હવે માઉન્ટ આબુ ટ્રીપનું છેલ્લું સ્થળ સનસેટ પોઇન્ટ જોવાનું બાકી રહ્યું હતું. ખરેખર સનસેટ પોઇન્ટ જોયા વગર આ ટ્રીપ અધૂરી હતી. શિયાળામાં છ-સાડા છની આસપાસ લાલ-નારંગી રંગનો સૂર્ય લગભગ તેની આસપાસનું આકાશ પણ તેનાં કિરણો દ્વારા થોડું નારંગી રંગે રંગી નાખે છે અને અચાનક જ તે વાદળો વચ્ચે ડૂબી જાય છે.પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડતો જાય છે. લગભગ પંદરેક મિનિટમાં નારંગી રંગ ગાયબ થઇને હળવું અંધારું છવાઈ જાય છે,સૂર્યાસ્ત થઈ ગયો હોય છે.
અરવલ્લી રેન્જની સમૃદ્ધ હરિયાળી એક તરફ અને સનસેટ પોઇન્ટથી લાલ અને નારંગી રંગે રંગાયેલ સુરત નિહાળવાની મજા એક તરફ. સનસેટ પોઇન્ટની ફરતે રેલીંગ બાંધેલી છે. ત્યાં આવતા વાંદરાને કંઈ ખાવાનું આપીને તેની સાથે મશ્કરી કરવાની પણ મોજ આવે છે.
સનસેટ પોઇન્ટથી બાઈક પર નિરાંતે રખડતા રખડતા માઉન્ટ આબુનું એક નાનકડું ચક્કર લગાવ્યું.
સાંજના પોણા આઠ વાગી ગયા હતા,ભૂખ પણ બહુ લાગી હતી,શું ખાવું એ નક્કી નહોતું થઈ રહ્યું.એટલામાં સિત્તેરક વર્ષની ઉંમરના દાદા એક રેસ્ટોરન્ટનું માર્કેટિંગ કરતાં અમારી પાસે આવ્યા,કદાચ તેમને એટલા માટે જ રાખ્યા હતા.અમે તેમની પાછળ પાછળ રેસ્ટોરેન્ટમાં ગયા. બે ગુજરાતી ગ્રાહકોએ લગભગ જમવાનું પતાવ્યું અને રાઈસ ઓર્ડર કર્યા.
એ સિવાય લગભગ આખો રેસ્ટોરન્ટ ખાલી. નેવું રૂપિયાની અનલિમિટેડ થાળી છાશ પાપડ એક્સ્ટ્રા.અમે ટેબલ પર ગોઠવાયા મેન્યુમાં ત્રણ શાક, બટેટા; મગ અને ભીંડા...મગનુ શાક ગણતરીની સેકન્ડોમાં જ લગભગ અડધી થાળીમાં ફેલાઈ ગયું.બટેટાનું શાક મેં વાટકીમાં પીરસાવ્યું. ભીંડો મને ભાવે નહી.થોડીવારમાં ચીગમ જેવી સરસ રોટલીઓ આવી. આ ગુજરાતી થાળીના ટેસ્ટનો અંદાજ તો હવે તમને આવી જ ગયો હશે!!! પેટ ભરીને ખાવા જેવી એક જ વસ્તુ હતી ટમેટા નું સલાડ. એમાં પણ છેલ્લા જણનો વારો આવે ત્યાં સુધીમાં તો પૂરું થઈ જાય. તે દિવસે બધા એ પાંચથી છ વાર સલાડ જ પીરસાવ્યું હશે. અડધું ખાવાનું પૂરું થઈ ગયા પછી છાસ અને પાપડ ટેબલ પર મુક્યા.બરેસ્ટોરન્ટ વાળા સાવ મંદબુદ્ધિ લાગતા હતા. આપણે ગુજરાતી રેસ્ટોરન્ટ વાળા ઓર્ડર કર્યા પછી તરત જ છાશ પાપડ હાજર કરી દેતા હોય છે. ઓર્ડરની રાહ જોતા જોતા છાશ પાપડ ક્યારે પતી જાય, એની ખબર જ ના પડે અને ફરીવાર તેનો ઓર્ડર કરવો પડે...ખેર જેમ તેમ પેટનો ખાડો બુરવો પડ્યો.
