Pre Menstrual Syndrome in Gujarati Women Focused by Dr Kinjal Shah books and stories PDF | માસિક સમયે ઉદભવતી સમસ્યાઓ

Featured Books
Categories
Share

માસિક સમયે ઉદભવતી સમસ્યાઓ

માસિક સ્ત્રાવ પહેલા સ્ત્રીઓમાં કેટલાક શારીરિક અને માનસિક ફેરફારો થાય છે જે ઘણીવાર તેમને પરેશાન કરનારા હોય છે. જે ભેગા થઈને પીએમએસ એટલે કે પ્રિ-મેનસ્ટરુઅલ સિંડ્રોમ તરીકે ઓળખાય છે.
આ લક્ષણો ઓવ્યુંલેશન પછી શરૂ થાય છે અને માસિક સ્ત્રાવ શરૂ થતા જ બંધ થઈ જાય છે. ઓવ્યુંલેશનને સરળ શબ્દોમાં સમજીએ તો સ્ત્રીના અંડપિંડમાંથી ઈંડું છૂટું પડવાની ઘટના. આ પ્રક્રિયા માસિકના લગભગ ચૌદમાં દિવસે થતી હોય છે.
ઓવ્યુંલેશન પછી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ નું પ્રમાણ ઘટે છે અને માસિક શરૂ થતા જ તેમનું પ્રમાણ વધવા માંડે છે.

સામાન્ય રીતે એવી સ્ત્રીઓ કે જેમાં ચિંતાનું પ્રમાણ વધારે હોય અથવા જેમને ડિપ્રેશનની ફેમિલી હિસ્ટ્રી હોય અથવા તો જેમણે ડીલીવરી પછી જોવા મળતું ડિપ્રેશન (પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન) અનુભવ કરેલું હોય એમનામાં પીએમએસ વધારે જોવા મળે છે.


પીએમએસ નાં સામાન્ય લક્ષણો નીચે મુજબ છે.
•સ્તન માં દુખાવો થવો
•કબજીયાત અથવા ઝાડા થઇ જવા
•પેટ ફુલી જવું
•પેટમાં દુખાવો થવો
•માથામાં દુખવું
•કમરમાં અથવા શરીરમાં દુખાવો થવો
•સ્વભાવ ચીડિયો થઈ જવો
•થાક લાગવો.
•અપૂરતી ઊંઘ.
•વધુ પડતી ભૂખ લાગવી અથવા ખાવાની ઈચ્છા ન થવી
•હતાશા, તાણ, ચિંતા અનુભવવી

પીએમએસ થયું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય.?
પીએમએસ થયું છે કે નહીં તે કોઈ લેબોરેટરીમાં ચકાસણી દ્વારા જાણી શકાય નહીં પરંતુ ઉપર દર્શાવેલા લક્ષણો જો ત્રણથી ચાર માસિક ચક્ર સુધી દેખાય અને માસિક શરૂ થતાં જ તે લક્ષણો દેખાતા બંધ થઈ જાય તથા જો તે તમારે રોજીંદી ક્રિયાઓમાં અડચણ ઉભી કરવા લાગી તો તમને પીએમએસ થયું છે તેવું માની શકાય.



પીએમએસ ને કેવી રીતે ઓછું કરી શકાય?

નિયમિત કસરત/યોગ:
પોતાની દિનચર્યામાં વ્યાયામ અથવા યોગનો ઉમેરો કરવા જેથી માનસિક શાંતિનો અનુભવ કરી શકાય. જે તમને અનુભવાતી હતાશા, ચિંતા, ચીડીયાપણ, મૂડમાં આવતા પરિવર્તન વગેરે દૂર કરવામાં મદદ કરે છે.

યોગ્ય નિંદ્રા:
આખો દિવસ તાજગીનો અનુભવ કરવા માટે ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે

સમતોલ આહાર:
તમારા નિયમિત ભોજનમાં લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ તથા ફળોનો સમાવેશ કરો. જંક ફૂડ તથા બેકરીની વસ્તુઓ ટાળો. આમ કરવાથી કબજીયાત ઝાડા એસિડિટી પેટમાં ચાંદા ઊલટી-ઊબકા વગેરેથી રાહત મેળવી શકાય છે





હવે જાણીએ કે ,
પી.એમ.એસ. દરમિયાન કેવો ખોરાક લઈ શકાય ?

