ગુમનામ ટાપુ
પ્રકરણ ૩- સમુદ્રી રાક્ષસનો સામનો
સવારે સાડા છ વાગે બધા રિસેપ્શન પર ભેગા થઇ ગયા, હોટેલની બહાર કાજલે પોલીસ જીપમાં તેમને પોર્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી દીધી હતી. કાજલ સીધી પોર્ટ પર પોહંચી જવાની હતી.
જીપ તે લોકોને પોર્ટના ટર્મિનલ ગેટ પાસે ઉતારીને જતી રહી . થોડી વારમાં કાજલ પણ ત્યાં પહોંચી ગઈ. પોર્ટની જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ કાજલે પતાવી દીધી અને સીધા બોટ પર બોર્ડ કરવાની પરવાનગી મેળવી લીધી.
એક પડછંદ કાયા ધરાવતો ટૂંકી ગરદન વાળો, કાળો ટાલિયો, હબસી જેવો લાગતો માણસ, મુખ પર પરાણે લાવી રહ્યો હોય તેવું સ્મિત કરતો તેમને લેવા આવ્યો હતો. તેની સાથે તેના બે ખલાસીઓ કે જે તેના કરતા પણ અતિશય કાળા હતા તેમણે બધા પાસેથી સામાન લઇ ટ્રોલીમાં ગોઠવી દીધો.
કાજલે શરારતી લહેજામાં દેવ સામે જોઈ પેલા હબસીની ઓળખાણ આપતા કહ્યું આ શીતલ છે.
શીતલે બધાને બે હાથ જોડી નમસ્કાર કરી સ્મિત કર્યું, તે સ્મિત કરતો હતો તો પણ કોણ જાણે તેનું મોઢું બિહામણું લાગતું હતું.
આમતો શીતલને જોઈને બધાને થોડું હસવું ગયું કારણે તેનું નામ તેના વ્યક્તિત્વ સાથે બિલકુલ મેળ નહોતું ખાતુ
પણ દેવ જરા છોભીલો પડી ગયો, તેને યાદ આવી ગયું કે ગઈ કાલે તેણે શીતલ નામ સાંભળી, તે એક છોકરી હશે તેમ ધારેલું અને “અતિસુંદર” એવું બોલેલો એટલે કાજલ શીતલની ઓળખાણ કરાવતી વખતે તેની સામે શરારત ભર્યું હસી રહી છે.
વાતો કરતા કરતા તે લોકો બોટ પાસે પહોંચી ગયા અને શીતલે બધાને હાથ પકડી બોટમાં ચડવામાં મદદ કરી.
બોટમાં બધા માટે અલાયદા રૂમ હતા અને આગળ તૂતક પર ખુરશી ટેબલ મૂકી બધા માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એકંદરે બહુ નાની પણ નહિ અને બહુ મોટી પણ નહિ તેવી સ્વચ્છ બોટ હતી.
થોડીજ વારમાં બોટ દરિયાના પાણી પર સરસરાટ કરતી લસરવા લાગી. રાજ અને દેવ તૂતક પર ગોઠવેલી આરામ ખુરશીમાં ઠંડી હવાની સાથે ચિલ્ડ બિયરની મસ્તી માણી રહ્યા હતા.
બોટમાં એક નાનું સરખું રસોઈઘર પણ હતું. બપોરે જમવામાં શીતલના સાથીઓએ ખુબજ સ્વાદિષ્ટ દરિયાઈ વાનગીઓ બનાવી બધાને જમાડયા, જેની લિજ્જત બધાએ માણી. જમીને બધા પોતાના રૂમમાં આરામ કરવા જતા રહ્યા. ફક્ત દેવ તૂતક પર આરામ ખુરશીમાં જોકા ખાતો બેઠો હતો.
સાંજના લગભગ ચાર વાગવા આવ્યા હતા, દૂર-દૂર કઈંક ટાપુ જેવું દેખાતું હતું. શીતલે દેવને જગાડી તે દિશા તરફ ઇશારાથી જોવા કહ્યું. દેવ તરતજ સજાગ થઇ ગયો તેણે તેની પોતાની સાથે લાવેલી એક લાંબી પેટી જેમાં બધા હથિયારો, ટ્રાન્ક્વિલાઈઝર અને તેની ગન હતી તે પેટી તૂતક પર મંગાવી લીધી.
