Mother Express - 1 in Gujarati Adventure Stories by Kamlesh K Joshi books and stories PDF | મધર એક્સપ્રેસ - 1

Featured Books
Categories
Share

મધર એક્સપ્રેસ - 1

મધર એક્સપ્રેસ

પ્રકરણ-૧

એક સાંધ્ય દૈનિકના પહેલા પાને મોટા અક્ષરે છપાયેલા સમાચારે સુનિતાને ફફડાવી મૂકી. "જામનગર અને હાપા વચ્ચે, સાંજની સાડા છની લોકલ ટ્રેન હેઠળ કચડાઇ જવાથી મોતને ભેટતો નવયુવાન." ધડકતા હૈયે સુનિતાએ આખી સ્ટોરી વાંચી. ભીતરે ભય સળવળતો હતો. "ક્યાંક આ નીતિન તો નહીં હોય ને?" મૃતદેહના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. કોઈ વિશેષ ઓળખ પોલીસને તાત્કાલિક તપાસમાં સાંપડી ન હતી. ઝીણવટભરી તપાસ ચાલુ હતી. આખી સ્ટોરી સુનિતાએ બે વખત વાંચી લીધી.

મમ્મી દરવાજા પાસે ઓટલે બેઠી-બેઠી બાજુવાળા કાન્તામાસી સાથે રોજના નિયમ મુજબ વાતો કરતી હતી. સુનિતા ફટાફટ જીન્સ ટી-શર્ટ પહેરીને બહાર આવી સ્કૂટી ફળિયા બહાર કાઢતી બોલી, "મમ્મી હું બેંકના ફોર્મ માટે સાયબર કાફેમાં જાઉં છું." સેકંડોમાં તો સ્કૂટી દોડવા લાગ્યું. અંબર ટોકીઝ પાસેથી ગુલાબનગર પાસે ડાબી બાજુ વળાંક લેતી સ્કૂટીની ઝડપ કરતા અત્યારે સુનિતાના દિમાગમાં ચાલતા વિચારોની ઝડપ વધુ હતી.

ગઈકાલે સાંજે છ વાગ્યે નીતિનનો ફોન હતો. બહુ ગભરાટ ભર્યા અવાજે એણે કહ્યું હતું, "સુની.. બહુ મોટી બબાલ થઈ ગઈ છે." એના અવાજમાં ઝીણું રુદન અને ધ્રુજારી હતી. "પ્લીઝ હેલ્પ મી. મારે ભાગી જવું પડશે અને કાં મરી જવું પડશે. આ કમીનાઓ મને છોડશે નહીં."

"પણ તું વાત તો કર કે થયું છે શું?"

"સુની.. ફોન પર નહીં. ગુલાબનગરથી આગળ જતાં પુલનો ઢાળિયો ઉતરતાં ટ્રેનના પાટાથી થોડે દૂર સ્મશાનની પાછળ હું છુપાયો છું. તું જલદી આવ.. અને હાં.. સાથે બસો-પાંચસો રૂપિયા પણ લેતી આવજે. પ્લીઝ સુની... મને બચાવી લે. હહ..હહ..હહ.." એના રડવા સાથે જ એનો ફોન કટ થયો હતો.

નીતિન સુનિતાનો મિત્ર હતો. પોતાના ઘરથી બે સોસાયટી દૂર આનંદનગરમાં રહેતો હતો. સુનિતાની ફ્રેન્ડ રત્ના નીતિનના ઘર સામે જ રહેતી હતી. સુનિતાએ વાર-તહેવારે નીતિનના ઘરે જઈ ઘરનાઓ સાથે પણ ઘરોબો કેળવી લીધો હતો. નીતિનના ઘરમાં આમ તો નાની બહેન અને વિધવા મા બે જ જણાં હતાં. ઘરની જવાબદારી આમ તો નીતિન પર જ, પણ છોકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે મા-બહેન પારકાં કામ, સીવણ - ગૂંથણ દ્વારા ઘરનો પચાસ ટકા બોજ ઉપાડી લેતા.

