Nguniyo in Gujarati Moral Stories by nirav kruplani books and stories PDF | નગુણીયો...એક જાનપદી નવલિકા

Featured Books
Categories
Share

નગુણીયો...એક જાનપદી નવલિકા

એનું નામ નવઘણ...દેવડી ગામ ને પાદર એનું ખોરડું રહે..ગામ દેવડી..નાનકડું ખોબા જેવડું ગામ. ડુંગરો ની વચ્ચે ઉપર આભ, ને નીચે ધરણી..વચ્ચે એવું એક ગામ વસેલું હતું.જાણે માના ધાવણ ને ખોળા માં એક શિશુ ચોંટેલું હતું..
આવું ગામ ને એને અડીને વોકળું આવેલું...પાસે થી જ એ વોંકળા માંથી પાણી દદડ દદડ કરતું વહેતું ને જઈ ને ગામને નાગણ જેમ વીંટી ને પડેલી નદીમાં જઈ ને સમાઈ જતું..

આ નદીના વહેણ માં પહાડોની ટોચે થી વરસતા ઝરણાઓ ને, વહેણ, ને નાની મોટી ધારાઓ પોતાનું સ્થાન ગોતી જ લેતી..પણ પાણી નો મુખ્ય સ્ત્રોત તો ડૂંગર થી નીકળતો એક મોટો ધોધ હતો..જે ખુબજ જોર થી એવી જગ્યાએ પડતો જ્યાં નીચાણમાં પોચી જમીન હતી..ને ધાર માં રહેલી સહેજ વંકી જગ્યાએ ખાબકતાં ત્યાં વમળ જેવી રચના આકાર પામેલી.. સમય વીતતાં ત્યાં ધરો બની ગયો..બહુ જ ઊંડો ધરો..જેના કિનારે એક પૌરાણિક શિવ મંદિર સ્થિત હતું.

નવઘણ ના બાપા ને એના વડદાદા ઓ આ મંદિર કને દાંડીઓ પીટી ઢોલ વગાડવાનું કામ કરતા.. ધ્રૂબંગ ધ્રૂબાંગ ધ્રુબંગ ધ્રુબાંગ.. મંદિરમાં આરતી થાય, મહાઆરતી થાય, મેળો લાગે , સીમમાં કોઈ ધીંગાણું થાય કે લગન ની જાન નીકળે કે કોઈ વેપારી વણજાર નીકળે અથવા હાટડી મંડાય ગામ ના પાદરે ત્યારે...આવા સામૂહિક પ્રસંગે ઢોલ પીટવાનું કામ કરીને પેટિયું રળતા..

...પણ આ બધા પ્રસંગોમાં એ પોતે બીજા ગામવાસીઓ ની જેમ ભાગ નોતા લઈ શકતા..જાન નીકળે તો ૩૦ હાથ ની દુરી રાખીને જ ચાલવાનું...આરતી, મહાઆરતી કે મેળો શરૂ થાય તો ગામ ના પાદરે ને શેરી ઓ ના નાકે ઢોલ પીટી ને નીકળી જવાનું...ઉભુ ન રહી શકાય..

ગામના જમણ ના કોઈ પ્રસંગે એ જમવાનું તો ઠીક વાનગીઓ ના દર્શનને પણ પામી ન શકતા..હાટડી મંડાય તો ત્યાં જઈ ન શકાય..મેળા માં ન જઈ શકાય..મંદિર નો પ્રસાદ પણ વર્જિત હતો.. અરે એ તો ઠીક...આજ સુધી મંદિર ની અંદર ની મૂર્તિ સુદ્ધાં ના દર્શન પામી શક્યા નહોતા..કેમ ?? કેમ કે ગામ લોકો માનતા કે નવઘણ નું ખોરડું જન્મથી એ હકો માટે વર્જિત હતું..એ વર્ણની એ પામવાની લાયકાત નહોતી.

ચોમાસાની ઋતુ માં જ્યારે વાદળો ગરજતા..ઘણ ની જેમ ડુંગરાઓ ની છાતી એ જઈ પડતા..પહાડોની છાતી ચીરવા ને જાણે હથોડા લઈને વાદળાં મંડી પડ્યા હોય એમ મેહ વરસાવતા..એવી એક ઋતુમાં એ અવતરેલો..કુદરત પણ જાણે ધોધ રૂપી દાંડીએ ધરા રૂપી ઢોલ વગાડી રહી હોય એવી ઘનઘોર ને મુશળધાર વરસાદ ની એક રાતે એનો જનમ..એના જનમ વખતે જે રીતે વરસાદ પડી રહ્યો હતો એ ઘણ જેવો અવાજ..ને ગામડા ની પરંપરા રૂપે..જાણે નવ ગુણ ધરાવતો પુત્ર અવતર્યો હોય એમ હેત માં ને હેતમાં એના બાપાએ નામ પાડેલું નવઘણ..