રાજ અને કાજલ પણ તૅમની બંધુક લઈને તૂતક પર આવી ગયા. ત્રણેએ અલગ અલગ દિશામાં ધ્યાન રહે તેમ પોઝિશન લઇ લીધી. સાકેતે રાજને પૂછ્યું કે મારી જરૂર હોય તો કહો મને બંધુક ચલાવતા તો નથી આવડતું પણ છતાં પ્રયત્ન કરી શકું છું.
રાજે કહ્યું, ડોક્ટર તમે હમણાં આરામ કરો કઈં હશે તો અમે જોઈ લઈશું . સાકેત આરામ ખુરશીમાં બેસીને લાંબો થવા જતોજ હતો કે અચાનક ધરતીકંપ જેવો હળવો આંચકો લાગ્યો હોય એમ આખી બોટ હાલક ડોલક થઇ ગઈ. સહુ કોઈ શીતલની તરફ જોવા લાગ્યા. શીતલે એન્જીનની કેબિનમાથી ઈશારો કર્યો કે તેને કઈં ખબર ન પડી કે શું થયું. થોડી વાર રહી ફરી એવોજ આંચકો લાગ્યો આ વખતે બોટ જાણે અધ્ધર ઊંચકાઈ હોય તેવું બધાએ અનુભવ્યું. શીતલ દોડીને બહાર આવ્યો અને તેણે કહ્યું કઈં સમજાતું નથી દરિયો તો એકદમ શાંત છે, કદાચ કોઈ મોટી માછલી બોટ સાથે ટકરાઈ હોય તો કઈં કહેવાય નહીં.
દેવ તરતજ સાવધાન થઇ ગયો, અને રેલિંગ પર આગળની તરફ જુકી નીચે પાણીમાં નિરીક્ષણ કરવા લાગ્યો. તે એકદમ ધ્યાનથી ચારે તરફ નજર દોડાવી રહ્યો હતો અને અચાનક તેની આંખોમાં ચમક આવી ગઈ તેણે ટ્રાન્ક્વિલાઈઝર ગન લઇ નિશાન તાક્યું તેની બંધુક ઉપરના દૂરબીનમાંથી વિચિત્ર પ્રકારના કોઈ જીવનો માથાના ભાગ જેવું કઈં દેખાઈ રહ્યું હતું. સપાટી પર અચ્છા પાતળા દેખાતા તેના શરીર પરથી દેવે અંદાજો બાંધ્યો કે તે લગભગ દસ બાર ફુટ લાંબુ હશે.
ખટાક, અવાજ આવ્યો અને દેવની ગનમાંથી એક તિર સન્ન કરતું નીકળ્યું પણ તે જાનવર દેવની ગનમાંથી છૂટેલા તિર કરતા વધારે સ્ફૂર્તિલું નીકળ્યું. નિશાન ચૂકવવા માટે તે પ્રાણીએ રીતસરનો ઠેકડો માર્યો અને ત્યારે દેવે જોયું કે હકીકતમાં તે એક સમુદ્રી રાક્ષસ જેવુંજ કોઈ પ્રાણી હતું, દેવ જેને માથાના ભાગ સમજી રહ્યો હતો તે તેની પીઠ હતી અને તે પ્રાણીના શરીર પર અસંખ્ય આંખો હતી અને ઘેરા લીલા રંગના કાંટાળા શરીર પર ક્યાંક ક્યાંક કેમેરાની ફ્લેશ જેવા ઝબકારા પણ થતા હતા. જયારે તે કૂદ્યું ત્યારે એક અજબ પ્રકારનો વીજળીના ચમકારા જેવું કઈંક થયું. તે પછી તે જોરથી પાણીમાં પછડાયું અને અદ્રશ્ય થઇ ગયું.
બંદૂકનો અવાજ સાંભળી અને વીજળીના ચમકારા જેવું કઈં જોઈને રાજ અને કાજલ જે બોટના બીજી તરફના ભાગમાં હતા તે આ તરફ દોડી આવ્યા અને બધા દેવ તરફ જોવા લાગ્યા.
રાજે દેવને પૂછ્યું, શું થયું? કઈં હતું?
દેવે હકારમાં માથું ધુણાવતા કહ્યું કે હા, લગભગ દસેક ફૂટ લાંબુ કોઈ વિચિત્ર સમુદ્રી જીવ છે. તેના કાંટાદાર શરીર પર અસંખ્ય આંખો છે અને ખુબજ શક્તિશાળી અને અત્યંત સ્ફૂર્તિલું પ્રાણી છે. સમુદ્રી રાક્ષસ જ જોઈ લ્યો.
