FAMILY NATURE GIFT in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | પરિવાર-પ્રકૃતિની ભેટ

Featured Books
Categories
Share

પરિવાર-પ્રકૃતિની ભેટ

પરિવાર –પ્રકૃતિની ભેટ

અત્યારે આવી પડેલી કોરોના વાયરસ કોવિડ ૧૯ ની વૈશ્વિક મહામારી દ્વારા સમગ્ર વિશ્વ અત્યારે લોક ડાઉન છે ત્યારે એ વૈશ્વિક આપતિ દ્વારા કુદરત કદાચ એ જ સંકેત આપી રહી છે કે આપતિમાં માત્ર અને માત્ર પરિવાર જ માનવીનો આધાર છે. આમ વિસરાતી જતી પરિવાર ભાવના અને વિભક્ત કુટુંબ ભાવના પુન:જીવિત કરવાનો સંકેત આપી રહી છે એમ જરૂર કહી શકાય.

આંતર્ રાષ્ટ્રીય પરિવાર દિન મે મહિનાની ૧૫ તારીખે ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિ અનેક બાબતો માટે વિશ્વભરમાં જાણીતી છે..તે બાબતોમાં મુખ્ય એક બાબત સંયુક્ત પરિવાર પ્રથા છે.. પરિવાર પ્રકૃતિએ આપેલી ભેટ છે.થોડી ભિન્ન્તાઓ જોતા દરેક પ્રાણીઓને પરિવાર હોય છે...પશુ પક્ષીઓમાં પ્રજનન અને સંરક્ષણ સુધી જ પરિવાર સીમિત હોય છે.જયારે મનુષ્યમાં નિરુપાય અને સ્વનિર્ભર માનવ બાળક પરિવારમાં જ સર્વ પ્રકારે વિકસિત થઇ સંપૂર્ણ મનુષ્ય બને છે.પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પરિવારનો અર્થ પતિ પત્ની અને બાળકો એટલો જ થાય છે.એમાં પણ બાળકો મોટા થતા પોતાનો જુદો પરિવાર બનાવી રહે છે.માતા પિતા વૃદ્ધ થતા એકલા વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારે છે.

ભારતમાં પણ હાલમાં વધતી વસ્તી સાથે દોટ મુકતી આધુનિક ટેકનોલોજીએ માનવીની અનેક સુખસગવડો વધારી વિશ્વને સાંકડું બનાવી દીધું..પણ એ ફાયદા સાથે મોટો ગેરફાયદો એ થયો કે માનવ મન સંકુચિત થતા ગયા.સંદેશાવ્યવહારના અનેક સાધનો વધતા એમાંય ખાસ કરીને મોબાઈલ અને તેમાયઅમુક અતિ આધુનિક એપથી તો એક જ ઘરમાં રહેતા લોકોને પણ રૂબરૂ મળવા કરતા ટેકનોલોજીના માધ્યમે મળતા કરી દીધા.વિશ્વને નાનું બનાવવા સાથે એ જ ટેકનોલોજીએ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના જરૂર સાકાર કરી...આખું વિશ્વ તમારી આંગળીના એક ટેરવે....!! પણ...એ સાથે જ વિભક્ત કુટુંબની સમસ્યા ઉભું કરનાર પણ એ જ પરિબળને ગણીએ તો જરાય અતિશયોક્તિ નથી... વર્તમાન પરિસ્થિતિ જોતા સંયુક્ત કુટુંબની ભાવના વિસરાતી જાય છે..

પરિવાર છે તો બધું જ છે....લાકડીના એક ટુકડાને તોડવો સરળ છે પણ એ જ લાકડીના સાતથી આઠ ટુકડાઓ ભેગા હોય તો એને તોડવો મુશ્કેલ બની જાય છે...એ વાર્તા વર્ષોથી આપણે સાંભળી છે જે સંપ ત્યાં જંપ ની ભાવના ચરિતાર્થ કરે છે....એટલે કે સહિયારાપણું કેટલું અગત્યનું છે એ બાબત બહુ સારી રીતે સમજાવે છે....પહેલાના સમયમાં બહુ મોટા સંયુક્ત પરિવારો જોવા મળતા જેમાં ૩ થી 4 પેઢીઓ સાથે રહેતી.આજે એ બહુ જ ઓછું જોવા મળે છે.મોટા પરિવારોમાં પ્રેમ,સહયોગ,સંસ્કાર,નિ:સ્વાર્થભાવના જેવા સામાજિક જીવન માટેના અતિ આવશ્યક ગુણો જોવા મળે છે...પરિવારમાં આવતા સુખદુઃખના પ્રસંગોમાં સાથે મળી થતું કાર્ય,વાર તહેવારોની સંયુક્ત ઉજવણી દ્વારા બાળક અનેક સ્વાનુભવોને આધારે આપોઆપ ઘડાય છે.બાળકનું ચારિત્ર્ય,કૌશલ્યો,ટેવો યોગ્ય રીતે ઘડાતા ભાવિ જીવનના બીજ સંસ્કારરૂપે રોપાય છે..

આજે જયારે વિશ્વશાંતિ માટે એકતા અને અખંડિતતાની ઉતમ ભાવના સાથે ‘વસુધૈવ કુટુમ્બકમ’નો પ્રચાર કરવામાં આવે છે ત્યારે એનો પાયો દરેક દેશમાં,ઘરોઘરમાં પ્રથમ સંયુક્ત કુટુંબભાવના કેળવાય તે છે.એક જ દેશમાં રહી,એક જ ઘરમાં જયારે સાથે મળી રહેશું અને પરિવારના ફાયદા સમજીશું તો જ વિશ્વને એક પરિવાર માની ચાલવા પાછળનો અર્થ સમજાશે અને તો જ વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ થશે.

આપણા પુરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં પરિવારનો આદર્શ ઉતમ રીતે દર્શાવેલો છે.. દશરથ જેવો પિતૃપ્રેમ,કૌશલ્યા જેવો માતૃપ્રેમ, મર્યાદા પુરુષોતમ રામ અને માતા સીતા જેવી ત્યાગ અને બલિદાનની ભાવના,ભરત જેવો ભત્રુપ્રેમ એ સંયુક્ત પરિવારના સુખી જીવનની ચાવી દર્શાવે છે.અત્યારે પ્રવર્તી રહેલી કપરી પરિસ્થિતિમાં સમગ્ર માનવજાતિને પરિવાર ભાવના ફરી યાદ કરાવવા પ્રસાર માધ્યમથી રામાયણનું પ્રસારણ ખરા અર્થમાં પરિવાર સાથે બેસી જોવાથી વિસરાતી જતી પરિવાર ભવના ફરી જરૂર જાગૃત થશે એવું કહી શકાય.

પરિવારમાં વ્યક્તિના શારીરિક,માનસિક,નૈતિક,આધ્યાત્મિક વિકાસનો પાયો નખાય છે.આમ,પરિવાર એ વ્યક્તિની પ્રથમ પાઠશાળા,માતા તેની પ્રથમ ગુરુ,પિતા સરક્ષક,અને અન્ય વડીલો શિક્ષક્ગણ સમાન છે....તો આવો આજે જ સંકલ્પ લઈએ કે વિભક્ત કુટુંબ દ્વારા તૂટતી જતી ભારતીય સંસ્કૃતિ બચાવીએ અને અનુભવની ઉતમ પાઠશાળા સમાન સંયુક્ત પરિવાર ભાવના સમજી એને અપનાવીએ અને અન્યને પણ સમજાવી આપણી સંસ્કૃતિને ઉજાગર કરીએ.