આ નવઘણ આમ તો એના બાપ ને એની બા ને વહાલો બહુ...જાણે દિલડા રૂપી સાકર નો કટકો..પણ ખાટલે એક ખોડ રહી જવા પામેલ...એની કાન ની નસો એ જે વરસાદ નો ઘનઘોર અવાજ સાંભળેલ..એનાથી એ હેબતાઈ ગયેલો...જેથી કરીને એની જીભ એના ગળા માં જ ધરબાઈ ગયેલી કાયમ ને માટે..એ ગુંગો બની ગયેલો..

આ નવઘણ સાચેજ ઘણ જેવો હતો...બાંધો ને બાહુ એવા મજબૂત કે આખે આખો થાંભલો ઉખાડી નાખે..મોટા મોટા ઝાડ ને કવાડા ના એક ઘા થી બે કટકા કરી ચીરી નાખે..મન થી એકદમ ભોળો..સોહામણો ય બહુ લાગે..પણ એના ખોરડાં નું વરણ નીચું એટલે ગામમાં એના ઘર ની જેમ એ પણ બહિષ્કૃત જ હતો. ગામમાં શાળા એ જઈ નો શકે..માટે ભણતર થી એના બાપ દાદાની જેમ એને ય બાર જોજન નું છેટું રહી જવા પામેલ..

ગામમાં એક કૂવો હતો..ગામ આખાની પનિયારીયું ઘડા ખણકાવતી એના બેડલા ને સોંડલા ત્યાંથી ભરતી..નદી ને કાંઠે થી નીકો કરીને ગામ ના લગભગ દરેકના ખેતરે પાણી પોગતું..ગામના તળાવ થી બધા પાણી ભરી શકતા..પણ એની બા બિચારી ઘરના પાણી સાટુ થઈ ને બાર ગાઉં ચાલીને જંગલ ના તળાવે થી પાણી ભરી લાવતી..ગામ લોકો એ વસ્તી થી દુર ધરા ને કાંઠે થોડી જમીન કાઢી આપેલી..ત્યાં એનું ઘર હતું...એનો બાપ સવાર થી બપોર ઢોલ વગાડતો ને બાકીના સમયે એ કઠણ જમીન ને પરસેવાથી ખેડી ને પોતા ને પોતાના ઘર પૂરતું અનાજ ઉગાડતો..એના ખેતર સાટુ પાણી પણ એ ધરા પર થી ભરતો...ગામ ની જેમ એને નીક ની સગવડ નહોતી.

એના બાપ ની સાથે ઘણી વાર નવઘણ જતો ઢોલ પીટવા..એ જોતો કે જાન થી કે વણજાર થી એને ઘણું છેટું રાખીને ચાલવાનું છે..મંદિર નો પૂજારી બધા ગામલોકો ને ને બાળકોને પ્રસાદ આપતો..પણ એમની સામે જાણે એક અલગ જ એવી ધૃણાસ્પદ નજરે જોતો.. હાટડીએ કે મેળે ગામ આખું ઉમટી પડ્યું હોય પણ એ લોકો ન જઈ શકે...મંદિર ના ગર્ભગૃહ માં બધા અંદર જઈ ને કૈંક કરે પણ એને કે એના બાપ ને મંદિર ના પગથીયા ચડવા ની પણ મંજૂરી નહોતી...ગામના મુખી ની સભા થઈ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય એના બાપા જઈ ને દાંડી પીટી આવે પણ પછી પાછા ઘરે ..એમને સભા માં જવાની મંજૂરી નહોતી..એની બા કદી પણ ગામ ના બજારે થી કૈંક ખરીદી ન શકે.. વાર તેહવાર પર ગામ આખું નવા લૂગડાં પેરીને હિલોળે ચડે પણ એના ને એના બા બાપુજી ના ડિલ પર તો એ જ જરીપુરાણા થીગડા મારેલ તોરણો લટકતા...આવું શા માટે??એનું મન બહુ જ થતું આવા બધા પ્રશ્નો પૂછવા ને પણ પૂછે કેમ?? લખતા વાંચતા તો આવડતું નહોતું..ને જીભ તો એની... જનમ થી જ દગો કરી બેઠેલી... મન ની ખરલ માં આ બધા સવાલો ને ઘૂંટી ઘૂંટી ને કેફ કરી એ પી જતો..કેમ કે ઓકવા માટે કુદરતે એને અવાજની ભેટ આપેલ નહોતી..

