Angarpath - 52 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ.- ૫૨

Featured Books
Categories
Share

અંગારપથ.- ૫૨

અંગારપથ.

પ્રકરણ-૫૨.

પ્રવીણ પીઠડીયા.

ચોરલા ઘાટ ઉપર આવેલો લક્ઝરીયસ રિસોર્ટ ઘણીબધી અજીબ ઘટનાનો સાક્ષી બન્યો હોય એમ ખામોશી ઓઢીને શાંત થયો હતો. રિસોર્ટની પાછળ અલાયદી જગ્યામાં સર્જવામાં આવેલું અનુપમ વિશ્વ તંગ હતું. સાંજ ઢળવાને હજું વાર હતી છતાં જાણે અંધકારનો ઓછાયો સ્વિમિંગ પુલનાં પાણી ઉપર પથરાયો હોય એમ હિલોળા મારતું પાણી એકદમ સ્થિર બનીને આવનારી ક્ષણોનો ઈંતજાર કરી રહ્યું હતું. રિસોર્ટમાં પથરાયેલી સુંવાળી ગ્રિન લોન ઉપર બે ખૂંખાર પ્રાણીઓ શ્વસી રહ્યા હતા. બન્ને ભયંકર રીતે ઘાયલ થયા હતા. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેઓ પોતાની જાતે ઉભા પણ થઈ શકતા ન હતાં. તેમનાં શ્વાસોશ્વાસ ભયાનક તેજીથી ચાલતા હતા. સૌથી વધું ખરાબ હાલત ડગ્લાસની હતી. છ ફૂટ ઉંચા પહાડ જેવા શખ્સને અભિએ એટલો ધમરોળ્યો હતો કે તે મરવાની અણી ઉપર આવી ગયો હતો. તેનું ગળું લોહીથી ઉભરાતું હતું. મોઢામાં આવતું લોહી વારેવારે જમીન ઉપર તે થૂંકતો હતો. તેનું જીસ્મ ગારાનું બનેલું હોય એમ લસ્ત થઈને ચેર ઉપર ખલાયેલું હતું. તેણે કદાચ સ્વપ્નેય નહી વિચાર્યું હોય કે ક્યારેય આવો દિવસ તેના જીવનમાં આવશે. હમણાં સુધી તે પોતાની અસીમ તાકત અને પહોંચ ઉપર મુસ્તાક હતો. તેને કોઈ હાથ પણ લગાવી ન શકે એવા ઘમંડ, એવા ગર્વથી તેનો સીનો ટટ્ટાર કરીને ચાલતો હતો. એ ગરૂર સાવ અચાનક જ, એકાએક ચકનાચૂર થઇ ગયો હતો. અભિમન્યુ નામનાં વાવાઝોડાએ તેને મૂળ સમેત ઉખેડી નાંખ્યો હતો અને એટલો વિવશ બનાવી દીધો હતો કે હવે ઉભા થવા માટે પણ કોઇનાં સહારાની જરૂર પડવાની હતી. શારીરીક અને માનસિક… બન્ને રીતે તે ભાંગી પડ્યો હતો.

“આઇ બેગ યુ. પ્લિઝ કોલ ધ ડોકટર, ઓર એમ્બ્યૂલન્સ.” મહા-મહેનતે તે એટલું બોલી શકયો. અભિ હસ્યો. લોહીથી ખરડાયેલા તેના દાંત અજીબ રીતે ચમકી ઉઠયા. તેની એક આંખ ઉપરનો સોજો ફૂલીને દડા જેવો થયો હતો. તેનો દેદાર વિચિત્ર હતો.

“એ થશે. બટ આઇ વોન્ટ ટ્રૂથ, એન્ડ ધેન વોટએવર યુ વોન્ટ.”

થડકી ઉઠયો ડગ્લાસ. અભિની આંખમાં તેને પોતાનું મોત નાંચતું દેખાયું. બહુ સખત જીવ હતો એ. તે સમજી ગયો કે જીવીત રહેવું હશે તો અભિમન્યુ કહે એમ કરવું પડશે. હકીકત કહેવા સિવાય તેનો છૂટકો નથી. તેણે નિશ્વાસ નાંખ્યો. બે બદામનો છોકરો આજે તેના જેવા શક્તિશાળી વ્યક્તિ ઉપર હાવી થઈ રહ્યો હતો એ નાલોશી પચતી નહોતી છતા અત્યારે તે એની વાતો માનવા મજબૂર હતો.

