#Covid 19# in Gujarati Human Science by NituNita નિતા પટેલ books and stories PDF | ચાલો સુક્ષ્મજીવોની દુનિયામાં ડોકિયું કરીએ..#કોરોના#

Featured Books
  • ऋषि की शक्ति

    ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा...

  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

Categories
Share

ચાલો સુક્ષ્મજીવોની દુનિયામાં ડોકિયું કરીએ..#કોરોના#


ચાલો સુક્ષ્મજીવોની દુનિયામાં ડોકિયું કરીએ..
હાલના સંજોગોમાં જ્યારે દુનિયા આખી કોરોના વાયરસની મહામારી/પેન્ડેમીકની ઝપેટમાં આવી ગઈ છે અને રોજેરોજ મૃત્યુના આંકડા વધતાં જ જાય છે ત્યારે એક બુદ્ધિશાળી જીવ એટલે કે આપણે, માનવોએ શું ભૂલો કરી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને અથવા તો ઓછા મૃત્યુ થાય એ માટે વિચારવું જ રહયું. શું માનવો, સૌથી તાકાતવર અને સૌથી બુદ્ધિશાળી જીવ છે ? આ પ્રશ્નનો જવાબ આપવાનો સમય પણ આવી ગયો છે.
હાલની મહામારી લાવનાર કોરોના વાયરસ, "કોવીડ ૧૯" અથવા "નોવેલ કોરોના" વાયરસ એક સુક્ષ્મ જીવ છે. અત્યારે ગામડે ગામડે શહેરે શહેરે આ નામ કોઇના માટે અજાણ્યું નહિ હોય! આ પહેલા આવા વાયરસ કે બેક્ટેરિયા જેવા સુક્ષ્મ જીવો વિશે વૈજ્ઞાનિકો, બાયોલોજીસ્ટ અને સાયન્સના વિદ્યાર્થીઓ સિવાય કોઈએ જાણવાની તસ્દી લીધી નહિ હોય ! અહી તો જીવતાં માણસોનો કોઈ ભાવ પૂછતું નથી તો આ તો અદ્રશ્ય સુક્ષ્મ જીવ! અમુક લોકોને તો એ પણ ખબર નહી હોય કે આવા જીવો કુદરતે બનાવ્યા છે. માણસ ખુબ મતલબી જીવ છે. ફાયદો દેખાય ત્યાં જ ચાંચ ડુબાડે! તો મિત્રો અત્યારે જેના ત્રાસ અને કહેરના કારણે હું, તમે અને દુનિયા આખી પોતપોતાના ઘરો, બંગલાઓમાં કેદ છીએ એના વિષે કે આવા બીજા સુક્ષ્મ જીવો વિષે જાણવાની ઇન્તેજારી અવશ્ય થતી હશે. હાલ ચોવીસ કલાક અને રાતદિવસ દરેકના મગજમા એક જ નામ ગુંજી રહયું છે “કોરોના.” આ વાયરસની સાઈઝ ૧૨૫ નેનો મીટર છે. (એક નેનો = મીટરનો એક અબજમો ભાગ!!)
વાયરસ અને બેક્ટેરિય સુક્ષ્મ જીવોના જ પ્રકાર છે. આપણને જાણીને નવાઈ લાગશે કે આપણે બેક્ટેરીયાથી સંતાઈ નથી શકતા કારણ કે આપણે માનવામાં ન આવે એટલી સંખ્યામાં તેઓ આપણી અંદર અને આજુબાજુ પોતાની દુનિયા વસાવીને બેઠા છે. જો તમે તંદુરસ્ત હોવ, એવરેજ સારી ચોખ્ખાઈ રાખતાં હોવ ત્યારે પણ તમારી ચામડી પર અંદાજે એક ટ્રીલીયન બેક્ટેરિયા ચરતા હશે!! (ટ્રીલીઅન = એક હજાર અબજ) તમે રોજ દશ બિલિયન (એક બિલિયન = એક અબજ) ચામડીના સુક્ષ્મ અવશેષો ઉતારો છો, મિનરલ્સ અને તૈલી પદાર્થો બહાર કાઢો છો. તેની આ બેક્ટેરિયા મિજબાની ઉડાવે છે. આતો ફક્ત ચામડી ઉપરનાની વાત કરી એ સિવાય બીજા ટ્રીલીયન તો તમારી અંદર હોય છે, પાચનતંત્રમાં, નાકની અંદર, વાળમાં વગેરે અનેક અવયવોમાં સો ટ્રીલીયનથી વધારે બેક્ટેરિયા અને સુક્ષ્મજીવો હોય છે. દરેક માનવ શરીરમાં અંદાજે દશ ક્વોડ્રીલીયન કોષો હોય છે અને તેમાં અંદાજે સો ક્વોડ્રીલીયન બેક્ટેરિયા સેલ્સ હોય છે. એમની સંખ્યા સામે માનવીની દરિયામાં ખસખસ જેટલી વસ્તી કહેવાય!