આ બધું યાદ કરતી સુનિતાએ ઢાળિયા પાસેથી સ્કૂટીનો વળાંક લીધો. સામે જ સ્મશાનની દિવાલ દેખાતી હતી. સુનિતાના મનમાં ઉચાટ હતો. નીતિનનો ફોન તો ગઈકાલે આવ્યો હતો અને પોતે છેક આજે અહીં આવી હતી. ચોવીસ કલાક વીતી ગયા પછી. ક્યાંક સાંધ્ય દૈનિકમાં વાંચેલા સમાચાર નીતિનના તો નહીં હોય ને! સુનિતાનું દિમાગ વધુ સક્રિય બન્યું. થોડે દૂર ટ્રેનના પાટા દેખાતા હતા. સ્મશાનની દિવાલ પાસે પહોંચતા જ સુનિતાથી આપોઆપ સ્કૂટીની સ્પીડ ઘટી ગઈ. બે પોલીસવાળા ખાખી વર્દી, કાળા બૂટ, માથે ટોપી અને ટૂંકા વાળ, એક ઊગતો જુવાન અને બીજો થોડી ફાંદવાળો પિસ્તાલીસ વટાવી ગયેલો જમાદાર, કશુંક ઝીણવટથી નિરીક્ષણ કરતા ઊભા હતા. બાજુમાં સાદા પોશાક પહેરેલો આસપાસના રહેવાસી જેવો એક સામાન્ય માણસ ઊભો હતો. એ ત્રણેય પણ અચાનક આ તરફ આવતી આ છોકરીને જોઈ ચોંક્યા હતા. રંગેરૂપે સુનીતા સુંદર હતી. એકવડિયુ શરીર, ઊંચી હાઇટ, લાંબા વાળ. પણ ના સ્વભાવે એ બીકણ નહીં, ફોરવર્ડ હતી. ઘરના સુદૃઢ ઉછેરને કારણે એ એવી સબળા થઈ ગઈ હતી કે કોઈ એને અબળા સમજવાની ભૂલ કરે તો એનું જડબું તોડી નાખતા પણ એને આવડતું હતું. આમ તો સોસાયટીથી શરૂ કરી છેક કોલેજના પ્યૂન, ક્લાર્ક અને પ્રોફેસરો સુધી સુનિતાની ધાક પ્રસરેલી હતી. પણ અત્યારે સામે પોલીસ વાળાઓને જોઈ તેનું હૃદય પણ એક ધબકારો ચૂકી ગયું. કારણકે અત્યારે તેને નીતિનની ચિંતા વધુ હતી.

હવે શું કરવું? સુનિતા મૂંઝાઈ ગઈ. ગાડી ઉભી રાખવી કે બહુ સહજતાથી પસાર થઈ જવું? સુનિતાના સતેજ દિમાગમાં અહીં પોલીસની હાજરી અને તપાસની પ્રક્રિયા જોતા કશુંક અસાધારણ બન્યું હોવાની શંકાઓ સળવળવા લાગી. એકલી છોકરી અત્યારે આ તરફ કયાંથી અને શા માટે? આવો વિચાર પેલા ત્રણેયને એક સાથે આવ્યો. શું આ પોતાના બોયફ્રેન્ડને મળવા જતી હશે કે આટલામાં કોઈ અસામાજિક સેટીંગ ચાલતું હશે કે પેલા ટ્રેન નીચે કચડાયેલા અજાણ્યા યુવાન સાથે આને કંઈ સંબંધ હશે?

આ ત્રીજો વિચાર આવતા જ મોટી ઉંમરના ફાંદવાળા ફોજદાર સુખદેવ સિંહે સુનિતાના માર્ગ તરફ આગળ વધતા હાથ ઊંચો કર્યો. જુનિયર કોન્સ્ટેબલ વિક્રમ રાણા તેમની પાછળ ગયો. પેલા ત્રીજા વ્યક્તિ તુલસીભાઈ ડાંગર આ આખી સરકારી પ્રક્રિયાને સહેજ અણગમા સાથે જોઈ રહ્યા. તુલસીભાઈ એટલે આ સ્મશાનના ચોકીદાર કમ ક્લાર્ક કમ ફર્નેશ ઓપરેટર હતા. ગઈકાલ મોડી સાંજથી અત્યાર સુધીની પોલીસ તપાસના તે એક માત્ર સાક્ષી હતા.

