Mother Express - 5 - last part in Gujarati Adventure Stories by Kamlesh K Joshi books and stories PDF | મધર એક્સપ્રેસ - 5 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

મધર એક્સપ્રેસ - 5 - છેલ્લો ભાગ

મધર એક્સપ્રેસ

પ્રકરણ ૫

“આ ટ્રેન જોવાનું મારા નીતિનનું સપનું હતું.” નીતિનની મા રેલ્વે સ્ટેશનના મુખ્ય બિલ્ડીંગની ત્રીજા માળે આવેલી ઓફિસના કાચમાંથી રેલ્વે સ્ટેશનમાં દૂરથી આવી રહેલી ટ્રેનને જોતા બોલી. “આ ટ્રેન એ નીતિનની બીજી મા જ છે.” એનો અવાજ ભીનો હતો. “સારું થયું સુનિતા.. તું યાદ કરી મને અહીં લઇ આવી. નીતિન હોત તો આજ નાચતો હોત.”

અહીંથી આખી ટ્રેન ચોખ્ખી દેખાતી હતી. પ્લેટફોર્મ પર અધિકારીઓ અને કેટલાક નેતાઓ સિવાય કોઈ ન હતું. સ્ટેશન બહાર બાવીસેક ગાડીઓ, એમ્બ્યુલન્સ, પાણીનો બંબો વગેરેની લાંબી કતાર હતી. મિડીયાવાળાઓ બરોબર મેઈન ગેઇટ આગળ જ ઉભા હતા. તેઓ એક-એક ક્ષણને કેમેરામાં કંડારી લેવા માગતા હતા.

ટ્રેન થંભી...

“બા, તમે આ ટીવીમાં જુઓ. અહીં ચોખ્ખું દેખાશે.” રેલ્વે કર્મચારી અને નીતિનના મિત્ર એવા પુનિતે નીતિનની માને ઓફિસની સામેની દિવાલે લટકતા બત્રીસ ઇંચના ટીવીમાં જોવા કહ્યું. સુનિતા અને નીતિનની મા એ ટીવી સામે જોવા લાગ્યા. ટ્રેન થંભી. એક પછી એક કમાન્ડો તેમાંથી ઉતર્યા. ટ્રેનના દરવાજાની ડાબે-જમણે ગોઠવાયા. એ પછી પી. એમ. નો ચહેરો દેખાયો. સફેદ દાઢી, કાયમી ઓળખ સમી સોનેરી કોટી, એમના હવામાં અભિવાદન ઝીલતા હાથ અને...

અરે...

નીતિનની માની આંખો પહોળી થઈ ગઈ... “અરે.. આ શું.. આ તો મારો નીત્યો લાગે છે.” એ રીતસર બૂમ પાડી ઉઠ્યા. એક ક્ષણ એમને ઓફિસ ગોળ-ગોળ ફરતી લાગી. સુનિતાએ તરત જ એમને માથે હાથ ફેરવ્યો અને પાણીનો ગ્લાસ ધરતા બોલી. “હા બા.. નીતિન જીવે છે.”

ટીવી પર નીતિનના ખભે હાથ મૂકી પી. એમ. મિડીયા સમક્ષ એનો પરિચય આપી રહ્યા હતા. “મારા દેશવાસીઓ, આ છે નીતિન. તમને થશે કે કોણ નીતિન? પણ મારા પ્યારા ભારતવાસીઓ. આ યુવાને આજે જે કરી બતાવ્યું છે એનાથી તમામ દેશવાસીઓનું મસ્તક ગર્વથી ઊંચું થઇ જવાનું છે. આ નીતિને પોતાનો જીવ જોખમમાં મૂકી, આતંકવાદીઓનું એક બહુ મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે.” પી. એમ. સહેજ અટક્યા ત્યારે સમગ્ર દેશની તમામ ચેનલો પર ચાલતા આ બ્રેકીંગ ન્યુઝ જોવા સૌ કોઈ ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. “આતંકવાદીઓનું કાવતરું હતું આ મધર એક્સપ્રેસને હાપાથી જામનગર વચ્ચે ઉડાવી દેવાનું. સાથે-સાથે મારો પણ ખાત્મો બોલાવી નાખવાનું. પણ જ્યાં સુધી, દેશમાં આ નીતિન જેવા યુવાનો, છે ત્યાં સુધી આતંકવાદીઓ લાખ કોશિશ કરી લે, આ દેશ એમની મેલી મુરાદ કદી સફળ નહીં થવા દે.” કહી પી. એમ. એ નીતિન તરફ જોઈ ફરી મિડીયા કેમેરા તરફ જોતા કહ્યું “તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટ્રેનને આ ભાઈ નીતિન પોતાની માતા માને છે. જયારે દેશનો દરેક યુવાન દેશની સંપતિને આ યુવાનની જેમ પોતાની માતાનો દરજ્જો આપશે ત્યારે દેશ વિશ્વગુરુ બનવામાં સો ટકા સફળ થશે એમાં મને કોઈ શંકા નથી. જય હિંદ.. ભારત માતા કી જય.”