જે દિશામાં દેવે તે પ્રાણી જોયું હતું બધા તે તરફ થોડી વાર ફાંફા મારતા રહ્યા, ત્યાં અચાનક બોટ પાછળના ભાગેથી લગભગ આખી ઊંચી થઇ અને પછી પાણીમાં પછડાઈ. બધા ગબડી પડયા, રાજ એક હાથમાં તેની રાઇફલ અને બીજા હાથે રેલિંગનો પાઇપ પકડી ઝડપથી ઉભો થઇ ગયો અને તેણે નીચે દરિયાના પાણીમાં જોયું તો દેવે વર્ણન કર્યું હતું તેના કરતા પણ ખતરનાક પ્રાણી પાણીની સપાટી પર ઝડપથી સરકી રહ્યું હતું. ફરી તે પ્રાણીએ ઊંચો કૂદકો માર્યો જાણે તે પોતાનો અણગમો સ્પષ્ટ કરી રહ્યું હોય તેમ, આ વખતે બધા ને તે આખેઆખું સ્પષ્ટપણે દેખાયું, બધાના ચહેરા પર આ સમુદ્રી રાક્ષસને જોઈ ગભરાહટ દેખાઈ રહી હતી. રાજે મોકાનો ફાયદો ઉઠાવી પોતાનું બેલેન્સ જાળવતા રાઇફલમાંથી ધડાધડ બે ત્રણ ગોળી છોડી દીધી અને ગોળી સીધી તે પ્રાણી ના શરીર પરની આંખ પર અને ચમકતા કાંટાઓ પર લાગી, ફરી તે પ્રાણી દરિયામાં ગરકાવ થઇ ગયું.
દેવે કહ્યું આ પ્રાણી આપણી ધારણા કરતા વધારે શક્તિશાળી અને ચપળ છે, મને લાગતું નથી કે તેને રાજે મારેલી ગોળીની કોઈ અસર થઇ હોય.
લગભગ ત્રણ ચાર કલાક આમને આમ તે પ્રાણી સાથે ઘમાસાણ ચાલતું રહ્યું, તે દરમ્યાન તેને કેટલીય ગોળીઓ વાગી, દેવના સૌથી શક્તિશાળી ટ્રાન્ક્વિલાઈઝર વાળા તિર પણ વાગ્યા પણ તેની ઉપર કોઈ અસરજ નહોતી થતી, જાણે તેનું શરીર કોઈ ધાતુનું બનેલું હતું.
આ બધી ધમાચકડીમાં રાત ક્યારે પડી ગઈ તેનો કોઈને ખ્યાલજ ન રહ્યો.
શીતલે કહ્યું કે હકીકતમાં આપણે સાંજના પાંચ વાગ્યાના જ્યાં છીએ ત્યાં જ છીએ કારણ આ પ્રાણી આપણને એક હદથી આગળ જવાજ નથી દેતું, આપણે જેવા આગળ વધીએ છે કે તે આપણને પાછા ધકેલી દે છે અથવા પોતાનો પીછો કરાવડાવી આપણને ફરી પાછા ઉલ્ટી દિશામાં દૂર સુધી લઇ જાય છે.
હવે રાત પડી ગઈ છે ને છેલ્લી દસેક મિનિટથી તેણે આપણા પર એક પણ હુમલો નથી કર્યો એટલે કે આપણે તેની સીમા રેખાથી દૂર છીએ. મારો સુજાવ છે કે આપણે તે દિશા તરફ હવે સવારેજ જવું જોઈએ. બધા શીતલની વાત સાથે સહમત થયા કારણ એમ પણ અંધારામાં તે પ્રાણી સાથે પંગો લેવામાં જોખમ વધારે હતું.
વહેલી સાવરે સૂર્યના પ્રાથમ કિરણોની સાથે, રાજની આંખ ખુલી ગઈ. તે સફાળો ઉભો થયો અને તૂતક પર પહોંચી ગયો, તેણે શીતલને જગાડીને બોટ ટાપુ તરફ હંકારવા કહ્યું. તે દરમિયાન, દેવ, સાકેત અને કાજલ પણ જાગી ગયા. સહુ કોઈએ સાવધાન થઇ પોતપોતાની પોઝિશન લઇ લીધી.
