Le, jo... in Gujarati Moral Stories by Arati Karode books and stories PDF | લે, જો....

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

લે, જો....

Original Hindi By Dr. Neelam Kulshreshtha

Gujarati Translation by Arati Santosh

Dr. Neelam Kulshreshtha is one of the senior most journalists in Hindi and feminist authors and founder of Asmita Manch a women forum for writings. She bagged many awards on her books containing women’s place in Indian culture.

લે, જો....

નીલમ કુલશ્રેષ્ઠ

ગુજ. અનુ - આરતી સંતોષ

ઊંચાનીચા વળાંકો ધરાવતી ટેકરીઓ પરથી કેબ જઈ રહી હતી. ક્યારેક મેદાન જેવું આવતું, તો ક્યારેક સર્પાકાર ચઢાણ આવી જતું. મમ્મી તો સાપુતારાની ત્રણ હજાર ફીટની ઊંચાઈને લીધે કેટલું હસી હતી, “વાહ ! ગુજરાતનું સાપુતારા હિલ સ્ટેશન-સહેજ અમથો માટીનો ઢગલો થઈ ગયો તો એને ‘હિલ્સ’ કહી દીધો.” એ એની વાત પર રિસાઈ ગઈ હતી, “અરે, બહુ સરસ હિલ સ્ટેશન છે, વચ્ચે લેક પણ છે.”

એ એના ગાલ પર ટપલી મારતાં બોલી, “ જ્યારે યુપીની હિલ્સ અને કાશ્મિર જોઈશ ત્યારે તો તું પણ આની પર હસીશ.” સાપુતારા-અર્થાત્ એક સરીસૃપ જીવ અને સર્પ જે સર્પગંગા નદીને કિનારે વસે છે અને એને હોળી પર અહીંના આદિવાસીઓ પૂજે છે. અહીંના સ્થાનિક રાજાનો હોળીની આસપાસ ભરાતો ‘ડાંગદરબાર’ પ્રસિદ્ધ છે. એમાં આસપાસના ગામોનાં આદિવાસી સ્ત્રીપુરુષો આવીને એકમેકની કમરમાં હાથ નાખી પાવો, ઢોલક, વાંસળી અને બેંજો પર ગોળાકાર નૃત્ય કરે છે. થોડીક ઊંચાઈએ જતાં જ હરિયાળી શરૂ થઈ ગઈ હતી. અહીં સપ્તશૃંગી માતાની પૂજા મુખ્ય છે છતાં હનુમાન, રામ, કૃષ્ણ, શિવ અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પ્રકૃતિએ છૂટે હાથે ડાંગમાં વનસંપદા વેરી છે. શું સાચે જ અહીં ડાંગનાં જંગલોમાંથી પોતાના વનવાસના સમયે રામ, સીતા અને લક્ષ્મણ પસાર થયા હશે ?અહીંની ભીલ શબરીએ સાચે જ એમને પોતાનાં એંઠાં બોર ખવરાવ્યાં હશે ? –એ સ્મિત વેરે છે- આપણા દેશમાં શું સાચું છે, શું જૂઠું – કેવી રીતે સમજવું ? ડાંગના સુબીર ગામમાં તો સરસ મજાનું શબરી મંદિર છે. ડેમનું નામ પણ શબરી ડેમ રાખ્યું છે. આ વૃક્ષોની ડાળીઓ અને ઝાડીઓ વચ્ચે કેવી હશે પંચ્યાસી-નેવું વર્ષ અગાઉ અહીંના આદિવાસીઓની દુનિયા ? જીવનનું નામ કેવળ પેટ ભરવાનું જ હશે ને. મમ્મીએ જ તો કહ્યું હતું. આ લોકો ભીલ હોય, કુકડ હોય કે પછી વારલી હોય, કોઈ પણ જાતિના સ્ત્રી-પુરુષો આખો દિવસ પોતાના ખેતરમાં કામ કરતા હશે અથવા કોઈ નવી બનતી ઈમારતમાં કામ કરતા હશે. સ્ત્રીઓ આ બધા ઉપરાંત જંગલમાં લાકડાં વીણવા જતી હશે. ઝૂંપડાંઓમાં કોણ એમના બાળકોનું ધ્યાન રાખે એટલે એમને અફીણ ચટાડીને સૂતેલા મૂકીને જતી હતી. આ જ અફીણ એમનાં બાળકોનાં મગજમાં આળસ ભરીને એમને પાંગળાં બનાવતું હશે. મોટાં થઈને એ લોકો વિચારશૂન્ય, જડ, મંદબુદ્ધિ માટીના પૂતળાં જેવો વ્યવહાર કરતાં હશે.

