criminal dev - 8 in Gujarati Fiction Stories by chetan dave books and stories PDF | અપરાધી દેવ - ૮

Featured Books
Categories
Share

અપરાધી દેવ - ૮

ભાગ -૮

આ બાજુ ભાનુપ્રતાપ પુના પહોંચી દેવ ને મળે છે, બંને ભાઈઓ આશરે ૫ વર્ષ પછી આમને સામને હોય છે.ભાનુપ્રતાપ લાગણીશીલ બની દેવ ની છાતી પર માથું રાખી દે છે. દેવ ભાનુપ્રતાપ ને પૂછે છે કે તેને કઈ રીતે ખબર પડી? ભાનુપ્રતાપ પહેલા તો દેવ ને ખીજાય છે કે પોતાનું રહેઠાણ, રાજ્ય છોડી તે ઠેઠ મુંબઈ સુધી ભણવા ગયો? શું બિહાર માં સારું ભણતર શક્ય નથી? અને દેવ ને શું ખોટ છે કે મુંબઈ માં નાનકડી ઓરડી ભાડે લઇ પાર્ટ ટાઈમ નોકરી કરી ને ભણે? જો દેવ ને કંઈ થાય તો ઘરે તેના માતા,તેની ભાભી,તેના ભત્રીજાઓને કેટલું દુઃખ થાય? દેવ ની આંખમાંથી આંસુ નીકળી આવે છે. આ જૉઈ ભાનુપ્રતાપ સહેજ ઠંડો પડે છે? અને દેવ ને પૂછે છે કે દેવ ની આ હાલત કોણે કરી? શું કામ કરી? પણ દેવ કંઈ જવાબ આપતો નથી.

પછી ભાનુપ્રતાપ તેનો મિત્ર જે ડોક્ટર છે, તેને બોલાવી પૂછે છે કે, દેવ ને હોસ્પિટલ માં થી રજા ક્યારે મળશે? ડોક્ટર કહે છે કે હજી તે ભાન માં આવ્યો છે,પણ ઘણો અશક્ત છે, તેથી હજી ૧ અઠવાડિયું તેણે હોસ્પિટલ માં રહેવું પડશે. ડોક્ટર જાય છે, ભાનુપ્રતાપ દેવ ને પૂછે છે કે મિતાલી સાથે તેને શું સંબંધ છે? દેવ કહે છે કે મિતાલી તેની ખાસ મિત્ર છે. ભાનુપ્રતાપ તેને ફરી પૂછે છે કે આ સંબંધ માં મિત્રતા થી વિશેષ તો કશું નથીને? દેવ કહે છે કે ના મિત્રતા થી વધારે કંઈ નથી. ભાનુપ્રતાપ ફરી પૂછે છે કે કંઈ વિશેષ હોય, તો ડર્યા વગર દેવ કહે,ગભરાવાની જરૂર નથી પણ દેવ કંઈ જવાબ આપતો નથી. એ સમયે જ ભાનુપ્રતાપ ના મોબાઈલ પર મરાઠે નો ફોન આવે છે, ભાનુપ્રતાપ દેવ ના રૂમ ની બહાર આવે છે. મરાઠે કહે છે કે મનન,નયન અને માયા ના વાલીઓ ભાનુપ્રતાપ સાથે વાત કરવા માંગે છે, એક મિટિંગ રાખવા ઈચ્છે છે.

ભાનુપ્રતાપ મરાઠે ને પૂછે છે કે મનન,નયન અને માયા ને તો તે મારી સામે પોલીસ જીપ માં બેસાડેલા,પછી તે લોકોએ કંઈ સ્વીકાર કર્યું કે નહિ? અને દેવ ની આ હાલત કરવામાં તેમનો કેટલો ફાળો છે અને શું કામ તેઓએ દેવ ની આ હાલત કરી ? મરાઠે તેનો કોઈ જવાબ ન આપતા ખાલી એટલું જ કહે છે કે ૨ દિવસ પછી રવિવારે સવારે ૧૦ વાગે DSP ઓફિસ માં મિટિંગ છે ,અને ફોન કટ કરે છે. ભાનુપ્રતાપ તરત જ રઘુ ને ફોન કરે છે, પૂછે છે, આ મિટિંગ નો મામલો શું છે? રઘુ એ આ સમય દરમિયાન ઘણી માહિતી મેળવી હોય છે એટલે રઘુ જવાબ દે છે કે માયા ના પિતા ધારાસભ્ય, મનન ના પિતા મોટા ગજા ના શેરદલાલ અને નયન ના પિતા મોટા ઉદ્યોગપતિ છે, અને મનન અને નયને અમુક ગુંડાઓનો સાથ લઇ દેવ ની આ હાલત કરી છે. મનન,નયન અને માયા ના વાલીઓને ખબર પડી કે તમે બિહારની રાજ્ય સરકાર માં મઁત્રી છો, અને દેવ તમારો ભાઈ છે,એટલે તમારી સાથે સમાધાન કરી ,તમે પોલીસ ફરિયાદ પાછી ખેંચી લ્યો, તે માટે મિટિંગ રાખી છે. મરાઠેએ મનન, નયન અને માયા ને પણ છોડી દીધા છે. ભાનુપ્રતાપ ને ગુસ્સો આવે છે, અને તે તરત જ મુંબઈ પાછો જવા નીકળે છે. મિટિંગ ૨ દિવસ પછી રાખીને વાલીઓએ ભૂલ કરી તે હવે ખબર પડશે.

એ જ રાત્રે ભાનુપ્રતાપ મુંબઈ પહોંચી પોતાના માણસો સાથે મિટિંગ કરે છે. બધાનો સુર એવો નીકળે છે કે દેવ ની મિતાલી સાથેની મિત્રતા મનન,નયન અને મિતાલી ને પસંદ ન આવી, અને તેઓની નજરે દેવ એક સામાન્ય છોકરો, એટલે તેઓએ દેવ ને ખોખરો કર્યો. ભાનુપ્રતાપ કહે છે કે મનન, નયન અને માયા પોતે ખમતીધર મા-બાપ ના સંતાનો હોવાથી તેમને કોઈ એવો હક નથી મળી જતો કે તેઓ કોઈ સામાન્ય યુવાન ને આ રીતે મારે, અને પોલીસ પણ આ કિસ્સા માં ન્યાય નથી કરી રહી. ભાનુપ્રતાપ એમ પણ વિચારે છે કે વાતચીત કે મિટિંગ દ્વારા જ જો ઉકેલ લાવવાનો હોય, તો દેવ ને મારતા પહેલા એ વિકલ્પ કેમ વિચારવામાં ન આવ્યો? તે નિર્ણય લે છે, પોતાના પાસેના માણસો માં થી ૫ જણ ને દેવ ની સુરક્ષા માટે પુના મોકલે છે, અને બાકીના માણસો ને આદેશ આપે છે કે મનન અને નયન ને ગોતી તેમના હાડકા ભાંગી નાખવામાં આવે. પછી તે મરાઠે ને ફોન કરી કહે છે કે પોતે રવિવારે ૧૦ વાગે સમાધાન માટે મિટિંગ માં પહોંચી જશે.(આખરે ભાનુપ્રતાપ રાજકારણી ખરોને!)
**************************************************************************

પ્રિય વાચકો, તમને આ નવલકથા કેવી લાગે છે, તે મને મારા નઁબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર whattsup પર જણાવવા વિનંતી, તમારા કંઈ સૂચનો હોય , નવલકથા આગળ કેવા વળાંકો લે, તો તે પણ જણાવવા વિનંતી.