બેક્ટેરિયા અને વાયરસ કદાચ શહેરો નહિ વસાવે કે તેમની સામાજિક જિંદગી રસપ્રદ નહિ હોય, પરંતુ એમનું અસ્તિત્વ ત્યાં સુધી રહેશે જયાં સુધી સૂર્યનો ફાયનલ બ્લાસ્ટ નહી થાય. પૃથ્વી તેમનો ગ્રહ છે અને આપણે અહી ત્યાં સુધી જ રહી શકીશું જ્યાં સુધી તે આપણને રહેવા દેશે!! અહીં આપણું અસ્તિત્વ પણ નહોતું તે પહેલાંના અબજો વર્ષોથી આ સુક્ષ્મ જીવો અહી જીવી રહ્યા છે! પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, એમની મદદ વિના આપણે એક દિવસ પણ જીવી શકીએ એમ નથી!. શરીરની અંદર અને દુનિયામાં બહાર તેઓ કચરાને પ્રોસેસ કરે છે. જેનો ફરીથી ઉપયોગ થાય છે. એમના આ મહત્વના કાર્ય સિવાય દુનિયામાં કોઈપણ વસ્તુ સડે નહિ! જો એમ ન થાય તો પૃથ્વી ઉપર લાશોના અને ગંદકીના ઢગલાં જ હોય, માનવો તરીકે આપણે પણ જન્મી શક્યા ન હોત. તેઓ પાણી ફિલ્ટર કરે છે, જમીનને ફળદ્રુપ કરે છે. પાચનતંત્રમા વિટામીન પ્રોસેસ કરે છે. જે કઈ આહાર લઈએ છીએ તેનું સુગર અને પોલીસેકેરાઇડમાં રૂપાંતર કરે છે. બીજા કોઈ અજાણ્યા બેક્ટેરિયા આવે તો તેના ઉપર હુમલો પણ કરે છે.
એક સિંગલ બેક્ટેરિયા કોષ એક દિવસમાં જ ૨.૮૦ લાખ બિલિયન બેક્ટેરિયા ઉત્પન્ન કરી શકે છે. ખાલી ટેબલ પર ભીનું પોતું મારી જુઓ અને અબજોની સંખ્યામાં ત્યાં જમાવડો થવા લાગશે. એવરેજ દશ લાખ ડીવીજનમાં એકાદ mutant પેદા થાય છે. જેમાં કોઈવાર એન્ટીબાયોટીકની અસર થતી નથી. આપણે એમ માનીએ છીએ કે એન્ટીબાયોટીકસ અને ડીસઈન્ફેકટન્ટ બનાવીને આપણે સુક્ષ્મ જીવોને આપણા જીવનમાંથી દુર કરી દીધા છે, પણ આ આપણી ગેરમાન્યતા છે. એન્ટીબાયોટીક્સના બહોળા પ્રયોગના કારણે એની અસરકારકતા ઓછી થઇ ગઈ છે. આપણે યુદ્ધ હારી રહ્યા છીએ. દા.ત. ૧૯૫૨મા પેનેસીલીન એકદમ કારગર દવા હતી. પરંતુ ૧૯૬૦ સુધી તો ૯૦ ટકા જીવાણુઓ પેનેસીલીનથી ઈમ્યુનીટી ડેવલપ કરી લીધી છે. તે લાકડું, ગુંદ, અમુક ધાતુ બધું જ ખાઈ શકે છે, સલ્ફૂરિક એસીડ કે જે ધાતુને ઓગાળી નાંખી શકે તેમાં પણ જોવા મળે છે. અરે! ન્યુક્લીઅર રીએક્ટરમાં પણ મળી આવે છે! આ સુક્ષ્મ જીવો, ઉકળતા કાદવમાં, કોસ્ટિક સોડાના તળાવમાં , પત્થરોના ગર્ભમાં, દરિયાના પેટાળમાં, બધે જ જોવા મળે છે. એટલે જ કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું હશે કે, "હું અણુ અણુમાં વ્યાપ્ત છું, જીવથી લઇને શિવ સુધી." કોર્નલ યુનીવર્સીટીના પ્રોફેસર થોમસ ગોલ્ડના અંદાજ મુજબ ફક્ત પૃથ્વીની સપાટી નીચેના અને અંદરના બેકટેરિયાનો ઢગલો કરવામાં આવે તો આ ગ્રહ ઉપર પંદર મીટર ઊંચું કવરીંગ જોવા મળે!!
