રાઈટ એંગલ
પ્રકરણ–૧૮
‘કશિશ શું કામ આવું બોલી?‘
બે–ચાર દિવસ થયા તો ય ધ્યેયના મનમાંથી આ સવાલ હટતો ન હતો. કશો જવાબ પણ મળતો ન હતો. શું હશે કશિશના મનમાં જેને કારણે એ આ લડાઇ લડી રહી છે? એમને એમ છઠ્ઠી મે આવી ગઇ એટલે એણે કશિશને ફોન કર્યો જસ્ટ જણાવી દેવા કે કાલે કોર્ટમાં તારીખ છે એટલ હાજર રહેવાનું છે.
‘હાય! કાલે કોર્ટમાં પધારજો મેડમ...તારીખ છે!‘ ધ્યેયએ ફોન કરીને કોર્ટની તારીખ યાદ કરાવી એટલે કશિશ આશ્ચર્યચક્તિ થઇ ગઇ. ધ્યેય આવી બાબત જણાવવા ફોન કરે?
‘થેન્કસ...બાય ધ વે રાહુલનો ફોન આવી ગયો.‘ કશિશ બોલી એટલે ધ્યેયએ પેલીવાત કેમ પૂછવી તે માટે શબ્દો શોધ્યા પણ મળ્યાં નહી. સામેથી કશું કહેવાયું નહીં એટલે કશિશ બોલી,
‘તે ફ્કત આટલું જ કહેવા માટે ફોન કર્યો હતો?‘ કશિશના સવાલમાં ધ્યેય મૂંગો રહ્યોં.
‘હમ...‘ ધ્યેયએ નરો વા કૂંજ રો વા જેવો જવાબ આપ્યો એટલે કશિશ હસી પડી,
‘જો તું બેસ્ટી છો. એટલે તારી સાથે બધી વાત શેર કરું છું. પણ ડિયર તારે જાણવું છે ને કે હું શા માટે આ લડાઇ લડું છું. તો એનો જવાબ હમણાં નહી આપુ. સો વેઇટ એન્ડ વોચ!‘ કશિશ વગર કહ્યે એના મનની વાત જાણી ગઇ એટલે ધ્યેય હસ્યો,
‘જી, હુકમ મેડમ...હવે તું કહીશ નહીં ત્યાંસુધી હું કશું પૂછીશ નહી.‘
‘ધેટસ લાઇક એ ગુડ ફ્રેન્ડ!‘ કશિશે વધુ વાત કર્યા વિના ફોન મૂકી દીધો.
કૌશલ સાથે હવે પહેલાં જેવા નોર્મલ સંબંધ થયા હતા પણ કાલે કોર્ટમાં તારીખ છે અને પોતે જવાનું છે તે વાત એને જણાવી નહી. કારણ કે કૌશલે જ ના પાડી હતી ને કે એ કેસ વિશે કશું સાંભળવા નથી ઇચ્છતો. પછી નાહક એને જાણ કરીને ફરી રિલેશનમાં દરાર પડે તેવું કહેવું કે કરવું જ નહી.
રાહુલે એને ટૂંકમાં બ્રીફ કરી હતી કે કાલે કોર્ટમાં શું થઇ શકે.
બીજે દિવસે કશિશ સમયસર કોર્ટમાં પહોંચી ગઇ. મહેન્દ્રભાઇ અને ઉદય ત્યાં હાજર હતા એટલે પહેલાંની જેમ જ કશિશ એમને પગે લાગતાં બોલી,
‘જય શ્રીકૃષ્ણ પપ્પા!‘
‘જય શ્રી કૃષ્ણ દીકરાં! મજામાં ને?‘ મહેન્દ્રભાઇએ કહ્યું. એટલે કશિશે સામે એમના ખબર પૂછયાં,
‘પપ્પા તબિયત સારી છે ને?‘
‘હા, બેટા...આઇ એમ ફાઇન!‘ કશિશ અને મહેન્દ્રભાઇ સાથે વાતચીત થતી હતી તે દરમિયાન ઉદય એકદમ નિર્લેપ ઊભો હતો. એ સામાન્ય રીતે એના સ્વભાવથી વિરુધ્ધનું વર્તન હતું. કશિશને તેથી આશ્ચર્ય થયું પણ એ કશું બોલી નહી. રાહુલ જજ સામે ઊભો રહી ગયો હતો એટલે જેવો એનો નંબર આવ્યો એટલે જજે ઉદય અને મહેન્દ્રભાઇને બોલાવ્યા અને પૂછયું,
‘તમારો વકીલ આવ્યો છે?‘
એનો જવાબ ઉદયે આપ્યો,‘ સાહેબ મને તો હજુ સુધી કેસની નકલ આપવામાં જ નથી આવી. હું કેવી રીતે વકીલ હાયર કરું?‘
ઉદયના જવાબ સામે જજ સાહેબની ભ્રકૂટિ ખેંચાઇ. એટલે તરત રાહુલે જવાબ આપ્યો,
‘સર, બાપ–દીકરાં સહ આરોપી છે અને એક સાથે રહે છે એટલે અમે એમને એક જ કોપી આપી હતી.‘ જજે તરત રાહુલ સામે જોયું,
‘આમને અત્યારે જ બીજી કોપી આપો. અને હવે નેકસ્ટ ડેટ પર તમે વકીલને હાજર નહીં રાખો તો હું પ્લિ રેકોર્ડ કરી લઇશ. કારણ કે તમે જાણી જોઇને કેસ લંબાવવા માટે પ્રયત્ન કરો છો. કોર્ટનો સમય નહીં બગાડો. કોપી લો ને શુક્રવારે હાજર રહેજો.‘ જજ સાહેબે કડક સૂચના આપી એનો તરત અમલ થઇ ગયો. રાહુલે ત્યાંથી જ કોપી મેળવીને ઉદયને આપી અને ઉદય લુચ્ચાઇભર્યું સ્મિત કશિશ સામે ફરકાવતો કોર્ટરુમની બહાર નીકળી ગયો.
