Koobo Sneh no - 35 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 35

Featured Books
Categories
Share

કૂબો સ્નેહનો - 35

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 35 ‌
દિક્ષાની રૂમ ઉથલપાથલ કરતાં મળી આવેલા પત્રો સામસામે રડી રહ્યાં હતાં. 'મારા અસલી માલિક ક્યાં છે?' એવું બોલીને જાણેકે આમ્માને ફરિયાદ કરી રહ્યાં હતાં.. સઘડી સંઘર્ષની....
❣️કૂબો સ્નેહનો❣️
શિસ્ત અને સંયમના શોરબકોર વચ્ચે જીવી રહેલાં અમ્માના દિલ અને દિમાગ વચ્ચે આજે તંગદિલી વધી ગઈ હતી. રોઈ રોઈને થાકીને ઢગલો થઈ ગયાં હતાં.
દિક્ષાને આંખે અંધારા આવી ગયાં હતાં, મગજ શૂન્ય થઈ ગયું હતું, પગ તળેથી જમીન સરકી રહી હતી. અદ્દલ એ દિવસે રોડ વચ્ચોવચ, એ પોલીસ મેનની વાત સાંભળતાં વેંત થયું હતું એવું જ.
ભર શિયાળે વાદળો ગરજ્યા, ધૂળની ડમરીઓ ચઢી, બારીઓ એકબીજાને સામસામે ખટ-ખટાખટ ભટકાઈને વાતાવરણમાં દર્દ વધારતી હતી. આંગણનો બિલીપત્ર પણ જાણે કંઈક અમંગળ બનાવને કળી ગયો હતો.
"આ ડોશીએ કે'દિ સુખના અમૃતનો ઓડકાર ખાધો જ નથી કે ચાખ્યોય નથી.. તમારા જીવનમાં લીલી વાડીઓ જોવાની જ ફક્ત એક આશા આ ડોસીને હોય.. પરભુની દયા રહે!! બીજી શું આશા હોય તમારી પાસેથી?? બીજું મારે જોઈએ શું??"
"અમ્મા.. તમારો આધાર જ અમને ટકી રહેવાની હૂંફ આપે છે. તમારા વગર અમારું જીવન અટકી પડે."
મહિનાઓના મહિનાઓથી અખંડ ચાલી રહેલી પ્રેમના દીવડાની જ્યોત અંદરના એક ખૂણે થર થર કંપી રહી હતી. એ દિક્ષા સિવાય ક્યાં કોઈ જાણતું હતું.??
તો આ બાજુ આમ્માના મમતાના દીવડાની જ્યોત અંદરના એક ખૂણે થર થર કંપી રહી હતી, એ દિક્ષા ભલિભાંતિ ઓળખી ગઈ હતી. એની ભીતર ફ્રીજ થયેલો બરફ ઓગળીને આંખેથી વહી રહ્યો હતો. દિક્ષાના પ્રભાવિત કપાળ પરની રેખા પર રમી રહેલી પેલી પહેલાંની તેજસ્વી લટો અત્યારે આમ્માને આથમતી નજરે ચઢી રહી હતી.
"જો દિક્ષા આપણી વચ્ચેના સંબંધમાં ક્યારેય એવું કશુંકેય બન્યું છે કે આપણે એકબીજાની પડપૂછ ન કરી હોય.."
હેત ભરી ને અમૃત ઝરતી આંખો અને હસતું મોંઢું રાખીને ફરતાં અમ્માને ભલેને કદી કાંટા વાગ્યા હશે તોય દર્દ નહોતું થયું, પણ આજે એ ચ્હેરે ભયંકર દર્દ વર્તાઈ રહ્યું હતું.
"કોઈ ભયાનક કાળખંડ કેમ ન હોય!! છાતીમાં સંઘરી રાખવાથી દર્દ ઘટી તો નથી જવાનું ને.?."
"અમારા વચ્ચે નાની મોટી મીઠી નોકજોક પણ થયાં કરતી હતી. એ કોને નથી થતી હોતી? અમ્મા યાદ છે એકવાર મારી ફરિયાદ કરવા વિરુએ તમને ફોન કર્યો હતો.."
‘હેલો..અમ્મા.. તમે કંઈક શીખવાડો દિક્ષાને, કાયમ અટકીને ઊભી રહી જાય છે. સમય આપણને માન આપે એમ, આપણે પણ સમયને માન આપીને આગળ વધતા રહેવું જોઈએ કે નહીં?’
"જીવન સંસાર છે.. ચાલ્યા કરે વિરુ દિકરા.. નજર અંદાજ કરતા શીખી જા..!!"
"સમય સાથે કદમથી કદમ મિલાવી તાલ સાધીને મળેલા બીબામાં ઢળી જવું જોઈએ, એટલું પણ નથી સમજાતું એને.. લાઈટ માફક ઓન કે ઓફ થતાં જ નથી આવડતું."
અને તમે કહ્યું હતું કે,
‘સમય જતાં જીવન ચક્ર જ એને સઘળું શીખવાડી દેશે. કોઈએ કંઈજ શીખવાડવાની જરૂર નથી, વિરુ દીકરા..’
"અને આ જુઓ અમ્મા.. લાઈટ માફક ઓન-ઓફ થઈ જતાંયે હવે મને આવડી ગયું છે.."
દિક્ષાની અણીશુદ્ધ આંખોનો આકાર તો હજુ એવો ને એવો જ હતો. પરંતુ આંખોમાંની ઉખા અત્યારે હવે સ્હેજ થીજેલી કરમાયેલી લાગી રહી હતી. એની આંસુની ધારો લુછતાં લુછતાં અમ્મા બોલ્યાં,