સૌ પ્રથમ વાત કરીએ તો બને તેટલું પ્રવાહીનું વધુ માત્રામાં સેવન કરવું. ક્યારેક પેટમાં અનુભવાતા ભારેપા ના લીધે પાણી અથવા પ્રવાહી ઓછા લેવાની ઇચ્છા થાય તો પણ વધારે પ્રમાણમાં પાણી પીવાનું રાખો જેના લીધે શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવી શકાશે. પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે ફળોનો રસ, ટમેટા, લીલા શાકભાજી તથા એવા કોઈ પણ ફળ કે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય તે લઈ શકાય.

તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળોનો ઉમેરો કરો. માસિક સ્ત્રાવ દરમિયાન શરીરમાં લોહતત્વનું પ્રમાણ ઘટી જાય છે. લીલા શાકભાજી,કેળા,અનાનસ, કીવી તથા અન્ય ફળો માં લોહતત્વ અને વિટામીન બી-૬ પૂરતા પ્રમાણમાં હોવાથી શરીરમાં તેમની માત્રા જાળવી રાખે છે તથા પેટનો ભારે પણું દૂર કરવામાં પણ મદદ કરે છે.
આ ઉપરાંત આહારમાં વિટામિન,ખનિજતત્વ, કેલ્શિયમ વગેરેનો પણ ઉમેરો કરવો જોઈએ. જેનાથી શરીરનો દુખાવો, પેટનો દુખાવો અથવા સ્નાયુ થતો દુખાવો વગેરેમાં રાહત મેળવી શકાય છે.


આદુ તથા આમળાંને પ્રવાહી સ્વરૂપે અથવા પાઉડર સ્વરૂપે લેવાથી ઉબકા-ઉલટી ચીડિયાપણું વગેરેમાં રાહત મેળવી શકાય છે.

માસિક સ્ત્રાવ ના લક્ષણો દૂર કરવા માટે ચોકલેટમાં ખાસ કરીને ડાર્ક ચોકલેટ પસંદ કરવી.તેને હોટ ચોકલેટ સ્વરૂપે પણ લઈ શકાય તેમાં રહેલા મેગ્નેશિયમ તથા અન્ય તત્વો તમને માથાનો અને પેટનો દુખાવો દૂર કરવામાં મદદ કરી શકે છે.

જમવામાં મીઠાનો ઓછો ઉપયોગ કરવાનો હોવાથી માખણના વિકલ્પ તરીકે પીનટ બટર નો ઉપયોગ કરી શકાય છે જે મેગ્નેશિયમ નો સારો સ્ત્રોત છે.





પી.એમ.એસ. દરમિયાન કયા ખોરાક ટાળવો જોઇએ?
મીઠું: મીઠાના વધારે પડતા ઉપયોગથી પેટમાં પાણીનો ભરાવો થાય છે અને તે ફુલેલું રહે છે આથી પી.એમ.એસ. દરમિયાન આહારમાં મીઠાનો વધારે પડતો ઉપયોગ ટાળવો જોઈએ.

ખાંડ: ક્યારેક અચાનક ગળ્યુ ખાવાની ઈચ્છા થતી હોવાથી ખાંડનો ઉપયોગ તાત્કાલિક ઉર્જાનો અનુભવ તો કરાવે છે પરંતુ તેની સાથે જ અચાનક થી ઊર્જા ઓછી થતા થાક પણ લાગશે તથા ચીડિયાપણું, ચિંતા,હતાશા વગેરે પણ અનુભવાશે.

કેફી દ્રવ્ય: કોફી જેવા કેફીન ધરાવતાં પીણાં પીવાનું ટાળો પરંતુ શરીર ની આદત પ્રમાણે રોજની એક કે બે કપ કોફી પી શકાય.

મસાલેદાર તથા તળેલો ખોરાક: આવા ખોરાક તમારા પેટને હાનિ પહોંચાડે છે જેના કારણે એસિડિટી કબજિયાત પેટમાં દુખાવો સોજો અથવા ક્યારેક પેટમાં ચાંદા પણ પડી શકે છે.

જો પી.એમ.એસ ની સમસ્યા વધારે પડતી ગંભીર થાય તો
ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લઇને તેમની સલાહ લેવી જરૂરી છે.
કોઈ પણ ગાયનેક સમસ્યા ને લગતા આર્ટિકલ માટે અને ટેલિ કાઉન્સિલીંગ માટે તમે Instagram પર gynaec_facts પેજ ને ફોલો કરી શકો છો. આર્ટિકલ ની લીંક પણ ત્યાં આપેલ છે.
તમને ગમતાં વિષય પણ આર્ટિકલ માટે જણાવી શકો છો.