કશિશ એને જતાં જોઇ રહી, રાહુલ કશું બોલે તે પહેલાં જ એ બોલી,
‘ફરી તારીખ...‘કશિશ સહેજ નિરાશ થઇ ગઇ.
‘મેમ તમે થાકતાં નહી..પણ હવે .આવું લાંબુ નહીં ચાલે! આજે જજ સાહેબે એમને ઠપકો આપ્યો ને!‘ રાહુલે એને આશ્વાસન આપ્યું. પણ આજે ખરેખર કશિશને ડર લાગ્યો હતો કે આ કેસ લડતાં લડતાં એ હાંફી ન જાય. છેલ્લાં બે વખતથી તારીખ પે તારીખ જ મળે છે.
‘મેમ...ઓફિસમાં આવો છો ને? ધ્યેય સર આવી ગયા હશે.‘
ધ્યેયેને મળવાનું મન પણ કશિશને થયું નહીં.
‘ના, શુક્રવારે આવવાનું જ છે ને ત્યારે મળી લઇશ.‘ એટલું બોલીને એ પાર્કિંગ લોટમાં ચાલી ગઇ.
શુક્રવારે હવે જોઇએ શું થાય છે. પાછા કોઇ બહાના સાથે એ લોકો હાજર ન થઇ જાય. આ ધ્યેય કેમ કશું રાહુલને શીખવાડતો નહીં હોય? હા એ હા કરીને આવી જાય છે. કશિશની અપેક્ષા મુજબ કેસ ચાલ્યો નહીં એટલે હવે ખરેખર ગુસ્સો આવી રહ્યોં હતો. આમ આદમી બિચારાને એમ હોય કે એકવાર કોર્ટમાં કેસ દાખલ થઇ જાય તો ફટાફટ ચુકાદો આવી જશે. પણ વાસ્તવમાં કોર્ટના ચક્કર કાપી કાપીને જ ન્યાય મેળવાનો ઉત્સાહ ઓસરી જાય. આખરે એને ય રોજિંદા જીવન સાથે એડજસ્ટ કરીને કોર્ટમાં આવવાનું હોય છે. તે વાત આમ આદમી સિવાય કોર્ટ સાથે જોડાયેલાં લોકો ક્યાં સમજી શકે છે?
આવા બધાં વિચારમાં જ કશિશ ઘરે આવી તો કૌશલનો આર્કિટેક્ટ ,કોન્ટ્રાકટર એના માટે રાહ જોઇને બેઠાં હતાં.
‘મેમ, આપણે વાત થઇ હતી તે પ્રમાણે મેં કોફી હાઉસની બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. તમને કેવી લાગે છે તે જોઇ લઇએ.‘
‘યહ, સ્યોર..‘ કશિશે જવાબ આપ્યો એટલે આર્કિટેક્ટે લેપટોપ પર કોફી હાઉસની ડિઝાઇન દેખાડી. કશિશ જોતી ગઇ અને પોતાના સૂચન કહેતી ગઇ. કોન્ટ્રાકટરે સાથે પણ ડિસ્કસ કરતી ગઇ ક્યાં કેવા પથ્થર વાપરશે ને ક્યાં કેવી ટાઈલ્સ જોઈશે. જેથી કરીને કોફી હાઉસને રેટ્રો લુક આપી શકાય. કશિશને પોતાના કોફી હાઉસનું લુક એકદમ યુરોપિયન રેટ્રો ટાઈપ જોતું હતું. જેમાં અંદર જવાથી જ તમને ફીલ આવે કે તમે યુરોપના કોઇ કોફીશોપમાં છો. એકાદ કલાકની જહેમત પછી બધું ફાઇનલ થઇ ગયું એટલે કશિશે નિંરાતનો શ્વાસ લીધો,
‘કેટલીવાર લાગશે કામ પૂરું થતા?‘
‘મેમ, લગભગ બે થી ત્રણ મહિનામાં થઇ જશે.‘
‘ઓ.કે. જેમ બને તેમ જલદી કરજો.‘ જાણે ડેસ્ટિનીએ એને બોલાવ્યું હોય તેમ એ વિચાર્યા વિના સહજ રીતે બોલી ગઇ પણ કદાચ જ એમાં એનું ભવિષ્ય છુપાયું હતું.
