Hawelinu Rahashy - 8 in Gujarati Fiction Stories by Priyanka Pithadiya books and stories PDF | હવેલીનું રહસ્ય - 8

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

હવેલીનું રહસ્ય - 8

આજે પૂનમ છે. લિપ્તા મહેલમાં જવાની ચિંતામાં આખી રાત ઊંઘી પણ નથી. એના મનમાં એક જ વિચાર આવે છે કે શું પોતે લક્ષવને બચાવી શકશે? જો એ એના પ્રયત્નમાં અસફળ થશે તો લક્ષવ અને પર્વનું શું થશે? આ વિચારતા એ અત્યારે પણ એને કંપારી છૂટી જતી. એના મનમાં સવાલના એટલા બધા જાળા ગૂંથાઈ ગયા કે કેમેય કરીને એમાંથી બહાર નહોતી નીકળી શકતી. એ જાણતી હતી કે એના બધા સવાલના જવાબ માત્ર હેમિષાબેન આપી શકે એમ હતા પરંતુ સવારનો સમય હોવાથી હેમિષાબેન કામમાં વ્યસ્ત હતા. આથી એમને હેરાન કરવાનું લિપ્તાને યોગ્ય ન લાગ્યું. એણે બાજુબંધ હાથમાં લીધો. ધ્યાનથી આગળપાછળ ફેરવીને જોયું. બાજુબંધની પાછળની તરફ હવેલીની પ્રતિકૃતિ જેવી કંઈક કોતરણી હતી.

જોતજોતામાં બપોર થઈ ગઈ. મનુષ્ય અને પશુપંખી બધા જ જંપી ગયા હોવાથી વાતાવરણ એકદમ શાંત હતું. હેમિષાબેન પણ કામકાજમાંથી પરવારી ગયા હતા. લિપ્તા એમની પાસે આવે એ પહેલાં પોતે જ લિપ્તાના રૂમમાં ગયા. જોયું તો લિપ્તા બારીની બહાર બેચેન બનીને જોતી હતી. એને તો હેમિષાબેનના આવવાનો અણસાર સુધ્ધા નહોતો. હેમિષાબેન લિપ્તા પાસે ગયા અને વ્હાલથી એના માથે હાથ ફેરવ્યો. ગભરાયેલી લિપ્તા એમને ભેટી પડી અને બોલી, "આંટી, સારું થયું તમે આવી ગયા. હું તમારા પરવારવાની જ રાહ જોતી હતી. આંટી, હું આટલા દિવસથી મહેલમાં જવા વિશે જ વિચારું છું. આજે તો પૂનમ છે. આજે તો મને કહી દો કે બાજુબંધ અભિમંત્રિત કેવી રીતે કરવાનો છે?" હેમિષાબેન બોલ્યા, "હા બેટા, હું અહીંયા એના માટે જ આવી છું. તું થોડી ધીરજ રાખ. કોઈ પણ વસ્તુ માટે આટલું અધીરુ થવું સારું નઈ." લિપ્તા હેમિષાબેનથી અળગી થઈ અને એમની વાતમાં હામી ભરી.

હેમિષાબેન બોલ્યા, "આજે રાતે બરાબર બે વાગશે ત્યારે બધા ગ્રહનક્ષત્રો એમનું સ્થાન બદલશે. આ જ સમય હશે જ્યારે તું બાજુબંધને અભિમંત્રિત કરી શકીશ." આ સાંભળી લિપ્તા બોલી, "રાતે બે વાગે? આટલી રાતે આવા નિર્જન રસ્તા પર જવું પડશે? તમે આવશોને મારી સાથે આંટી?" લિપ્તાને આટલી ડરેલી જોઈને હેમિષાબેને એને શાંત પાડી અને કીધું, "તું ચિંતા ન કર લિપ્તા. તારી સાથે હું તો નહિ આવી શકું પણ તને હવેલીનો ઈતિહાસ કહેનાર આત્મા આવશે. એ જ પોતાની શક્તિ વડે તને ત્યાં પહોંચાડશે અને પછી ઘરે પણ મૂકી જશે." આ સાંભળી લિપ્તાના ભયમાં વધારો થયો. એ બોલી, "આટલી રાતે અને એ પણ આત્મા સાથે? આત્માનું સાથે આવવું જરૂરી છે?" આ સાંભળી હેમિષાબેન જવાબ આપતા બોલ્યા, " હા બેટા, જરૂરી છે પણ તું આટલી બધી કેમ બીવે છે? એ આત્મા તારી સાથે માણસનું રૂપ ધારણ કરીને જ આવશે. તને કોઈ જ નુકસાન નહિ પહોંચાડે. તું નહિ માને પણ હવેલીમાં આ આત્મા જ પર્વ અને લક્ષવને બધી ખરાબ શક્તિઓથી બચાવે છે." આ સાંભળી લિપ્તામાં થોડી હિંમત આવી હોય એમ લાગ્યું.