“ઓકે… હું તૈયાર છું. બટ, એક વાત કાન ખોલીને સાંભળી લે અને મનમાં ઉતારી લે કે… મેં તારી બહેનને કોઈ નૂકશાન નથી પહોચાડયું. એની હાલતનો જવાબદાર હું નથી. આ સત્ય સ્વિકાર્ય ન હોય તો આગળ વાત કરવાનો કોઈ મતલબ નથી.”

“એ તય કરવાનું મારી ઉપર છોડી દે કે મારે શું સ્વિકારવું અને શું નહી. તું બોલવાનું શરૂ કર.” અભિ ચેરમાં જ થોડું સળવળ્યો અને ડગ્લાસ તરફ પડખું ફર્યો.

“તો સાંભળ, એક દિવસ મને સમાચાર મળ્યા કે જૂલીયા નામની રશીયન યુવતી ગોલ્ડનબારમાં ગોવાનાં ડેપ્યૂટી સી.એમ. દૂર્જન રાયસંગા વિશે વાત કરી રહી છે. તે રાયસંગાની રહસ્યમય બાજું કોઈની સમક્ષ ઉજાગર કરી રહી હતી. એ સમાચાર ખતરનાક હતા કારણ કે રાયસંગા જેવો-તેવો વ્યક્તિ નહોતો. ગોવાનો ડેપ્યૂટી સી.એમ. હતો. એવા કેટલાય રાઝ તેના સિનામાં દફન હતા જે એક્ષ્પોઝ થાય તો તેની સાથે મારું પણ આવી બને. એવું ન થાય એ માટે તેને ખામોશ કરવી જરૂરી હતી. જૂલીયાને ખતમ કરવાનું કામ મેં સંજય બંડુને સોપ્યું. સંજયે એ રાતે જ કામ બખૂબી પાર પાડયું હતું. તેણે જૂલીયાને ખતમ કરીને બીચ ઉપર નાંખી દીધી હતી. પરંતુ એટલું પુરતું નહોતું. તેનું કામ હજું બાકી હતું. જૂલીયાએ ગોલ્ડનબારમાં બીજા કોઇને પણ એ વાત કહી હતી અને એ તારી સિસ્ટર રક્ષા હતી. તેને પણ ખામોશ કરવી જરૂરી હતી. સંજય બંડુ તેની પાછળ લાગ્યો તો ખરો પણ તારી સિસ્ટર હોંશીયાર નિકળી. બીજા દિવસે એ ગાયબ થઈ ગઈ. બંડુએ આકાશ-પાતાળ એક કર્યા પણ એ ક્યાંય હાથ લાગી નહી. અને… પછી એક દિવસ તેની બોડી બાગા બીચ ઉપર જખ્મી હાલતમાં મળી આવી. એ જીવીત હતી. તેને કોણે મારી એ કોઈ નહોતું જાણતું પરંતુ તેનું જીવતા રહેવું મારાં માટે ખતરનાક હતું એટલે હોસ્પિટલની અંદર જ બે વખત તેની ઉપર હુમલો કરાવ્યો હતો. તેને ખતમ કરવાની ભરપૂર કોશિશ કરી હતી. એ બન્ને વખતે તું વચ્ચે આવ્યો ન હોત તો અત્યારે તેનું કામ તમામ થઇ ગયું હોત. પરંતુ તે આમન્ડા જેવી ખતરનાક ઓરતને બે-બે વખત માત આપી હતી અને એ બચી ગઈ હતી.” ડગ્લાસને અચાનક શ્વાસ ચડયો અને અંતરસ ઉપડી એટલે તે અટકયો. એકધારું બોલવાથી તેની છાતીમાં દુખાવો ઉપડયો. આપોઆપ તેના હાથ પોતાની છાતી ઉપર દબાયા.

“જૂલીયાનાં મોતની કોઈ તપાસ થઈ નહી?” અભિએ આશ્વર્ય ઉછાળ્યું. તેને ડગ્લાસની હાલત સાથે કંઈ લેવાદેવા નહોતી. ડગ્લાસ ઘડીક થોભ્યો અને આંખો બંધ કરીને પડી રહ્યો. થોડીક રાહત થતા ફરીથી તેણે બોલવાનું શરૂ કર્યું.

