Mother Express - 3 in Gujarati Adventure Stories by Kamlesh K Joshi books and stories PDF | મધર એક્સપ્રેસ - 3

Featured Books
Categories
Share

મધર એક્સપ્રેસ - 3

મધર એક્સપ્રેસ

પ્રકરણ ૩

નીતિનની મા ત્રુટક-ત્રુટક બોલતી હતી. “અમારા નીતિનનો જન્મ ટ્રેનમાં જ થયેલો. તમે નહિ માનો.. મને પૂરા દિવસો હતા, ત્યારે અમે ટ્રેનમાં બેસી મારે માવતરે જઈ રહ્યા હતા. હું અને નીતિનના બાપુ. ચોમાસાના એ દિવસોમાં બેફામ વરસાદ વરસતો હતો. અહીંના અમારા ઝૂંપડામાં પાણી ભરાઈ ગયા હતા. મારા માવતરે વાંકાનેરમાં પાકું મકાન હતું. પણ રાજકોટ વટ્યા અને અર્ધી કલાકમાં ટ્રેન પાટા પર જ થંભી ગઈ. ચારે બાજુ પાણી પાણી.. મને ત્યારે જ દુઃખાવો ઉપડ્યો. મુસાફર બાયું ભેગી થઈ અને.. માંડ-માંડ બધું પાર પાડ્યું... રેલ્વેવાળાઓએ બિચારાએ બહુ માનવતા દેખાડી. હું તો નીતિનને મારો દીકરો નહીં. ટ્રેનનો જ દીકરો માનું છું. નીતિન પણ ટ્રેનને પોતાની મા માનતો.” આંસુભરી આંખે, ગરીબ મા, પુત્રના જીવન પર એકવાર આંટો મારી રહી હતી. આસપાસ બેઠેલા આડોશી-પાડોશીઓ માની મમતાને વહેવા દેતા હતા. રત્ના અને સુનિતા પણ સફેદ ડ્રેસ પહેરી, ત્યાં બેઠા હતા. સુનિતાને યાદ આવ્યું. નીતિન ઘણીવાર કહેતો. “આ ટ્રેન છે ને સુની.. એ મારી મા છે મા”

લગભગ બેક મહિના પહેલા નીતિન એક દિવસ ખુશખુશાલ થતો પોતાની પાસે આવ્યો હતો. “સુની.. આજ તને ગીગાભાઈની ભેલપૂરી ખવડાવીશ.” પોતે પૂછ્યું. “કેમ?” તો કહે “મારી મા છે ને, પેલી ટ્રેન.. એનું જબ્બરદસ્ત રિનોવેશનનું કામ ચાલે છે. થોડા દિવસો પછી એ એકદમ નવીનક્કોર બની જવાની છે. નવી સીટો, રંગરોગાન, કેટલાયે સ્પેરપાર્ટ બદલી જવાના. એન્જીનો બદલી જવાના, મશીનરી બદલી જવાની. દરેક મા જેમાં મફત મુસાફરી કરી શકે એવી ‘મધર એક્સપ્રેસ’ બની જવાની છે એ. મારા એક રેલ્વે ફ્રેન્ડે મને આ વાત કરી. એના માનમાં આજ તને પાર્ટી..”

નીતિનના બર્થ ડે પર સુનિતાએ નીતિનને એક પેનડ્રાઈવ ગીફ્ટ આપી હતી. ફોટોગ્રાફીના શોખીન નીતિને એક નાનો સાદો કેમેરા ખરીદ્યો હતો. એનું મેમરી કાર્ડ તો નાનું હતું. એટલે જ સુનિતાએ આ પેનડ્રાઈવ ગીફ્ટ આપી જેથી એ વધુ ફોટા પાડી વધુ ડેટા સ્ટોર કરી શકે. એ દિવસોમાં નીતિન થોડો ઉદાસ અને ચિંતામગ્ન રહેતો હતો, પણ સુનિતાને મળી એ ફરી આનંદમાં આવી જતો.