પૂર્ણિમાજી જ્યારે મુંબઈથી અહીં ફરવા આવ્યાં હશે ત્યારે એમને એ જોઈને આશ્ચર્ય થયું હશે કે માથા પર લાકડીનો ભારો લઈ જતી એક ચૌદ-પંદર વર્ષની છોકરી ઓઢણી, કમખો અને ઘાઘરો(નીચેનું વસ્ત્ર)પહેરીને કાચા રસ્તે વચ્ચોવચ ધીમી ગતિએ જતી હશે. ડ્રાઇવર હૉર્ન વગાડતો રહ્યો હશે પણ એ છોકરી રસ્તા વચ્ચેથી હટી નહીં હોય. એમની કાર નીચે આવે તે અગાઉ ડ્રાઇવરે સ્ફૂર્તિથી કારનું સ્ટિયરીંગ રસ્તાની ડાબી બાજુએ ફેરવી દેતા અકસ્માતમાંથી બચી ગઈ હશે. એમણે કારની બારીમાંથી જોતાં કહ્યું હશે, “શું હૉર્ન સંભળાતું નહોતું?”

એણે જે રીતે ગૂંચવાયેલા વાળની વચ્ચે પથ્થર જેવા ચહેરે ભાવનાશૂન્ય આંખે એમને જોયાં હશે, એમના દિલ પર આ નજર એક ઠોંસાની જેમ વાગી હશે. હોટેલ કે આ જગ્યાએ પણ એમને ફરતી વખતે લાગી રહ્યું હશે કે એ હરતી ફરતી મશીન જેવી છોકરીઓ જોઈ રહી છે, જેમનામાં વિચારવાની શક્તિ, સમજણ શક્તિ નથી રહી. અહીંના લોકોને બહુ બધું પૂછ્યા કર્યા પછી સમજી શક્યાં હશે કે આ બધું અફીણના કારણે છે. પહાડોના શિખરોથી લઈને નીચે તળેટી સુધી ફેલાયેલ સીસમ, મહુડાં, સાદડ અને કાજુનાં જંગલોની હરિયાળીમાં ખોવાયેલ અહીં તહીં છૂટાંછવાયાં પ્રસરેલા ઝૂંપડાંમાં નશામાં પડી રહેલ છોકરીઓને જગાડવા એમણે સને 1956માં અહીં ‘શક્તિદળ’ બનાવ્યું હતું. એ છોકરીઓની માતાઓ ગિલેટ અથવા ચાંદીની નથ, ગળાની હાંસડી, પગમાં ભારે સાંકળાં-કડાં પહેરીને દલીલો કરતી હતી. પૂર્ણિમાજી મહામુશ્કેલીએ સમજાવી શક્યાં હશે કે કામ કરતી વખતે તો ઘરેણાં છોડો. જેમ જેમ છોકરીઓમાં જાગૃતિ આવતી ગઈ તેમ તેમ પૂર્ણિમાજીના ઉત્સાહમાં પણ ભરતી આવતી ગઈ. એ એમના માટે નવી નવી યોજનાઓ બનાવવા લાગી અને આજે તો અહીંની આદિવાસી બાળાઓ માટે આ દળ ઋતમ્ભરા વિશ્વ વિદ્યાપીઠ શાળા અને કૉલેજમાં પરિવર્તિત થઈ ગયેલ છે. પૂર્ણિમાજીએ સ્વતંત્રતા આંદોલન વખતે જેલમાં આદરણીય કસ્તૂરબા ગાંધીને હિંદી અને અંગ્રેજી ભણાવેલ. ગાંધીજીના “તું શિક્ષણના ક્ષેત્રે ખૂબ કામ કરીશ.” એ આશીર્વાદનું જ આ પરિણામ છે. એક બાજુ આ પ્રગતિ થતી રહી અને બીજી બાજુ પૂર્ણિમા અરવિંદ પકવાસાજીનાં દીકરી સોનલ માનસિંહ પ્રખ્યાત કથક નૃત્યાંગના બની ગયાં હતાં. પૂર્ણિમાજીએ કામ કરવા માટે ઉંમર પણ 102 વર્ષની મેળવી હતી, બાપ રે !

“અલી ઓ ! ક્યાં ખોવાઈ ગઈ ?" આરવે એની સામે હાથ હલાવ્યો.