“થઈ હતી. ઈન્સ્પેકટર કાંબલે અને તેનો પીઠ્ઠુ… પેલો પેટ્રીક, બન્ને બરાબરનાં કામે લાગ્યાં હતા. રક્ષા બીચ ઉપર બેભાન અવસ્થામાં મળી આવી તેના બીજા કે ત્રિજા દિવસે ખબર નહી ક્યાંથી તે જાણી લાવ્યો હતો કે આ મામલામાં મારો હાથ છે. એટલે તેણે એ સમયે જ મને બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી. બેવકુફ સાલો.” ડગ્લાસનાં ભાંગેલા ચહેરા ઉપર ઉપહાસભર્યું હાસ્ય ઉભર્યું. અને… એકાએક અભિ ચોંકયો. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તે અને લોબો રક્ષાનાં કેસની તપાસ કરવાં બાગા બીચ પોલીસ ચોકીએ ગયા હતા. ત્યારે ત્યાંનો ઈન્ચાર્જ કાંબલે ચોકીએ આવ્યો નહોતો અને કોઇને ખ્યાલ પણ નહોતો કે એ ક્યાં ગયો છે. ઓહ… તો એમ વાત હતી. તેના મનમાં આપસમાં અંકોડા જોડાવા શરૂ થયા. મતલબ કે ડગ્લાસે તેને ગાયબ કરી દીધો હતો! અને તેનો બીજો મતલબ એ પણ નીકળતો હતો કે અત્યારે તે સાચું બોલી રહ્યો છે.

“કાંબલે સાથે તેં શું કર્યુ? ક્યાં છે એ?” કદાચ અભિને આ સવાલનાં જવાબની ખબર હતી છતાં તેણે પૂછયું.

“અહી જ છે. આ સામે દેખાય છે ને, એ પહાડોની કોતરોમાં આરામ ફરમાવતો હશે.” સાવ આસાનીથી તે બોલ્યો. કોઈને મોતને ઘાટ ઉતારવા તેના માટે સહજ વાત હતી. રૂટીન વર્ક જેવી. અભિમન્યુ સમજી ગયો કે કાંબલે હવે ક્યારેય મળવાનો નથી. પરંતુ મૂળ પ્રશ્ન તો હજુંયે ઉભો હતો. રક્ષાની હાલત માટે જવબદાર કોણ હતું?

“પ્લીઝ, કોલ ધ એમ્બ્યૂલન્સ. તને તારા બધા સવાલોનાં જવાબ તો મળી ગયા છે.” ડગ્લાસ ફરી કરગર્યો. કેવી હાલત હતી તેની! પોતાનાં જ સામ્રાજ્યમાં અત્યારે તેની સૂધ લેવાવાળું કોઈ નહોતું. તેણે આ તરફ કોઇને આવવાની મનાઈ ફરમાવી હતી જે અત્યારે તેને જ ભારે પડી રહ્યું હતું. વળી.. તે અહી છે એવી ભનક ન લાગે એ માટે વધું માણસો પણ અહી તેણે રાખ્યાં નહોતા. બહું ખરાબ રીતે તે ફસાયો હતો. એમ સમજોને કે અત્યારે તેનું જીવવું કે મરવું અભિમન્યુનાં હાથમાં હતું. અને અભિમન્યુ હતો કે હલવાનું નામ લેતો નહોતો. પળેપળ તેની પરિસ્થિતિ બગડતી જતી હતી. જો જલ્દી તે હોસ્પિટલ ભેગો ન થયો તો અહી જ તેનું મોત નક્કી હતું. લાચાર નજરે તેણે અભિ સામું જોયુ. પળેપળ તેના શ્વાસો ઓછા થઈ રહ્યા હતા. કદાચ અહી જ તેનું મોત થવાનું હતું.

@@@

ચારુનાં જીગરમાં ખળભળાટ મચ્યો હતો. અચાનક ચારેકોર અંધકાર છવાયો હોય અને એમા તે ફસાઈ ગઈ હોય એવું લાગવા માંડયું હતું. શું કામ તેણે એ ફાઈલ કમિશ્નરનાં હાથમાં સોંપી? અભિમન્યુએ સ્પષ્ટ શબ્દોમાં નાં કહી હતી છતાં તેણે ભૂલ કરી નાંખી હતી. તેણે તેનું માનવું જોઈતું હતું પરંતુ હવે ઘણું મોડું થઇ ચૂકયું હતું. અભિ ફોન પણ લાગતો નહોતો નહીતર થોડી ધરપત બંધાત. તેને પોતાની જાત ઉપર જ ખીજ ચડી. શું કરવું જોઈએ એ સમજાતું નહોતું. ખબર નહી કેટલો સમય તે અનિર્ણયાત્મક અવસ્થામાં જ ત્યાંજ બેસી રહી હશે. ભયંકર ઉચાટથી તેનું મન જાત-ભાતનાં વિચારે ચડયું હતું. શું કરવું જોઈએ એ સમજાતું નહોતું. તે વિચારતી જ હતી કે અચાનક તેને લાઈટ થઈ અને તેનો ચહેરો ચમકી ઉઠયો. તેને અભિનો મિત્ર લોબો યાદ આવ્યો. લોબોને ફ્લોર ઉપર જ કોઈ વોર્ડમાં દાખલ કરાયો હતો. ડ્યૂટી ઉપર કોઈ ઓપરેશન વખતે તે ઘાયલ થઇને અહી આવ્યો હતો. શું તેને મળવું જોઈએ? વિચારાધીન અવસ્થામાં જ તે ઉભી થઇ અને તેના પગ આપોઆપ લોબોનાં કમરા તરફ આગળ વધ્યાં.

