ek adhuri dasta - 1 in Gujarati Love Stories by Hukamsinh Jadeja books and stories PDF | એક અધૂરી દાસ્તાં... - 1

Featured Books
Categories
Share

એક અધૂરી દાસ્તાં... - 1


૧.
ક્યાંથી શરૂઆત કરવી આ કહાનીની ? આમ તો શરૂઆતથી શરૂઆત કરવી વધુ સારી. એ દ્રશ્યો થોડા ઝાંખા પડ્યા છે પણ સાવ ધૂંધળાયાં નથી.
હું લાઈબ્રેરીમાં જતી હતી. અને એ મારી સાથે અથડાયો હતો. એ કોલેજનું બીજું સેમેસ્ટર હતું. એ પહેલા ક્યારેય એને મેં જોયો હશે કે કેમ સ્મરણમાં નથી.
એના હાથમાં એક પુસ્તક હતું. તે પડી ગયું. મેં એ પુસ્તક ઉપાડ્યું. જોયું. મારાથી બોલી જવાયું અરે ! વાહ ! ‘પ્રિયજન !’ મેં એના હાથમાં આપ્યું અને સોરી કહ્યું.
એણે સામે પૂછ્યું: ‘તમે આ વાંચી છે ?’
‘હા, પ્રેમ વિશે કોઈ પુસ્તક હોય અને મેં વાંચી ન હોય એવું બને !’
‘તો કહોને આમાં શું છે. મારો સમય બચશે.’
‘કોઈ પુસ્તક સમજવા માટે એના પન્ને પન્ના અને શબ્દે શબ્દ વાંચવા જોઈએ. ત્યારે જ પાત્રોનો ખરો અહેસાસ તમે પામી શકો મિસ્ટર...’
‘અવિનાશ.’ કહી તેણે હાથ લંબાવ્યો.
‘અનુરાધા.’
એ પહેલો સ્પર્શ. ત્યારે એવું કંઈ લાગ્યું નહોતું. કે એને પ્રથમવાર જોઇને મને એનાથી પ્રેમ થઇ ગયો હોય. આમ પણ હું પ્રથમ દ્રષ્ટિવાળા પ્રેમમાં નથી માનતી. મને આજે પણ એ બાબત નથી સમજાતી કે કોઈ પહેલી જ વાર કોઈ ચહેરાને જોઇને એના પ્રેમમાં પડી જાય ! કેવી મૂર્ખતા ભરી વાતો !
તમે કોઈને ઓળખો. એની સાથે વાતો કરો. એને જાણો. સમજો. પછી અચાનક તમને લાગે કે એ વ્યક્તિ તમને ગમવા લાગી છે. એની વાતો તમે કંઈક અલગ રીતે સાંભળો છો. એને તમે કંઈક અલગ દ્રષ્ટિથી જુઓ છો. અલગ ખુશીથી તમે એની પ્રતીક્ષા કરો છો. એના પ્રત્યેનું તમારું વર્તન બદલાય છે અને ધીમે ધીમે તમને સમજાય છે કે તમે તેને ચાહવા લાગ્યા છો...બસ, આવું જ કંઈક થયું હતું અવિનાશ સાથે...
બીજે દિવસે સવારે અવિનાશ મને કોલેજના ગેટ પાસે જ મળ્યો. જાણે મારી જ રાહ જોતો હોય !
‘હાય.’
‘હલ્લો.’
‘એક કપ કોફી...’
‘પણ... લેક્ચર...’
‘એક એક કપ ‘પ્રિયજન’ને નામ ?’ તેણે હસતા હસતા કહ્યું.
મેં હા કહી અને અમે કેન્ટીનમાં ગયા. એ કોલેજનું પ્રથમ બન્ક. અને અવિનાશ સાથેની પ્રથમ કોફી.
‘મેં મોડે સુધી જાગીને ‘પ્રિયજન’ વાંચી કાઢી. અને પછી તો નીંદર પણ ન આવી.’
હું એના ચહેરાને તાકી રહી. સહજ બોલાયેલા શબ્દોમાં મને ભાર જેવું લાગ્યું.
મેં કહ્યું: ‘પુસ્તકોમાં માત્ર કહાની નથી હોતી. એક અહેસાસ હોય છે. જીવાતા જીવનનું સત્ય હોય છે. માટે તમારે માત્ર કહાની સાંભળવા કરતા પુસ્તકો વાંચવા જોઈએ.’
પછી બીજી નાની નાની વાતો થઇ હતી. એણે એમ પણ કહ્યું હતું કે તમારા કહેવાથી મેં આ જાગીને વાંચી નાખી. એની વાત કરવાની સ્ટાઈલ થોડી અલગ હતી. તે વાક્યો પૂરા ન બોલતો પણ નાના નાના વાક્યો બોલતો. એની આ સ્ટાઈલ મને ગમી હતી. એ હસતો ત્યારે જાણે એની આંખો પણ હસતી હોય એવું લાગતું...