એ ભોંઠી પડી ગઈ, “હું મારી મમ્મીએ અહીંના વિષે કહેલી વાતો યાદ કરી રહી હતી. જો પૂર્ણિમાબહેને પહેલ ના કરી હોત તો કોણ જાણે ક્યાં સુધી અહીંની છોકરીઓ અફીણના કેફમાં બરબાદ થયા કરતી હોત !”

ત્રિશા કારની સીટ પર અડધી સૂતેલી વૉકમેન કાનમાં લગાવીને ઝૂમતાં ઝૂમતાં ફિલ્મી ગીતો સાંભળી રહી હતી, ચોંકીને બોલી, “તમે લોકો શું ગોસિપ કરો છો ?”

નીરવ એની મજાક કરવા લાગ્યો, “આ લોકો તારી જ બૂરાઈ કરી રહ્યા છે.”

“યુ...” એણે હવામાં મુક્કો ઉછાળ્યો તો બધા હસી પડ્યાં. મીનલ પણ પોતાનું વૉટ્સઅપ ચેક કરતાં કરતાં ચોંકી ગઈ, “શું થયું ?”

આરવે બમ્પર માર્યો, “મેડમ ! હોટેલ આવી ગઈ છે. મોબાઇલ ઓફ કરો.”

નૈનીતાલની જેમ પહાડોની વચ્ચે સાપુતારા લેક જોઈને એ બાળકોની જેમ ખુશ થઈ ગઈ. પહાડોથી ઘેરાયેલ સરોવર એવું લાગતું હતું જાણે હથેળી પર પાણી ભરેલ વાટકો મૂકી દીધો હોય. હોટેલમાં સામાન મૂકીને તથા ફ્રેશ થઈને એ લોકો વિદ્યાપીઠ તરફ ચાલી નીકળ્યા. એમના સોશ્યલ સાયન્સ વિભાગ તરફથી એમને આ જ વિદ્યાપીઠમાં કામ કરવાનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો, “આદિવાસીઓના વિકાસમાં એનજીઓઝનું યોગદાન.”

સૌથી પહેલાં પ્રાચાર્યા એમને એક નાના મેદાનમાં લઈ ગયાં જ્યાં પહેલાથી જ છોકરીઓ નીચે શેતરંજી પર બેઠી હતી, એમને અગાઉથી જ જણાવી દેવાયું હતું કે કોલેજના કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમને મળવા આવી રહ્યા છે. એક અધ્યાપિકાની સૂચનાથી થોડીક છોકરીઓએ એમનું ફૂલોથી સ્વાગત કર્યું અને હાથ જોડીને અહીંની પ્રાર્થના ગાઈ “સાપુતારાના, ઋતમ્ભરાના, સારા સપન બનાના, અમે સૃષ્ટિ સજાવી, જ્યોતિ જગાવી.”

એ પાંચેય જણાએ પોતાના પ્રોજેક્ટનો પરિચય આપ્યો અને એમના સામાન્ય જ્ઞાનની માહિતી મેળવવા થોડાક પ્રશ્નો પૂછ્યા. એ છોકરીઓના જવાબોથી એમને બહુ સંતોષ થયો. પછી એક અધ્યાપિકા એમને વિશ્વવિદ્યાલય બતાવવા લઈ ગયાં. એ વિદ્યાપીઠમાં સર્વે કરતા ચકિત થતા હતા કે કેવી રીતે આ સંસ્થાએ કામ કર્યું છે. એનો મ્યુઝિક રૂમ, હૉબી રૂમ, કૉમ્પ્યુટર રૂમ અને ગેમ્સ ગ્રાઉન્ડ વગેરેએ અર્ધનિદ્રિત એવાં આ મગજવાળાંઓને કઈ રીતે જાગૃત કર્યાં હશે. એ જાણીને તો વધુ નવાઈ લાગી કે પૂર્ણિમાજીએ થોડીક રૂમો એવી વૃદ્ધ મહિલાઓ માટે આરક્ષિત કરી હતી કે જેમના દીકરાઓએ આસપાસના શહેરોમાં, અરે મુંબઈમાં વસતાં સુદ્ધાં બેઘર કરી દીધી હોય. એ લોકો અહીં ચોખા ઉપરાંત અહીંના સ્થાનિક અનાજ રાગી-નાગલીના પાપડ બનાવતાં અને અથાણાં બનાવતાં સ્વાવલંબી બની ગઈ હતી.