દહાડા વીતી રહ્યા હતા..નવઘણ મોટો થઈ રહ્યો હતો..ગામના ઉચ્ચ ને અન્ય વરણ ના છોકરાઓને એક નીચા વરણ નું આવું મોભા વાળું નામ ગમતું નહી...ને આમ પણ નવઘણ શરીર માં બધી રીતે એમનાથી ચડિયાતો...આ વસ્તુ બધા ને આંખમાં ઝેર ની જેમ ખટકતી..આથી કરી ને એને ઉતારી પાડવાનો એક પણ પરસંગ એ હાથ થી જવા દેતા નહિ.એને ઉતારી પાડવા ને નવઘણ એવા સારા નામ નું બગાડી ને નવ ગણીયો ને છેલ્લે એનું ય ટુંકું કરીને નગુણીયો કરી નાખ્યું... નગુણીયો..એટલે કે કોઈ પણ ગુણ વગર નો..આમ કરીને એનું ખૂબ અપમાન કરતા...પણ ભોળિયો નવઘણ આ સમજી શકતો નહીં..ને સમજે તોયે પ્રતિકાર કરવા માટે બોલી શકતો નહિ..આમ એ માત્ર હસીને ચાલી નીકળતો.

એક વાર ગામમાં મંદિર પાસે મેળો લાગેલો..એના કારણે મંદિર માં મહા આરતી નો પ્રસંગ હતો..મંદિર માં આરતી ચાલુ હતી ને બહાર પ્રાંગણ થી સહેજ દૂર ધ્રૂબંગ્ ધ્રૂબાંગ્.. ધ્રુબંગ્ ધ્રુબાંગ્...એમ એના બાપા નો ઢોલ પીટવાંનું ચાલુ હતું..આ વખતે નવઘણ પણ ઝિદ કરીને બાપાની આંગળી ઝાલીને પરાણે મેળો જોવા આવેલો...અલબત્ત બહાર થી જ..એ એક ખૂણા માં શાંતિ થી ઉભો હતો..ગામ વાસીઓના ટોળા થી દુર. ત્યાં જ એની નજર એના થી થોડે દૂર રમતા બે નાના બાળકો પર પડી..ને...

એ બાળકો રમતા રમતા ટોળા થી દુર વિખૂટાં પડતાં ચાલ્યા..લોકો આરતીમાં મશગુલ હોવાથી કોઈનું ધ્યાન એ તરફ ન્હોતું..પણ નવઘણ એ જોઈ રહેલો.. એણે ધ્યાન થી જોયું તો એ ચોંક્યો..કેમ કે બાળકો જે રાહ જઈ રહેલા, ત્યાં તો ધરો આવેલો..ઊંડો ધરો... એણે તાત્કાલિક ખૂબ હાથ હલાવ્યા...ખૂબ ચેતનાઓ કરી...અવાજ કાઢી ને ચેતવા સાટુ ગળું ઢસડી નાખ્યું..પણ..પણ અવાજ હતો જ ક્યાં એની પાસે?? ગળું બેજાન હતું...બીજા કોઈને હાથ પકડીને ચેતવવા નો વખત નહોતો એની પાસે..તાત્કાલિક ક્ષણ માં નિર્ણય લઈને એ બાળકો ની વાંસે પડ્યો..એ જઈને એમને આંબે એ પહેલા તો ધરા ની ધાર આવી ગઈ..ઉપર થી પડતા ધોધ નેં કારણે એ ધાર હંમેશ માટે ભીની જ રહેતી..ને કિનારે લીલ બાઝવા થી ચીકણી પણ હતી..તોફાન કરતા બાળકો નું ધ્યાન ન રહ્યું અને...અને. બેય ખાબક્યા સીધાં અંદર..

