lockdown - 2 in Gujarati Short Stories by Ashoksinh Tank books and stories PDF | લોકડાઉન - 2

Featured Books
Categories
Share

લોકડાઉન - 2

મોહનને આજે સમાચાર મળ્યા ત્યારથી જ તેનું મન ક્યાય નહોતું લાગતું.

"અલી પણ આ મેરુ ને નખમાય રોગ ન તો ને એમ ઘડીકમાં હું થયું હશે?"

" ફોનમાં તો ઈમ કે 'તાતા કે અટક આવી ગયો. "

" પણ ઇ કાઈ એવો જબરો ય નો ' તો કે અટક આવી જાય.

"તમી હવારું ના ચંત્યા કર્યા કરો છો પણ ઈ કાય આપડા હાથની વાત છે? ભગવાન ને ગોઠયું તે હાસૂ.". "

"ભલામાની ચંત્યાં તો થાય જ ને બચારાને સોડી ને સોંકરો હજી નાના છે.મારે એની હંભાળ લેવા જાવું જોહે "

" ઈ બધી વાત હાસી પણ અતારે આ લોકડાન માં તમને કોય કિયાય જાવા નો દિયે હો! પોલિશ પકડી લે આ હંધુય પૂરું થાય પછી જાજો.".

મોહન ગામડા ગામનો મજૂર માણસ .તેની પત્નીનું નામ મણી. બંને માણસ છૂટી ખેત મજૂરી કરી તેનાં બેય પૂખડા ને મોટા કરે ને રાજી રહે. મોહન ની ઉંમર ૪૧ વર્ષની હતી. પરંતુ મહેનત-મજૂરી કરી કરીને તે ૫૦ વર્ષનો લાગતો હતો. અડધો અડધ વાળમાં સફેદી આવી ગઈ હતી. સમયની થપાટો અને કાળી મજૂરી એ તેના કપાળમાં અને આંખો નીચે ધોરીયા પાડી દીધા હતા. મોહન ને આજે આખી રાત ઊંઘ નહોતી આવી. તે પડખા ઘસતા હતો. તેને તેનો મિત્ર મેરુ યાદ આવતો હતો. બંને જુવાનીના સમયમાં ભાવનગર સાથે હીરા ઘસવાનું કામ કરતા. આખો દિવસ હીરા ઘસે ને રાત્રે તે જ કારખાનામાં સૂઈ જવાનું. બંનેના ગામડેથી બપોરે આખા દિવસનું ટિફિન આવી જાય. એ ટિફિન બપોરે અને વધેલું રાત્રે જમી લેવાનું. મેરુ ના ઘરે દુજાણા નો ધરોવ હતો. એટલે તેનું ટિફિન દૂધ, દહીં, માખણ, ઘી થી ભરપુર હોય.

મોહનના ટિફિનમાં છાશ, રોટલો, મરચું, કઢી એવું બધું હોય. પણ મેરુ પોતાના મિત્રને પોતાના ટિફિનમાંથી અડધો-અડધ કાયમ ખવડાવે. તેનું ઘી ગોળ તો મોહન જ ખાતો. ઘણા વર્ષ સાથે રહ્યા પછી બંનેના લગ્ન થયા. એટલામાં હીરામાં મંદી આવી. બંને પોતપોતાના ગામડે આવી ગયા. મેરુ એ પોતાની જમીન સંભાળી લીધી ને મોહન મજુરીએ લાગી ગયો. પણ બંને અવાર-નવાર મળતા. મેરુ કાયમ હજી મોહન માટે પોતાની વાડીમાં પાકતું અનાજ, શાકભાજી, લસણ, ડુંગળી બધું પહોંચાડતો.

સવાર પડતાં મોહને ગમે તેમ કરી મેરુ ને ગામ જવાનું નક્કી કરી નાખ્યું.

જીગર ને પીન્ટુ નો ફોન આવ્યો. "યાર જીગર ઘરે કંટાળો આવે છે, ચાલને તારી ફોરવીલ લઈને ક્યાંક આંટા તો મારીએ. તને તો તારા પપ્પા એ 'સોશિયલ વર્કસ' નો પાસ કઢવી દીધો છે. આપણને ક્યાં પોલિસ રોકવાના છે.!"

"ઓકે પીન્ટુ, હું નાસ્તો કરી ફ્રેશ થઈ જાવ. ત્યાં તુ આવી જા. મારી ગાડી લઇ બંને આટા મારીશું."

મોહને પડોશી ની જૂની મોટરસાયકલ પેટ્રોલ પુરાવી દેવાની શરતે લીધું. ને મેરુ ના ગામ જવા તૈયાર થયો.

" તું સંત્યા કરમાં અતારમાં થોડીક સુટસાટ હસે એટલે હું નીકળી જાશ. ને મેરુ ના કુટુંબને સાંત્વના આપી, ખરખરો કરી હાંજે પાસો આવી જાશ."

