બસ આમજ આખું આયખું તડપીને કાઢવાનું ? (!) આ આભાસ છે કે હકીકત ? કઈ સમજાતું નથી ! કેટલાય અરમાનોને આયખાનાં અનમોલ રતન માનીને સર્જ્યા હતા.પણ,આ મહત્વાકાંક્ષાઓ તો,જેવી રીતે તડકો ઘાસ પર પથરાયેલા તાજા ઝાકળબિન્દુઓનો સ્પર્શ કરે ને એકપળમાં તે બિંદુઓનો જે હાલ થાય તેમ કોઈને કહેવા માત્રથી ક્યાંય વિલીન થઈ જતી.શું શું નથી કર્યું આ સફરતાને પામવા.દેવ એટલા મંદિર ને મંદિર એટલા દેવ માની બધે પોતાનો હાથ જોડી ચુક્યો છે.અને છેવટે આજ આ છેલ્લી આશ હતી તે પણ,ક્યાંય ધુમાડા પેઠે ઉડી ગઈ.
માહી મનોમન વિચારોની ઊંડી ગર્તામાં ડૂબી ગયો હતો.તે પોતાને કોષતો હતો કે આ પાલનહારને કોષતો હતો ! (?) તેજ તે નહોતો સમજી શકતો.આજ ફરી બોસે તેણે આવનારો પ્રોજેકટ નિલમને આપી દીધો હતો.હા તે નિલમને દિલ-ઓ-જાનથી ચાહતો હતો પણ,તેની સફરતા,તેના અરમાનો અને તેની મંઝીલથી વધારે તો તે કોઈને નહોતો ચાહતો.તેની જોયેલી કેડી પર તો કોઈને નજર કરવાના ખ્યાલ માત્રથી તેને તેના પર નફરત થઈ આવતી.અને શું નથી કર્યું તેને આ છેલ્લા પ્રોજેકટ માટે તો...
તેની મમ્મી ખુદ તેને ઘણીવાર કહેતી કે,બેટા તું રાત-દિવસ સતત ત્રણ-ચાર દિવસ લગી ઘરે નથી આવતો તે તને સાચેજ એટલું કામ રહે છે કે પછી અમારાથી હવે તને ફાવતું નથી ?
અને એકજ ઝાટકે તે ઊંચા સાદે માંને પણ ગુસ્સામાં સંભળાવી દેતો...તું ખોટા વિચારો કરીને મારુ દિમાગ ના ખા.તું જે સમજે તે સત્ય.પણ,મને મારા અરમાનોથી મોટો કે વહાલો તો મારો પરિવાર પણ નથી લાગતો.એક તો ચાર પાંચ દિવસે ઘરે આવું તમને થોડી હૂંફ આપવા અને ઉપરથી તમારા બધાના મારા નામનાં આ છાજીયા તો ચાલુંજ હોય.
બેટા આ તું શું બોલે છે તેનું તને જરાય ભાન છે ?છાજીયા કોને કહેવાય તે તું જાણે છે ? અરે કયા મા-બાપના આવા દુષ્ટ અભરખા હોય કે તે જીવતેજીવ પોતાના જુવાનજોધ દીકરાના છાજીયા લે.
બસ મમ્મી હવે તું પાછી એના પર પણ,ભાષણ આપીને મારો સમય બગાડે એમ ને ?
છેવટે માં પોતાની જીભને શાંત કરીને દીકરાને તેના હાલ પર છોડી દેતી...
આવું તો કંઈ કેટલીયેવાર તે બોલી ગયો હતો પણ,તેને મનમાં જરાય ના હોય પણ માં-બાપની આંતરડી કેટલી બળતી હશે તેના આવા શબ્દોથી.ઓફિસમાં પ્યુન પણ,બધાને કહેતો કે સરને ઘરે કોઈ સંઘડતું નથી લાગતું એટલે કામના બહાને અહીં ત્રણ ત્રણ દિવસ પડ્યા રહે છે.
અને આજે તો,...આજે તો આખા સ્ટાફને કહી રાખેલું કે તે પ્રોજેક્ટ તો મારા સિવાય બોસ કોઈને આપી શકશે પણ નહીં ! કે કોઈ સ્વીકારશે પણ નહીં ! અને જો સ્વીકારે તો તેને પાર પાડવા આ ભાયડા સિવાય કોઈ તેને મળશે નહીં ! અને બોસે તે પ્રોજેકટ નિલમને આપી દેતા આખી ઓફીસ વચ્ચે તેને હળાહળ લાગી આવ્યુતું.એટલે તે એક સેકન્ડમાંજ તાલીનું માન પૂરું થતા નિલમ સામે કરડાઈથી જોતો જોતો બહાર નીકળી ગયો હતો.
નિલમ તો ખુશ હતી પણ,તેને એમ હતું કે મને આવે કે માહીને આવે પ્રોજેક્ટ સરખુજ છે ને ! અને તે મને આવવાથી વધુ ખુશ થશે.પણ,તેની ધારણા ખોટી ઠરી.માહી ઈર્ષ્યાભરી નજરે જોતો નીકળી ગ્યોતો.