ધરામાં...હા ઊંડા ધરામાં... નવઘણે એ જોયું..એ વાંસે જ હતો...હવે એને વિચારવા નો અવકાશ નહોતો..બીજા લોકો ને જાણ કરી શકવાનો સમય ન્હોતો..ધરો ઊંડો હતો..છોકરા બહાર કાઢીને બચાવવા જરૂરી હતા..એટલે એની પાસે હવે એક જ ઉપાય હતો... એણે એને જ અમલ માં મૂક્યો..તાત્કાલિક કપડાં કાઢીને એ અંદર ખાબક્યો..ધરો ઊંડો ખરો..પણ નવઘણ માટે નહિ..એ તો બાળપણ થી જ અહી આવતો પિતા સાથે ખેતરો માટે પાણી ભરવા..બાળકો તો કોઈ દોસ્ત હતા નહિ..એટલે નવરાશ ની પળે એ કિનારે બેસી ધરામાં પોતાનું બિંબ જોતો..અંદર ઉતરી માછલાં ગણતો..દેડકા ગણતો..કાચબા ને રમાડતો..ધોધ સાથે મસ્તી કરતો..પત્થરો સાથે વાતું..આમ એને ધરામાં ઉતરવાની પ્રેક્ટિસ હતી.. એણે તાત્કાલિક બંને છોકરા ને ઝાલી લઈ ને બાથ ભીડી ને બહાર કાઢ્યા..બહાર કાઢી ને કપડાં ખભે ટાંગી ને બાળકો લઈ એ મંદિર તરફ ચાલ્યો..

મંદિર માં આરતી પૂરી થઈ ગયેલ...ને આ બાજુ લોકો હવે વિખરાવા લાગેલા..નવઘણ ના બાપા ને એના પૈસા મળવાનો સમય હતો...પુજારીએ અમુક સિક્કા, પૈસા ની નોટો ને અમુક જૂનાં કપડાં ને થોડું અનાજ એમ ઘર વખરી એના બાપ ની કોરે પહોંચે એમ એક હાથે જ દૂર થી હલાવીને ફેંકી...નવઘણ ના બાપા એ વીણી ને ગણી રહ્યા હતા..ત્યાજ ગામ લોકો માં હાહાકાર ફેલાઈ ગયો..ગામલોકો હેબતાઈ ગયા...નવઘણ ના બાપા એ દિશામાં નજર કરી તો એમના પણ મોતિયા મરી ગયા...

અનર્થ થઈ ગયો..અનર્થ થઈ ગયો..ઘોર અનર્થ.. નગુણીયાએ અભડાવી મૂક્યા.. નગુણીયા એ અભડાવી મૂક્યા..મારો મારો..એમ બૂમો પડવા મંડી..હાકોટા પડકારા ને ચિચિયારીઓ સાંભળી ને નવઘણ નું ધ્યાન એ તરફ ગયું..એના બાપા પણ એની તરફ જ જોઈ રહ્યા હતા..દૂર થી જ એ બે આંખો મળી ને ક્ષણ માં આખો વાર્તાલાપ સર્જાઈ ગયો..નવઘણ સમજી ગયો એ પોતે તો મુક માણસ..કેફિયત કેમ કરીને જણાવી શકે..બાળકો હજી બહુ નાના હતા..ને પાછા બેભાન..પોતે તો ગુનેગાર ઠર્યો...ધરમ કરતા ધાડ પડી..એ સમજી ગયો તાત્કાલિક નિર્ણય કર્યો..બાપા સાથે નજર મિલાવી ક્ષણિક ગુફ્તેગો કરી ને એ ભાગ્યો..બાળકો ને જમીન પર સુવાડી ને મુઠ્ઠીઓ ભીંચી ને ભાગ્યો..જઈ ને સીધો ઘર ની અંદર જઈ બા ના ખોળા માં જઈને ભરાઈ ગયો..એના હાવભાવ નિહાળી બા પણ ઘાંઘી બની પૂછવા લાગી શું થયું?? પોતે બતાવવા તો ઘણું માગતો હતો પણ નસીબ નો માર્યો બોલે શું?? એણે તરફડીયા મારીને હાવભાવ થી સમજાવવાની કોશિશ કરી..બેબાકળી બા અડધું સમજી ન સમજી ત્યાં જ એ રડવા લાગ્યો..અવાજ તો ન નીકળ્યો પણ આંસુ ને ન ખાળી શક્યો..બા એ એના સાડીના પાલવ માં એનેં છૂપાવી દીધો ને શાંત કર્યો..

