Asur webseries in Gujarati Film Reviews by Jatin.R.patel books and stories PDF | અસુર વેબસિરિઝ રિવ્યુ

Featured Books
Categories
Share

અસુર વેબસિરિઝ રિવ્યુ

અસુર વેબસિરિઝ રિવ્યુ

નમસ્કાર દોસ્તો, આજે હું ઓનલાઈન સ્ટ્રીમિંગ એપ voot દ્વારા પ્રસારિત કરવામાં આવેલી માયથોલોજીકલ સુપર ક્રાઈમ થ્રિલર અસુરનો રિવ્યુ કરીશ.

આપણે નાનપણથી એ સાંભળતાં આવ્યા છીએ કે અચ્છાઈ અને બુરાઈ બંને જગતમાં વ્યાપ્ત છે. સારું આચરણ કરવાવાળા લોકોની સાથે ખરાબ આચરણ કરનારાં લોકો પણ આ જગતમાં આવેલાં છે. પણ હકીકત એ છે કે દરેક વ્યક્તિમાં એક સારો મનુષ્ય અને એક અસુર છુપાયેલો હોય છે. ક્યારે આપણે કોને બહાર લાવવો એ આપણાં હાથમાં રહેલું છે.

જેવું કરશો એવું ભરસો એ ઉક્તિ મુજબ તમારાં કરેલાં કર્મોનો હિસાબ તમારે અવશ્ય ચૂકતો કરવો જ પડે છે.

અત્યારે જ્યારે વેબસિરિઝનો જમાનો છે ત્યારે દર્શકો ઉત્તમ વિષયવસ્તુ ધરાવતી વેબસિરિઝ જોવાનો રસ ધરાવતાં હોય છે. ભારતીય વેબસિરિઝ જ્યાં એક બીબાઢાળ વિષયવસ્તુને આવરે છે ત્યાં વિદેશી વેબસિરિઝની વિષયવસ્તુ એકદમ અલગ જ હોય છે. અસુર હકીકતમાં વિદેશી વેબસિરિઝ કરતાં પણ એક કદમ આગળ નીકળી ગઈ છે.

વેબસિરિઝની શરૂઆત થાય છે શ્રેણીબદ્ધ હત્યાઓથી. આ બધી હત્યાઓમાં બે વસ્તુ કોમન હોય છે એક તો મૃતદેહ જોડેથી મળી આવતું લાલ રંગનું દૈત્યની મુખાકૃતિ ધરાવતું માસ્ક અને દરેક મૃતકની કપાયેલી હાથની બીજી આંગળી. આ બંને વસ્તુઓ એ તરફ ઈશારો કરે છે કે અલગ-અલગ જગ્યાએ થતી આ હત્યાઓ હકીકતમાં સિરિયલ કિલિંગ છે. આ બધી હત્યાઓને જે ક્રૂરતા સાથે કરવામાં આવી છે એ જોઈ તમારાં હોંશ ઉડી જશે એ નક્કી છે.

આ સિરિયલ મર્ડરની તપાસ સોંપવામાં આવે છે ધનંજય રાજપૂત નામક સી.બી.આઈ ઓફિસરને, જે પોતાની વિજ્ઞાન અંગેની સમજ અને બુદ્ધિનાં જોરે મોટાં મોટાં અપરાધીઓને જેલની હવા ખવડાવી ચૂક્યો છે. આ કેસની તપાસ માટે ધનંજય રાજપૂતનાં એક સમયનાં જુનાં સહાયક એવાં નિખિલ નામનાં સી.બી.આઈ ઓફિસરને પણ વિદેશથી બોલાવવાની ફરજ પડે છે.

જેમ-જેમ આ મર્ડર કેસની તપાસ આગળ વધતી રહે છે એમ-એમ નવા ટ્વીસ્ટ આવતાં રહે છે. આ બધી હત્યાઓ ક્યાંકને ક્યાંક નિખિલ અને ધનંજયનાં ભૂતકાળની કોઈ ઘટના સાથે જોડાયેલી હોવાનું માલુમ પડે છે. આગળ જતાં તો એક સમય એવો આવે છે જ્યારે ધનંજય રાજપૂતને પોતાનાં ગુરુ સમજતો નિખિલ એમની વિરુદ્ધ જઈને ઊભો રહી જાય છે.

વેબસિરિઝ ત્યારે વધારે ખતરનાક બને છે જ્યારે સિરિયલ કિલર નિખિલ અને ધનંજયનાં પરિવારને એનાં ખતરનાક ખેલમાં સામેલ કરે છે.

આખરે અસુર છે કોણ? અને નિખિલ તથા ધનંજય સાથે એને શું સંબંધ હતો? સિરિયલ કિલર બનવા પાછળનું રહસ્ય આખરે શું છે? એ પ્રશ્નોનાં જવાબ જોવા આ વેબસિરિઝ જોવી જ રહી.

આ વેબસિરિઝનાં દરેક ભાગનો અંત તમારી આતુરતા વધારવાનું કામ કરે છે. દરેક હત્યાઓ એ રીતે કરવામાં આવે છે જે જોઈ તમને કોઈ હોલીવુડ ફિલ્મની યાદ આવી જાય. વેબસિરિઝનું પ્લાનિંગ અને પ્લોટિંગ પણ હોલીવુડની વેબસિરિઝને ટક્કર મારે એવું છે.

નિખિલ નાયર બનતાં વરુણ શોબતી અને અરશદ વારસીનું કામ ઉત્તમ છે. સિરિયલ કિલરનાં બાળપણનાં રોલમાં વિશેષ બંસલની એક્ટિંગ કાબીલેતારીફ છે. સહાયક પાત્રોની વાત કરીએ તો નિખિલની પત્ની નયના બનતી અનુપ્રિયા ગોયંકાનું કામ ઠીક-ઠાક છે. ઈન્સ્પેકટર લોલાર્ક દુબેનાં રોલમાં ફેમિલીમેન ફેમ શારીબ હાશ્મીની એક્ટિંગ વખાણવાલાયક છે. રસુલ શેખ બનતો અમય વાઘ પણ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે.

વેબસિરિઝનો સ્ક્રીનપ્લે અને ઓની સેનનું ડાયરેક્શન ખૂબ જ સુંદર છે. અસુરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એનાં દ્રશ્યોને વધુ જીવંત બનાવવાનું કાર્ય કરે છે. વેબસિરિઝમાં કુલ આઠ ભાગ છે જેની લંબાઈ લગભગ ચાલીસ મિનિટ છે.

આજ સુધી તમે ફિલ્મો અને વેબસિરિઝનાં મુખ્ય નાયકોનાં પ્રેમમાં પડ્યાં હશો પણ હું તમને ગેરંટી આપું છું કે અસુરનો ખલનાયક તમારાં દિલ અને દિમાગ બંને પર પોતાની અમીટ છાપ અવશ્ય છોડશે. સમય મળે તો અચૂક આ વેબસિરિઝ જોજો, ફૂલ ઓન પૈસાવસુલ છે એની ગેરંટી.

-જતીન.આર.પટેલ (શિવાય)