આ સુક્ષ્મ જીવો હજારો વર્ષોના વર્ષો સુધી મૃતપ્રાય અવસ્થામાં પડ્યા રહી શકે છે અને અનુકુળ વાતાવરણ મળતા જીવિત થઇ એકશનમાં આવી જાય છે. ૧૧૮ વર્ષ જુના મીટના કેનમાંથી, ૧૬૬ વર્ષ જૂની બીયર બોટલમાંથી અને ૩૦ લાખ વર્ષ જુના ફ્રોજન બેક્ટેરિયા સાયબીરીયામાંથી સજીવન થયા હતા!! અને ન્યુ મેક્સિકોમા ૬૦૦ મીટર ઊંડે જમીનમાંથી મળેલ બેસિલસ પર્મિયન તો ૨૫ કરોડ વર્ષ જુનો હતો!! અત્યાર સુધીમાં કુલ 1407 પેથોજન્સ એટલે કે વિષાણુ શોધી કાઢવામાં આવ્યા છે , જેમાંથી 60 ટકા પ્રાણીઓ માંથી આવે છે! એમને જુનોટીક (zoonotic) કહેવામાં આવે છે.
આપણે જો ગ્રહના બાયોમાસની ગણતરી કરીએ તો (વનસ્પતિ, ઝાડ વગેરે પણ આવી જાય ) સુક્ષ્મ જીવાણુઓ ૮૦ ટકા થવા જાય છે. આ ઉપરથી ખ્યાલ આવે કે આ દુનિયા એમની છે. જોકે મિત્રો, કોરોના પેન્ડેમીકથી ખ્યાલ આવી ગયો હશે કે, અત્યારે આખા વિશ્વ ઉપર કોની હુકૂમત ચાલે છે!!
ઘણીવાર આપણને એવો વિચાર આવતો હશે કે આ બેક્ટેરિયા અને વાયરસને આપણને બીમાર પાડીને શું લાભ થતો હશે? પ્રથમ તો મોટાભાગના સુક્ષ્મ જીવાણુઓ ન્યુટ્રલ હોય છે અને ઘણાં ખરા તો ફાયદાકારક હોય છે. સૌથી વધુ ચેપી બેક્ટેરીયા “વોલ્બશીયા” માનવને કઈ કરી શકતો નથી, બીજા પશુઓને પણ હેરાન નથી કરતો પણ જો તમે કીડા કે ફ્રુટ ફ્લાય હોવ તો તમારી હાલત એટલી ખરાબ કરે કે ફરીથી જન્મ લેવાની ઈચ્છા જ ન થાય. આમતો હજારોમાં એક જ સુક્ષ્મ જીવાણુની જાતિ માણસો માટે હાનિકારક હોય છે, જે રોગ કરી શકે છે. તેમ છતાં તેં પશ્ચિમી જગતમાં નંબર થ્રી કીલર છે. અત્યારે કદાચ પહેલા નંબરે આવી ગયો હશે. અમુક બેક્ટેરિયા મારી ન નાંખે પણ અસહ્ય રિબાવે! “હોસ્ટ” એટલેકે યજમાન (જેના શરીરમાં આ સુક્ષ્મ જીવો દાખલ થાય તે વ્યક્તિ કે જીવ) બીમાર પડે એટલે સુક્ષ્મ જીવોને સીધો જ લાભ થાય છે, રોગ વધુ ફેલાય છે. ઉલ્ટીઓ, છીંક, ઉધરસ, ઝાડા વગેરે થવાથી હોસ્ટના શરીરમાંથી બહાર નીકળીને બીજા હોસ્ટના શરીરમાં દાખલ થવાની સારી તક મળી જાય છે. સૌથી સારી તરકીબ તો થર્ડ પાર્ટીના ઉપયોગની છે, જેમકે મચ્છર !! આ સુક્ષ્મ જીવો પ્રથમ મચ્છરના શરીરમાં દાખલ થાય છે અને તે કરડવાથી તેઓ યજમાનના બ્લડમાં ઘુસી જાય છે અને પોતાની વૃદ્ધિનું કામ ચાલુ કરી દે છે. યજમાનને ખબર પણ મોડી પડે છે, એટલા માટે જ ગ્રેડ A રોગો જેવાકે મેલેરિયા, યલો ફીવર, ડેન્ગ્યું, એન્સીફાલીટીસ અને બીજા સો જેવા ઓછા જાણીતા ચેપી રોગો મચ્છર કરડવાથી થાય છે! આપણુ કિસ્મત સારુ છે કે HIV, AIDS નો એજન્ટ આ પૈકીનો નથી. આ રોગનો વાયરસ મચ્છરના શરીરમાં જતાં જ ઓગળી જાય છે! પરંતું કોઈ દિવસ જ્યારે મ્યુટેટ થઇ રસ્તો કાઢી લેશે તો સમજી લો કે આપણો નાશ નક્કી જ છે, ઘરે બેઠાં ફક્ત મચ્છર કરડવાથી એઇડ્સ થઇ જશે!! એક સારી બાબત એ છે કે, ખુબ અસરકારક વાયરસો એટલા જ જલ્દી કુદરતી ગાયબ થઇ જાય છે!
