Samantar - 4 in Gujarati Love Stories by Shefali books and stories PDF | સમાંતર - ભાગ - ૪

The Author
Featured Books
Categories
Share

સમાંતર - ભાગ - ૪

સમાંતર ભાગ - ૪

આગળના ભાગમાં આપણે જોયું કે ઝલકનું ભણવાનું હજી ચાલતું હોય છે અને એના માટે રાજની વાત આવે છે. આને લઈને ઘરમાં થોડી ચર્ચા પણ થાય છે અને ઘરની પરિસ્થિતિ સમજીને ઝલક છોકરો જોવા માટે હા પાડે છે. પણ એના પપ્પા વિદિતભાઈ દીકરીની લાગણી સમજી જાય છે અને પછી પિતા પુત્રી વચ્ચે એક લાગણીસભર સંવાદ રચાય છે જેમાં બંનેનું અદભુત જોડાણ દેખાઈ આવે છે જેના અંતે છોકરો જોવાનું નક્કી થાય છે. હવે આગળ...

*****

જીત થઈ છે આજે સ્વપ્ન આગળ સમજદારીની,
સ્વથી આગળ એવા સ્વજનોના પ્રેમ અને વિશ્વાસની.!

ઝલકની જીદ અને વધુ તો પોતાની આર્થિક મજબૂરી આગળ નમતું મૂકીને વિદિતભાઈ એમના સાળાને ફોન કરીને રાજ અને એના પરિવારને મળવાની ઈચ્છા દર્શાવે છે. બે દિવસ પછી રવિવારના દિવસે સાંજના સમયે વિદિતભાઈના ઘરે મળવાનું ગોઠવાય છે.

રવિવારના દિવસે સવારથી જ ઘરમાં ધમાલ જેવું વાતાવરણ હોય છે. એકબાજુ ઝલકના દાદાની તબિયત થોડી ખરાબ હોય છે અને બીજી બાજુ મહેમાનના આવવાની તૈયારી કરવાની. બધાએ મળીને કામને વહેંચી દીધું હતું અને ઘરને બરાબર સાફ કરીને વ્યવસ્થિત કરી દીધું હતું. સાંજના નાસ્તાથી માંડીને ઝલકને પહેરવાના કપડાં સુધીનું બધું જ નક્કી કરી દેવામાં આવ્યું હતું. નિત્યા અને પાર્શ્વએ તો બેથી ત્રણ વાર ઝલકને સાંજની મિટિંગ માટે રિહર્સલ પણ કરાવી દીધું હતું અને આ બધાના પરિણામ સ્વરૂપ ઝલક થોડી ગભરાઈ રહી હતી.!

નક્કી કર્યા મુજબ બરાબર સાતના ટકોરે રાજ અને એનો પરિવાર ઝલકના ઘરમાં હોય છે. ઝલકના મામા બંને પરિવારને એકબીજાનો પરિચય કરાવે છે. જ્યારે ઝલક હાથમાં પાણીની ટ્રે લઈને આવે છે ત્યારે રાજ એને જોયા જ કરે છે. કાનમાં સિમ્પલ મોતીની બુટ્ટી, આંખોમાં કાજલ, હોઠ પર લાઈટ શેડની લિપસ્ટિક, ડાર્ક ગ્રીન ડ્રેસ અને રેડ દુપટ્ટામાં ઝલક એકદમ સુંદર લાગતી હતી. પ્રથમ નજરમાં જ જાણે રાજ એની ઉપર મોહી ગયો હતો.!

થોડી વાર પછી બંનેને વાત કરવા અલગ રૂમમાં બેસાડવામાં આવે છે. રાજ જોઈ રહ્યો હોય છે કે ઝલક આ વાતાવરણમાં મુંઝવણ અનુભવી રહી છે એટલે એને રિલેક્સ કરવા એ થોડી આડીઅવળી વાતો કરે છે. ઝલકને પણ હવે એની વાતોમાં મઝા પડવા લાગી હોય છે અને એ થોડી હળવી થઈને હવે પોતાના વિચાર પણ વ્યક્ત કરતી હોય છે.

રાજ અને ઝલકની હજી તો વાત ચાલતી જ હોય છે અને બહાર ઝલકના દાદાની તબિયત વધુ બગડે છે. એમનો અવાજ સાંભળીને બંને જણ દોડીને તરત જ ત્યાં જાય છે અને જોવે છે તો દાદા અસહ્ય પેટના દુખાવાથી આકળવિકળ થતાં હોય છે, એમને પરસેવો પણ ખૂબ વળી ગયો હોય છે. પરિસ્થિતિની ગંભીરતા પારખીને રાજ તરત જ એના કાકા જે ડોક્ટર હોય છે એમને ફોન કરે છે અને એમના કહ્યા મુજબ દાદાને એમના દવાખાને લઈ જવાની વ્યવસ્થા કરે છે. રીપોર્ટસમાં આવે છે કે દાદાને પથરી ફસાઈ ગઈ છે, તેથી બીજા દિવસે સવારે સર્જરી કરવાનું નક્કી થાય છે. નાની સર્જરી જ હોવાથી દાદાને ત્રણ દિવસ ત્યાં રાખવામાં આવે છે અને એ દરમિયાન રાજ રોજ એક વાર ત્યાં ખબર અંતર અને કામકાજ પૂછવા આવતો હોય છે. એના કાકાના કહેવાથી દવાખાનાનો સ્ટાફ પણ એમની ઉપર પર્સનલ ધ્યાન આપે છે અને બિલની રકમમાં પણ મોટો ફેર પડે છે. ઝલક અને ઘરના બધા જ લોકો આ બધી વાતથી ઘણા પ્રભાવિત થાય છે.

