#KNOWN - 3 in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | #KNOWN - 3

Featured Books
Categories
Share

#KNOWN - 3

આળસ ખાતી અનન્યાએ સવારે ઉઠીને જોયું તો તેના બેડ પાસે અડધા ખાધેલા મરેલા ઉંદર પડ્યા હતા. અનન્યા ડરી ગઈ અને ત્યાંથી ઉભી થઇ ગઈ. દરેક ઉંદરો અડધા ખાઈને પડ્યા હતા.
"આ રેટ્સ અહીંયા કેમના આવી ગયા?? " થૂંક ગળા નીચે માંડ ઉતારતી અનન્યા વિચારવા લાગી.
"લાગે છે તે પડછાયાંએ જ આ બધું કર્યું હશે." એમ વિચારતી અનન્યા બાથરૂમમાં જઈને ફ્રેશ થવા જાય છે.

બ્રશ લઈને તે કોલગેટ કાઢીને જેવી બ્રશ કરવા જાય છે ત્યાં અરીસામાં પોતાનો ચહેરો જોઈને તેની આંખોના ડોળા મોટા થઇ જાય છે.તેની આંખો ડરથી મીંચાઈ જાય છે. તે ફરી ખોલીને જોવે છે. તેના દાંતમાં ઉંદરને ખાધેલા હોય એવા નિશાન હોય છે. તેના ગાલ પાસે ઉંદરની પૂંછડી પણ ચોંટેલી હોય છે.
અનન્યા ફટાફટ આ બધું જોઈને કોગળા કરવા લાગે છે અને જોરજોરથી મોઢું ધોવા લાગે છે.
"હે ભગવાન!! આ શું કર્યું મેં?? શું મેં જ એ ઉંદરો ખાધા છે?? એ પણ આટલી ખરાબ રીતે !! મને તો કશું યાદ પણ નથી. નક્કી આ પેલા પડછાયાએ મને હેરાન કરવા કર્યું લાગે છે." હજુ આવા વિચારો અનન્યાનાં દિમાગમાં ઘુમરાતા જ હતા ત્યાં જ કોઈક જોરજોરથી દરવાજો ખખડાવે છે.
"અનુ જલ્દી દરવાજો ખોલ.અનર્થ થઇ ગયું." માધવીએ રડતા રડતા દરવાજો ખખડાવતા કહ્યું.
અનન્યા વ્યવસ્થિત થઈને દરવાજો ખોલે છે.
"અનુ, અર્શ.... " કહેતી માધવી અનન્યાને વળગીને રોવા લાગે છે.
"શું થયું અર્શને?? " અનન્યા માધવીને ચૂપ કરાવતા પૂછે છે.
"ચાલ તું જ જાણી લે. હું નહીં કહી શકું" બોલતી માધવી અનન્યાનો હાથ પકડીને તેને નીચે લઇ જાય છે.
નીચે પોલીસનાં માણસો બધા મિત્રો સાથે પૂછપરછ કરે છે.

"ઓમ તે કહ્યું એ પ્રમાણે અર્શ તમારી લોકોથી વહેલો જ છૂટો પડી ગયો હતો.તેની લાશની જે હાલત છે એ પરથી કોઈ જંગલી જાનવર આની પાછળ જવાબદાર હોય એવું લાગે છે. ઠીક છે તમે લોકો પણ તમારા ઘરે સાચવીને પહોંચી જાઓ અને ઘરેથી આટલું દૂર આવવાનું સાહસ ફરી ના કરતા." આટલું કહેતા ઇન્સ્પેક્ટર ત્યાંથી નીકળી જાય છે.
માધવી ઓમને વળગીને રોવા લાગે છે.કિંજલ પણ બાજુમાં ઉભી ઉભી રોતી હોય છે.
"જો ને અનુ અર્શ સાથે કેવું થઇ ગયું?? આપણે આટલે દૂર આવવાનું જ નહોતું.બહુજ ગંદી રીતે મરી ગયો બિચારો." રડમસ સ્વરે કિંજલે અનન્યાને કહ્યું.
અનન્યાને સમજમાં નહોતું આવતું કે, 'શું ખરેખર અર્શની મોત પાછળ કોઈ જંગલી જાનવર જવાબદાર છે?? કે પછી?? '