એકટીવા રીટન મેળવવા માટે ગેરેજના માલિકનો ફોન આવી ગયો હતો એટલે સાડા આઠ વાગ્યાની આજુબાજુ એકટીવા રિટર્ન કરીને અમે હોટલ તરફ માઉન્ટ આબુની બજારને ચીરીને પરત ફરી રહ્યા હતા. હોટેલ પહોંચીને અમે બધાએ પોતપોતાનો ખૂણો પકડી લીધો સવારે નવ વાગ્યે ચેક-આઉટ કરવાનું હતું અને થાક પણ ગજબનો લાગ્યો હતો. એટલે આખા દિવસના ફોટાઓ એક્સચેન્જ કરીને અને થોડીવાર મોબાઈલ મચેડીને રાત્રીના દસ વાગ્યાની આસપાસ બધા ઘસઘસાટ ઊંઘી ગયા. મને ઊંઘ આવતી નહોતી. હું ટીવી જોવા માટે બીજા રૂમમાં ગયો. તે દિવસે નાણાંમંત્રીએ બજેટ રજૂ કર્યું હતું, એટલે તે વિશેના ન્યુઝ જોઈને હું પણ ઊંઘી ગયો.
સવારમાં પહેલી આંખ અક્ષયની ઉઘડી હશે. હું લગભગ સાડા સાતેક વાગ્યે આળસ મરોડતો પથારી પરથી સહેજ ઉભો થયો. હોટેલની નીચે અક્ષય અને હોટેલના મેનેજર ભૂરાની બુમો સંભળાઇ રહી હતી. બંનેની રાડારાડી અને મગજમારી સાંભળીને એવું લાગી રહ્યું હતું કે ગીજર બગડી ગયું હોવાથી ગરમ પાણીનો લોચો હતો. હવે ઉઠીને કોઈ ફાયદો નહોતો, એટલે હું ફરી પાછો થોડીવાર ઊંઘી ગયો.
ભૂરાએ હિટર લગાવીને અડધી કલાકમાં ગરમ પાણીની વ્યવસ્થા કરી દીધી હતી.બધાએ વારાફરતી સવારનો નિત્યક્રમ પતાવ્યો. પોતપોતાનો સામાન બેગમાં ભરીને 8:30 વાગ્યે બધા તૈયાર થઈને બેઠા હતા. અક્ષયે સામાનની સાથે હોટલના સાબુ,શેમ્પુ,તેલ વગેરે પણ બેગમાં ભરી લીધા જાણે સવારનો ગુસ્સો ઉતારતો હોય!!!
હવે અમે માઉન્ટ આબુથી આબુરોડ અને ત્યાંથી મોડાસા કઈ રીતે જવું તેની પ્લાનિંગ કરી રહ્યા હતા.વાસુને મહેસાણા જવાનું હતું. સાડા અગિયારે આબુરોડથી મહેસાણાની ટ્રેન હતી, એટલે આબુરોડ સમયસર પહોંચવું જરૂરી હતું. લગભગ 9:15 વાગે હોટેલમાંથી ચેકઆઉટ કરીને માઉન્ટ આબુના બસ સ્ટેન્ડ તરફ રવાના થયા વચ્ચે ચા,બિસ્કીટ અને ખારીનો નાસ્તો કર્યો...
આબુ પર્વત ઉતરીને માઉન્ટ આબુ પહોંચવા માટે અમને ટેક્સી મળી ગઈ. માઉન્ટ આબુના તાજેતાજા કિસ્સાઓને વાગોળતા વાગોળતા અમે ઘાટીલા પહાડી માર્ગને ઉતારવાનો થાકેલ પાકેલ શરીરે પણ આનંદ માણી રહ્યા હતા. વચ્ચે વચ્ચે ઊંઘનું ઝોકું આવી જતું પણ ટેક્સી u-turn આકારનો વળાંક મારીને ઊંઘ ઉડાડી દેતી. પોણા અગિયાર વાગ્યે અમે આબુરોડ સેન્ટ્રલ બસ સ્ટેન્ડે ઉતાર્યા, ચા-પાણી પીને બધા ભાઈબંધોને ગળે મળીને વાસુ અમારાથી છૂટો પડ્યો...