લિપ્તા કંઈક વિચારીને બોલી, "હું એ બાજુબંધ કેવી રીતે અભિમંત્રિત કરીશ? એ આખા મહેલમાં મારે ક્યાં અભિમંત્રિત કરવાનો બાજુબંધ એ મને કેવી રીતે ખબર પડશે?" હેમિષાબેને પ્રત્યુત્તર આપતા કહ્યું, "અત્યારે તો તારે મહેલની અંદર જવાની જરૂર જ નથી. મહેલના પ્રવેશદ્વારની બહાર એક કૂવો છે. તું એ કૂવા પાસે પહોંચીશ એટલે તરત જ આ બાજુબંધ તને કોઈ એવો સંકેત આપશે કે જેનાથી તું સમજી જઈશ કે તું યોગ્ય સ્થળે પહોંચી ગઈ છે. ત્યારબાદ આ બાજુબંધમાંથી એક દિવ્ય પ્રકાશ પથરાશે. આ પ્રકાશમાં તને એક મંત્ર પણ દેખાશે. તું એ મંત્ર પૂરો વાંચી લઈશ કે તરત જ આ બાજુબંધ તારા ડાબા હાથમાં શોભાયમાન થઈ જશે." આ સાંભળી લિપ્તાએ ફરી સવાલ કર્યો, "આ બધામાં આત્માની શું જરૂર?" હેમિષાબેને કહ્યું, "આત્મા વિના તો આ શક્ય જ નથી. અહીંથી એ જ તને ત્યાં પહોંચાડશે. તારા માર્ગમાં આવનાર તમામ અવરોધોને એ જ દૂર કરી શકે એમ છે. એ ત્યાં કૂવા પાસે ભલે ન આવી શકે પણ એ તને ત્યાંથી થોડે દૂર ઉતારશે." કમને લિપ્તાએ સંમતિપૂર્વક ડોકું ધુણાવ્યું.

રાત થઈ ગઈ છે. લિપ્તાની આખા દિવસની બેચેની અત્યારે પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. મનથી એ ખૂબ જ ગભરાયેલી છે પણ વદન પર બને એટલું સ્વસ્થતાનું નકાબ ધારણ કર્યુ છે. ભગવાન પણ આજે એની પરીક્ષા કરવા બેઠા હોય એમ ગાજવીજ સાથે વરસાદ ટૂટી પડે છે. દર વખતે ઋતુના પહેલા વરસાદથી પ્રફુલ્લિત થઈ જતી લિપ્તા આજે એ જ વરસાદથી વધારે ડરેલી લાગે છે. વીજળીના ચમકારા આકાશના બદલે એના જીવનમાં થતા હોય એમ અનુભવે છે. હજી તો અગિયાર જ વાગ્યા છે પણ હવે એની ધીરજે પણ જવાબ આપી દીધો છે. લિપ્તા બહાર વરસાદી માહોલના લીધે તંગ થતી ખૂબ જ મૂંઝારો અનુભવી રહી છે. આ બધા વચ્ચે જ એને હાર્દિબેનની ચીસ સંભળાય છે. એ દોડીને એમના રૂમમાં જાય છે. હાર્દિબેન ચીસો પાડતા પાડતા જે હાથમાં આવે એ બધું ફેંકતા જાય છે. આટલામાં હેમિષાબેન અને હર્ષવભાઈ પણ ત્યાં પહોંચે છે. હેમિષાબેન હાર્દિબેનને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. હર્ષવભાઈ પણ ડોકટરને ફોન કરે છે. ડોકટર આવીને હાર્દિબેનને ઊંઘનું ઈન્જેકશન આપે છે. લિપ્તા પોતાની વ્હાલસોયી મમ્મીની આ હાલત જોઈને ત્યાં જ રડી પડે છે. સવારનો ભય અને ચિંતા બધું જ આંસુના ધોધ સ્વરૂપે બહાર આવે છે. હેમિષાબેન લિપ્તાને એના રૂમમાં લઈ જાય છે.