બધા ત્યાંથી નીકળીને પોતાની એક્ટિવા લઈને ઘરે જવા લાગ્યા.
રસ્તામાં અનન્યાએ જોયું તો પોલીસની તપાસ ચાલી રહી હતી.તેણે કિંજલને એક્ટિવા ઉભી રાખવાનું કહ્યું.અનન્યા ધીમા ડગ માંડતી ક્રાઇમ એરિયા પાસે જવા લાગી.
ત્યાં અર્શની લાશ તો નહોતી પડી પણ ફોટોગ્રાફર ત્યાંના ફોટા પાડી રહ્યો હતો જેના ફોટા ત્યાં ઉભેલ કોન્સ્ટેબલ પાસે અનન્યાએ માંગ્યા.
અનન્યાને ફોટા જોઈને ઉબકા આવવા લાગ્યા.
ફોટામાં અર્શની લાશનાં કપાયેલા અંગો વેરવિખેર પડ્યા હતા.અર્શનું માથું તેણે કાલે રાતે જોયું હતું એવુંજ ભયાનક હતું. અનન્યાને પરસેવો વળવા લાગ્યો.તેની હાલત જોતા કોન્સ્ટેબલે તે ફોટા અનન્યાની પાસેથી લઇ લીધા.
"જા છોકરી, આવું બધું નાં જોઇશ વધારે." તે કોન્સ્ટેબલે અનન્યાની હાલત જોઈને કહ્યું.
અનન્યા ફોટા આપતી જતી જ હતી ત્યાં ફોટોગ્રાફર કોઈકની સાથે વાત કરતો હતો જે અનન્યાના કાને આવ્યું.
"આ છોકરાનો એક હાથ તો છે પણ નહીં, તેના ઘરનાં લોકો લાશ જોશે તો કેવા દુઃખી થશે."
અનન્યા વિચારવા લાગી, 'આ કોઈ જાનવરનું કામ તો નથી જ, તો અર્શનો એક હાથ ક્યાં જતો રહ્યો?? '

છેવટે અનન્યા ઘેર આવી અને તેના મમ્મી પપ્પાને જીવમાં જીવ આવ્યો.અર્શની મોતની વાત જાણ્યા બાદ તે લોકો પણ ભયભીત થઇ ગયા હતા. અનન્યા પોતાના રૂમમાં ગઈ અને મગજ ઠીક કરવા ફોન લઈને મોટિવેશનનાં વિડીયો જોવા લાગી પણ તેના ફોનમાં તે જે હોરર અને આત્માઓ બોલાવવાના વિડીયો જોતી હતી માત્ર તે જ પ્લે થવા લાગ્યા.કંટાળીને તેણે ફોન બંધ કરી દીધો. ત્યારબાદ તે આંખો મીંચીને સુઈ ગઈ, રાતે જમવા માટે બહાર આવી અને પાછી પોતાના રૂમમાં પૂરાઈ ગઈ.
અનન્યાએ ફરી પોતાનો મોબાઈલ લીધો તો શાંત વાતાવરણમાં અચાનક ટક ટક ટક કરતો અવાજ થવા લાગ્યો.
અનન્યા ઉભી થઈને તે અવાજ ક્યાંથી આવે છે તે જોવા લાગી. તે અવાજ તેના કબાટમાંથી આવી રહ્યો હતો.તે ધીરે ધીરે કબાટ પાસે જવા લાગી.ખૂબજ હિંમતપૂર્વક તેણે કબાટ ખોલ્યું અને અનન્યા જોરથી ચીસ પાડી ઉઠી. તેણે જોયું કે કબાટમાં અર્શનો ખવાયેલો અડધો હાથ પડ્યો હતો જેમાંથી લોહીનાં ટપકા પડી રહ્યા હતા અને તે હાથની આંગળીનો નખ સતત ઉપર નીચે થઈને ટક ટકનો અવાજ કરી રહ્યો હતો. તેણે કબાટને પણ ધક્કો લગાવીને બંધ કરી દીધું. તેની ચીસ સાંભળીને તેની મમ્મી દરવાજો ખોલતી આવી ગઈ.