ડો સાકેતકે જેમણે હજી સુધી તે પ્રાણીને નજીકથી જોયું ન હતું તે તૂતક પર રેલિંગ પકડીને ઉભા હતા. બોટ ધીરે ધીરે ગતિ પકડવા લાગી અને ટાપુની દિશામાં આગળ વધવા માંડી.
હજીતો થોડું અંતર કાપ્યું અને ફરી એક જોરદાર આંચકા સાથે બોટ લગભગ ઉછળી આ વખતેનો આંચકો વધુ તીવ્ર હતો જો શીતલે સમયસર પોતાની કુનેહ વાપરી બોટ સંભાળી ન હોત, તો કદાચ બોટને ઘણું મોટું નુકશાન થઇ જાત. થોડીજ વાર પછી પેલા પ્રાણીએ બોટથી થોડા અંતરે એક ઊંચી છલાંગ લગાવી. આ વખતે તેની આંખોમાંથી કોઈક પ્રકારના કિરણો છોડ્યા જે બોટ સાથે ટકરાતા બધા એ વીજળીનો ઝટકો લાગ્યો હોય તેવો અનુભવ કર્યો. એવું લાગતું હતું જાણે તે પ્રાણી તેમને પોતાની શક્તિનો એક નમૂનો દેખાડી ચેતવણી આપી રહ્યું હતું.
આ બધી ઘટના ઘટી ત્યારે પ્રથમ વખત સાકેતે તે પ્રાણીને ખાસ્સું નજીકથી જોયું. તે પ્રાણીએ છલાંગ મારી ત્યારે જે રીતે એક વીજળીનો ચમકારા જેવું થયું અને પછી તેની આંખોમાંથી કિરણો નીકળ્યા, વીજળીનો ઝટકો લાગવો. તે બધા પરથી સાકેતના મગજમાં ઝબકારો થયો અને બંદૂકની ગોળીઓના અવાજ વચ્ચે તે જોરથી ચિલાવ્યો સ્ટોપ ઈટ અને બોટ પછી લો.
બધું એકદમ શાંત પડી ગયું. દેવે કહ્યું ડૉક્ટર તમને કહ્યું હતું ને કે આ તમારું કામ નથી તમે આરામ કરો.
સાકેતે કહ્યું મારો વિશ્વાસ કરો થોડી વાર માટે બોટ પાછી વાળી લો, અને મારી વાત સાંભળો, તમે જેની સાથે બથોડા લઇ રહ્યા છે તે કોઈ સમુદ્રી રાક્ષસ કે દરિયાઈ જીવ નથી.
સાકેતના આ કથનથી સહુ કોઈ વધુ અચંબિત થયા. દેવને લાગ્યું સાકેત તે પ્રાણીને નજીક્થી જોઈને ગભરાઈ ગયો છે ને બઘવાટમાં ગમે તે બોલી રહ્યો છે.
કાજલે રાજને કહ્યું સાકેત કઈં કહી રહ્યો છે તો તેની પાછળ કદાચ કોઈ તથ્ય હશે, આમ પણ આપણે ગઈ કાલના માથાફોડી રહ્યા છીએ, આટલી બધી ગોળીઓ, ટ્રાન્ક્વિલાઈઝર વાગવા છત્તા આપણે તે પ્રાણીનું કઈં બગાડી નથી શક્યા તો ડોક્ટરની વાત સાંભળવામાં નુકશાન શું છે.
રાજે શીતલને બોટ પાછી વાળવા કહ્યુ. બોટ ધીરે ધીરે ટાપુથી ઉલ્ટી દિશા તરફ જવા લાગી.
સાકેતે પોતાની સાથે લાવેલા સામાનમાંથી એક મોટી ચામડાના કવર વાળી પેટી મંગાવી.
બોટ હવે થોડી દૂર આવી ગઈ હતી પેલા પ્રાણીના હુમલા બંધ થઇ ગયા હતા. સાકેતે બધાને ભેગા કર્યા અને કહ્યું, આપણે જેને દરિયાઈ જીવ માનીને બંદૂકની ગોળીઓ મારી રહ્યા છીએ તે કોઈ પ્રાણી કે જીવ નથી, એ તો એક રિમોટથી સંચાલિત રોબાટિક મશીન છે, જેને એક ડરાવનો આકાર અન રંગરૂપ આપવામાં આવ્યા છે. સબમરીન માટે વપરાતા ધાતુથી તેની રચના કરવામાં આવી હોય તેવું લાગે છે, જેના કારણે કદાચ તેના પર આપણે કરેલા એક પણ પ્રહારની અસર નથી થતી.