આખો દિવસ એ લોકો નોટ્સ બનાવતા રહ્યા. સાંજે કેબમાં આડા થયેલા, થાકેલા, પાછા ફરતાં તે બધાનાં માનસમાં જાણે આ વિદ્યાપીઠનું ગીત વાગતું હતું, “સાપુતારાના, ઋતમ્ભરાના, સારા સપન બનાના, અમે સૃષ્ટિ સજાવી, જ્યોતિ જગાવી..”

એને અહીંનાં પ્રાચાર્યાએ જ જણાવ્યું હતું, “ઋતમ્ભરાનો અર્થ છે સનાતન સત્યથી ભરેલું. માનવજાતિ માટે સનાતન સત્યનો અર્થ છે કે એ પોતાને માટે પ્રગતિના દ્વાર ખોલે.” રૂહી અને ત્રિશાના સપનાં જાણે પાંખો ફફડાવતાં હતાં કે આ આદિવાસી દીકરીઓ દેશમાં, પ્રદેશમાં જે રીતે સ્થાન પામી રહી છે તો એ જોતાં પોતે તો હજુ આગળ વધવું જોઈએ. રૂહીની તો રાત્રે ઘરે પહોંચીને જીભ થાકતી જ નહોતી. મમ્મીએ જ પ્રેમથી ટપારીને સૂવડાવી દીધી. “બેટા ! તારી થાકેલી સૂરત જો. બાકીની વાતો કાલે કહેજે. હું ક્યાં જતી રહેવાની છું?”

રૂહીએ સવારે ઊઠીને નાસ્તો કર્યો અને પોતાની રૂમમાં જઈને કબાટમાંથી કૉલેજ જવા માટેનો ડ્રેસ કાઢી તૈયાર થવા લાગી. ત્યારે જ મોબાઇલમાં મેસેજ ટોન વાગ્યો. એણે કપડાં પલંગ પર મૂક્યાં અને મોબાઇલ ચેક કરવા માંડી. વૉટ્સઅપ પર એક ફોટો જોઈને એનું મગજ ચક્કર ખાઈ ગયું. એનો જ કમર સુધીનો ફોટો હતો, જેમાં એની કુર્તીના આગળનાં બટન ખુલ્લાં હતાં અને એની છાતી સ્પષ્ટ રીતે દેખાતી હતી. આ ફોટો જોઈને સ્પષ્ટ રીતે જણાતું હતું આ ફોટો જ્યારે તે હોટેલના કમરામાં કપડાં બદલી રહી હતી ત્યારે બારીના પડદાની વચ્ચેની તિરાડમાંથી લેવાયો છે. આ નંબર નીરવનો હતો અને લખ્યું હતું કે “વોટ્સ અ બ્યુટી યુ હેવ ઇનસાઇડ !”. એ નખશિખ કાંપી રહી. આઘાતના માર્યા એણે ખુરશીનું હેન્ડલ પકડી લીધું કે જેથી પડી ન જવાય.

હજુ તો એ પોતાને સંભાળે એ પહેલાં જ બીજો મેસેજ આવી ગયો, “કૉલેજ જતાં પહેલાં મારી રૂમ પર આવીને હમણાં જ મળી જા, નહીં તો મેસેજ વાઇરલનો મતલબ તો સમજે છે ને ?”

આ મેસેજે તો એને ઓર ગભરાવી મારી કેમ કે નીરવના રૂમ પાર્ટનર્સ આજે સર્વે માટે બીજા કોઈ એનજીઓમાં જવાના હતા. એ મૂઢ જેવી કાંપતી ખુરશી પર ઘણી વાર સુધી સુન્ન બેસી રહી. મમ્મીનો રસોડામાંથી અવાજ આવ્યો, “રૂહી ! લંચબૉક્સ તૈયાર છે.”

ગભરાટને લીધે એનાથી જવાબ આપી ન શકાયો. મમ્મી જ થોડીવારમાં એના રૂમમાં આવી, “અરે! હજુ સુધી તૈયાર નથી? તારો ચહેરો કેવો થઈ ગયો છે?”

“મમ્મી!” પરાણે એના ગળામાંથી અવાજ નીકળ્યો અને એ રડી પડી. મમ્મીએ એના ગળામાં હાથ ભેરવ્યા. એણે બહાનું કાઢ્યું, “મમ્મી ! હું કૉલેજમાં નહીં જાઉં. મારું માથું બહુ દુઃખે છે.”

