પ્રસ્તાવના
કોઈ પણ કહાની હંમેશા કોઈ ઘટનના પ્રત્યાઘાત રૂપે જ લખાતી હોય છે. ચાહે તે કોઈ મહાનુભાવની જીવનકથની હોય કે કાલ્પનિક વાર્તા પરંતુ તેના આરંભની સાથે તેની પૂર્ણાહુતિ પણ લખાયેલી જ હોય છે. એક સામાન્ય માણસની પણ જીવનકથની આવી જ હોય છે... સાવ સરળ અને સામાન્ય પરંતુ જો એને જટિલ બનાવતી હોય તો એ છે એક – આપણી અપેક્ષાઓ અને બીજી આપણી વિચારસરણી. ઘણી વાર સત્ય આપણી સામે હોવા છતા પણ આપણે એને પિછાણી શકતા નથી. શક્ય એ પણ છે કે કદાચ આપણે એને સ્વીકારવા જ તૈયાર નથી હોતા. કારણ ફક્ત એટલું જ કે ત્યાં આપણો અહં ઘવાઈ જાય છે અને લગભગ સોમાંથી નવ્વાણું કેસમાં પણ આ જ કારણોસર ઈઝી ગોઈંગ રિલેશન એકદમ કોમ્પલિકેટેડ બની જાય છે.
આમ, તો આ નવલિકા એના એક તૃતીયાંશ ભાગમાં કાલ્પનિક જ છે પણ તેમ છતાં એનો એક નાનકડો એવો ભાગ મારી અંગત જિંદગી સાથે ખૂબ જ ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે. 2012માં સુરતમાં મારા સ્ટ્રગલના દિવસો દરમ્યાન જ્યારે મારી પાસે કોઈ જ રસ્તો બાકી રહ્યો ન હતો, એ દિવસોમાં ધ્રુવલ – મારો દોસ્ત મારી લાઈફમાં એક આશાનું કિરણ બનીને આવ્યો હતો અને આજે હું સાહિત્યની દુનિયામાં જે કઈ પણ છું એના માટે અમુક અંશે એનો ઋણી છું.
નિયતિ, એક શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતી છોકરી, 2014માં હું એને શીતલનાથ એકેડમીમાં મળેલો અને ત્યારથી આજ પર્યંત અમારો ગુરુ – શિષ્યાનો સંબંધ જળવાઈ રહ્યો છે. લગભગ 1400 કરતાં વધારે વિદ્યાર્થીવર્ગમાં મારી સૌથી નજીકના જો બે વિદ્યાર્થી હોય તો એ છે – નિયતિ પ્રજાપતિ અને નમ્રતા પ્રજાપતિ. આ બંને દીકરીઓ મારી અને મારા જીવનમાં બનતી તમામ ઘટનાઓ સાથે ગહન રીતે જોડાયેલી છે.
વિકી ઉપાધ્યાય – એક નંબરનો ડામીસ માણસ, જેણે મને કોર્પોરેટ ફિલ્ડમાં કેવી રીતે ટકી રહેવું એ શીખવ્યું. ભાવના મેડમ, જેમના સાનિધ્યમાં રહીને અને ફક્ત ત્રણ મહિનાના ટૂંકા સમયગાળા માટે તેમની ફર્મ આધાન સોલ્યુશન્સમાં કામ કરીને હું પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ – બંનેને એક સાથે મેનેજ કરતા શીખ્યો.
વૈભવી – આ વાર્તાનું એક એવું વાસ્તવિક પાત્ર, જેણે ફક્ત સુરત દરમ્યાનની મારી એક જ મુલાકાતમાં મારો જિંદગી અને સંબંધો પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. એનો પણ સાચા હ્રદયથી આભાર કારણ કે જ્યાં સુધી કોઈ પોતાનું અંગત ઘાત ન આપે ત્યાં સુધી સાચા દર્દની અનુભૂતિ થઈ શકતી નથી.
નુપૂર – એક એવું પાત્ર, જે મારી સૌથી નજીક હોવા છતાં પણ યોજનો દૂર છે. કદાચ એટલે જ કહેવાય છે કે પોતાની સૌથી નજીકની વ્યક્તિને અને તેના મહત્વને સમજવા માટે ક્યારેક તેનાથી દૂર જવું પણ જરૂરી છે.
કુદરત પટેલ, લાગે છે કુદરતે કુદરતી રીતે જ મને આ માણસની ભેટ આપી છે. મારી તમામ નવલિકાના ફ્રન્ટ અને બેકસાઈડ કવરપેજ તથા તમામ એડવર્ટાઈઝિંગ ઈમેજીસ – એ આ જ વ્યક્તિના ફળદ્રુપ મગજની પેદાશ છે, જે મને હજી વધારે સારી રીતે મારું કાર્ય કરવા જોશ, ઝનૂન અને પ્રેરણા પૂરી પાડે છે.
અને અંતે, જ્યારે હું આજે આ નવલિકાનું લોકાર્પણ કરી રહ્યો છું, ત્યારે મારા મીડિયા ગુરુ શ્રી મૌલિકભાઈ ભાવસાર, સાહિત્યિક ગુરુ શ્રી હાર્દિકભાઈ દવે અને મારા ઓલ ટાઈમ એનર્જી બુસ્ટર શ્રી પાર્થભાઈ વાઢેરને કેવી રીતે ભૂલી શકું. આ ત્રિદેવોના સંપર્ક વગર આજે મારા નામની આગળ લેખકની પદવી લાગવાની કોઈ જ શક્યતા ન હતી.
સાદર પ્રણામ...
શત શત નમન....
- આદિત શાહ “અંજામ”