“મારો નીતિન..” ફરી નીતિનની માના ડૂસકાં સાંભળી સુનિતા વર્તમાનમાં પટકાઈ. “અમે ગરીબ માણસો, નીતિન નાનપણથી જ ભણવાની સાથે-સાથે, પેલી એની મા સમી ટ્રેનમાં બપોર પછી ચણા-મસાલા વેચવા જતો. ટ્રેન સાથે એને ભારે નિસ્બત. એમાંય પેલી, એની માવડી માટે તો એને ખૂબ મમત.” સૌ સાંભળી રહ્યા હતા. “જુઓ એણે મારા અને એના બાપુના ફોટા વચ્ચે એની માવડી ટ્રેનનો ફોટો રાખ્યો છે.” સૌએ એ દિશામાં જોયું. દિવાલ પર પતિ-પત્નીના ફોટા વચ્ચે ટ્રેનના એન્જીનનો અને નીતિનનો ફોટો લટકતો હતો. “ને બિચારો એમાં જ ચગદાઈ મર્યો.” માં પોક મૂકી રડતી રહી, સગા-વ્હાલાઓ તેને આશ્વાસન આપતા રહ્યા.

સુનિતાને નીતિન સાથેની પંદરેક દિવસ પહેલાની મુલાકાત યાદ આવી. તે દિવસે નીતિન થોડો વધુ ચિંતિત હતો. “સુની.. કંઈ ક્લીયર નથી થઇ રહ્યું. કશુંક રંધાઈ રહ્યું છે. કૈંક ખતરનાક થવા જઈ રહ્યું છે.” સુનિતાએ ખૂબ કોશિશ કરી નીતિનને સમજવાની, પણ નીતિન પોતે જ હજુ અસ્પષ્ટ હતો. “શું ઘરમાં કંઈ તકલીફ છે? કોઈ સાથે કંઈ માથાકૂટ થઇ?” એણે પૂછ્યું, પણ નીતિન કૈંક સમજાવવા મથતો હતો અને સમજાવી નહોતો શકતો. સુનિતા એટલું જરૂર સમજી ગઈ કે નીતિન કોઈ મુસીબતમાં ફસાયો હતો. ગરીબીમાંથી બહાર નીકળવા નીતિન સખત મહેનત કરતો. એકવાર જામનગરના જોગર્સ પાર્કમાં આવેલા આલિશાન બંગલા સામે આંગળી ચીંધી નીતિને કહ્યું હતું. “સુની.. જોજે.. એક દિવસ આનાથીય મોટો આપણો બંગલો હશે.” ત્યારે સુનિતાએ નીતિનને ખાસ ટપાર્યો હતો. “જોજે નીતિન, પૈસા કમાવાની ઘેલછામાં ક્યાંક કોઈ ખોટું કામ ન કરી બેસતો.”

બરાબર એ જ સમયે સુનિતાનો મોબાઈલ રણક્યો અને એ વર્તમાનમાં પટકાઈ. સામે હજુ નીતિનની મા રડમસ ચહેરે નીતિનની દર્દભરી દાસ્તાન સંભળાવી રહી હતી. મોબાઈલ લઇ સુનિતા ઝડપથી ફળિયામાં જતી રહી. સામા છેડેથી બોલાતા એકેક વાક્યે એને પગથી માથા સુધી કંપાવી મૂકી. લગભગ દસેક મિનીટ ચાલેલા આ ફોન બાદ એ જયારે ફરી કમરા તરફ આગળ વધી ત્યારે એનું કાળજું કંપતું હતું. સામે જ નીતિનનો ફોટો હતો. હવે આડોશી-પાડોશી જવા ઉભા થયા હતા. નીતિનની માની આંખમાં હજુ આંસુ હતા.

બધા જતા રહ્યા પછી “હવે.. આજ સાંજે ઉઠમણું છે એની તૈયારી થઇ ગઈ?” નીતિનના ફૈબાએ પૃચ્છા કરી. એટલે રડમસ અવાજે નીતિનની માએ કહ્યું “હા, એ બધું નાતની વાડીએ જ થઇ જશે. નીતિનના ભાઈબંધને એની તૈયારી સોંપી દીધી છે.” કહી માજીથી ફરી ડૂસકું મુકાઈ ગયું. અને સુનિતા માજીને ખેંચીને અંદરના ઓરડામાં લઈ ગઈ.

=== = ===