દાદાને ઘરે લાવ્યાના અઠવાડિયા પછી રાજના પપ્પાનો દાદાની ખબર પૂછવા ફોન આવે છે અને જોડે જોડે એ દિવસે બાકી રહી ગયેલી વાત કરવા ઝલકના આખા પરિવારને એમના ઘરે આમંત્રિત કરે છે.

ઠીક ઠીક સાધન સંપન્ન કહી શકાય એવું રાજનું ઘર હતું. જ્યારે ઝલક પરિવાર સહિત રાજના ઘરે પહોંચે છે ત્યારે ત્યાં પહેલેથી જ રાજના કુટુંબના બીજા વડીલો જેવા કે રાજના બે કાકા કાકી અને ફોઈ ફુવા પણ હાજર હોય છે. બધા જ એકદમ ખુશમિજાજ લાગતા હોય છે અને રાજના નાના ભાઈ બેન દિશા અને આકાશ તો થોડી જ વારમાં ઝલક જોડે એકદમ હળીમળી જાય છે. બધાને મળીને ઝલકનો સંકોચ પણ થોડો ઓછો થઈ જાય છે.

રાજ અને ઝલકને એમની અધૂરી રહી ગયેલી મિટિંગ માટે અલગ રૂમમાં બેસાડવામાં આવે છે. લગભગ અડધો કલાક ચાલેલી એમની મિટિંગમાં રાજ જ વધુ બોલતો હોય છે, ઝલક હજુ પણ વાત કરતા થોડી શરમાતી હોય છે, પણ એ ખૂબ રસ લઈને રાજને સાંભળતી હોય છે. એને ગમ્યું હતું રાજનું બોલવું, એને જાણવું અને જરૂર લાગે ત્યાં પોતાના વિશે જણાવવું.!

લગભગ બે કલાક પછી બંને પરિવાર સંબંધ આગળ વધવાની આશા લઈને છૂટા પડે છે. ઘરે જઈને બધા ઝલકની ઈચ્છા પૂછે છે જેના જવાબમાં એ નજર નીચી કરીને શરમાઈ જાય છે. વિદિતભાઈ બીજા દિવસે એમના સાળા નરેશભાઈને ફોન કરીને એમની ઈચ્છા જણાવી દે છે તો સામે પક્ષે રાજના પપ્પાનો પણ થોડી વારમાં હા કહેવા ફોન આવી જાય છે. બંને પક્ષો ફટાફટ પોતાના કુટુંબમાં જાણ કરી દે છે અને બે દિવસમાં તો ગોળધાણાની તારીખ નક્કી થઈ જાય છે.

ગ્રીન કલરની સાડી, છુટ્ટા વાળ, નાની બિંદી અને લાઇટ મેકઅપમાં ઝલક ખૂબ જ સુંદર લાગી રહી હતી તો સામે પક્ષે કુર્તા પાયજમામાં રાજ પણ એકદમ સોહામણો લાગતો હતો. પરિવારના સીમિત સભ્યોની હાજરીમાં ગોળધાણાની સાથે જ સગાઈની વિધિ પૂરી કરવામાં આવે છે. બંને ઘરના વડીલોના આગ્રહને લઈને ચાર મહિના પછી નવેમ્બર મહિનામાં લગનની તારીખ પણ નક્કી કરી દેવામાં આવે છે. વિદિતભાઈને બધુ બહુ જલ્દી થઇ રહ્યું હોય એવું લાગતું હતું પણ બધાની હાજરીમાં અને વડીલોની મરજી આગળ એ ચૂપ રહી જાય છે.

ઝલકે પણ હવે લગન માટે મન બનાવી લીધું હતું અને કોલેજ જવાનું છોડી દીધું હતું. એની ફ્રેન્ડસ એને ઘણી વાર આગ્રહ કરતી કે કોલેજ આવે અને M.A. પૂરું કરે પણ એ જાણતી હતી કે હવે આ શક્ય નથી બનવાનું અને એનું એ સપનું જે એણે ક્યારેય કોઈની આગળ વ્યક્ત નથી કર્યું એ પૂરું નથી થવાનું.! રાજના મમ્મી શકુન્તલાબેને પહેલા જ કહી દીધું હતું કે એમને જોબ કરે એવી વહુ નથી જોઈતી અને મમ્મી ભાવનાબેનનું કહેવું હતું કે હવે જે સમય છે એમાં એણે રસોઈ અને ઘરના બીજા કામમાં ધ્યાન પરોવવું જોઈએ જેથી લગન પછી એને સાસરે વાંધો ના આવે. ઝલક પણ આ વાત સમજી ગઈ હતી અને ખુશી ખુશી રસ લઈને મમ્મી જોડે બધું શીખતી હતી.

