બોલી રહી હતી. અત્યાર સુધી સુંદર અને માસૂમ લાગતી એ અત્યારે ચારેયને ધૃણાજનક લાગી રહી હતી.
“એટલે તું અમને ધમકી આપી રહી છે?" સાગરે તિરસ્કાર પૂર્વક પૂછ્યું.

“જરાય નહીં. હું તો બસ કહી રહી છું કે આજની રાત રોકાઈ જાઓ કાલે ચાલ્યા જજો..." સના આટલું કહીને બહાર ચાલી ગઈ.

“હિંમત જોઈ આની? એકલી છોકરી થઈને આપણને ચાર છોકરાઓને ધમકાવી ગઈ!" સાગર હજુ ગુસ્સામાં હતો.

“એ અહીંની રાજકુમારી છે. આ મહેલ ભલે આપણે ખરીદી લીધો પણ અહીંની પ્રજા માટે સના જ એમની માલિક છે અને એના એક ઇશારે એ લોકો આપણને રોકી શકે છે." કબીરે કહ્યું.

“ઠીક છે ને યાર આજની રાત રોકાઈ જવામાં શું વાંધો. એની ફિલ્મ પૂરી કરાવીને કાલે વહેલી સવારે નીકળી જઈએ તો?" સન્નીએ સુઝાવ આપ્યો.

“તને કબીરની હાલત નથી દેખાતી? એ પોતાના કહ્યામાં જ નથી હોતો. ફરીથી કદાચ એને પેલી યુવતી દેખાય અને ધાર કે કૂવાને બદલે કશું બીજું કરવા કહે, આગમાં કૂદી જવાનું કે નસ કાપી નાખવાનું તો? તને સાલા રૂપાળી છોકરી સિવાય બીજું કશું દેખાતું જ નથી?" રવિએ સન્નીને ઝાટકી નાખ્યો.
બધા લોકો ઉપર એમના રૂમમાં ગયા અને એમની બેગ પેક કરીને આવી ગયા. મહેલમાં કોઈ દેખાઈ નહતું રહ્યું. સના અને રઘુ બંને ક્યાંક બહાર ગયા હોય એવું લાગતું હતું. મુખ્ય દરવાજે દરવાન ઊભો હતો અને બહાર બગીચામાં માળી પાણી છાંટી રહ્યો હતો એ સિવાય ત્યાં કોઈ નહતું.
ચારેય ભાઈબંધ એમની ગાડીમાં ગોઠવાઈ ગયા. બધો સામાન ડેકીમાં નાખી પાછલી સીટ પર રવિ અને સન્ની બેઠા, ડ્રાઇવરની જગ્યા કબીરે લીધી અને એની બાજુમાં સાગર ગોઠવાયો. કબીરે ગાડી ચાલું જ કરી હતી કે પાછળથી એક બાઈ જેણે એનો ચહેરો ઘૂંઘટમાં ઢાંકી રાખેલો એ ઝડપથી ચાલતી આવી રહેલી સાઈડના મિરરમાં દેખાઈ. એણે હાથ ઉપર કરી કબીરને રોકાઈ જવા ઈશારો કર્યો અને કબીર ના છૂટકે ઘડિકવાર ઊભો રહ્યો. એ બાઈ ગાડીની પાસે આવી અને એનું ઘૂંઘટ હટાવી, પાલવમાં છુપાયેલો હાથ બહાર કાઢ્યો. એ હાથમાં એક ટિફિન પકડેલું હતું જે એણે કબીર તરફ લંબાવ્યું.

“રસ્તામાં દૂર સુધી કોઈ હોટલ નહિ મળે. આમાં ખાવાનું છે!" એ બાઈએ કબીર સામે જોઈને કહ્યું.