બહારની દુનિયામાં એટલા બધા ખતરનાક જીવાણુઓ ભટકી રહયા છે કે તેની સામે લડવા આપણી ઈમ્યુન સીસ્ટમ, રોગપ્રતિકારક પ્રણાલી પાસે જુદા જુદા પ્રકારના અસંખ્ય વ્હાઈટ બ્લડ સેલ્સ હોય છે. અંદાજે એક કરોડ પ્રકારના !! દરેક પ્રકાર ખાસ જાતિના દુશ્મનને ઓળખી તેને ખતમ કરે છે. પરંતુ આવી એક કરોડ જાતની અલગ અલગ આર્મી કાયમ રેડી રાખવી શક્ય નથી માટે મહત્વના હોય એવા જ એક્ટીવ લડવૈયાઓ તૈયાર હોય છે અને જયારે કોઈ બાહ્ય ચેપી જીવાણું હુમલો કરે ત્યારે તેને ઓળખી કાઢી એનો સામનો કરી શકે તેવા સૈનિકો(WBC) બનાવવામાં સુરક્ષાપ્રણાલી લાગી જાય છે. આ વ્હાઈટ સેલ્સ ખુબ ક્રૂર હોય છે, તે છેલ્લામા છેલ્લા પેથોજનને ઓળખી મારી નાંખે છે. પરંતુ સામા પક્ષે દુશ્મન પણ ચાલક છે, પોતાનો સંપૂર્ણ નાશ અટકાવવા આ હુમલાખોર વિષાણુઓ બે પ્રકારની તરકીબ અપનાવે છે. (૧) એકદમ હુમલો કરી પછી બીજા યજમાનમાં ઘુસી જવું, સામાન્ય ચેપી બીમારી જેમકે ફ્લુ, શરદી, કોરોના.. અને (૨) સંતાઈને કોષમાં નિષ્ક્રિય પડ્યા રહેવું, જેમકે HIV. આ વાયરસ વર્ષો સુધી કોષના ન્યુક્લિઅસમાં બેસી રહે છે અને પછી અચાનક હુમલો કરે છે. લગભગ ૩૦૦ થી ૫૦૦ જાતના બેક્ટેરિયા તો પાચનતંત્રમાં જોવા મળે છે. ત્યાં તેઓ હાનિકર્તા નથી, મદદ કરે છે. પરંતુ ભૂલેચૂકે જો બીજા કોઈ અવયવમાં જતા રહે તો હાનિ પણ કરી શકે છે. મેનીનજાઈટીસ વાયરસ મોટાભાગે ગળામાં પડ્યો રહે છે, ૧૦% યુવાનો અને ૩૦% ટીનેજર્સ એના વાહકો છે. દર એક લાખે એકાદ વ્યક્તિમાં આ વાયરસ લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને એને ગંભીર બીમાર પાડી દે છે. ક્રિટિકલ કેસમાં ફક્ત ૧૨ જ કલાકમાં મૃત્યુ થઈ જાય છે. આટલી માહીતી જાણીને હાસકારો થાય છે ને કે કોરોના તો સારો છે.