"શું થયું અનુ?? કેમ ચીસ પાડી બેટા??" ચાંદનીબહેને પૂછ્યું,
"મમ્મા ત્યાં ત...ત.. ત્યાં.... " અનુએ પોતાના કબાટ તરફ ઈશારો કરતા કહ્યું.
ચાંદનીબહેને ઉભા થઈને કબાટ ખોલીને જોયું પણ ત્યાં એવું કંઈજ નાં નીકળ્યું.
"કશું નથી બેટા, અર્શની મોતની વાત સાંભળીને તું આઘાતમાં આવી ગઈ છું.સુઈ જા બેટા, આરામ કર." ચાંદનીબહેને અનન્યાને બેડ પર બેસાડી અને તેના માથે ફેરવતા કહ્યું.
"મમ્મા, ડેડ ક્યાં ગયા??" અનન્યાએ તેની મમ્માને પૂછ્યું.
"બેટા, એ બોમ્બે ગયા છે. 2 દિવસ બાદ આવશે." ચાંદનીબહેને પ્રેમથી અનન્યાને કહ્યું.
ચાંદનીબહેન જતા જતા કહેતા ગયા કે, 'સુઈ જજે પાછી, મોબાઈલમાં ફાલતુનાં વિડિયોઝ નાં જોતી. '
અનુ ડોકું હલાવતી કેટલીય વાર સુધી બેડ પર બેસી રહી.
"હિટલર આત્મા તું મને હેરાન નહીં કરી શકે.આજે રાતે જ હું તારો ફેંસલો કરી દઈશ." અનન્યા ઊંચા સાદે બોલતી રહી.

થોડીવાર બાદ અનન્યાએ પોતાના મોબાઈલમાં એક વિડીયો જોયો. વિડીયો જોયા બાદ તેણે પોતાના કબાટમાંથી કેન્ડલ કાઢી અને તેને ગોઠવવા લાગી. તે કિચનમાં જઈને લીંબુ મરચા પણ લેતી આવી. તેણે પોતે વિડીયો જોયા મુજબ બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. ત્યારબાદ તેણે રૂમમાં સંપૂર્ણ અંધારું પાથરી દીધું.
કેન્ડલ સળગાવીને તેણે એક મંત્રનો જાપ કરવાનું ચાલું કરી દીધું.
'આવઝો બિલ્લાહે ' 'આવઝો બિલ્લાહે ' કહેતો અનન્યાનો અવાજ શાંત વાતાવરણમાં એક ઉર્જા પેદા કરી રહ્યો હતો.

ધીરે ધીરે રૂમમાં એક ઠંડક પ્રસરતી ગઈ. રૂમની બારીઓ હવાની લહેરોથી ખોલ બંધ થવા લાગી.અનન્યા સિવાય કોઈ બીજું હોત તો તેની હાલત બદત્તર થઇ ચૂકી હોત પણ અનન્યાનાં ચહેરા પર ભયની એક પણ રેખા ઉપસવાનું નામ નહોતી લેતી.અનન્યાએ કાગળ અને પેન પાસે રાખ્યા અને તેના મંત્રોનો જાપ વધુ ઊંચા અવાજે કરવા લાગી. અચાનક વાતાવરણમાં થતા અવાજો બંધ થઇ ગયા. બારીઓ અવાજ કરતી બંધ થઇ ગઈ. કેન્ડલ પણ બુઝાઈ ગઈ.અનન્યાએ પોતાના મંત્રનો જાપ બંધ કરી દીધો. અનન્યાને લાગ્યું જાણે કોઈ તેના શરીરમાં પ્રવેશવા માટે પ્રયાસો કરી રહ્યું હોય. અનન્યા આમથી તેમ તેનું તન ડોલાવવા લાગી.તેના વાંકડિયા લાંબા વાળ હવામાં લહેરાવવા લાગ્યા.તેણે પોતાનું શરીર જમીન પર ઢાળી દીધું.અનન્યા NO NO કહેતી પોતાના હાથ પગ ઉછાળવા લાગી.

(ક્રમશ :)

(આપને વાર્તા ગમી હોય તો પ્રતિભાવો આપવાનું નાં ભૂલશો, આપના પ્રતિભાવો મને સારુ લખવાં પ્રેરે છે.)