બસ, પછી શરુ થયો સિલસિલો મુલાકાતોનો. ત્રીજી વખત અમે લાઈબ્રેરીમાં મળ્યા હતા. ત્યાં બોલી શકાય નહિ એટલે અમે મેસેજમાં ખૂબ વાતો કરી હતી. એનામાં એવું કંઈક હતું જે ખેંચતું હતું. ખબર નહી કેમ પણ મને એની વાતો સાંભળવી ગમતી. અને અવિનાશ બોલે ત્યારે હું ખૂબ ધ્યાનથી સાંભળતી.
વાત મનાવવામાં એ માસ્ટર હતો. એવી રીતે વાત કરે કે આપણે ન માનવું હોય તોય માનવું જ પડે. અમારા સમ્બન્ધની શરૂઆત દોસ્તીથી થઇ. એ દોસ્તી ધીમે ધીમે ગાઢ બનતી ગઈ.
ન પડી એ દોસ્તી ક્યારે પ્રેમ બની ગઈ. એ ગમવા લાગ્યો હતો મને. એની સાથે સમય વિતાવવું ગમતું. એને સાંભળવો ગમતો. એ હક જતાવે તો ગમતું. એ ગુસ્સો કરે તો પણ ગમતું. સામે એને પણ એવું જ હતું, પાછળથી એણે મને એ વાત કહી હતી.
...વરસાદ ખૂબ વરસી રહ્યો હતો. અવિનાશ મને ખેંચી ગયો હતો. એ મોસમમાં ક્યાંય સુધી અમે પલળતા રહ્યા હતા. અમે છુટા પડવાના હતા ત્યારે એણે મને કહ્યું હતું.
‘અનુરાધા !’ હું જતા જતા પાછળ ફરી હતી.
‘હમ. ‘ કંઈક અલગ દ્રષ્ટિથી એ મને જોઈ રહ્યો હતો. એ આંખો આજેય મારી આસપાસ ઘુમેરાયા કરે છે.
‘રોકાઈ જાને યાર થોડીવાર !’
‘કેમ ?’
‘બીકોઝ આઈ લવ યુ યાર...’

મારી આંખોમાં પાણી છલકી આવ્યા હતા. કેટલીયે વાર સુધી અમે એકબીજાને જોઈ રહ્યા હતા. પછી ભીની આંખે જ મેં ‘હા’માં માથું હલાવ્યું હતું.
એ આખી રાત અમે વાતો કરી હતી. આજે એ બધી વાતો યાદે નથી. ખબર નહીં એવી તે કઈ વાતો હતી જે રાત ભર ચાલી હતી !
અવિનાશે કહ્યું ના હોત તો હું સામેથી ક્યારેય કહેવાની નહોતી. કારણ કે, મને એની દોસ્તી ગમતી હતી. અવિનાશ જેવા દોસ્તને પામીને હું મારી જાતને પામી હતી. જો કે આ દોસ્તી છેક સુધી પ્રેમમાં પણ સચવાઈ હતી. અમે ક્યારેય નહોતા ભૂલ્યા કે અમે બંને પહેલા દોસ્ત છીએ અને પછી...
એક દોસ્ત અને એક પ્રેમી અવિનાશમાં ઝાઝો ફરક નથી લાગ્યો મને. દોસ્તીમાં પણ તે એટલો જ કેરીંગ હતો.
કોલેજના એ દિવસો એકબીજાને સમજવા માટે ખૂબ સારા હતા. કોઈને તમે ત્યારે જ ચાહી શકો જયારે એની સમગ્ર વિશેષતાઓ અને મર્યાદાઓ તમે જાણતા હોવ, એના સમગ્રપણાને ચાહો તો જ એ ચાહત ટકી શકે.
મેં એને એક વખત પૂછ્યું હતું:
‘મારામાં તને શું ગમે અવિનાશ ?’
‘બધું જ.’
‘એમ નહીં. કંઈક એવું જે તને વધારે પસંદ હોય.’
એણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું હતું...
‘મેં અનુરાધાના ભાગ નથી પાડ્યા. મને અનુરાધા સંપૂર્ણ ગમે છે... દિલથી મન સુધી.... હાથથી સાથ સુધી... આજથી આજન્મ સુધી...
એ શબ્દો હું ક્યારેય નથી ભૂલી. આજ સુધી નહીં...
આ એની ચાહત હતી. એની લાગણી હતી. મારા પ્રત્યેની એની ભાવના હતી. અને મારી આંખો ભરાઈ આવી હતી. કોઈ તમને એક હદ સુધી ચાહે તે ઠીક છે...પણ...બેહદ...?

કંઈક અલગ ફિલ થતું હોય છે. જે શબ્દોમાં ન કહી શકાય. તમને હંમેશા લાગ્યા કરે, કોઈ છે, તમારી આસપાસ... તમારામાં... તમારી સાથે. એ અહેસાસ તમને જીવંત રાખે છે.
અને હું જીવી છું...સતત જીવી છું... મારામાં... અવિનાશમાં...
એણે મારી જાત સાથે સમ્બન્ધ બાંધ્યો હતો. એણે મને હસતા શીખવ્યું અને એણે જ રડતા પણ. એકમાંથી બે થતા પણ એણે જ શીખવ્યું અને બે માંથી એક થતા પણ એણે જ શીખવ્યું હતું.
એની વાતોથી આંખ ભરાઈ છે તો એને જ બધું કહીને એની સામે જ આંખો ખાલી પણ થઇ છે.
અવિનાશ જાણે ઓગળી ગયો હતો મારામાં... મારી વાતોમાં... યાદોમાં... હસીમાં... ખુશીમાં... દિવસોમાં... રાતોમાં... હર-એક જગ્યાએ એ હતો.
હું જયારે એને કહેતી: ‘અવિનાશ, હું તને ચાહું છું... ખૂબ ચાહું છું...’
મને હંમેશાથી લાગ્યું છે હું એને જેટલો ચાહું છું એટલું તો હું ક્યારેય એને કહી શકું એમ નથી. કારણ કે એવું કહી-સમજાવી શકાય એમ નથી.
પણ જયારે એ મારો હાથ પકડીને કહેતો: ‘હું જાણું છું.’ ત્યારે મને લાગતું, એ સમજે છે, મારી ચાહતને. અને તે એ બધું પણ સમજે છે જે હું તેને કહી શકતી નથી.
(ક્રમશઃ)