વાયરસ તો એક અલગ જ પ્રકારનો સુક્ષ્મ જીવાણું છે. બેકટેરિયાથી ખુબ નાનો હોય છે. તે પોતે એકલો જીવંત નથી. એકલા તો એ નુકશાનકારક પણ નથી. બિલકુલ નિર્જીવ! પરંતું એકવાર હોસ્ટમાં દાખલ થઇ જાય તો તરત જ એકશનમાં આવી જાય છે. અંદાજે ૫૦૦૦ જાતના વાયરસ જાણવામાં આવ્યા છે. તે ઘણાબધા રોગો ફેલાવી માનવજાતને બીમાર પાડે છે, મોતને હવાલે પણ કરે છે. ફ્લુ, કોમન કોલ્ડ, શીતળા, રેબીસ, યલો ફીવર, ઇબોલા, પોલીઓ, એઇડ્સ અને કોરોના વગેરે જેવા રોગચાળો ફેલાવે છે.
વાયરસ પોતાની વૃધ્ધિ જીવંત કોષનું જેનેટિક મટેરિયલ હાઈજેક કરીને કરે છે. તેમજ તેનો ઉપયોગ નવા વાયરસ ઉત્પન્ન કરવામાં થાય છે. આ વાયરસ ખુબ ઝડપથી વધે છે અને બીજા કોષો ઉપર આક્રમણ કરવા ધસી જાય છે. આ અતિ સુક્ષ્મ જીવો સાદા માઈક્રોસ્કોપ વડે નથી જોઈ શકાતાં. ઈલેક્ટ્રોનિક માઈક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે. ૨૦મી સદીમાં અંદાજે ૩૦ કરોડ લોકોને શીતળાના વાયરસે મારી નાખ્યા હતા!!
આ સુક્ષ્મ જીવાણું એવી ખાસિયત ધરાવે છે કે અચાનક નવા સ્વરૂપમાં આવી ત્રાટકે અને પછી અચાનક ગાયબ થઇ જાય. આશા રાખીએ કે “કોરોના” અચાનક ગાયબ થઇ જાય. સને ૧૯૧૬માં યુરોપ અને અમેરિકામાં આવો વિચિત્ર દાખલો જોવા મળેલ. ત્યારે લોકોને "એન્સેફાલીટીસ લેથાર્જિકા" નામની બીમારી લાગુ પડી ગઈ હતી, દર્દીઓ દિવસોના દિવસો સુધી ઊંઘી જતાં. જગાડો તો પાછા જવાબ પણ આપે, પોતે ક્યા છે કોણ છે બધી જ ખબર હોય પણ આરામ કરવાં દો તો ગાઢ નિદ્રામાં સરી પડે. ઘણાં સાજા પણ થયા પરંતુ ઓરીજીનલ જેવા ન રહયા, એકદમ લાચાર જેવા થઇ ગયાં. દશ વર્ષમાં અંદાજે ૫૦ લાખનો ભોગ લેવાઈ ગયો હતો, પછી આ રોગ અચાનક ગાયબ થઇ ગયો. આ રોગચાળા વિશે લોકોનું ધ્યાન ઓછુ ખેચાયું કેમકે એ સમયગાળામાં દુનિયાભરમાં એક બીજો ભયંકર પેન્ડેમિક ફેલાઈ ગયો હતો. એનું નામ હતું “ગ્રેટ સ્વાઇન ફ્લ્યુ એપીડેમીક “ અથવા "ગ્રેટ સ્પેનીશ ફ્લ્યુ એપીડેમીક.” જે હોય તે એ ખુબ ખતરનાક જાનલેવા બીમારી હતી. પ્રથમ વિશ્વયુધ્ધમાં ૨૧૦ લાખ લોકો ૪ વર્ષ ના ગાળામાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે આ રોગચાળાએ માત્ર ચાર જ મહિનામાં એટલા લોકોનો ભોગ લીધો હતો! ૧૯૧૮મા સ્વાઈન ફ્લ્યુ સામાન્ય રોગ તરીકે સ્ટાર્ટ થયો હતો પરંતુ કોણ જાણે કેવી રીતે પછીના મહિનાઓમાં એણે રાક્ષસી રૂપ ધારણ કર્યું હતું. અમેરિકામાં પ્રથમ મોત બોસ્ટનમાં ઓગસ્ટ ૧૯૧૮માં ખલાસીઓમાં નોધાયાં, પછી એપીડેમીક ઝડપથી દેશના બધા ભાગમાં ફેલાઈ ગયો હતો. સ્કૂલો બંધ કરવામાં આવી, જાહેર મનોરંજનના સ્થળો પણ બંધ કરવામાં આવ્યા. અને બધા જ લોકો માસ્ક પહેરવા લાગ્યા(અત્યારની માફક) પરંતુ કઈ બહુ ફરક ન પડ્યો. ૧૯૧૮ની ઓટમથી લઇ બીજા વર્ષની સ્પ્રિંગ સુધી ૫,૪૮,૪૫૨ લોકો ફ્લ્યુથી અમેરિકામાં મરી ગયા!. એટલે હાલની ભારતની સ્થિતિ ઘણી સારી છે, ગભરાશો નહિ. તો બ્રિટનમાં ૨,૨૦,૦૦૦ મરણ પામ્યાં હતા!. એવાજ આંકડા ફ્રાંસ અને જર્મનીમાં હતાં. વૈશ્વિક રીતે કેટલાનો ભોગ આ મહામારીએ લીધો એ કોઈને જ ખબર નથી. કુલ આકડો ત્રણ કરોડથી દશ કરોડ સુધીનો અંદાજવામાં આવ્યો છે. અત્યારે કોરોના માટે વેક્સીન શોધવા ઘણાં દેશો મહેનત કરી રહયા છે તેમ ત્યારે પણ પ્રયત્નો ચાલુ થયા હતાં. ભારતનાં વડાપ્રધાને હાલમાં જ દેશના વૈજ્ઞાનિકોને કોરોનાની વેક્સીન શોધવા હાકલ કરી છે.