રાજને સાકેતની વાતમાં દમ હોય તેવું લાગ્યું પણ સાથે સાથે તેણે શંકા પણ વ્યક્ત કરી કે તે આટલા આત્મવિશ્વાસથી આમ કઇ રીતે કહી રહ્યો છે.
સાકેતે કહ્યું જયારે તે પ્રાણી છલાંગ મારે છે ત્યારે કઈંક વીજળીના ચમકારા જેવુ થાય છે, હકીકતમાં તે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ છે જે તેને રિમોટથી સંચાલિત કરનાર વ્યક્તિ ચાલુ કરે છે અને તે બળના આધારે તે હવામાં ઊંચે ઉછળીને નીચે પટકાય છે, વળી તેની લંબાઈ લગભગ દસ ફૂટની હોવા છતા જ્યારે તે છલાંગ લગાવે છે ત્યારે તેનુ શરીર સીધું અને અક્કડ રહે છે. જો તે કોઈ જીવતું જાગતું પ્રાણી હોય તો આટલી લંબાઈ વાળા શરીરમાં ક્યાંક તો લચક દેખાય. આટલું ભારે અને લાંબુ શરીર ટટ્ટાર રાખવું અશક્ય છે.
બધાને સાકેતની વાતમાં લોજીક લાગ્યું.
સાકેતે આગળ ચલાવ્યું, તેના શરીર પરની અસંખ્ય આંખો હકીકતમાં તો સેન્સર અને કેમેરા છે જેના કારણે જેવા આપણે તેની રેન્જમાં આવીએ છે કે તે આપણા પર હુમલા ચાલુ કરી દે છે. હકીકતમાંતો તો તે હુમલા તેનુ સંચાલન જ્યાંથી થઈ રહ્યુ છે ત્યાં સિગ્નલ્સ જતા હોવાથી આપણને કેમેરા થકી જોઈને કરવામાં આવે છે.
સાકેતની તાર્કિક દલીલો સાંભળી લગભગ બધા તેની વાત સાથે સહમત થઇ ગયા ને પછી રાજે પૂછ્યું, તો ડોક્ટર એનો મતલબ એ કે તેના પર કાબુ મેળવવો કે તેને ખતમ કરવું અસંભવ છે.
તે સમુદ્રી રાક્ષસ જેવું પ્રાણી કોઈ જીવ નહિ પણ એક મશીન છે તેમ ખબર પડતા દેવ થોડો વિચલિત થઇ ગયો તેણે કહ્યું તો પછી તો મને લાગે છે આપણે સમુદ્રી માર્ગની બદલે હવાઈ માર્ગે ત્યાં પહોંચવાની જરૂર હતી.
રાજે કહ્યું કમ ઓન દેવ, જે લોકો દરિયાના પાણીમાં વિજ્ઞાનની મદદથી આટલું મોટું અને શતિશાળી રાક્ષસી જાનવર બનાવી શકતા હોય અને અવકાશના ઉપગ્રહોને નકામા કરી શકતા હોય તેમણે હવાઈ માર્ગ વિષે નહિ વિચાર્યું હોય ત્યાં તેમણે એવી પણ વ્યવસ્થા કરી હોય કે આપણે કદાચ હેલીકોપટર કે પ્લેનમાંજ ભડથું થઇ જઈએ.
કાજલે સાકેતના મોટા લેધર બોક્સ તરફ ઈશારો કરતા પૂછ્યું ડોક્ટર તમારી આ જાદુઈ પેટીમાં આ સમસ્યાનું કોઈ સમાધાન નથી?
સાકેતે કહ્યું સમાધાન તો છે, તે સમુદ્રી રાક્ષસને નિષ્ક્રિય કરવા માટે તેના બધા સેન્સરો બંધ કરવા પડે, જો આપણે તેમાં સફળ થઇ જઈ તો પછી તે પ્રાણી સાવ નકામું થઇ જશે અને આપણે આસાનીથી ટાપુ પર પહોંચી જઈશું.
દેવ થોડો અકળાયો, તો પછી રાહ કોની જોવો છો યાર તમે.