“તો એમાં રડે છે શું ? જા, જઈને નાહી લે. આજે ઘરે આરામ કર.” કહીને મમ્મીએ ફર્સ્ટ એડ બૉક્સમાંથી એક ગોળી પકડાવી, “જો બહુ જોરથી દુઃખતું હોય તો લઈ લેજે. સૂઈ જઈશ તો સારું લાગશે. મારી ઓફિસમાં પણ આજે ઇન્સ્પેક્શન છે નહીં તો હું રજા લઈ લેત.”

એ તો ઇચ્છતી હતી કે મમ્મી ઓફિસે જાય અને એ મોટેથી રડી પડે- હવે એ કોઈને મોં બતાવવાને લાયક નથી રહી. મમ્મી બહાર જતાં જ એણે સૌથી પહેલું કામ મોબાઇલ સ્વીચ ઓફ કરવાનું કર્યું, નહીં તો નીરવ ન જાણે કેટલા મેસેજ મોકલીને એને પરેશાન કરશે. એનું દિલ ધીમે ધીમે કાંપી રહ્યું છે- જો ખરેખર એણે આ વાયરલ કર્યું તો-તો- તો—એ કોઈને મોં નહીં બતાવી શકે. કેવી રીતે આ વાત કહે? મમ્મી તો એની મા ઓછાં દોસ્ત વધારે છે પણ એમને આવી ગંદી વાત કેવી રીતે જણાવવી ? એ શરમથી ભોંયમાં સમાઇ જવા ઇચ્છે છે- શું કરે ? મમ્મીને તો બિલકુલ આ વાત કહી નહીં શકાય. દૃશ્યમ્ ફિલ્મમાં આવી શર્મનાક વાત પર કેવું સ્કેંડલ થઈ ગયું હતું. કપડાં બદલતી છોકરીના ફોટોને કારણે એના પિતાએ હત્યા કરી દીધી હતી. –એ તો ફિલ્મ હતી એટલે એ પોલીસથી બચી ગયા. –ક્યાંક એના પપ્પા ટૂર પરથી આવીને – હે ભગવાન ! પરિવારને બેઇજ્જતીથી કેવી રીતે બચાવું ? શું પંખે લટકી જાઉં ?ના,--ના---ના, મમ્મીએ જ શીખવાડ્યું છે કે આત્મહત્યા કરવી કાયરતા છે. તો----તો---તો એને કોઈ રસ્તો દેખાતો ન હતો. એ રડતી, હિબકાં ભરતી ખુરશી પર જ ક્યારે સૂઈ ગઈ એની એને જ ખબર ના પડી.

જોરથી વાગતી ડોરબેલે એની ઊંઘ ઉડાડી. સામે ઘડિયાળમાં જોયું તો બપોરનો એક વાગ્યો હતો. આ સમયે કોણ હશે, કેમ કે બધાંને ખબર છે કે આ ઘરનાં લોકો બપોરે પોતપોતાના કામ પર હોય છે. ---ઓહ, ક્યાંક નીરવ તો ઘર સુધી નથી પહોંચી ગયો ને ---એણે લથડતે પગલે ધડકતા હૈયે દરવાજાના કી-હૉલમાંથી જોયું તો ચોંકી ગઈ. દરવાજા સામે મમ્મી રૂમાલથી પરસેવો લૂછી રહી હતી. એણે દરવાજો ખોલ્યો, “મમ્મી તું ! આ સમયે ?”

“તારી તબિયત ખરાબ હતી તો મારું મન ઑફિસમાં કેવી રીતે ચોંટે ? જેવું ઇન્સ્પેક્શન પત્યું કે રજા લઈને આવી ગઈ.”

એમણે પર્સ મૂકીને એના કપાળે હાથ મૂક્યો, “તાવ તો નથી, તો પછી તું મોબાઇલ કેમ બંધ રાખીને બેઠી હતી ? મારો તો કૉલ કરતાં કરતાં જીવ જતો હતો.”

એ મમ્મીને વળગી પડીને અને છૂટ્ટે મોઢે રડી પડી. એ ગભરાઈને એના માથે હાથ ફેરવવા માંડી. “શું થયું છે? કહે તો ખરી..”

એ રડતી જ રહી..રડતી જ રહી... “કશું નથી થયું. બસ મારી તબિયત ખરાબ છે.”

એમણે એની હડપચી પકડીને આંસુઓથી ભીંજાયેલો ચહેરો ઉપર કર્યો અને બોલ્યાં, “રૂહી ! હું તારી મા છું. મને ખબર ના પડે કે તું કોઈ મોટી મુશ્કેલીમાં છે?”