બીજા જ દિવસે કશિશ અને કૌશલે મુહૂર્ત જોઇને કોફી હાઉસના પાયો ખોદવાની વિધિ કરી દીધી. હવે કશિશ રોજ સવારે કૌશલ સાથે જ નીકળી જતી અને સીધી કોફી હાઉસની સાઇટ પર જતી. ત્યાં થતાં દરેક કામ પર નજર રાખતી. એમ જ શુક્રવાર આવી ગયો. આજે ફરી કોર્ટમાં તારીખ હતી. સાંજે જ રાહુલનો મેસેજ આવી ગયો હતો. સવારે કૌશલ તૈયાર થઇને બ્રેકફાસ્ટ ટેબલ પર આવ્યો તો કશિશ હજુ નાઈટવેરમાં જ હતી એટલે એને આશ્ચર્ય થયું,
‘કેમ આજે સાઈટ પર નથી જવું?‘ કશિશ તરત જવાબ ન આપી શકી. ખોટું બોલવું ન હતું અને સાચુ કહેશે તે કૌશલને ગમશે નહી.
‘ના, કોર્ટમાં કામ છે.‘ કશિશે ટૂંકમાં પતાવ્યું. કૌશલે પણ તે વિશે પૂછયું નહી. પતિ–પત્ની બન્ને વચ્ચે વણકહે મ્યુચલ અન્ડરસ્ટેન્ડિંગ થઇ ગઇ હતી કે કોર્ટકેસ વિશે કોઇ વાત કરવી નહી. બસ એ બાદ કરતાં બન્ને સાથે સુખી છે તે વાત વધુ મહત્વની છે. કૌશલ બ્રેકફાસ્ટ કરીને ગયો પછી કશિશ અગિયાર વાગે કોર્ટ પહોંચી.
એના કેસનો નંબર બોલાયો એટલે રાહુલ સાથે એ હાજર થઇ. એ પહેલાં હમેંશની જેમ મહેન્દ્રભાઇને એણે મળી લીધું હતુ. ઉદય કશું બોલ્યો નહી, કશિશે પણ એને બોલાવ્યો નહી.
આજે ઉદય સાથે એક કાળા કોર્ટ વાળો માણસ હતો એટલે કશિશ સમજી ગઇ કે આ લોકો વકીલ લઇને આવ્યા છે. એને મનોમન હાશ થઇ કે ચાલો આજે કામ આગળ વધશે.
ઉદયના વકીલે એક કાગળ જજસાહેબને આપ્યો. એ વાંચીને જજસાહેબે બોલ્યા,
‘આજે બપોરે આપણે તમારી ડિસ્ચાર્જ અરજી પર હિયરિંગ રાખી દઇએ છીએ. તમને ફાવશે?‘ કશિશને આ બધું સમજાયું નહીં પણ રાહુલે તરત જવાબ આપ્યો,
‘યસ સર, અમે તૈયાર છીએ.‘
‘ઓ.કે. ત્રણ વાગે આવી જજો.‘
જજે કહ્યું એટલે કશિશ સામે જોઇને રાહુલે બહાર જવાનો ઇશારો કર્યો. બન્ને કોર્ટરુમની બહાર આવ્યા એટલે કશિશે સહેજ અધીરાઇથી પૂછયું,
‘આ શું હતું? તું તો કહેતો હતો કે આજે પ્લી રેકોર્ડ થશે જેથી કામકાજ આગળ વધશે?‘
‘એ લોકો એ ડિસ્ચાર્જ અરજી મૂકી. એટલે કે એમનું કહેવું છે કે એમની સામે જે ચાર્જીસ લાગ્યા છે તે ખોટા છે અને એટલે અમને બરી કરી દો. ક્રિમિનલ પ્રોસિજર કોડ નંબર ૨૩૯ અંતર્ગત આવી તક આરોપીને આપવામાં આવે છે.‘ રાહુલની કાયદાકીય વાતો કશિશની સમજની બહાર હતી. એ એટલું સમજી કે જાણીજોઇને કેસને ડિલે કરવાના પ્રયત્ન ઉદય કરી રહ્યોં છે. એણે રાહુલને આ વાત કહી એટલે રાહુલે પણ એમાં હામી પુરાવી.