બહાર ટોળું ભેગું થયું..ઘર ના દરવાજા ને તોડી પાડી ને બહાર કાઢવા ના હાકોટા થવા લાગ્યા..ટોળું બહુ આવેશમાં હતું..બા એ ખડકી માંથી સહેજ નજર કરી તો કાંપી ઉઠી..ટોળું ધારિયા ને લાકડીઓ સાથે આવેશ માં ને ખુંન્નસ માં હતું..એ તો નવઘણ ને મારી નાખવા જ ઉતારું હતું..પણ વાંસે નવઘણ નો બાપ ગરીબડો બની કરગરતો..બે હાથ જોડી દુહાઈ દેતો ને આંસુ સારતો આવી પહોંચ્યો..લાકડીઓ નો બેફામ મારો એને વેઠવાનો થયો..અધમૂઓ બની ગયો..જોઈ ને નવઘણ ની બા થી ન રહવાતા એ એના સુહાગ ને બચાવવા વચ્ચે પડી.. એણે ગામલોકો પાસે એના જીવન ની દુહાઈ માંગી..એનેનપં જખ્મો આવ્યા.. પણ આખરે ગામ ના એક વડીલ નેં ઉદારતા આવતા એણે ટોળાંને વાર્યું..ને ટોળું નવઘણના બાપને પડતો મેલી ને ઘર ઉપર પથ્થરો વરસાવી ગામ ના માર્ગે સિધાવ્યું..બિચારા નવઘણ ના બા ને બાપુજી..નવઘણ ની બા નવઘણ ના બાપુજીના જખ્મો પર મલમ લગાવી આખી રાત આંસુ સારતી રહી..

સવારે સભા ભરાણી..ગામમાં થયેલા અક્ષમ્ય ગુનાનો ફેંસલો કરવાનો હતો..નવઘણ ને સજા મળવાની હતી..પણ એના બાપ એ બિચારા એ છોકરાની નાની ઉંમરની દુહાઈ આપતા ગામલોકો એ સજા એના પિતા ને આપવાનું નક્કી કર્યું..સજા નક્કી થઈ કે એક ગદર્ભ ઉપર ઊંધા બેસાડી ગળામાં ગામલોકો ના ખાસડાની માળા કરી ગળે પેહરાવી ને મોઢું મેશ થી કાળું કરી ગામલોકો એ થૂકેલા ને કચરો ફેંકેલા રસ્તા પર એ ગદર્ભ નું સરઘસ કાઢવું..લોકોના હાસ્યો..અપમાનજનક શબ્દોના પડઘા..પિતાજી ની ઝૂકેલી ને લાચાર નજર.નવઘણ લપાઈ ને જોઈ રહ્યો એ સજાનો અમલ થતાં..

માસૂમ નવઘણ ની બે ભોળી ને તગતગતી આંખો પોતે કરેલા કર્મ ની સજા પોતાના પિતાજી ને ભોગવતી જોઈ રહી..એને રડવું હતું.. રાડો પાડવી હતી...ચિત્કારી ઉઠવું હતું..અંદર ના ભાવો ને બહાર કાઢવા હતા.. પોતાને થઈ રહેલ અસહનીય ને અનહદ પીડા નું લોકોને પોતાની અવાજ માં ભાન કરાવવું હતું..પોતાની આત્મા પર પડી રહેલા ઘાવ ને ઉઝરડા નું લોકો ને ભાન કરાવવું હતું..વેદના ને વાચા આપવી હતી..પણ દગાખોર ગળું...આજે ય શાંત રહ્યું..એ સારી શક્યો આંસુ માત્ર..

દિવસો વીત્યા..પિતાજી નું હવે ગામતરું થયેલું..બા ને નવઘણ બે જ હવે જીવતર હતા. બા પણ ઘરડી થયેલી..મુક મૂરતિયા ને પરણવા કોઈ કન્યા રાજી નહોતી..એના વરણ માંથી પણ નહિ..એ દિવસ ની ઘટના પછી ગામ હજી વિતાડવામાં અટક્યું ન્હોતું..એના પિતાજી પાસે થી ગામે આપેલી જે થોડી જમીન હતી એ જમીન..ઢોલ વગાડવાની કામગીરી ને એ ઘર જ્યાં નવઘણનું ખોરડું હતું એ બધું જ જપ્ત કરી લેવાયું..સજારૂપે..તમામ મિલકત જપ્ત કરી લેવાઈ..નવઘણ ના કુટુંબ ને ગામ નિકાલ કરાયા..છેવટે નવઘણ ને એના કુટુંબે નદીનો પટ જ્યાં સાંકડો હતો એ પટ ઓળંગી સામે પારની એક ટેકરી પર આશ્રય લીધો..ત્યાજ નવુ ખોરડું બાંધ્યું..નદી કિનારાની ટેકરાળ પણ ફળદ્રુપ જમીન માં એમણે ખેતી શરૂ કરી..બા, બાપુજી કે પોતે જે નવરું હોય તેમણે જંગલ માં જઈ ને લાકડા કાપી લાવવાના. એમ ને એમ જીવન ચાલ્યું..એમ કરતાં કરતાં પિતાજી અવસાન પામ્યા..ને પાછળ રહ્યા બે જીવતર..એક પોતે નવઘણ ને એક એની બા.