“મમ્મી!..” એ વધારે જોરથી રડી પડી. મમ્મી એની પીઠ પંપાળતાં રહ્યાં. જાત સંભાળતી એણે કાંપતા હાથે મોબાઇલ તરફ ઈશારો કર્યો.

મમ્મીએ મોબાઇલ હાથમાં લીધો. રૂહીએ એને ઓન કરીને નીરવનો મેસેજ બતાવ્યો. એક વાર તો મમ્મીના ચહેરા પરથી રંગ ઊડી ગયો. પણ તરત પોતાને સંભાળીને એમણે પૂછ્યું, “આ વિડીયો ક્યારે લેવાયો છે?”

“હું જ્યારે સાપુતારાની હોટેલમાં કપડાં બદલી રહી હતી.”

“મેં પહેલાં પણ કેટલી વાર સમજાવી છે કે કોઈ પણ અજાણી જગ્યાએ પડદા વ્યવસ્થિત રીતે બંધ કરીને કપડાં બદલવા જોઈએ.”

“સૉરી મમ્મી!”

“માણસ ત્યાં જ ફસાય છે, જ્યાં વિશ્વાસ કરે છે. ખેર, તું ચિંતા ના કર.”

“આટલું બધું થઈ ગયું છે અને તું કહે છે, ચિંતા ન કર ? આપણા ફેમિલીનું કેટલું ઇન્સલ્ટ થશે !”

“વૉટ ડુ યુ મીન બાય ઇન્સલ્ટ ! તેં શું કર્યું છે ? શું કોઈ ભૂલ કરી છે કે કોઈ પાપ કર્યું છે ? કે આ વિડીયોમાં જે બતાવ્યું છે એ કેવળ તારી પાસે જ છે ? કોઈ બીજી છોકરી પાસે નથી ? આ તો દુનિયાની દરેક સ્ત્રી પાસે હોય છે. આનું દૂધ પીને તો આ માણસ જીવે છે. કોઈ બદમાશ દગાબાજીથી શૂટ કરીને એનો તમાશો કરવા ઇચ્છે છે તો એ એના ઇન્સલ્ટનો પ્રશ્ન છે, તારા નહીં. ચાલ ઊભી થા, મોં ધોઈ લે અને તૈયાર થઈ જા. તારા નસીબે આજે યુનિવર્સિટીની ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં એક્ઝિબિશન લાગ્યું છે “લે, જો...(લે. દેખ..)”. તું તો જાણે છે કે વડોદરાની આ ફેકલ્ટી આખા ય દેશમાં પ્રસિદ્ધ છે.”

“શું જોઉં ? હું આટલી મોટી મુસીબતમાં છું અને તને એન્ટરટેનમેન્ટની પડી છે ?”

“તું ચાલ તો ખરી. ત્યાં જઈને જોજે.”

અને એ પેલા ફેકલ્ટી હૉલમાં ચકિત થઈને જોતી રહી. એક સાહસી, અહીંની જ વીસેક વર્ષની વિદ્યાર્થિની સલોની સાવંતે બનાવેલ જુદા જુદા આકારના પ્લાસ્ટર ઓફ પેરિસના સફેદ વક્ષોની મૂર્તિઓ. એણે શરમાતાં, કંઈક પુટપુટતાં મમ્મીને પૂછ્યું, “એને શરમ ના આવી, આવી મૂર્તિઓ બનાવતાં ?”

“!”?”

“શું કામ શરમ આવવી જોઈએ? છોકરીઓ અને મહિલાઓએ આ અંગોને લીધે શું શું સહન કરવું પડે છે? ભીડમાં એની પર શું વીતે છે તે એ જ જાણે છે. પ્રકૃતિની આ ભેટ પર શરમાવું શેને માટે ? હા, એમનું અશ્લીલ પ્રદર્શન યોગ્ય નથી. તને તાજુબ થશે કે નાની ઉંમરના છોકરાઓ આ એક્ઝિબિશનને જોતાં શરમાય છે. કદાચ હવે સ્ત્રીને માન આપતાં શીખશે.”

એણે પણ ધ્યાનથી હૉલમાં જોયું કે અધિકતર મોટી ઉંમરના પુરુષો, છોકરીઓ અને સ્ત્રીઓ જ હૉલમાં ઊભા રહી રહીને આ સુંદર વક્ષોની મૂર્તિઓ જોતાં હતાં. એમને આ રીતે નિરીક્ષણ કરતાં જોઈને એનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. એની જે નજર આ મૂર્તિઓ જોઈને શરમથી ઝૂકી જતી હતી, હવે ધીમે ધીમે ઊંચી થઈ રહી હતી. હવે એ વિના સંકોચે એમની કલા માણી રહી હતી. ફૂલ, પહાડ, ઝરણાંની જેમ જ આ ઉપરવાળાની અનુપમ કૃતિ છે.