પી. એમ. ગયા.

મિડીયા કર્મીઓનો એક વર્ગ નીતિનને ઘેરી વળ્યો. અંતે એક પ્રેસ કોન્ફરન્સ ગોઠવાઈ. નીતિને પોતાની આખી કહાની એમાં રજૂ કરી.

“હું રોજ મારી આ ટ્રેનને જોવા હાપા રેલ્વે સ્ટેશને જઈ આવતો હતો. એક દિવસ એક મજૂરના શબ્દો મારા કાને પડ્યા. એ બીજા મજૂરને કહેતો હતો કે બેક બદમાશો આ નવી ટ્રેનના રીપેરીંગ કામમાં જોડાયા છે. તેઓના ઈરાદાઓ સારા નથી. મારા માટે આ ટ્રેન મારી મા હતી. મેં સાવચેતી પૂર્વક તપાસ આદરી. એ બદમાશો બે નહીં, ચાર હતા. મેં એમનો પીછો ચાલુ રાખ્યો. મારે એનું આખું કાવતરું ઝડપવું હતું. હું દૂર-દૂરથી એના ફોટા અને વિડીયો લેતો રહ્યો. ગયા અઠવાડિયે આ ટ્રેનના ઉદઘાટન અંગે પી. એમ. શ્રીનો કાર્યક્રમ જાહેર થયા બાદ પેલા ચાર બદમાશોની સંખ્યા વધીને આઠ થઈ. એક દિવસ તેમાંના બે જણા પ્રદર્શન ગ્રાઉન્ડ પહોંચ્યા, તો એક દિવસ તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી. હજુ મને પૂરું સમજાતું ન હતું. પણ ચાર દિવસ પહેલા આ આઠેય જણા પેલા પુલ પાસેના સ્મશાન આગળ ભેગા થયા. મેં એમની વાતો સાંભળી. આખો પ્લાન જડબેસલાક હતો. અચાનક એક રખડું ગુંડો મારી નજીક આવી મારી સાથે લડી પડ્યો. એ ફાટેલ-તૂટેલ કપડાંવાળો ગુંડો મારા પૈસા લૂંટી લેવા માંગતો હતો. અમારી વચ્ચેની ઝપાઝપીથી મચેલા અવાજને સાંભળી પેલા કાવતરાખોરો સાવચેત થઈ ગયા. કૂતરાઓ ભસતા અમારી નજીક આવ્યા તો પેલા ગુંડાએ લાકડી મારીને એને પણ ભગાડી મૂક્યા. હું મહા મહેનતે ભાગી શક્યો. મારી પાછળ પેલો ગુંડો દોડી રહ્યો હતો અને એની પાછળ પેલા કાવતરાખોરોમાંથી બે જણા દોડી રહ્યા હતા. આ નાસભાગમાં પેલા ગુંડાની જીત થઈ. એણે મને લૂંટી લીધો. મારા કપડા પણ એ લઈને ભાગી ગયો. હું કેટલીયે વાર સુધી સ્મશાન નજીક ટ્રેનના પાટાથી થોડે દૂર એક પુલિયાની આડશે પેલા બદમાશના કપડા ચઢાવી સંતાયેલો રહ્યો.