સાકેતે કહ્યું, મારી પાસે એક રિમોટ એક્સપ્લોઝિવ કેપ્સુલ છે જે તેની કોઈ પણ આંખ પર બરાબર નિશાન લગાવી ચોંટાડી દેવી પડે જેનાથી અમુક ક્ષણો માજ તેના સેન્સરોની આખી સર્કિટમાં નાના નાના વિસ્ફોટ થશે અને તે નિષ્ક્રિય થઇ જશે પછી તેને રિમોટથી સંચાલિત કરનારને કોઈ સિગ્નલ નહિ મળે પણ મારી પાસે આ કેપ્સુલ એકજ છે જો આપણે નિશાન લગાવામાં ચૂક કરી તો તેનું પરિણામ વિપરીત આવી શકે છે કારણ જે વ્યક્તિ તેને દૂરથી સંચાલિત કરી રહ્યો છે તેને જાણ થઇ જશે કે આપણે કોઈ ટુરિસ્ટ કે માછીમાર નથી અને આપણે રિમોટ એક્સપ્લોઝિવનો ઉપયોગ કર્યો છે, જેથી તે આપણા પર વધુ ઘાતક હુમલા કરી શકે છે.
રાજે કહ્યું ડોક્ટર આપણે જે મિશન પર છીએ તેમાં આવા ગણતરી પૂર્વકના જોખમો તો લેવાજ પડશે
બોટ પાછી ટાપુ તરફ જવા લાગી સાકેતે તેની પાસે રહેલી કેપ્સુલ રાજને આપી, રાજે દેવ સામે જોયું, દેવ રાજનો ઈશારો સમજી ગયો હોય તેમ તેણે તેનું ટ્રાન્ક્વિલાઈઝર માટેનું તિર કાઢ્યું અને તેની અણી પર કેપ્સુલ ચોંટાડી તિર ગનમાં લોડ કરી દીધું.
બોટ તેજ ગતિથી ટાપુ તરફ આગળ વધવા માંડી. અચાનક વીજળીના કરંટ જેવા એક હળવા આંચકાથી બોટ હલી ગઈ, રાજે દેવને ઈશારો કર્યો કે પેલું પ્રાણી આસપાસ ક્યાંક છે. બોટ આગળ વધી રહી હતી અને દેવની બાજ નજરે બોટની નજીક સપાટી પર પેલા સમુદ્રી રાક્ષસની કાયા તરતી જોઈ, સન્ન કરતુ તિર નીકળ્યું પહેલાની જેમ પેલા પ્રાણીએ દેવના તિર કરતા વધુ સ્ફ્રુતિ દેખાડી પાણીમાંથી કૂદકો માર્યો પણ આ વખતે દેવ તેની કરતા વધુ ચપળ નીકળ્યો તેણે તરતજ બીજું તિર છોડ્યું જે સીધું તેની એક આંખમાં ખુંપી ગયું. હકીકતમાં દેવ ને પહેલાના અનુભવો પરથી ખ્યાલ આવી ગયો હતો કે જેવું તિર પોતાની તરફ આવતું દેખાય કે તે પ્રાણી કૂદકો મારે છે ને એટલેજ દેવે ગનમાં બે તિર લોડ કર્યા હતા. કેપ્સુલ વાળું તિર બીજું હતું.
થોડી વાર થઇ અને પછી તે દેખાતું બંધ થઇ ગયું જાણે સમુદ્રના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયું.
બોટ આગળ ચાલતી રહી પણ પેલા સમુદ્રી રાક્ષસનો કોઈ અણસાર નહિ દેખાતા બધાએ રાહતનો શ્વાસ લીધો.
જ્યારે ખાસ્સી વાર સુધી તેની કોઈ હિલચાલ ન દેખાઈ તો બધાને ખાતરી થઇ ગઈ કે તેઓ તેને નિષ્ક્રિય કરવામાં સફળ રહ્યા છે.
બધાએ ડોક્ટર સાકેતને અભિનંદન આપ્યા. દેવે સાકેતની સાથે હાથ મિલાવતા કહ્યું વેલ ડન ડોક્ટર એન્ડ થેન્ક યુ.
સાકેતે હસતા હસતા બધાનું અભિવાદન સ્વીકાર્યું અને પોતાનો સામાન સમેટવા લાગ્યો.
રાજ પણ ખુબજ ખુશ દેખાતો હતો કારણ આ તેની ટિમ દ્વારા મિશનની પ્રથમ નોંધપાત્ર સફળતા હતી.
******