અહીંથી દોઢ કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર ટ્રેન નીચે કોઈ યુવાન ગઈકાલે કચડાઈ મર્યો હતો. અહીંથી હાપા પાંચ કિલોમીટર દૂર હતું અને જામનગર રેલવે સ્ટેશન ત્રણ, સાડા ત્રણ કિલોમીટર દૂર. આપઘાત કે અકસ્માતનો આ બનાવ કંઈ પહેલવહેલો ન હતો. તુલસીભાઈ કારખાનાની નોકરી છોડીને અહીં આવ્યા એને અઢાર મહિના થયા હતા. અઢાર મહિનામાં આ ચોથો બનાવ હતો. આમ તો તુલસીભાઈને ફાવટ આવી ગઈ હતી, બધું રૂટિન લાગવા માંડ્યું હતું. પણ ગઈકાલના કેસમાં એક ભેદી બાબત બની હતી, જેના સાક્ષી માત્ર તુલસીભાઈ જ હતા. વાત જોકે સામાન્ય હતી. ગઈકાલે સાંજે તુલસીભાઈએ કૂતરાઓને વારંવાર આ તરફ ભસતા સાંભળ્યા હતા. તેમને વિચિત્ર તો લાગ્યું. થોડીવાર તો તેમણે અવગણ્યું પણ જ્યારે કૂતરાઓને જાણે પગ પર કોઈએ લાકડી મારી હોય તેમ બૂમો પાડતા ભાગતા જોયા ત્યારે તેમના મગજમાં શંકાનો કીડો ચોક્કસ સળવળેલો. સહેજ ડોકુ કાઢી "કોણ છે?" એવી બૂમ પણ તેમણે પાડી હતી. અને તરત જ બે શખ્સોને એકબીજાને પકડવા માટે ભાગતા જોયા હતા. તુલસીભાઈને આ બધું વિચિત્ર તો લાગ્યું જ હતું પણ "હશે કોઈ લુખ્ખા દારૂડિયાઓ" એમ વિચારી તેઓ ત્યારે ફરી ઓફિસમાં ચાલ્યા ગયા હતા. જો કે આ વાત તુલસીભાઈએ હજુ પોલીસને જણાવી ન હતી. એ નાહકની લપમાં પડવા નહોતા માગતા.

"લાયસન્સ બતાવ." સુનિતાએ સ્કૂટી ઊભી રાખીને અણગમા સાથે સુખદેવ સિંહ સામે જોયું એટલે સુખદેવ સિંહે રુઆબભેર પૂછ્યું. પોલીસના આ પ્રશ્નથી સુનિતાને થોડી ગભરામણ થઈ. પોતે લાયસન્સ તો શું પાકીટ પણ સાથે નહોતી લાવી.

"સર.. લાયસન્સ તો નથી." અવાજમાં નરમાશ સાથે સુનિતા બોલી એટલે સુખદેવ સિંહ પોરસાયા. ત્યાં સુધીમાં વિક્રમ પણ એમની નજીક સરકી આવ્યો હતો. રૂપ તો હતું જ સુનિતા પાસે. સુખદેવ સિંહ જો હાજર ન હોત તો વિક્રમની ધડકતી છાતીના ધબકાર બેકાબૂ બની ગયા હોત. ખૂબ જ સંભાળીને એણે બહુ જ ઝડપી નજરે સુનિતાને અવલોકી લીધી. પાછળની સાઇડ લહેરાતા લાંબા વાળની એક લટ કપાળ પરથી થઇને તેના રૂપાળા ગાલ પર રમતી હતી. એ લટને કારણે સુનિતાની આંખ નશીલી લાગતી હતી. છાતી તરફ જતો ટીશર્ટનો વી શૅપ સહેજ વધુ ઉપસેલો હતો. સ્કૂટીની સીટ પર ટેકવેલ પગ, ચપોચપ ચોંટેલા જીન્સ પેન્ટને કારણે શારીરિક આકારોને અંકિત કરતા હતા. ભરેલા સાથળથી ગોઠણ અને પગની પાની સુધી બધું જ રસપ્રચુર, કામણગારુ, આકર્ષક અને અદભૂત લાગ્યું વિક્રમને. સામે ઉભેલી સુનિતા પણ બે જ ક્ષણમાં વિક્રમ સામે જોયા વિના એની ભીતરે મચેલા તોફાનનો અણસાર પામી ગઈ.

