Antim Vadaank - 1 in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 1

Featured Books
Categories
Share

અંતિમ વળાંક - 1

અંતિમ વળાંક

પ્રકરણ ૧

રન-વે પર દોડીને એરક્રાફ્ટ દસ હજાર ફીટ કરતા પણ વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી ચૂક્યું હતું. લંડનથી ઉપડેલું પ્લેન દુબઈ અને અમદાવાદ વચ્ચે ઉડી રહ્યું હતું. પેસેન્જર્સ સીટબેલ્ટ ખોલવા લાગ્યા. ઈશાને પણ સીટબેલ્ટ ખોલીને રાહતનો શ્વાસ લીધો. સામેથી ખૂબસુરત એરહોસ્ટેસ પેસેજમાં ચા કોફીની ટ્રોલી લઈને આવી રહી હતી. ઈશાનની સીટ નજીક આવીને તેણે ટ્રોલી ઉભી રાખી. ઇશાનની સામે જોઇને તેણે સ્મિત વેર્યું. ઇશાન જાણતો હતો કે એરહોસ્ટેસનું સ્મિત તેના યુનીફોર્મનો જ એક ભાગ છે.

“ટી ઓર કોફી ?” એરહોસ્ટેસે મધુર અવાજે પૂછયું.

“કોફી” ઈશાને જવાબ આપ્યો.

એરહોસ્ટેસ ઈશાનને કોફી આપીને આગળ નીકળી ગઈ. ઈશાનને ઉર્વશી યાદ આવી ગઈ. લગભગ દોઢ દાયકા પહેલાં આવી જ રીતે મુંબઈથી લંડન જતી ફ્લાઈટમાં બાવીસ વર્ષની ઉર્વશીનો પરિચય થયો હતો. ઇશાન ત્યારે પચ્ચીસનો હતો. તે દિવસે ઇશાન ઉર્વશી સામેથી નજર હટાવી શક્યો ન્હોતો. ઇશાન છેલ્લા ત્રણેક વર્ષથી તેના ફોટોગ્રાફીના વ્યવસાયને કારણે અમદાવાદ છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. ઈશાને અઢળક એડ. ફિલ્મોના શૂટિંગ કર્યા હતા. કેટલીયે અર્ધનગ્ન સ્ત્રીઓને કેમેરામાં કેદ કરી હતી પરંતુ ઇશાનનું મન કે તન ક્યારેય લપસ્યું ન્હોતું. ઇશાન માટે તેની ફોટોગ્રાફી માત્ર કલા જ ન્હોતી બલ્કે સાધના હતી... તપસ્યા હતી. તે દિવસોમાં ઈશાનની સ્વપ્નીલ આંખોમાં ફોટોગ્રાફીના ફિલ્ડમાં વર્લ્ડ લેવલે છવાઈ જવાનું સ્વપ્ન હતું. યુવાન ઈશાનને ખુદના હેન્ડસમ લૂકને કારણે મોડેલીંગની લલચામણી ઓફરો પણ મળતી રહેતી. ફોટોગ્રાફીમાં જ નામ કમાવવાની મહત્વકાંક્ષાને કારણે ઇશાન તે ઓફર ક્યારેય સ્વીકારતો નહિ. માણસના જીવનમાં જયારે ગોલ નક્કી હોય ત્યારે તે કોઈ પણ પ્રલોભનથી ક્યારેય લલચાતો નથી.

સુંદર ઉર્વશીને જોઇને ઇશાન તેના પર મોહી પડયો હતો. કાશ જો ઇશાનના હાથમાં કેમેરો હોત અને પ્લેનમાં ફોટોગ્રાફીની પરવાનગી હોત તો અત્યાર સુધીમાં તો તેણે ઉર્વશીના કેટલાંય ફોટા પાડી લીધા હોત ! જોકે ઈશાને તેની આંખોના લેન્સમાં તો ઉર્વશીને કાયમ માટે કેદ કરી જ લીધી હતી. ઇશાન વિચારી રહ્યો... લોકો આને જ લવ એટ ફર્સ્ટ સાઈટ કહેતા હશે ? ઇશાન ક્ષણ બે ક્ષણ માટે પણ ઉર્વશી સામેથી નજર હટાવી શક્યો નહોતો. ઉર્વશી જયારે કોરીડોરમાં દેખાતી બંધ થઇ ત્યારે ઈશાને આંખ બંધ કરી હતી. પણ આ શું ? બંધ આંખમાં પણ ઈશાનને ઉર્વશીનો રૂપાળો ચહેરો દેખાઈ રહ્યો હતો. ઈશાનની આંખમાં ઉંઘનું સ્થાન ઉર્વશીએ લઇ લીધું હતું. હિથ્રો એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું ત્યારે બહાર નીકળવાના ગેટ પાસે ઉર્વશી મનમોહક સ્મિત સાથે બંને હાથ જોડીને દરેક પેસેન્જરનું અભિવાદન કરતી ઉભી હતી. પ્લેનમાંથી ઉતરવા માટે ઇશાન જાણી જોઇને સૌથી છેલ્લો જ રહ્યો હતો. ઇશાન ઉર્વશીની બરોબર સામે આવ્યો ત્યારે બંનેની આંખો મળી હતી. ઉર્વશીના બંને ગાલમાં પડતાં ખંજનને જોઇને ઇશાન લગભગ ઘાયલ થઇ ગયો હતો. ઇશાને પણ બંને હાથ જોડીને સસ્મિત ચહેરે એકદમ શાલીનતાથી પૂછયું હતું “મેમ, આર યુ ગુજરાતી ?” જવાબમાં ઉર્વશી ખડખડાટ હસી પડી હતી. ઈશાને નોંધ્યું કે ઉર્વશીના સ્મિતમાં જે ફોર્માલીટી હતી તે આ મુક્ત હાસ્યમાં નહોતી. દૂધ જેવી સફેદ દંતપંક્તિઓ તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.