“હા દિક્ષા વહુ બેટા.. તમે જે રીતે પત્રો સંતાડી રાખ્યાં હતાં, એના પરથી તમારામાં સંપૂર્ણ કુશળતા દેખાઈ રહી છે.. કોઈ વાતની લગીરેય ભણક પણ ન પડવા દીધી.!!"
દિક્ષાએ પત્રો સંતાડી રાખવા બદલ અમ્મા પાસે પોતાના લૂલા બચાવમાં કહેવા માટે કોઈ એક-બે શબ્દો પણ નહોતાં, એટલે વાત ફેરવી તોળતા બોલી,
"લગ્ન પછી દરેક પત્નીની પોતાના સાથીદાર પાસેથી કેટલીક અપેક્ષાઓ હોય છે.. એ પોતાને ખૂબ પ્રેમ કરે, પોતાની સંભાળ રાખે અને દરકાર કરે.."
"સંબંધમાં જેટલી અપેક્ષાઓ ઓછી રાખીશું એટલી નિરાશા ઓછી થાય છે.. અપેક્ષાઓ ફક્ત ને ફક્ત પીડાનું પુરાણ લઈને જ આવતું હોય છે દિક્ષા વહુ.. કદાચ એવું બની શકે કે, કામ પ્રત્યે સમર્પિત વિરુ તને સમય ઓછો આપી શકતો હોય!"
"કોઈ જ સંબંધ એકદમ પરફેકટ કઈ રીતે હોઈ શકે? જ્યારે કોઈ માણસ જ દુનિયામાં પરફેક્ટ નથી ત્યારે!!"
"પણ વાસ્તવિકતાને સમજ્યા વિના અપેક્ષાઓ રાખીશું તો પૂર્ણ ક્યાંથી થવાની છે.?? એટલેજ એ પછી ત્યાં નિરાશા ઘર કરી જાય.."
"વાસ્તવમાં એવું બને છે ખરું? સ્વાર્થની સ્વીચ ઓફ કરવી અત્યંત અઘરું કામ છે અમ્મા.. ના થવાનું થાય!"
"શું થવાનું હતું ? આ બારીએ હમણાં જ હળવેથી પછડાટ ખાધી'તી.. પોતાનાઓના દર્દ વહેંચવા.. સાંભળી તે?"
"ઘરમાં પણ થોડોક સમય આપવાથી પોતાના કામ પ્રત્યે વફાદાર નથી એવું તો સાબિત નથી થતું ને! મારું પણ સુખ-દુઃખ કે દર્દ સમજવું જોઇએ ને! એટલી અપેક્ષા તો રાખી જ શકું ને..?"
ને દિક્ષાએ ધરબી રાખેલા અશ્રૃ સાથે વર્ષોથી હૈયામાં ધરબી રાખેલા દર્દ સાથે આગળ વહેવા લાગી. બાળક માફક દિક્ષા, ડૂસકાં મૂકતી જતી હતી અને વાક્ધારા વહેતી ચાલી.. વહેતી ચાલી..
દિક્ષાની સ્મરણમંજુસા નાકને ટેરવે એની નજર સમક્ષ આવીને બેસી ગઈ.
"અહીંથી નીકળ્યા પછી અમેરિકામાં ખૂબ સુંદર અને સ્વર્ગ સમાન અમારા દિવસો પસાર થઈ રહ્યાં હતાં. ત્યાં ગયા પછી અમે ખુશીઓની અમીરી વચ્ચે જીવતાં હતાં. કંપનીનું એપાર્ટમેન્ટ ખૂબ સરસ હતું. નવો દેશ અને નવા માણસો વચ્ચે રહેવાની પણ મજા આવતી હતી.
નવી કંપની હતી એટલે વિરાજને જોબમાં સારો એવો સમય આપવો પડતો હતો. એમનો આખો દિવસ જોબ પર નીકળી જતો હતો. પણ મારી પાસે સમય જ સમય હતો. હું ઘરમાં એકલી બોર થઈ જતી હતી.. વિરુની ના છતાં થોડીક રકઝક પછી મેં પણ એક સારી કંપનીમાં પાર્ટ ટાઇમ જૉબ શરૂ કરી દીધી હતી. આમ દિવસો પસાર થતા રહ્યાં. નસીબે પણ બધું ભર પેટ આપ્યું હતું.
જેમ જેમ દિવસો આગળ પસાર થતાં ગયાં તેમ તેમ વિરુને પ્રમોશન મળતાં ગયાં. એનાથી મોટી બીજી કંપનીઓમાંથી ક્લાસ વન ઓફિસર માટેની ઑફરો આવવા લગી હતી. ઊંચામાં ઊંચા હોદ્દા પરની જૉબ સ્વિકારી આગળ વધતા ગયા. અઢળક ડૉલરની કમાણી વચ્ચે હવે વિરુનો વધુમાં વધુ સમય ઑફિસમાં વિતતો અને હું એકલતા મહેસૂસ કરી રહી હતી.
અમે ત્યાં સેટલ તો થયા પણ પછી થોડા ઘણા અંતરાગો વચ્ચે અમારો સમય આમને આમ નીકળતો ગયો. મને અને વિરાજને હવે એક બાળકની ખોટ સાલતી હતી. અમારે એકબીજા સાથે વાતચીત પણ કેટલી હોય.? હા ખુશીઓ જોજનો દૂર નહોતી. તો દુઃખને ખોળામાં પટકાતા પણ ક્યાં વાર લાગે છે..?©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 36 માં દિક્ષાના ભાવનાના કણેકણની ઢગલી વેરાતી રહી અને અમ્મા આવન જાવન કરતી ભાવોની ભરતી અને ઓટમાં ઢસડાતા રહ્યાં..
-આરતીસોની ©