મમ્મી એની સાથે ચાલતાં કહી રહ્યાં હતાં, “તેં સાપુતારામાં જઈને જોયું હશે કે કેવી રીતે અફીણના કેફમાં રહેનારી છોકરીઓની પેઢી પૂર્ણિમાજીએ સુધારી દીધી છે અથવા કહેવું જોઈએ કે ડાંગનાં જંગલોમાં અનેક સૂરજ ઊગાડ્યા છે અને જો વડોદરાની આ છોકરીએ કેટલો મોટો દીવો પ્રગટાવીને શહેરની વચ્ચે જ મૂકી દીધો છે. પોતાનાં અંગો માટે શરમાવું શું કામ, પણ એનો અર્થ એ નથી કે એનું ભૂંડું પ્રદર્શન કરવું.”

“એનો ફાયદો શો ?”

“તું હજુ ના સમજી ? જે રીતે ડાંગની આદિવાસી છોકરીઓને અફીણ ખવડાવીને એમને મંદબુદ્ધિ કરીને એમને વ્યક્તિત્વહીન બનાવાતી હતી, એ જ રીતે સ્ત્રીઓને એમનાં અંગો માટે ડરાવીને, એને માટે ગાળો દઈને એમને શરમાવવામાં આવે છે. સ્ત્રીઓની અડધી ઊર્જા તો આ ડર ચૂસી લે છે. એમનો અડધો સમય એ જ વિચારવામાં નષ્ટ થાય છે કે આવું કરીએ કે ના કરીએ—હાય હાય—સમાજ શું કહેશે-આ જડતાને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે આ સાહસી યુવતીએ. ક્યારેક તને એનો ભેટો કરાવીશ.”

“અત્યારે જ કેમ નહીં?”

“રિસેપ્શન પર કોઈ કહી રહ્યું હતું કે એ કોઈ જરૂરી ક્લાસ એટેન્ડ કરવા ગઈ છે અને આ છોકરી જ શું, મોટા ભાગની સ્ત્રીઓ અને પુરુષો સ્ત્રીમાં આ જ ખોવાયેલા આત્મવિશ્વાસને જગાડવાનું કામ કરી રહ્યાં છે. અને જાણે છે ? જે સ્ત્રીઓ આવું કામ કરે છે એમના જીવનમાં કેટલાક લોકો નરક ઘોળવાનું કામ કરતાં રહે છે પણ એ મુશ્કેલીઓ સામે લડવાનું શીખી જાય છે.”

“લોકો સ્ત્રીઓનાં જીવનમાં નરક કેવી રીતે ઘોળે છે ?”

“જો એ આગળ વધીને કશુંક અલગ કરવા ઇચ્છે છે તો એમનો આત્મવિશ્વાસ તોડવામાં આવે છે. જો અવિવાહિત છે તો કહેશે કે પિતા અથવા ભાઈ પાસે પોતાનું કામ કરાવ્યું હશે. જો પરિણીતા હશે તો કહેશે કે પોતાના પતિના જોર પર ઉછળી રહી છે. કેટલાક લોકો તો હજુ અશ્લીલ વાત કરશે કે અરે, સ્ત્રીએ સફળ થવામાં વાર કેટલી, જરા નખરાં કર્યાં અને કોઈની સાથે સૂઈ ગઈ-આગળ તું જાતે સમજદાર છે.”

ફેકલ્ટીથી પાછા આવ્યા બાદ રૂહીનો આત્મવિશ્વાસ પાછો આવ્યો હતો. એણે પોતાનો મોબાઇલ ઓન કર્યો અને આરવ, ત્રિશા અને મીનલને આખીય વાત જણાવી અને વાકેફ કર્યા કે આ એની લડાઇ છે, એ જાતે ટેકલ કરશે. બંને સહેલીઓ તો જોશમાં આવી ગઈ અને સલાહ આપવા લાગી, “ચાલ, મોબાઇલ લઇને નીરવની વિરુદ્ધ પોલિસમાં એફઆઇઆર નોંધાવીએ અથવા કાલે કૉલેજમાં આપણે બધાં પોતપોતાની ચંપલોથી એની પિટાઇ કરીએ ?”