“ઓહ્.. થેંક્યું!" કબીર બોલ્યો અને ટિફિન લઈ બાજુમાં સાગર તરફ લંબાવ્યું. એ સ્ત્રી કબીર સામે જોઈને હસી રહી હતી. કબીરે પણ આછી સ્માઇલ આપી અને ગાડી આગળ વધારી. હજી સાઇડ મિરરમાં એ સ્ત્રી દેખાઈ રહી હતી. કબીરે ધ્યાનથી જોયું તો આ એ જ યુવતી હતી જે એને દેખાતી હતી. એનું મગજ ચકરાવે ચઢ્યું. પહેલા એને જોઈ ત્યારે કેમ એવું ના લાગ્યું અને હવે એ પેલી અજાણી યુવતી જેવી જ દેખાઈ રહી છે! ગાડી ખાસી આગળ નીકળી ગઈ છતાં સાઇડ મિરરમાં એ યુવતીનો ચહેરો એવો ને એવો જ દેખાઈ રહ્યો હતો. મહેલના મુખ્ય દરવાજાની બહાર નીકળતા જ ગાડી ડાબી બાજુ વળી ગઈ હતી છતાં સાઇડ મિરરમાં પેલી યુવતીનો હસતો ચહેરો દેખાઈ રહ્યો હતો.

કબીરને નવાઈ લાગી અને એણે પાછળ નજર કરી. પાછળ દૂર દૂર સુધી કોઈ માણસ નહતું અને છતાં સાઇડ મિરરમાં એ રહસ્યમય યુવતી મલકાતી દેખાઈ રહી હતી. કબીર સહેજ ગભરાયો હતો અને એનો સ્તિયરિંગ પરથી કંન્ટ્રોલ ગયો. ઝાટકા ભેર ગાડી રસ્તાની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતી. આગળનું બોનેટ ખુલી ગયેલું. એક હેડ લાઈટ તૂટી ગયેલી. કબીરે હિમંત હાર્યા વગર આગળ વધવાનો નિર્ણય કર્યો. એના સિવાયના ત્રણે જણાએ એને શાંતિથી ચલાવવા અને ગાડીના રોકાવા સલાહ આપી. કબીરે સેલ માર્યો પણ ચાવી ફરવાની સાથે એન્જિન ચાલું ના થયું. એણે ફરી ફરીને પ્રયત્ન કર્યો પણ ગાડી સ્ટાર્ટ જ ના થઈ...

“ચાલું નથી થઈ રહી!" કબીરે કહ્યું.

“મતલબ આજની રાત અહીંયા રોકાવું જ પડશે?" સન્નીએ પૂછ્યું એ હવે ખરેખર ગભરાઈ રહ્યો હતો. હાલ જ એક જીવલેણ અકસ્માત થતાં થતાં રહી ગયો હતો.

“આપણે અત્યારે પાછા જઇશું અને સનાની બધી વાત માની લઈશું. એની ફિલ્મ માટે એક્ટિંગ પણ કરી લઈશું. એને રાજી રાખી એની જ મદદ લઇ ગાડી ઠીક કરાવી કાલે સવારે ગમે તે ભોગે અહીંથી નીકળી જઇશું." રવિએ આગળનો પ્લાન જણાવ્યો.

“કબીર તું એકલો ના પડતો. અમારી સાથે ને સાથે જ રહેજે અને આપણે પણ ધ્યાન રાખીશું કે કબીર આપણી વચ્ચેથી જરાય આઘોપાછો ના થાય." સાગરે કહ્યું.

ચારેય જણા ગાડીની બહાર આવ્યા ત્યારે ત્યાં રઘુ આવી રહેલો દેખાયો. એ લોકો નીકળ્યા ત્યારે રઘુ મહેલમાં નહતો અને અત્યારે એ મહેલમાંથી જ એમની તરફ આવી રહ્યો હતો. એણે આવતા જ સહેજ મલકાઈને કહ્યું,

“તમે મહેલમાં પધારો માલિક સમાન હું લઈ આવું છું!"