રૂમમાં પહોંચીને પણ લિપ્તા ઘણીવાર એમ જ સુનમુન બેસી રહે છે. થોડો સમય હેમિષાબેન પણ એને કંઈ નથી કહેતા. લિપ્તા એકધારું બારીની બહાર જોઈ રહે છે. વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતો. આ બાજુ હેમિષાબેન ઘડિયાળમાં જોવે છે તો એક વાગી ગયો હતો. એમણે લિપ્તાને સમજાવી. લિપ્તા પાસે પણ સમજવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. એની ઈચ્છા હાર્દિબેનને આવી હાલતમાં છોડીને ક્યાંય જવાની ન હતી પણ અત્યારે ગયા વગર છૂટકો નહતો. આમને આમ જ રાતના દોઢ વાગ્યો. હાર્દિબેનના લીધે સમય ક્યાં ગયો એ લિપ્તાને ખબર ન રહી. હેમિષાબેન એને ઘરની બહાર સુધી મુકવા ગયા. જોયું તો આત્મા કે લિપ્તા જેને અત્યાર સુધી દાદી બોલાવતી હતી એ ત્યાં હાજર જ હતા. એમને જોતા જ લિપ્તાની બધી બીક પળવારમાં ગાયબ થઈ ગઈ. આવું કેમ થયું એ લિપ્તા પોતે પણ ન સમજી શકી.

આત્માએ લિપ્તાનો હાથ પકડ્યો અને બંને જણ હવામાં ઉડવા લાગ્યા. અત્યાર સુધી લિપ્તાએ આવું બધું માત્ર ફિલ્મમાં અને વાર્તામાં જ જોયું હતું. કોણ જાણે કેમ એ આત્માએ જ્યારથી એનો હાથ પકડ્યો ત્યારથી લિપ્તા ખૂબ જ સુરક્ષિત અનુભવી રહી હતી. એ આત્મા સાથે લિપ્તાનો કોઈ જૂનો સંબંધ હોય એવી લિપ્તાને અનુભૂતિ થતી હતી. આ રીતે ક્યાં મહેલ આવી ગયો એ લિપ્તાને ખબર જ ન રહી. આત્મા અને લિપ્તા મહેલથી થોડે દૂર જમીન પર આવ્યા. અચાનક જ લિપ્તાને શું સૂઝ્યું કે લિપ્તા આત્માને પગે લાગી. આત્માએ પણ પ્રસન્નતાપૂર્વક લિપ્તાની સામે જોયું અને આશીર્વાદ આપ્યા. આત્માએ બોલ્યા વગર જ લિપ્તાને જવાનો ઈશારો કર્યો અને લિપ્તા પણ મહેલ તરફ ચાલવા લાગી.

લિપ્તા હાથમાં બાજુબંધ રાખીને આગળ વધતી હતી. થોડી આગળ ગઈ અને એને કૂવો નજરે પડ્યો. એણે જોયું તો ત્યાંથી થોડા જ અંતરે મહેલનો પ્રવેશદ્વાર હતો. એની મંજિલ આ જ છે એમ વિચારી એ કૂવાની દિશામાં આગળ વધી. એ કૂવા પાસે પહોંચી કે એના હાથમાં રહેલું બાજુબંધ આપોઆપ જ કૂવાની બરાબર મધ્યમાં ઉપર હવામાં લટકી ગયું. એમાંથી એક દિવ્ય તેજ પ્રકાશમાન થયું. એ તેજ એટલું દિવ્ય હતું કે ઘડીભર માટે લિપ્તાની આંખો અંજાય ગઈ. પછી એણે જોયું તો બાજુબંધ ના પ્રકાશમાં એક મંત્ર પણ પ્રકાશિત હતો. થોડી પણ વાર કર્યા વગર લિપ્તા એ આખો મંત્ર વાંચી ગઈ. બાજુબંધ એની જાતે જ લિપ્તાના ડાબા હાથમાં બંધાય ગયો. આટલા નીરવ અંધકારમાં પણ એ કૂવામાંથી પ્રકાશ ઝળહળતો હતો. લિપ્તા પોતાની એની અંદર જોવાની ઉત્કંઠા ન રોકી શકી. એણે અંદર ડોકિયું કર્યું. એમાં થોડીવાર જોયા પછી એનું મગજ ચકરાવે ચઢી ગયું. એ જાણે એનું ભાન જ ખોઈ બેઠી. એ ઝડપથી આત્મા પાસે ગઈ. એ આત્મા પાસે પહોંચી ના પહોંચી ત્યાં જ ઢળી પડી. એની આ હાલત થવાનું કારણ ડર નહતો. આ હાલત માટે કોઈ બીજું કારણ જ જવાબદાર હતું.

આમ અચાનક લિપ્તા કેમ બેભાન થઈને પડી ગઈ હશે? એની આ હાલત માટે ડર જવાબદાર નહતો તો એ કયા કારણોસર આટલા આઘાતમાં સરી પડી હશે? લિપ્તાને આત્મા સાથે ડરની જગ્યાએ આટલી આત્મીયતાનો કેમ અનુભવ થતો હશે? લિપ્તાએ કૂવામાં શું જોયું હશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."