કોવીડ -૧૯ રોગચાળાએ બધાને સો વર્ષ જુના પેન્ડેમિક સ્પેનીશ ફ્લુની ફરીથી યાદ અપાવી છે ત્યારે ભારતમાં અંદાજે ૧.૭૦ કરોડ લોકોનો ભોગ લેવાઈ ગયો હતો. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં પણ એની અસર પહોચી ગઈ હતી. લગભગ બધા જ ઈતિહાસકારોએ નોધ્યું છે કે ગાંધીજી પણ બીમાર પડ્યા હતા અને ડોકટરોની સલાહ નહોતાં માનતાં. તેઓ દૂધ પીવાની ના પાડતા હતા. છેવટે કસ્તુરબાની જીદ આગળ માની ગયા હતા. સાપ્તાહિક “પ્રજાબંધુ” એ લખ્યું હતું કે ગાંધીજીએ એમની જીદ છોડી દેવી જોઈએ કેમકે મી. ગાંધીની જીંદગી એમની એકલાની નથી પરંતુ સમગ્ર ભારતની પણ છે.” અને લોરા સ્પીનીએ તેણીની બુક “પેલ રાઈડર : ધ સ્પેનીશ ફ્લુ ઓફ ૧૯૧૮ એન્ડ હાઉ ઇટ ચેન્જડ ધ વર્લ્ડ“ કહે છે કે મેડીકલ સ્ટાફ તેમને સલાહ આપવા આવતાં પણ મોટાભાગની સલાહ તે નકારી કાઢતાં કેમકે અમુક સલાહ તેમની દૂધ ન પીવાની પ્રતિજ્ઞાની વિરુધ્ધ હતી” અમદાવાદમાં તે વખતે, ૧૯૧૮ના સ્પેનીશ ફ્લુએ ફક્ત છ મહિનામાં ૩૫૨૭ વ્યક્તિનો ભોગ લીધો હતો. અત્યારની માફક જ ત્યારે પણ દરીયાપુર વિસ્તારે ઈતિહાસકારનું ધ્યાન ખેચ્યું હતું. “ધ સ્પેનીશ ઇન્ફ્લુએન્જા પેન્ડેમિક ઓફ ૧૯૧૮-૧૯ ન્યુ પર્સ્પેક્ટીવ” જણાવે છે કે આ રોગચાળો ગીચ વસ્તીમાં ખુબ ફેલાયો હતો જેમકે દરિયાપુર...” અત્યારના કોવીડ -૧૯ આઉટબ્રેકમાં પણ દરિયાપુર વિસ્તાર “હોટસ્પોટ” છે. મિત્રો, મને એક વિચાર આવ્યો હતો કે શું આપણે સો વર્ષે પણ સુધરી નથી શકયાં ! આજથી પાંચસો વર્ષ પહેલાં મુઘલ બાદશાહ હુમાયુના મત મુજબ અમદાવાદ દુનિયાનું સૌથી આકર્ષક સુંદર શહેર હતુ અને તેણે આદેશ આપ્યો હતો કે તેને ખેદાનમેદાન ન કરવું. આક્રમણખોરોનો વણલખ્યો નિયમ હોય છે કે જ્યારે કોઇપણ પ્રદેશ કે રાજ્ય પર જીત મેળવે તો તેને લુંટી લે, સળગાવીને ખેદાનમેદાન કરી નાખે છે. અફસોસ, હાલ આ શહેર જાણે કે એક “ડેથ ટ્રેપ” બની ગયું છે. શહેર એવા બનાવો અથવા તો એ રીતે સુધારો કે અતિશય ગીચ ન હોય. ન્યુઓર્ક શહેર ખુબ ગીચ હોવાના કારણે ત્યાં કોરોના મોતનું તાંડવ કરી રહયું છે.