એક દિવસ..નવઘણની બા ટેકરી ની પાછળ ના જંગલ માં લાકડા વીણવા ગયેલી..નવઘણ આગળ એના ઘરની આગળ ના નાના ખેતર માં અનાજ વાઢી રહ્યો હતો.. ત્યાંજ

ત્યાંજ એણે એક બૂમ સાંભળી...નવઘ......ન નનન....આટલી લાંબી પોકાર સાંભળી એને ફાળ પડી..અવાજ તો પોતાની બા નો..બા ને વળી શું થયું..??એ ભાગ્યો..બધું જ કામ પડતું મૂકી ને ભાગ્યો...અવાજ જંગલ ની દિશા માંથી આવેલો..એ દોડતો દોડતો ત્યાં પહોંચ્યો તો દ્રશ્ય જોઈ એના ગાત્રો સુકાઈ ગયા..જઈ ને જુએ છે તો બા બેભાન પડી છે ને એણે બાંધવા એકઠા કરેલા લાકડા ના ભારા માંથી એક કાળોતરો નાગ નીકળી એના પગ પાસેથી સડસડાટ નીકળી જંગલ માં વિલીન થઈ ગયો.. એણે જોયું તો એના બા ને પગે સાપ નો દંશ લાગેલો...ઝેર ચઢી રહ્યું હતું...પગ લીલો થઈ ગયેલો..ધીમે ધીમે એની બા ના આખા શરીરે ઝેર ફેલાઈ રહ્યું હતું..એણે આવ જોયો ન તાવ ફટાફટ બા ને ખોળા માં ઝાલી ને એ ગામ બાજુ ઉપડ્યો.... એને જાણ હતી કે ગામ માં અમુક વૈદ્ય હતા..એણે જઈ ને નદી કિનારે જોયું તો વહેણ જોરદાર હતું...બા ને ભુજાઓ માં ઝાલીને નદી માં પડતું મૂક્યું..એક હાથે તરી ને બહાર નીકળ્યો..ગામ માં જઈ ને સીધો વૈદ્ય ના ઘરે જઈ ચઢ્યો..વૈદ્ય ના ઘર નું બારણું હચમચાવી નાખ્યું...વૈદ્ય એ બારણું ખોલી ને જોયું તો નવઘણ....

અરેરેરે કાળમુખા તું ક્યાંથી?? મારું આંગણું અભડાવી મૂક્યું.."!! હટ પાછો હટ અહી થી... નીકળ આઘો...નહિ તો પથ્થર મારીશ...નવઘણ મુંગો બિચારો હાથ જોડી વિનવી રહ્યો..બા ને ખોળા માં ઝાલી ને એ કરગરતો રહ્યો...પણ મુખ આજે પણ સાથે નહોતું...એની આંખો માં ઊંડી પરવશતા હતી...લાડકવાયી બા ને ખોઈ બેસવાની ચિંતા હતી..એણે વૈદ્ય ના પગ પકડ્યા...

"હટ... નીકમમા પાછો હટ...મને y અભડાવી મૂક્યો તે તો...કયા જનમ નું વેર વસૂલી રહ્યો છે?? "

વૈધે લાકડી દેખાડી તો કરગરતા નવઘણે લાકડી પકડી એની માં તરફ આંગળી કરી...વૈદ્ય એ કહ્યું..."તમારા જેવાં નો ઈલાજ કરી શું મારે નરક માં જવું છે?? શાંતમ પાપમ..
શાંતમ પાપમ....આવું અનર્થ કરું તો જીવતર એળે જાય..મારી લાકડી છોડ.."

નવઘણ કરગરી રહ્યો..એણે લાકડી ન મૂકી એ એની બા તરફ ઈશારો કરી રહ્યો હતો..હવે વૈદ્ય એ બૂમો પાડી ને ગામ લોકો ને બોલાવ્યા...દૃશ્ય જોઈ ગામ લોકોએ લાકડીઓ વડે બેફામ મારો શરૂ કર્યો..એ બિચારો એની બા ને બચાવવા માથે પડ્યો..અધમૂઓ થઈ ગયો..એની બા ની આંખો બંધ થઈ ગઈ હતી..ને મોઢે થી ફીણ છૂટી ગયા હતા...બા પણ સિધાવી..