“સર, હું ગુજરાતી છું તે તમને કેવી રીતે ખબર પડી?” ઉર્વશીએ ગુજરાતીમાં જવાબ આપીને ઇશાનને ખુશ કરી દીધો હતો.

“બસ.. એમ જ. મને લાગ્યું કે તમે ગુજરાતી છો... બાય ધ વે મારું નામ ઇશાન ચોક્સી છે”. ઈશાને જમણો હાથ આગળ લંબાવ્યો હતો.

ઉર્વશીએ બંને હાથ જોડેલી મુદ્રામાં જ કહ્યું હતું “માય નેઈમ ઇઝ ઉર્વશી જાની”

ઈશાને તેનો લંબાવેલો જમણો હાથ પાછો ખેંચીને કહ્યું હતું. ”ઉર્વશી.. વાહ ખૂબ સરસ નામ છે. પ્લીઝ ગુજરાતીમાં બોલોને... મને અહીં વિદેશની ધરતી પર ગુજરાતી ખૂબ જ સારું લાગે છે”

“ઓકે સર. મારું નામ ઉર્વશી જાની છે .. બસ ?” ઉર્વશીએ પોતાના બંને હાથ સ્ટાઈલથી નીચે તરફ જતી સીડી તરફ દર્શાવીને કહ્યું હતું. જેનો સીધો સાદો અર્થ એવો થતો હતો કે ઈશાને હવે નીચે ઉતરવું જોઈએ.

“ઉર્વશી, પેસેન્જર્સ લાઉન્જમાં તમારી રાહ જોઉં છું”

“સર,મને વાર લાગશે”.

“નો સર પ્લીઝ... મારું નામ ઇશાન છે. મારે બિલકુલ ઉતાવળ નથી. હું તમારી રાહ જોઇશ”.

“ઇશાન, મારે ખરેખર વાર લાગશે”. ઉર્વશીના મોઢામાં ખુદનું નામ સાંભળીને ઇશાનની હિંમતમાં ઔર વધારો થયો હતો. “હું તમારી રાહ જોઇશ.... આખી જિંદગી સુધી. માઈન્ડ વેલ ઉર્વશી, ધીસ ઈઝ નોટ ફલર્ટઈંગ” ઈશાને ઉર્વશીની આંખમાં આંખ પરોવીને કહ્યું હતું. જવાબમાં ઉર્વશી માત્ર “ઓકે” એટલું જ બોલી શકી હતી. ચેકીંગની વિધિ પતાવીને ઇશાન સોફા પર બેસીને ઉર્વશીની રાહ જોવા લાગ્યો. ઠંડીનું પ્રમાણ ખાસ્સું હતું. ઈશાને ગરમ શૂટ પહેર્યો હતો તો પણ તેને ઠંડી લાગી રહી હતી. બંને હથેળીઓ ઘસતાં ઘસતાં તે શરીરમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રયત્નો કરી રહ્યો હતો. ઇશાન પહેલીજ વાર લંડન આવ્યો હતો. સ્વાભાવિક રીતેજ ઉંચા ઉંચા એસ્કેલેટર્સ મારફતે અવર જવર કરી રહેલા વિદેશી પેસેન્જર્સ તરફ તેનું ધ્યાન ખેંચાતું હતું પણ તેનું મન તો ઉર્વશીમાં જ અટકેલું હતું. મેરેલીન મનરો જેવા સ્મિત વાળી ઉર્વશી જેવી ખૂબસુરત છોકરી ઈશાને કોલેજ લાઈફમાં કે ત્યાર બાદના વર્ષોમાં પણ ક્યારેય જોઈ નહોતી. વળી નામ પણ ઇન્દ્રના દરબારની અપ્સરાનું જ.. ”ઉર્વશી”.

