લિપ્તાએ આતુરતાપૂર્વક એ ચિઠ્ઠી વાંચી જે કંઈક આ પ્રમાણે હતી: "હવે તો તે હવેલીનો સંપૂર્ણ ઈતિહાસ જાણી લીધો છે. તું એટલું તો સમજી જ ગઈ હોઈશ કે આ હવેલીમાં પ્રવેશ કરવો એ મોતના મુખમાં પ્રવેશ કરવા જેવું છે. છતાં પણ તારે આ કરવું જ પડશે. તારા ભાઈ લક્ષવને શોધવાની ચાવી આ હવેલી જ છે. આજથી બરાબર ત્રણ દિવસ પછી પૂનમની રાત છે. તારે આ રાતે જ મહેલમાં જવાનું છે. ત્યાં જઈને શું કરવું અને કેવી રીતે કરવું એની વધારે માહિતી તને હેમિષાબેન આપશે." ચિઠ્ઠીમાં હેમિષાબેનનો ઉલ્લેખ જોઈને લિપ્તાની શંકા વિશ્વાસમાં પરિવર્તિત થઈ ગઈ. પહેલા તો એને માત્ર શંકા જ હતી કે હેમિષાબેન લક્ષવના ગુમ થવા સાથે ક્યાંકને ક્યાંક તો જોડાયેલા છે પણ આજે તો એ વાતની એને ખાતરી થઈ ગઈ. એ તરત જ હેમિષાબેનના રૂમમાં પહોંચી.
હેમિષાબેન રૂમમાં એકલા જ હતા અને પર્વના ફોટા જોતાજોતા એને યાદ કરતા આંસુ સારતા હતા. લિપ્તાએ દરવાજો ખખડાવ્યો. હેમિષાબેન લિપ્તાને જોતા જ સ્વસ્થ થયા અને એને અંદર આવવાનું કહ્યું. લિપ્તા હેમિષાબેનને જોઈને બોલી, "આંટી, મારે એક જરૂરી વાત કરવી છે. તમે મને ખોટી ના સમજતા અને હું જે પૂછું એના સાચા જવાબ આપજો કારણ કે તમે જ લક્ષવને શોધવા માટેની પહેલી સીડી છો." આ સાંભળી હેમિષાબેન બોલ્યા, "તારે જે પૂછવું હોય એ નિઃસંકોચ પૂછ બેટા. હું તને મારાથી બનતી તમામ મદદ કરીશ." લિપ્તાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "આંટી, તમે ઘણીવાર કોઈને ઘરમાં ખબર ન પડે એ રીતે બહાર કોઈને મળો છો." એણે સાચવી રાખેલા પેલા વિચિત્ર ભાતવાળા હાથમોજાં બતાવતા કહ્યું, "એણે આવા મોજાં પહેર્યા હોય છે અને ચાદરથી સંપૂર્ણપણે ઢંકાયેલો હોય છે. તમે એની સાથે હવેલીમાં પણ જાવ છો. આંટી, ખબર નહિ કેમ મને લાગે છે કે એ કંઈ તો જરૂર જાણે છે લક્ષવ વિશે. એ કોણ છે આંટી?" આ સાંભળી હેમિષાબેનને થોડું આશ્ચર્ય થયું અને પછી એમની આંખ આંસુથી ભરાઈ ગઈ.