ત્યારે તેને ખબર નહોતી કે અજાણતાં જ તે એક રહસ્ય ઉપરથી પરદો ઉઠાવવા જઈ રહી છે. એક એવું રહસ્ય જે આ કહાનીને ઉંધેમાથે પલટાવી દેશે. તેણે લોબોનાં દરવાજે દસ્તક દીધી ત્યારે ઓલરેડી સાંજ ઢળવા આવી હતી અને હોસ્પિટલનાં કોરીડોરમાં ટ્યૂબલાઈટો શરૂ થઇ હતી.

@@@

અભિમન્યુની પોતાની સ્થિતિ પણ બગડતી જતી હતી. ખભો, જડબું, છાતી, પગ, આંખ… બધું જ ભયંકર તિવ્રતાથી લવકારા મારતું હતું. તે પોતાની જાતને માંડમાંડ સંભાળી રહ્યો હતો. તેને ખબર હતી કે એક વખત ડગ્લાસ અહીથી બહાર નિકળશે પછી તેનાથી કંઈ થઇ શકશે નહી. ડગ્લાસ પોતાની વગ વાપરીને કમસેકમ તેનાં બચાવનો રસ્તો જરૂર શોધી કાઢશે. એક વખત જો તે ફ્રી થઇ ગયો પછી એટલું તો નક્કી હતું કે ક્યારેય કોઈના હાથમાં આવશે નહી. તો શું કરવું જોઈએ? તેણે ડગ્લાસ તરફ નજર કરી. તે ખામોશ થઇને ચેરમાં પડયો હતો. તેના શ્વાસોશ્વાસ ક્ષણે-ક્ષણ ધીમા પડતા જતા હતા. તેને ખરેખર ડોકટરની જરૂર હતી. જો વધું થોડો સમય આ જ હાલતમાં તે રહ્યો તો કદાચ તેના જીવિત રહેવાનાં ચાન્સ નહોતા. આમ તો પોતાની હાલત પણ ક્યાં સારી હતી! વારેવારે તેની આંખો આગળ અંધારું છવાતું હતું અને મગજમાં શૂન્યાવકાશ છવાતો હતો. આખરે તેણે એક નિર્ણય લીધો. લોબોને ફોન કરવાનો. થોડાક અધૂકડા થઇને ખિસ્સામાંથી ફોન બહાર કાઢયો ત્યારે જાણ થઇકે ફોનની સ્ક્રિન તૂટી ગઇ છે. તેની અને ડગ્લાસની ફાઈટ વખતે કદાચ એ બન્યું હશે. તેને નિરાશા ઉપજી. આજુબાજું નજર ઘુમાવી કે ક્યાંક ફોન હોય તો કામ બની જાય. અને ફોન દેખાયો. અધમૂઇ હાલતમાં ચત્તાપાટ સુતેલા ડગ્લાસનો ફોન તેની ચેરની બાજુમાં ટેબલ ઉપર સાબૂત પડયો હતો. તે ઉભો થયો, મહામહેનતે ફોન નજીક પહોંચીને ફોન ઉઠાવ્યો અને લોબોનો નંબર યાદ કરીને ડાયલ કર્યો. લોબોનાં ફોનની રિંગ વાગી ઉઠી. અભિમન્યુ લોબોનાં ફોન ઉઠાવવાની રાહ જોતો ઉભો રહ્યો.

વિધિની કરામાત જૂઓ. બરાબર એ સમયે જ ચારુંને લોબો પાસે જવાનો વિચાર ઉદભવ્યો હતો અને તે લોબોનાં કમરા તરફ ચાલી હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.