સમયાંતરે જુદા જુદા નવીન વાયરસો ફરીથી દેખાય છે. રશિયન વાયરસ H1N1 ૧૯૩૩માં બધે જ ફેલાયો, પછી ૧૯૫૦માં ફરીથી આવ્યો અને ત્યારબાદ ૧૯૭૦માં આવ્યો. એ દરમ્યાન ક્યા જતો રહે છે તે રહસ્ય છે. એક અનુમાન એવું છે કે તે જંગલી પશુઓમાં સંતાઈને પડ્યો રહે છે અને પછી માણસોની નવી પેઢીમાં હાથ અજમાવે છે. ગ્રેટ સ્વાઈન ફ્લ્યુ ફરીથી ત્રાટકી શકે છે અથવા તો એના જેવો બીજો કોઈ રોગચાળો આવી શકે છે. ઇબોલા, લાસા, અને મરબર્ગ ફીવર્સ આવ્યાને પાછા ગાયબ થઇ જાય છે. જોકે તેઓ છુપાઈને મ્યુટેટ થતા રહેતાં હોય છે અને ભયંકર મજબુતાઈથી ત્રાટકવાની તકની રાહ જોતા હોય છે.
હાલમાં દુનિયાભરમાં ભયંકર મોતનો તાંડવ ખેલનાર કોરોના વાયરસની જાતો વિષે જાણીએ. માણસોમાં રોગ ફેલાવતાં કોરોના વાયરસની કુલ સાત જાતો છે. ગભરાતાં નહિ, બધી જ ખતરનાક નથી જેમાંથી ૪ જાતો સામાન્ય અસરો – શરદી જેવું કરે છે.
૧- હ્યુમન કોરોનાવાયરસ OC43 (HCOV - OC43)
૨- હ્યુમન કોરોનાવાયરસ HKU 1
૩- હ્યુમન કોરોનાવાયરસ NL 63 (HCOV- NL 63)
૪ - હ્યુમન કોરોનાવાયરસ 22 gE (HCOV-22 gE)
અને નીચે આપેલ ત્રણ ભયાનક બીમારી લાવે છે.
૫- મિડલ ઇસ્ટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ (MERS – Cov)
૬- સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ(SARS- Cov)
૭- સિવિયર એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ કોરોના વાયરસ 2(SARS- Cov2), પહેલાં 2019 – ncov અથવા “નોવેલ કોરોનાવાયરસ 19”
દુશ્મનને પરાસ્ત કરવો હોય તો તેના વિષે જાણવું ખુબ જરૂરી છે, તો જ ઉપાય અને એને પરાસ્ત કરી શકાય. ચીને દુનિયાના વૈજ્ઞાનિકો સાથે આ નવા કોરોના વાયરસની માહિતી શેર કરી છે અને બધા એની વેકસીન શોધવા પ્રયત્ન કરવાં લાગ્યા છે.
અત્યાર સુધી ફેલાયેલ વાયરસના મોર્ટાલીટી રેટ ( મૃત્યુદર) :
નોવેલ કોરોના – ૨.૧ %, સ્પેનીશ ફ્લૂ (૧૯૧૮-૧૯ ) – ૨.૫ %, SARS –cov – ૯.૫%, MERS cov – ૩૪.૪%, U H7 N9 (એવિયન ઇન્ફ્લુંએન્જા) – ૩૯ %, ઇબોલા વાયરસ – ૪૦ %, મરબર્ગ વાયરસ ૮૮ %
ઉપરના આકડા જોતાં હાલનો કોરોના એટલો બધો ભયાનક નથી એનો મૃત્યુ દર ખૂબ ઓછો છે અને લોકડાઉનનો સારો અમલ કરવામાં આવે તેમજ સેફટી મેજર્સ જેમકે હાથ ધોવા, સેનેટાઈજર્સનો ઉપયોગ, માસ્ક લગાવવામાં આવે તો ગભરાવાનું કોઈ કારણ નથી.