દિવસો વીત્યા..ચોમાસુ આવ્યું..ધીમી ધારે વરસાદ શરૂ થયો..પેહલા ધીમી ધારે..પછી હલકી ધારે...તેજ ધારે...સાંબેલા ધારે...પછી મૂશળધારે...ને અંતે અનરા ધારે..ગામ લોકો પર કુદરત નો કેર વરસી રહ્યો..જીવન ના ઘડા ભરાઈ રહે એમ ગામ પાણી થી ભરાઈ રહ્યું...નદી નાળા છલકાઈ ગયા..નદી એ કિનારા ઓને તોડી નાખ્યાં...ચારે બાજુ જળબંબાકાર...બધું તણાઈ ગયું...ખોરડાં નાં ખોરડાં જળમગ્ન થયા.પશુ પક્ષી, બાળકો..માનવીઓ, ઢોર ઢાખર તણાઈ ગયા..ખેતર, રસ્તા, બધું ઉજ્જડ થયું..બધું જળ પ્રલય માં ડૂબી ગયું...લોકો પેહલા ઘર માં પેઠા..પાણી ઘર માં ઘૂસ્યું..તો મેડીએ ચડ્યા..ત્યાં સુધી પહોંચ્યું તો છાપરે પહોંચ્યા..હવે આગળ આરો ન્હોતો...ઉપર આભ..વચ્ચે છાપરું ને નીચે પાણી હતું..વરસાદ હજી શરૂ હતો..લગાતાર શરૂ હતો...વગર વિરામે..બેલગામ શરૂ હતો...અનરાધાર..મેહ વરસી રહ્યો હતો...લોકો વિચારતા હતા કેમ બચવું...ચાર દિવસ થી વાળું જમણ બધું ભુલાઈ ગયેલું..માત્ર શ્વાસો ચાલતા હતા..હવા ખાઇ ને લોકો જીવતા હતા...

સામી ટેકરી પર એક વ્યક્તિ સપાટ ચેહરે આ દૃશ્ય જોઈ રહેલો..નવ ગુણ વાળો નવઘણ આ દૃશ્ય જોઈ રહેલો..પેહલા તો એને શાતા વળી...પણ વળી જાણે શું થયું..કે એના મન માં એક વિચાર ઝબુક્યો...એ સલામત હતો..એનું ઘર ટેકરી પર હતું..માટે સલામત હતો...એ ત્યાંથી ઉતરી નદી કાંઠે આવ્યો...સાંકડા પટ પાસે..જે એની ટેકરી વાળા ઘર પાસે પડતું...ત્યાં એણે મેહનત કરી ને એક લાકડાનો પુલ બાંધેલો...એની માં ને જ્યારે લઈ જવી પડેલી ત્યારે એણે વેઠેલી પીડા ને ધ્યાન રાખીને બનાવેલો..એણે પુલ પાર કરી સામાં કાંઠે લટકી રહેલી પોતાની નાવડી ને છોડી ને વહેણ થકી ગામમાં પેઠો...એણે મોટું દોરડું સાથે લીધેલું..લોકો એ એ જોયું...જાણે દેવદૂત આવ્યો..એણે ઈશારા વડે બધા ને દોરડું બાંધી ને એક માનવ સાંકળ બનાવી ગામ ના વહેણ ને પર કરી પુલ સુધી આવવા જણાવ્યું...મૂંગા ની વાત કડી ન સમજી શકનાર ગામલોકો ન જાણે કેમ આજે એની વાત બરોબર સમજ્યા..!!!

એમણે માનવ સાંકળ રચી ને પુર ના વહેણ ને પાર કર્યું..પુલ ને કાંઠે આવી ને લાંગર્યા...સામે છેડે નવઘણ બધાની વાટ જોઈ રહેલો..એ એમનો અણગમો જાણતો એટલે જાતે જ પેહલા પુલ ને પાર કરી ગયેલો...કાંઠે પહોંચ્યા પછી લોકો થોભ્યા..થોડા અચકાયા..પુલ ચડવા થી અભડાઇશું તો??
મહારાજ પણ સાથે હતા..બધાએ એમની તરફ જોતા મહારાજે વેણ કાઢ્યું કે:" આકાશે થી વરસતો વરસાદ એ શાસ્ત્રો માં અમૃત રૂપ લેખાયો છે ને..ગામની નદી એ ગામ માટે ગંગાજળ સમી જ કહેવાય...માટે એ બંને ના સંગમ થી પુલ નું જે પાપ છે એ વિસર્જિત થઈ ચૂક્યું છે...માટે નિશ્ચિંત રીતે પુલ પર થી પ્રયાણ કરો..હું મંત્રોચ્ચાર વડે પુલ ને શુધ્ધ રાખીશ."