દૂર-દૂર મેં ચીસ સાંભળી. પેલા કાવતરા ખોરોએ એ ગુંડાને પકડી પાડ્યો હતો. મોટો છરો એ લોકોએ એના પેટમાં પરોવી દીધો. હું ગભરાઈ ગયો. બરોબર ત્યારે જ એક ટ્રેન ત્યાંથી પસાર થઈ. એ લોકોએ એ ગુંડાની લાશને પાટા પર ફેંકી દીધી. એ લાશ ટ્રેન નીચે કચડાઈ ગઈ. પુલ પર ટ્રેન ધીમી પડી અને હું એમાં ચઢી ગયો. મારું આખું શરીર તૂટતું હતું. મારા નસીબ સારા કે મારી અત્યાર સુધીની મહેનતરૂપી પેનડ્રાઈવ મારી મુઠ્ઠીમાં સચવાયેલી હતી. હું થોડીવાર ટોયલેટમાં આંખો મીંચી સંતાયેલો રહ્યો. કેટલો સમય વીત્યો મને ખબર નથી. અચાનક ટોયલેટનું બારણું કોઈએ જોર-જોરથી ખખડાવ્યું. હું ગભરાઈ ગયો. “કોણ છે અંદર.. દરવાજા ખોલો.” એવો સત્તાવાહી અવાજ સાંભળી હું સમજી ગયો. એ ટિકિટ ચેકર હશે. મેં બારણું ખોલ્યું. એણે પહેલા તો મને ખખડાવ્યો પણ નસીબ જોગે હું એને મારી વાત સમજાવી શક્યો. અને એ મને રાજકોટ ઓફિસે રેલ્વે પોલીસ અધિકારી સમક્ષ લઈ ગયો. કાર્યવાહી ચાલી. થોડીવારે ક્રાઈમ બ્રાંચથી શરુ કરી સિક્રેટ બ્યુરો સુધીના અધિકારીઓ સુધી વાત પહોંચી ગઈ. જામનગર સ્મશાન પાસે ટ્રેનના પાટા નીચે એક યુવાન કચડાઈ મર્યો એ વાતથી અધિકારીઓ વાકેફ હતા. આખરે સૌ મામલાની ગંભીરતા અને સંવેદનશીલતા સમજી ગયા. મારી પેનડ્રાઈવમાં એ કાવતરાખોરોના મેં લીધેલા વિડીયો અને ફોટા હતા. છેક દિલ્હીથી ખુફિયા એજન્ટો દોડી આવ્યા. અને આતંકવાદીઓના પ્લાનને નિષ્ફળ બનાવવાની આખી યોજના તૈયાર થઈ.

પેલા મને લૂંટવા આવેલા ગુંડાની ટ્રેન નીચે કચડાયેલી લાશને કપડાના આધારે મારી લાશ સમજી લેવામાં આવી. મારા પરિવારજનોએ મારા અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા. આ ત્રણ દિવસ મારા માટે, મારા પરિવાર માટે ખતરનાક હતા, પણ મારે મારી બીજી મા એટલે કે મારી ટ્રેનને બચાવવી હતી. હું ચુપ રહ્યો અને પરિણામ આપ સૌની સામે છે.”

મિડીયા કર્મીઓએ પણ કેમેરા બંધ કરી તાળીઓનો ગડગડાટ કરી નીતિનના વક્તવ્યને વધાવી લીધું. તમામ ચેનલો ઉપર સુરક્ષા કર્મીઓ દ્વારા ઝડપી લેવામાં આવેલા આઠે – આઠ આતંકવાદીઓ, ડીફ્યુઝ થયેલા તમામ બોમ્બ અને નીતિનને બિરદાવતા પ્રધાનમંત્રીશ્રીના સંદેશને દર્શાવાઈ રહ્યા હતા. સમગ્ર દેશ નીતિનને ખૂબ ગર્વથી બિરદાવી રહ્યો હતો.

પ્રદર્શન ગ્રાઉન્ડમાં પી. એમ. દ્વારા નીતિનની આખી વાત કરવામાં આવી અને નીતિનને એના આ સાહસિક કાર્ય બદલ પચ્ચીસ લાખ રૂપિયા અને જે ટ્રેનને એ પોતાની મા સમજતો હતો એ નવા નામે આજથી જ શરુ થયેલી મધર એક્સપ્રેસમાં સુરક્ષા અધિકારી તરીકે નોકરી આપવાની જાહેરાત કરી.

નીતિનની માના આનંદનો પાર ન હતો. ટ્રેને નીતિનની જિંદગીમાં અનોખો રંગ પૂર્યો હતો.

નોકરીના પહેલા જ દિવસે નીતિન અને તેની મા મધર એક્સપ્રેસમાં બેઠા ત્યારે જોનારા સૌએ ‘ભારત માતા કી જય..’ ના નારા સાથે આ પરિવારને વધામણી આપી અને ટ્રેન ઉપડી.

“બેટા નીતિન..” મમતા ભરી આંખે નીતિનને જોતાં મા બોલી. “ઈશ્વરે મને આજે બહુ મોટી ગીફ્ટ આપી. હવે હું તને એક સરસ ગીફ્ટ આપું છું.” કહી પુષ્પનો મોટો હાર નીતિનના હાથમાં આપતા કહ્યું, “તારી પાછળ જો.” નીતિને પાછળ જોયું તો સોળે શણગાર સજી હાથમાં વરમાળા સાથે ઉભેલી સુનિતા અને તેનો પરિવાર દેખાયો. સૌએ તાળીઓથી અને મધર એક્સપ્રેસે સીટીઓથી નવ દંપતિને વધાવ્યાં.

=============