"ખુશીથી હથિયાર હેઠા મુક્યા છે આજે પરિસ્થિતિ આગળ,
એક સપનું પૂરું ના થયું તોય શું.?
વાવેતર કરીશું નવા સપનાનું જિંદગીમાં આગળ.!"

જોકે સગાઈ પછી એવું કહી શકાય કે એક દિવસ એવો નહીં હોય જ્યારે રાજ અને ઝલક મળ્યા ના હોય. શરૂ શરૂમાં ઝલકના દાદાને આ ઓછું ગમતું હતું તેથી એમણે રાજના પપ્પા અશોકભાઈને ફોન કરીને એમની નારાજગી દર્શાવી હતી અને એમણે સામી ખાત્રી આપી હતી કે એ રાજને વાત કરશે પણ રાજે ઝલકના ઘરે જઈને ખૂબ જ પ્રેમથી વિશ્વાસ આપીને દાદાને મનાવી લીધા.

આ દિવસો બંને માટે સ્વપ્નવત બની રહ્યા.! એક નવા જ અનુભવમાંથી બંને પસાર થઈ રહ્યા હતા. હોટેલ, મૂવી, ગાર્ડન તો કોઈ વાર ચાની કીટલી.. જગ્યા ક્યારેય મહત્વની હતી જ નહીં એમના માટે.! મહત્વનો હતો તો બસ એકબીજાનો સાથ.! એકબીજાને જાણવા, સમજવા અને નવી યાદો બનાવવી જ મહત્વની હતી જે જીવનપર્યંત એમની સાથે રહેવાની હતી.! હજી પણ ઝલક ક્યારેક એ યાદો સાથે જીવી લેતી.! લાગે કે આ દિવસો અને આ પળોને એ થોડા ઘણા અંશે જિંદગીમાં શોધતી હતી.!

"કેવા સ્વપ્નવત હતા એ દિવસો.!
સમયની પાંખે આવ્યા'તા જે સોનેરી દિવસો.
ભલેને ઉડી ગયા એ મીઠા સાંભરણા છોડીને,
તોય એક નવી શરૂઆત કરાવી ગયા એ દિવસો.!"


*****

લગભગ અડધો કલાક જેવો સમય પસાર થઈ ગયો તોય ઝલકના માથાનો દુખાવો ઓછો નથી થયો. હજી પણ એનું મન એવું જ બેચેન છે અને ધબકારા પણ એવા જ અસામાન્ય.! એ ઊભી થાય છે, રસોડામાં જઈને માથાના દુખાવા માટેની દવા ગળે છે. એને થોડો ગૂંગળામણનો એહસાસ પણ થતો હોય છે એટલે એ બાલ્કનીમાં જઈને બેસવાનું વિચારે છે, જેથી ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકે. અને અચાનક કોઈ વિચાર આવતા એ પહેલા એના રૂમમાં જાય છે. એની નજર સૂતેલા રાજ ઉપર પડે છે અને એ એની નજીક જાય છે. નાના બાળકની જેમ સુતેલા રાજને જોઈને એના મનમાં અઢળક વ્હાલ ઉભરાઈ જાય છે.! એનો હાથ આપોઆપ જ રાજના કપાળ તરફ જાય છે અને મનમાં કોઈ અપરાધ ભાવ આવતા એ અટકી જાય છે. હાથને એમ જ અધ્ધર રાખીને એ થોડી પળો રાજને બસ જોયા જ કરે છે. આંખમાં ધસી આવેલા આંસુઓને રોકીને એ કબાટ તરફ જાય છે અને એમાંથી જૂના ફોટાના આલ્બમ લઈને ડ્રોઈંગ રૂમની બાલ્કનીમાં મુકેલી ખુરશી ઉપર જઈને બેસે છે.

*****

રાજ અને ઝલકની આગળની જિંદગી કેવી રહેશે.!?
ઝલકના મનમાં કયો અપરાધ ભાવ આવી જાય છે કે એનો હાથ રોકાઈ જાય છે.!?
આ પ્રશ્નોના જવાબ અને નૈનેશ સાથે ઝલકનું જોડાણ જાણવા વાંચતા રહો સમાંતર...

તમને મારી બીજી વાર્તા પ્રેમની પેલે પાર.. ભાગ ૧ - ૨૭ જે લવ સ્ટોરી છે એ પણ ગમશે. વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

©શેફાલી શાહ

જય જીનેન્દ્ર...