ઘરે આવીને માહી સતત મોબાઇલ સામે જોવા લાગ્યો કે,હમણાં નિલમનો ફોન કે મેસેજ આવશે હેલ્પ માટે.અને તેને હેલ્પ કરીને પોતે ઓફિસમાં ગવાયેલી આબરૂ ફરી આ હેલ્પથી પાછી મેળવી દેશે.અને બોસને પણ,દેખાડી દઈશ કે મારા વગર આપનો કોઈપણ પ્રોજેક્ટ શક્ય નથી.પણ,....
...પણ,ઈંતઝારમાં ને ઈંતઝારમાં સાંજ પડી ગઈ તોએ નિલમનો ના તો કોઈ મેસેજ આવ્યો કે ના તો કોઈ કોલ આવ્યો.આથી તેને હરાહર લાગી આવ્યું.
ભલે મારો માહી રિસાઈ ગયો પણ,હું જાતેજ સરસ આ પ્રોજેકટ બનાવીને પહેલો તેને બતાવીશ એટલે તે મારી એકલીની અને એય પાછી આ પહેલી સફરતાથી ખુશ થઈને એકદમ મને ભેટી પડશે અને તેની ભારે બાહુમાં સમાવીને ગગન આંબતી ઊંચી કરીને ફુંડરડી ફરાવશે.અને હાલ કઈ પણ,જાણ કર્યા વિના સરપ્રાઈઝ આપવાની આશા સાથે તે તેને ફોન કરીને હેલ્પ કરવા કે માફી માંગવા ફોન કે મેસેજ ના કરે એટલે ફોનને સ્વીચ ઓફ કરીને લેપટોપમાં મંડી પડી.
કાલ સવારે તો પ્રોજેકટ આપવાનો છે તો શું તે પૂરો કરી શકશે એકલી ? અને અડધી રાતે આવશે તો હું કંઈ તેને હેલ્પ નહીં કરું એતો નક્કીજ કરી લિધ્યું છે.મનોમન વિચારતા માહીના મનમાં એક ઝબકારો થયો...લાવ એમ કરીને તેની વાતો પરથી જાણું તો ખરા કે તેને આજ કેટલું ઘમંડ ને વટ તેને આવી ગયા છે.
તમે ડાયલ કરેલો નંબર હાલ સ્વીચ ઓફ આવે છે.ક્રિપ્યા....
ફરી ટ્રાય કર્યો તોય એજ રટણ... તેનું માથું ભમવા લાગ્યું...મેસેજ કર્યા તો તે પણ,રીડ નોહતા થતા.તેને ખ્યાલ આવી ગયો કે તેને નીચું દેખાડવા નક્કી તેને બીજા કોઈની હેલ્પ લઈને જાતે મારી કોઈપણ ડિસ્ટર્બ વગર કામ કરી શકે એટલે ફોન બંધ કરી દીધો છે.આમેય મારી કામયાબી ને ઓફિસમાં બોસના મારા પર રહેલા વિશ્વાસથી તો તે પ્રમોશન હાટુ થઈને મારી કને પ્રેમ કરવા આવીતી ને.તેનેજ તો કહ્યુંતું ને કે તારા સિવાય ઓફિસમાં કોઈ પાવરફુલ નથી એટલે તારી પ્રત્યે પ્રેમ થઇ ગયો છે,એય ભરપૂર...અને હવે હું તેની પાછળ લટું બનું એટલે તેને આ ચાલ રમી છે....
કેટલાય હલકા વિચારો તેના નકારાત્મક મનમાં ઠોસી-ઠોસીને નિલમ પ્રતિ ઝેર ભરતા હતા.અને,કાલ તે ઓફિસમાં જશે ત્યારે તેને નીચા જોવું થશે.બધાની નજરોમાં તે ઉતરી જશે.અને પછી આ મેળવેલી નામના ફરી ક્યારે મેળવી શકીશ...વિચારોનું ગાંડપણ તેને ધુણાવતું હતું.અને...
આજ તો બહુંજ ખુશ હતી નિલમ.તેની સફરતા જોઈને તેનો માહી આખી ઓફિસમાં મારી નીલુએ મારી જેમ તૈયાર થઈ ગઈ છે.તેને હવે મારી જીવનસંગીની બનાવતા તેની કોઈ અણ આવડત નહીં રોકી શકે.લો મીઠાઈ ખાવો હું જાતે બનાવીને લાવ્યો છું...દિવાસ્વપ્નોમાં રાચતા રાચતાજ તેને વહેલો 6 વાગે ફોન જોડ્યો...
હેલ્લો મારા માહી...
બેટા નિલમ માહીએ પોતાની જાતને લટકાવી દીધી.ખબર નહીં ઓફિસમાં શુએ થયું હશે કે કાલ આવ્યો ત્યારનો રૂમમાં ભરાઈ ગયો હતો.ના તો ખાવા આવ્યો કે ના તો કોઈની સાથે કઈ વાત કરી.બેટા તેના આ કારણ માટે જે જવાબદાર હોય તેને તો તું જાણતીજ હોઈશ ને ! તું મારા માહીને ન્યાય અપાવજે.તારો એક આધાર છે હવે અમારે.અને નિલમ...બેટા નિલમ કેમ કંઈ બોલતી નથી..
નિલમના મોબાઈલમાં ગુંજી રહેલા પડઘા સાંભળીને તેની મમ્મી દોડી આવી.પણ,જોયું તો ચેતવંત બની ગુંજી રહેલા મોબાઈલની પાસે નિલમ નિશ્ચેતન બની ચત્તી પડી હતી...
આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp 8469910389