‘હવે હિયરિંગમાં શું થશે?‘
‘જજ બન્ને પક્ષની દલીલ સાંભળશે અને પછી ડિસ્ચાર્જ અરજી સાચી છે કે ખોટી છે તેનો ચુકાદો આપશે. ડિસ્ચાર્જ અરજી મંજૂર થઇ ગઇ તો કેસ નહીં ચાલે. બધું ખતમ!‘
કશિશ આ સાંભળીને નિરાશ થઇ ગઇ.
‘આરોપીને શંકાનો લાભ આપીને બચાવી લેવાના અનેક કાયદા છે. પણ પીડિતને માટે તો અદાલતના ચક્કર જ કાપવાના રહે. કારણ કે આપણાં અદાલતનો મુદ્રાલેખ છે, ‘સો દોષિત ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઇએ.‘ રાહુલે કહ્યું અને કશિશ તે સાંભળીને ચૂપ થઇ ગઇ. બસ કોર્ટમાં લડાઇ લડવી હોય તો તમારામાં એક માત્ર લઘુતમ સાધારણ અવયવ જોઇએ અને તે છે ધીરજ. બસ અત્યારે ધીરજ જ રાખવાની છે. કશિશે પોતાની જાતને કહ્યું. ત્રણ વાગ્યા સુધી કશું કામ ન હતું એટલે એ ઘરે ગઇ. કૌશલ સાથે લંચ કરીને ફરી પાછી કોર્ટ આવી. જેથી કૌશલને લાગ કે એ માત્ર કોર્ટમાં જ પડી નથી રહેતી. કૌશલ વિશે પણ વિચારે છે.
કશિશ અને રાહુલ કોર્ટરુમમાં પહોંચ્યા ત્યારે રિસેસ પછીના સમયનું કોર્ટ સેશન ચાલુ થઇ ગયું હતું. ઉદય અને મહેન્દ્રભાઇ એમના વકીલ સાથે હાજર હતા. કોર્ટમાં બીજા કોઇ કેસમાં જુબાની લેવાતી હતી. કશિશ અને રાહુલને જોઇને જજે કહ્યું,
‘આ પતે પછી તમારો વારો છે.‘
ઉદયના વકીલ નિતિન લાકડાવાલાએ ડિસ્ચાર્જ અરજી પર પોતાની દલીલ રજૂ કરી,
‘સર, મારા અસીલ પર મૂકવામાં આવેલા આરોપ સરાસર ખોટો છે. મારા અસીલ પોતાના દીકરી વિશે એના પિતા હોવાથી એક ગાર્ડિયન તરીકે નિર્ણય લઇ શકે કે એમણે એમની દીકરીને મેડિકલમાં મોકલવી કે નહી.‘
નિતિન લાકડાવાલા હજુ તો પૂરું બોલી રહે તે પહેલાં રાહુલ બોલી ઊઠયો,
‘માય ઓબ્જેક્શન સર, કોઇપણ પિતા એનું સંતાન નાબાલિગ હોય તો એના વતી નિર્ણય લઇ શકે. પણ મારી અસીલની ઉંમર ત્યારે અઢાર વર્ષની હોવાથી તે પુખ્તવયની ગણાય. તેથી તે પોતાના નિર્ણય જાતે લઇ શકતી હતી. એટલે એમના પિતા કે ભાઇને એ હક્ક મળતો નથી કે મેડિકલમાં કશિશને મોકલવાનો નિર્ણય લઇ શકે. એમણે એવો નિર્ણય કરીને મારી અસીલને એડ્યુકશેન લેતા અટકાવી છે તેને ગંભીર ગુનો ગણવામાં આવે અને ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવે. કારણ કે મારી અસીલને મેડિકલમાં જવાથી સારું ભવિષ્ય બનતું હતું તે ભવિષ્ય એમના આ પગલાંને કારણે ડમાડોળ થઇ ગયું. તેથી તેઓ પર ટ્રાયલ ચાલવી જોઇએ.‘ રાહુલે જે સફાઇથી સામેવાળાની દલીલને એમના જ ગળામાં ભેરવી દીધી અને કશિશની નજર ઉદય તરફ ગઇ તો એણે મોઢું ફેરવી લીધું. કશિશના ચહેરા પર સ્માઇલ આવ્યું.
કામિની સંઘવી
(ક્રમશ:)