ગામલોકો એ ડગ માંડ્યા..પુલ ને છેડે આવી અટકી ગયા..સામી કોર નવઘણ ઉભેલો..ફરી વિમાસણ એવી પડી..હવે શું?? ફરી થી મહારાજ તરફ નજર...ને મહારાજે ફરી વિના અચકાયે વેણ કાઢ્યું કે : આનો ઉપાય પણ છે જો નગુણીયો..એટલેકે નવઘણ પોતે જ..."

નવઘણ સમજી ગયો બાકી શબ્દો મહારાજ ના ગળા માંથી નીકળે એ પેહલા જ એણે ધસમસતા વહેણ માં ધુબાકો માર્યો...બચપણ થી તરતાં આવડતું..તોય પ્રયત્નો ન કર્યા..તરફડીયા પણ નહિ..બસ શરીર ને હલકું મૂકી દીધું...વહેવા દીધું..ડૂબવા દીધું..ત્યાં જ અચાનક..એના ગળા માં વહેણ ના પાણી ભરાઈ જતાં એનો ચમત્કાર થયો..એના ગળા માંથી કૈંક બૂડ બુડ એવા અસ્પષ્ટ અવાજો નીકળ્યા...એના કાન ના પડદે અથડાઈ ને એ વળ્યા...એણે જાણ્યું કે આજે આ સમયે એનો અવાજ આવ્યો હતો...એ હાથ પગ મારી ને વહેણ ની ઉપલી સપાટીએ આવ્યો..એની નજર મંદિર ની ધજા ને ગામલોકો ના તોલંપર હતી...એ હસ્યો...ભયાનક હસ્યો..એવું હસ્યો કે ઘડીક તો એના હાસ્ય ના પડઘા થી વરસાદ નું વહેણ ને એના ગડગડાટ પણ થંભી ગયા...એની હાસ્યમાં વેદના હતી..ઊંડી.. અકથ્ય, અનહદ, અનર્ગળ...એવી વેદના...જે વેદના એની હૃદય માં સંઘરાઈ ને પડેલી..એના સદાય ના અપમાનો ને ધૃણાઓ થી જે અભિષેક પામતી રહેલી એ વેદના..એ નીકળી..આખરે નીકળી..એક ભયંકર ચીસ રૂપે....એક અત્યંત ચિત્કારી ભયાનક વેદના ગ્રસ્ત અટ્ટહાસ્ય ના રૂપે...સાંભળવા વાળા તમામ ના ગાત્રો થીજી ગયા..જીવતર સુકાઈ ગયા..વરસાદ ના ઘણ કરતા પણ નવઘણ ના અટ્ટહાસ્ય રૂપી ઘણ નો અવાજ મોટો હતો...આખરે નવઘણે એક ઊંડો નિસાસો નાખ્યો...જેમાં સમગ્ર બાપદાદા ના સમય થી અનુભવાતી રહેલી અમાનવીય
વર્તુણકો થી ઉપજેલ અસહ્ય વેદના નો પડઘો હતો...

આખરે છેલ્લા પ્રયાણ સમયેં ગામ લોકો ને એમના ચેહરા પર એક તીક્ષ્ણ નજર ઠેરવી મંદ મંદ મુસ્કાતા એ એટલું જ બોલ્યો...:"ફટ્ટ છે વેવલીનાઓ...!! ફટ્ટ તમારા જીવતર ને!!"

ને આમ ગામ ના નગુણીયા એટલેકે નવઘણ નું શબ એક ગૂણ ની માફક પથરાઈ ને તરી રહ્યું.

અસ્તુ..!!

નોંધ..- આ કૃતિ અમુક વાંચેલા પ્રસંગો ને અમુક ઘટનાઓ ને અમુક કલ્પના નું મિશ્રણ છે..એનાથી કોઈ સમાજ, ધર્મ, જાતિ, લિંગ કે વર્ગ અથવા કોઈ સમુદાય કે સંપ્રદાય નેં દુભાવવા નો કોઈ જ આશય નથી..આ માત્ર સાહિત્યિક કૃતિ તરીકે લખી છે..મન ના પ્રશ્નો ના વમળ માં અંતે જે નીપજી છે..એનું જ પરિણામ આ કૃતિ છે..