મોહને તેના માથે જુનો રૂમાલ બાંધ્યો. તેનો એક છેડો મોઢે બાંધ્યો. તેણે મોટરસાયકલ મારી મૂકી. માથે બાંધેલા રૂમાલ ની વચ્ચે દેખાતા ધોળા વાળ પવનમાં ફગફગી રહ્યા હતા.

જીગર ને પીન્ટુ પોતાની કાર લઈ નીકળી ગયા. કારનાં એસીની ઠંડકમાં બહારનો લગભગ દસ વાગ્યાનો દઝાડતો તડકો પણ ગાય જેવો થઈ ગયો હતો. એસી ની ઠંડક, એર ફ્રેશનર ની મહેક, ધીમુ મધુર સંગીત ને કારની રફતાર બંને દોસ્તો ને કેફ ચડાવી રહ્યા હતા.

શિહોર પોલીસ સ્ટેશન પાસેની ચેકપોસ્ટ નજીક આવતા મોહનને ગભરામણ થવા લાગી. ગાડીનું હેન્ડલ ફગવા લાગ્યું. માથે બાંધેલા મેલા રૂમાલનો મોઢે બાંધેલો છેડો છૂટી ગયો. નજીક પહોંચતા પહોંચતા પોલીસે લાઠી આડી કરી. મોટરસાયકલ એક બાજુ લઇ લેવા કહયું. મોહન પડતા પડતા બચી ગયો.

મોહને મોટરસાયકલ સાઈડમાં મુકી સાહેબ ની સામે આવી ઊભો રહ્યો. હાથ જોડી બોલ્યો,
" શાબ મારો ખાસ ભાઈબંધ કાલે મૃત્યુ પામ્યો છે. મારે તેની કાણ કરવા જાવું પડે એમ છે. નકર એક મહિનાથી સાબ, હું મજૂરી કરવા પણ ઘરની બાર નથ નીકળ્યો.

"મારા હાલાવ , અત્યારે આવી પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવાની મનાઈ છે.ખબર નથી પડતી કાણ્યુ - બાણ્યું પછી કરાય. નકર તારી કાણ થઈ જાહે. એમ કહી સાહેબે ધોકો ઉગામી બોલ્યા, સાલો ગામડિયો ."

મોહને આડા હાથ ધરી કરગર્યો, " સાબ, માફ કરી દો."

સાહેબ ગુસ્સાથી બોલ્યા, " તારી ગાડી ડીટેઇન કરી લઈશ ને મોટો દંડ થાશે ખબર છે.?"

મોહન હાથ જોડી કહેવા લાગ્યો, " સાબ, ગાડી પરબારી છે, માંડ પેટ્રુલ નો મેળ કરી નીકળ્યો છું.મારો ભાઈબંધ મને બહુ વાલો હતો એટલે હું નો રહી હક્યો ને નીકળી ગયો." મોહનની આંખો ભરાઈ આવી.

સાહેબને દયા આવી. આગળ તો નહિ જાવા દવ.ને વળી માસ્ક પણ નથી પહેર્યો. તારી સજા એ છે કે કાન પકડી ઉઠ બેસ કર."

મોહનને ધરતી માગ આપે તો સમાઈ જવાનું મન થયું પણ છૂટકો ય નહોતો. મોહને ઊઠબેસ ચાલુ કરી દીધી.

ત્યાં સામેથી આવતી કાર તરફ સાહેબનું ધ્યાન ગયું. લાઠી આડી કરી કાર ઊભી રખાવી. જીગરે સાઈડ વિન્ડો ઉતારી પોતાનું કાર્ડ બતાવ્યું. સાહેબે ગાડી જવા દેવા ઈશારો કર્યો. વિન્ડો ગ્લાસ ચડી ગયો. ગાડી સડસડાટ કરતી નીકળી ગઈ.

પીન્ટુ બોલ્યો, " યાર આ લોકોએ આપણી મજા બગાડી દીધી. કેવું સરસ કુલિંગ આવ્યું હતું. બહારની ગરમ હવા ગાડીમાં આવી ગઈ. જોતો મારા કપાળે પરસેવો થઈ આવ્યો." પીન્ટુ એ પોતાના કપાળ પર હાથ ફેરવ્યો.

સાહેબ મોહન સામે જોઇ ઉભા હતા. મોહન કાન પકડી ઊઠબેસ કરતો હતો. તેને તેનો ભાઈબંધ મેરુ દેખાતો હતો. મોહનના ધોળા વાળ માં થઈ પરસેવો કપાળની કરચલીના ધોરીયામાંથી વહેતો આંખોના ધોરિયા માં થઈ આંસુ સાથે ભળી ગયો.ને ટપકવા લાગ્યો.....

પરસેવો ને આંસુ બંને સ્વાદે તો ખારા જ હોય છે...

લેખક: અશોકસિંહ એ. ટાંક
૧/૫/૨૦૨૦