આપણી જીવનશૈલી જ મહામારીને નિમંત્રણ આપે તેવી છે. દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગયું છે, આટલી બધી ગીચ વસ્તી, મોટાં મોટાં શહેરો અને એર ટ્રાવેલથી (હવાઈ મુસાફરી)ના માધ્યમ દ્રારા કોઇપણ ચેપીરોગ ટૂંકા સમયમાં દુનિયાભરમાં ફેલાઈ શકે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (ICMR) ના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હવે માનવો અને જાનવરોના ચેપીરોગો વિશેના અભ્યાસ અલગ અલગ નહિ પરંતુ એકબીજાના સબંધમાં થવા જોઈએ કેમકે ૬૦ % ચેપીરોગો તો જાનવરો દ્વારા અથવા તો તેમાંથી જ આવે છે. જેને ZOONOTIC ડીસીજ કહેવામાં આવે છે. અમુક વાયરસ એના મૂળ કરિયર ગણાતાં પંખીઓ માટે ભયજનક નથી હોતાં, પરંતુ માનવમાં દાખલ થાય તો ખતરનાક સાબિત થાય છે. હડકવા તો જે તે રોગીષ્ટ પશુના સંપર્કમાં આવેલા વ્યક્તિને જ નુકશાન કરે છે. એચઆઈવી વાયરસ મનુષ્યમાં જ વસી જાય છે. સાયન્સ તો રસી શોધવા મહેનત કરશે અને શોધી પણ કાઢશે. પરંતુ કુદરત આપણા વસ્તીવધારાને કાબુમાં રાખવાં નવા નવા વાયરસ માર્કેટમાં લાવ્યા જ કરશે. માનવો પોતાને પૃથ્વીનું કેન્દ્ર માને છે, સુપર માને છે, પણ નેચર માટે બધા જીવો વાયરસ સહીત મહત્વના અને સરખા જ છે.
આપે જોયું અને અનુભવ્યું હશે કે ચીનમાંથી શરુ થઇ કોરોના વાયરસ હાલમાં આખી દુનિયામાં ફેલાઈ ચુક્યો છે. આ લેખ કે માહિતી આપવાનો એક માત્ર આશય એ છે કે માનવજાતિ પોતાને સુપ્રીમ અને સૌથી તાકાતવર ન સમજે અને તમામ જીવશ્રુષ્ટિને તુચ્છ સમજી એમનો નાશ નહી પરંતુ એમનું રક્ષણ કરે. કુદરતની પોષણકડીનો જેટલો નાશ કરતા રહીશું એટલો માનવજાત પર ખતરો વધતો જશે. જ્યારે આપણે જંગલો કાપીએ છીએ, પશુઓ કાપીએ છીએ ત્યારે અસંખ્ય જીવાણુઓ છુટા પડે છે અને તેમને નવા હોસ્ટની જરૂર પડે છે, જે મોટાભાગે આપણે જ હોઈએ છીએ! માટે જ કહેવત છે કે “સુતેલા સિંહને ન છછેડો” કે મધપૂડામાં આંગળી ન નંખાય. હવે સિંહો તો બિચારા પાંજરે પુરાઈ ગયા છે –લોકડાઉનમાં કહેવત બદલીને એવું કહેવું પડશે- “સુતેલા વાયરસને ન જગાડો.” વિશ્વની સૌથી મોટી સમસ્યા છે "વસ્તી વધારો" હવે સમય પાકી ગયો છે કે વસ્તી નિયંત્રણ માટે આંતરરાષ્ટ્રીય કાયદો બનાવવો જોઈએ અને દુનિયાના તમામ દેશોમાં એકસરખી રીતે લાગુ કરવો જોઈએ. જેથી માનવો અને કુદરત વચ્ચે "નેચરલ ડિસ્ટન્સ" જળવાય રહે. આ પૃથ્વિલોંકમાં આપણાં સિવાય હજારો લાખો જીવો જીવી રહ્યાં છે અને એમનો પણ કુદરત પર આપણાં જેટલો જ હક્ક છે. મનુષ્ય એમનું નિકંદન ન કાઢે નહીં તો કોઇક દિવસ એમનું મગજ ફરી ગયું તો આપણું નિકંદન દિવસોમાં લાવી શકે એમ છે!!

નોટ: ઘણી માહીતી અલગ અલગ સંદર્ભમાંથી લીધી છે...તેથી એમાં ફેરફારને અવકાશ છે.
શબ્દ અને વિચાર ....
©નીતુનિતા (નીતા પટેલ)