રૂહીએ જવાબ આપ્યો, “પોલિસ ક્યાં સુધી દરેક છોકરીની સમસ્યા હલ કરતી ફરશે ? તમારે વચ્ચે આવવાની જરૂર નથી. આ મારી લડાઇ છે, હું એકલી જ સમસ્યાને હલ કરીશ.”

બીજા દિવસે કૉલેજના ગેટ પર જ નીરવ એને જોઈને પોતાના હાથમાં મોબાઇલ બતાવીને ખંધું હસ્યો, “મારી સાથે આવે છે ને ?”

“ક્યાં ? કેમ ?”

“હવે તું કંઈ નાની કીકલી તો નથી કે જેને સમજાય નહીં કે જ્યારે એક છોકરો એક છોકરીને એકાંતમાં મળવા કહે છે તો એનો અર્થ શું થાય છે?”

એ અદબ વાળીને ટટ્ટાર ઊભી રહી, “મારે તારી સાથે ક્યાંય આવવું નથી. જે કરવું હોય તે કર !”

“લે, તારી સામે જ આ વિડીયો ક્લાસમાં વાઇરલ કરી રહ્યો છું. ” એ પોતાના ખંધા હાસ્યથી મોબાઇલના બટન દબાવવા લાગ્યો.

રૂહી તુચ્છતાથી બોલી, “એ વિડીયો વાઇરલ કરી લીધો ? ચાલ, હવે ક્લાસમાં જઈએ !”

નીરવ ખસિયાણો પડીને એની પાછળ ચાલવા લાગ્યો.

ક્લાસમાં હજુ સર આવ્યા નહોતા. થોડાંક છોકરા-છોકરીઓ અહીં તહીં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. થોડાક મોબાઇલ હાથમાં લઈને જોતાં જોતાં હસી રહ્યા હતા અથવા આંખોમાં અંદરોઅંદર ઇશારા કરી રહ્યા હતા. રૂહીએ કક્ષમાં પ્રવેશતાં જ મોબાઇલ જોનારા છોકરાઓ માથું ઊંચું કરીને એને તોફાની નજરે જોઈ રહ્યા. રૂહીએ હાથથી તાળી પાડીને કહ્યું, “પ્લીઝ ! લિસન ગાય્ઝ.”

બાકીના જે વાતો કરી રહ્યા હતા તે પણ રૂહીની તરફ જોવા લાગ્યા. એ આગળ બોલી, “તમને તો ખબર જ છે કે અમે લોકો સાપુતારા એક સર્વે માટે ગયા હતા અને હું હોટેલમાં કપડાં બદલી રહી હતી તો આ નીરવ મતલબ કે મારા વન ઓફ બેસ્ટ ફ્રેન્ડ્સએ મારો વિડીયો બનાવ્યો છે અને તમને બધાંને મોકલ્યો છે. જેમણે હજુ સુધી ન જોયો હોય તેઓ પણ જોઈ લે. ”

નીરવ મોઢું નીચું કરી ભોંઠામણમાં ઊભો હતો. કેટલાક છોકરાઓ જેઓ મોબાઇલ જોઈ રહ્યા હતા તેઓએ ઓઝપાઇ જઈને મોબાઇલ ઓફ કરી દીધો અને બાકીના છોકરાઓ ચીસ પાડી ઊઠ્યા, “યુ ...? નીરવ... શેમ ઑન યુ !”

એક છોકરાએ તરત પોતાનું જૂતું ઊતારીને નીરવ પર ફેંકીને કહ્યું, “નીરવ ! શી ઇઝ અવર ક્લાસમેટ.”

બે ચાર છોકરા-છોકરીઓ ખરેખર એને ઘેરીને તમાચા મારવા લાગ્યા. ક્લાસના બધા જ જણ બરાડી ઊઠ્યા, “યુ....નીરવ...શેમ ઑન યુ...”

રૂહીએ બધાંને રોક્યા. “નીરવને સજા મળી ચૂકી છે. ઇચ્છતી તો હું વીસી પાસે જઈને આને રસ્ટિકેટ કરાવી શકતી હતી અથવા પોલિસ પાસસે જઈ શકત પણ આની જિંદગી ખરાબ થઈ જાત. હવે આ પાઠથી આ જિંદગીમાં હવેથી છોકરીઓનું માન જાળવતાં શીખશે.”

અને નીરવ શરમિંદો બનીને આંસુઓ ઢાળી રહ્યો હતો, “રૂહી, પ્લીઝ ! મને માફ કરી દે. મને માફ કરી દે.”

******