અમને સીધી મોડાસાની બસ મળે એમ નહોતી, એટલે અંબાજી સુધી જવાનું નક્કી કર્યું. એ માટે પણ બાર વાગ્યા સુધી તો રાહ જોવી પડે એમ જ હતી. બધા બસ સ્ટેન્ડમાં બેસવાની જગ્યા શોધીને બેસી ગયા હતા. મને જગ્યા નહોતી મળી એટલે હું આમતેમ નજર કરી ને જગ્યા શોધી રહ્યો હતો. આબુરોડ નું બસ સ્ટેન્ડ બાઉન્ડ્રી વોલ વગર જ મેઇન રોડ ઉપર આવેલ હતું. મોટા ચોકમાં જ ઉભું કરેલું હોય એવું લાગતું હતું. બસ સ્ટેન્ડની હાલત પણ ખૂબ જ ખરાબ હતી. ચારેકોર ગંદકી, છૂટાછવાયા ઢોર રખડતા હતા, ફેરિયાઓના ફ્રુટ ઉપર ઝેરી માખીઓ બણબણી રહી હતી, પ્રાણીઓના મળ તથા કચરાપેટીમાં ઓવરલોડ કચરાની દુર્ગંધ વાતાવરણ બગાડી રહી હતી. એવામાં બધી બસોની આસપાસ ટોળું ઉભરાઈ રહ્યું હતું...થોડી વારમાં અમારી બસ આવી.બસ આખી ભરચક હતી, બેસવાની તો દૂર ઉભવાની જગ્યા મળે તો પણ ગંગા નાહ્ય. ધક્કામુક્કીમાં અમે બસમાં ગોઠવાયા.બસની હાલત પણ દયનીય હતી. ગુજરાતમાં લગભગ આજથી પંદરેક વર્ષ પહેલા વાદળી રંગની નિરમા વોશિંગ પાવડરની જાહેરાતના બોર્ડ વાળી બસ આવતી,જો કોઈને યાદ હોય તો!!! એવી હાલત આ બસની હતી. મુસાફરોથી છલોછલ બસ ઉપડી. આબુરોડથી થોડે આગળ નીકળીને ગુજરાત બોર્ડર પહેલા એક હોટલે વોલ્ટ લીધો. અમારા બધાની સ્થિતિ કફોડી થઇ ગઇ હતી, એટલે અહીં હાઇ-વે પરથી જ કોઇ અન્ય વાહનમાં અંબાજી સુધી જવાનું નક્કી કર્યું...
બધા વાહનનું આગળથી પેક આવતા હતા. અમેં રસ્તા પર જ બેઠા હતા, એવામાં એક ટ્રાવેલ્સ મળી ગઇ. પહેલા તો અંબાજી સુધીનું ભાડું નક્કી કર્યું, પરંતુ બોર્ડર ક્રોસ કરીને ખબર પડી કે તે અમદાવાદ સુધી જાય છે, એટલે ટ્રાવેલ્સ દ્વારા જ હિંમતનગર જવાનું નક્કી કર્યું.
હું મસ્ત સિંગલના સોફામાં ગોઠવાયો. એક વાગ્યાથી ઇન્ડિયા ન્યુઝીલેન્ડ વચ્ચે અંતિમ ટી-20 મેચ શરુ થવાનો હતો અને ઘડિયાળમાં સવા થયો હતો. મેં મેચ નિહાળવા હોટસ્ટાર ઓપન કર્યું પરંતુ નેટવર્ક પ્રોબ્લેમને લીધે વારંવાર લોડીંગ થઈ રહ્યું હતું,એટલે અંતે કંટાળીને મેચ જોવાનું માંડી વાળ્યું. ફોન મુકતાની સાથે જ ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ના પડી. ટ્રાવેલ્સે અંબાજી વોલ્ટ લીધો. અક્ષય નીચે હોટલમાંથી સમોસા કચોરી વગેરે નાસ્તો લઈને આવ્યો.બે દિવસનો થાક લાગ્યો હતો એટલે ઊંઘ પૂરી થવા નો તો સવાલ જ નહોતો, નાસ્તો પતાવીને ફરી પાછી લંબાવી!!!
ઘડિયાળમાં ચાર વાગી ગયા હતા અને ક્યારેય હિંમતનગર આવી ગયું એ ખબર જ ના પડી. હિંમતનગર મારા માટે ઓછું જાણીતું એટલે ક્યાં એરિયામાં અમે ઉતર્યા એ ખાસ્સી ખબર નહોતી, પણ એટલો અંદાજ આવી ગયો કે અમદાવાદ, પાલનપુર,મોડાસા,રાજસ્થાન વગેરે બધી દિશામાં જવા માટે ટ્રાવેલ્સ ત્યાંથી જ પડતી હશે.પંદરેક મિનીટ પછી અમને મોડાસા જવા માટે એક ઇકો મળી ગયો. લગભગ છ વાગ્યાની આસપાસ અમે મોડાસા ઉતાર્યા. હવે બાઇક ચલાવીને વિદ્યાનગર સુધી જવામાં શરીર માને એમ નહોતું એટલે આજની રાત મોડાસા જ રોકાવાનું નક્કી કર્યું.
આરામથી ઊંઘ પૂરી કરીને નવ વાગે ઉઠ્યા.નાસ્તો કરીને મોડાસાની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની એક ચક્કર લગાવીને અમે વિદ્યાનગર જવા નીકળ્યા, રસ્તામાં બે-ત્રણ વોલ્ટના સહારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ અમે વિદ્યાનગર પહોંચી ગયા...
***************************************
તો આ હતો અમારો નાનકડો બે દિવસનો માઉન્ટ આબુ પ્રવાસ. વાંચક મિત્રો આશા રાખું છું કે તમને "ચાલો માઉન્ટ આબુ જઈએ" વાંચતા વાંચતા અમારી સાથે રહીને સમગ્ર પ્રવાસનો આનંદ માણ્યો હોય તેવો અહેસાસ થયો હશે....
-સચિન