થોડા સમય બાદ હેમિષાબેન સ્વસ્થ થયા. પછી બોલ્યા, "બેટા એ કોઈ વ્યક્તિ નથી પણ આત્મા છે. તને અત્યાર સુધી જે માહિતી મળી એ પરથી એટલું તો તું જાણી જ ગઈ હોઈશ કે આત્મા અથવા તો આત્માની રજા સિવાય એ હવેલીમાં કોઈ પણ પ્રવેશ નથી કરી શકતું." ફરી થોડો વખત હેમિષાબેન અટક્યા. આગળ વધતા હેમિષાબેને કહ્યું, "બેટા, મને માફ કરી દેજે. કદાચ જાણ્યેઅજાણ્યે હું જ તારી દોષી છું પણ મારો વિશ્વાસ કર મેં આ બધું જ મજબૂરીથી કર્યું છે. આના પાછળ મારો કોઈ જ ખરાબ ઈરાદો નહોતો." આ સાંભળી લિપ્તા બોલી, "આંટી, મને તમારાથી કોઈ જ ફરિયાદ નથી. ભૂલ તો દરેક વ્યક્તિથી થાય જ છે. તમારાથી પણ થઈ. બસ મને તમારી પાસે જેટલી પણ માહિતી હોય એમાંથી મને ઉપયોગી એવી તમામ વાતો જણાવો કે જેથી હું લક્ષવને શોધી શકું." હેમિષાબેને હામી ભરતા ડોકું ધુણાવ્યું.
હેમિષાબેન બોલ્યા, "એ હવેલી કોઈ સામાન્ય હવેલી નથી. ચિત્રદિતના આત્માના લીધે જો તમને એકવાર ભૂલથી પણ ત્યાં જવાની ઈચ્છા થઈ ગઈ તો પછી એ હવેલી તમને પોતાનામાં સમાવીને જ દમ લે છે. મારો પર્વ પણ આ જ કારણના લીધે ગુમ થયો. એકવાર એણે એમ જ ત્યાંથી પસાર થતા હવેલીની અંદર જવાની ઈચ્છા થઈ. આ વિશે એણે મને કહ્યું. મેં એને સમજાવીને ત્યાં ના જવા માટે મનાવી લીધો. પણ એકવાર એ એકલો ત્યાંથી જતો હતો ત્યારે એના પગ આપમેળે જ હવેલી તરફ વધવા લાગ્યા અને એ અત્યાર સુધી ત્યાં જ છે. શરૂઆતમાં તો આ વાતની મને કે તારા કાકાને કોઈને પણ ખબર ન હતી. અમે એને શોધવા માટે અમારાથી બનતી તમામ કોશિશ કરી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી. આ બધું કર્યા બાદ પણ અમને પરિણામ શૂન્ય જ મળ્યું.પછી તો અમે આશા જ છોડી દીધી હતી." આ વાત યાદ કરીને અત્યારે પણ હેમિષાબેનનો અવાજ ભારે થઈ ગયો. એ વાત કરતા કરતા થોડીવાર થોભ્યા.
હેમિષાબેન આગળ વધતા બોલ્યા, "આ બધી નિરાશા વચ્ચે મને એક આશાનું કિરણ દેખાયું. આ આશાનું કિરણ એટલે જ આ આત્મા. આ આત્મા હવેલીની અન્ય આત્માઓ જેવી નથી. એ વનિષ્કાના દાદીની આત્મા છે. વનિષ્કા વિશે તો તું જાણતી જ હોઈશ. એકવાર જ્યારે હું મંદિરે ગઈ ત્યારે અનાયાસે જ મારા પગ પાદર તરફ ઉપડ્યા. કોઈ અજાણી શક્તિ મને આકર્ષિત કરતી હોય એવું લાગ્યું. ન ચાહવા છતાં હું ત્યાં પાદર પાસે ગઈ. જોયું તો ત્યાં કોઈ જ ન હતું. પછી અચાનક જ મને એક અવાજ સંભળાયો. એ અવાજે મને કહ્યું કે જો મારે પર્વ પાછો મેળવવો હોય તો એનો એકમાત્ર રસ્તો તું છે. આથી મને જ્યારે ખબર પડી કે તારા કાકા તારા પપ્પાને બોલાવે છે ત્યારે મેં એમને તમને આખા પરિવાર સાથે બોલાવવા કહ્યું. હું તને સીધી રીતે આ વાત ન કહી શકી પણ જ્યારે લક્ષવ પણ એ હવેલીમાં જતો રહ્યો ત્યારે તે જાતે જ એની તપાસ કરવાની શરૂ કરી દીધી."