લગભગ એકાદ કલાક બાદ ઉર્વશી ડ્રેસ ચેન્જ કરીને ખભે હેન્ડબેગ લટકાવીને આવી પહોંચી હતી. “ઇશાન, સાચું કહું તો તમે ગુજરાતી છો તેથી જ આ રીતે તમને મળવા આવી પહોંચી છું. બાકી અજાણ્યા પેસેન્જરનો હું ક્યારેય ભરોસો ન કરું”

“ઇટ્સ માય પ્લેઝર” ઈશાને છાતી પર જમણો હાથ રાખીને ગરદન થોડી ઝૂકાવીને એર ઇન્ડીયાના મહારાજાની સ્ટાઈલમાં કહ્યું હતું.

“ઇશાન, આપણે કેન્ટીનમાં બેસીએ”.

“શ્યોર” ઇશાન પાસે માત્ર એક જ હેન્ડબેગ હતી જે હાથમાં પકડીને તે ઉર્વશીની પાછળ યંત્રવત દોરવાયો.

ઉર્વશીએ બે સેન્ડવીચ અને કોફીનો ઓર્ડર આપ્યો.

“ઉર્વશી, હું લંડનમાં પહેલીજ વાર આવ્યો છું. ઈનફેક્ટ, ઇન્ડીયાની બહાર જ પહેલી વાર નીકળ્યો છું. બે દિવસ બાદ અહીના રોયલ આલ્બર્ટ હોલમાં ફોટોગ્રાફ્સનું જે ઈન્ટરનેશનલ એક્ઝીબીશન છે તેમાં મારા પણ અમુક ફોટોગ્રાફ્સનું સિલેકશન થયેલ છે”.

“વાઉ... કોન્ગ્રેચ્યુલેશન્સ”. ઉર્વશીએ તેનો નાજૂક ગોરો હાથ ઇશાન તરફ લંબાવ્યો. ઈશાને ત્વરિત ગતિએ બંને હાથ વડે ઉર્વશીનો હાથ પકડવાની તક ઝડપી લીધી. એરપોર્ટની કેન્ટીનમાં જ બંને યુવાન હૈયાઓ બે કલાક સુધી બેઠા હતા. પહેલી જ મુલાકાતમાં બંનેનો પરિચય પરીણયમાં તબદીલ થવા લાગ્યો હતો. ઉર્વશી સાથેની નિખાલસ ચર્ચા દરમ્યાન જ ઇશાનને જાણવા મળ્યું હતું કે ઉર્વશી વડોદરાના એક મધ્યમવર્ગીય પરિવારની છોકરી હતી. બાળપણમાં માતા ગુમાવનાર ઉર્વશીને પિતાનો પ્રેમ પણ ખાસ નહોતો મળ્યો કારણકે અપર મા એ બાપ દીકરી વચ્ચે અંતર પડાવીને ઉર્વશીને તદ્દન એકલી પાડી દીધી હતી. એરહોસ્ટેસની નોકરી મળ્યા બાદ ઉર્વશી આત્મનિર્ભર હતી. દુનિયાભરના શહેરોમાં ઉડાઉડ કરતી હતી. બે વર્ષની નોકરીમાં ઉર્વશીએ કોઈને ભાવ આપ્યો નહોતો. આજે તેના જીવનમાં પણ જાણેકે તેના સપનાનો રાજકુમાર આવી ચડયો હતો.

ઇશાનનો ઉતારો એરપોર્ટની નજીકની હોટેલમાં જ હતો. ”ઉર્વશી,પરમ દિવસે એક્ઝીબીશન છે. કાલે મારી પાસે સમય છે. લંડન સાઈટ સીઈંગ કરવાની ઈચ્છા છે. તું મને કંપની આપીશ?” ઈશાને પહેલી જ વાર ઉર્વશીને તુંકારે બોલાવી હતી. ઈશાનની ઈચ્છા પૂરી કરવા ઉર્વશીએ બીજે દિવસે રજા મૂકીને ઇશાન સાથે હાથમાં હાથ નાખીને લંડનમાં ફરવાનું પસંદ કર્યું હતું. માત્ર ચોવીસ કલાકમાં તો બંનેના મન એવા મળી ગયા હતા કે બંને એક બીજાની કંપની ઝંખવા લાગ્યા હતા. લંડનના મોટાભાગના જોવાલાયક સ્થળોની મુલાકાત લીધા બાદ સામે ખુલી રહેલા ટાવરબ્રીજને તાકી રહેલી ઉર્વશીને ગાલે હળવી કિસ કરીને એકાએક ઈશાને પ્રપોઝ કર્યું હતું. “ચાલને ઉર્વશી લગ્ન કરી લઈએ”. જવાબમાં ઉર્વશીએ ગંભીર થઇને કહ્યું હતું “ઇશાન મારી એક શરત છે”.

ક્રમશઃ