થોડો સમય અટકીને હેમિષાબેન ફરી બોલ્યા, "ચિત્રદિતનો આત્મા હજી પણ એ હવેલીમાં ભટકે છે. જો એ કોઈ બે જુવાનની બલિ ત્યાં હવેલીમાં આજથી બે મહિના પછીની અમાસે ચડાવે તો એ મુક્ત થઈ શકે એમ છે. એટલે જ એણે પર્વ અને લક્ષવને હવેલી તરફ આકર્ષિત કરી ત્યાં ગોંધી રાખ્યા છે. હવે એ હવેલીમાં કોઈ મનુષ્ય પ્રવેશ કરી શકે એમ હોય તો એ તું છે લિપ્તા. તું જ એ વ્યક્તિ છે જે પર્વ અને લક્ષવને ચિત્રદિતની ચુંગાલમાંથી આઝાદ કરી શકે છે." આ સાંભળી લિપ્તાએ પ્રશ્ન પૂછ્યો, "હું? હું કેમ? જો ત્યાં કોઈ નથી પ્રવેશી શક્યું તો હું કેવી રીતે જઈશ?" હેમિષાબેન જવાબ આપતા બોલ્યા, "આ બધા સવાલના જવાબ માટે તારે થોડી ધીરજ રાખવી પડશે. તારે આજથી ત્રણ દિવસ પછી મહેલમાં જવું પડશે. ત્યાં જવું સરળ નથી પણ તને આજની ચિઠ્ઠી સાથે જે કવર મળ્યું છે એ આ બધી વસ્તુ સરળ બનાવશે." આ સાંભળી લિપ્તા બોલી, "અરે હા! મેં તો હજી જોયું જ નથી કે એ કવરમાં શું છે" આમ બોલી લિપ્તા હેમિષાબેનનો હાથ પકડી પોતાના રૂમ તરફ દોરી ગઈ.
લિપ્તાએ કવર ખોલ્યું. જોયું તો એની અંદર એક બાજુબંધ હતો. આ જોઈ લિપ્તાએ પૂછ્યું, "આ બાજુબંધ મને કઈ રીતે મદદ કરશે?" આનો જવાબ આપતા હેમિષાબેન બોલ્યા, "આ બાજુબંધ તારે અભિમંત્રિત કરવો પડશે. તારે મહેલમાં આ કારણથી જ જવાનું છે." લિપ્તાએ કંઈ વિચાર્યું અને પછી બોલી, "આ બધું તો બરાબર પણ મને એક વાત નથી સમજાતી કે તમને આ ચિઠ્ઠી વિશે કઈ રીતે ખબર?" આ સવાલ સાંભળી હેમિષાબેન હસ્યા અને બોલ્યા, "તું ચિઠ્ઠી મુકનારને જ પૂછી રહી છે કે કેવી રીતે ખબર? આ ચિઠ્ઠી બીજું કોઈ નહિ પણ હું જ મૂકતી હતી. આ ચિઠ્ઠી મને આત્મા જ આપતી હતી. મને ખબર નહોતી કે આમાં શું લખ્યું છે પણ હું તો આત્માના કહેવા અનુસાર કરતી. તને આ હવેલીનો ઈતિહાસ કહેનાર પણ બીજું કોઈ નહિ એ આત્મા જ છે. બાકી તો આ હવેલી વિશે આટલી વિસ્તારથી આ ગામમાં કોઈ જ તને જાણકારી ન આપી શકે." આ સાંભળી લિપ્તાની હાલત કફોડી બની ગઈ.
શું આ બધું જાણ્યા પછી લિપ્તા મહેલમાં જશે? મહેલમાં બીજા ક્યાં રહસ્યો ઉજાગર થશે? આ બધાની લિપ્તા પર શું અસર થશે? આત્મા ખરેખર લિપ્તાનું ભલું ઈચ્છતો હશે કે પછી એને ગુમરાહ કરતો હશે? એવું તો કયું કારણ હશે કે જેનાથી માત્ર લિપ્તા જ હવેલીની અંદર પ્રવેશી શકશે? આ બધા સવાલના જવાબ માટે વાંચતા રહો "હવેલી : એક રહસ્ય."