"તમારી પાસે ગાડીના કાગળિયા નથી, લાયસન્સ નથી, એ બધું જતું કરું તોય અત્યારે આ સમયે, આ તરફ આવવાનું કંઈ કારણ?" સુખદેવ સિંહે બહુ જ સાદો, વહીવટી પ્રશ્ન ઈમાનદારીથી પૂછ્યો. વિક્રમને આ વાકયથી પોતે ડ્યૂટી પર હોવાનું ભાન થયું અને વાતાવરણમાં પ્રસરેલું રોમાંચનું મોજું વિખેરાઈ ગયું.

"હું સ્મશાનમાં તપાસ કરવા જઈ રહી છું."

"શાની?" સુખદેવ સિંહે પૂછ્યું અને તુલસીભાઈ પણ તે ત્રણેયની નજીક આવ્યા.

"અમારે ત્યાં બે ઝાડ બહુ ઊંચા થઈ ગયા છે." બહુ ઝડપથી અને સહજતાથી સુનિતા બોલી ઉઠી. "જો સ્મશાનેથી કોઈ આવીને કાપી જતું હોય તો.."

સુખદેવસિંહે તુલસીભાઈ અને વિક્રમ પર નજર ફેરવી સુનિતા સામે જોયું. સુનિતા સમજી ગઈ કે વાત હજુ પોલીસવાળાના ગળે ઊતરી નથી. એટલે એણે આગળ ઉમેર્યુ, "હું અહીં જલારામ બાપાના મંદિરે હાપા દર્શન કરવા જતી હતી એટલે પપ્પાએ મને આ કામ પણ સોંપ્યું હતું."

"ક્યાં રહો છો?" સુખદેવ સિંહને સુનિતાની વાતમાં વિશ્વાસ બેસતો ન હતો. નક્કી આ છોકરીનું કંઈક લફરું હોવું જોઈએ. આટલામાં જ ક્યાંક એનો બોયફ્રેન્ડ હોવો જોઈએ, એવી આશંકા એમના મગજમાં રમતી હતી. અથવા પેલી ટ્રેનવાળી ઘટનામાં આ ક્યાંક સંડોવાયેલી હોવી જોઈએ, એવો વિચાર પણ એક વખત તેમને આવ્યો. જો કે તેઓ જાણતા હતા કે સુનિતાને બે-પાંચ પ્રશ્નો પૂછવા સિવાય તે બીજું કંઈ કરી શકવાના નથી. ખાલી ખોટાં બેક પ્રશ્નો એમણે શરૂ કર્યા. પરંતુ સુનિતાના મનમાં ઘમાસાણ મચી ગયું હતું. પોતે ગાંધીગ્રામમાં રહે છે એમ કહે અને બે-પાંચ, પંદર દિવસમાં નીતિનની લાશ ઓળખાય, ત્યાંથી પોલીસ નીતિનના ઘેર આનંદ નગર પહોંચે, ત્યાંથી રત્ના આગળ અને ત્યાંથી પોતાના સુધી તપાસ પહોંચે તો? બીજી બાજુ જો એ ખોટું એડ્રેસ કહે અને ધીરે-ધીરે તપાસ એના ઘર સુધી પહોંચે ત્યારે? ક્યાંક પોતે અહીં આવીને જિંદગીની બહુ મોટી ભૂલ તો નથી કરી નાખી ને? વિચારવાનો સમય ન હતો. માનસિક વિચારોથી ઉપસતા ભીતરી ભાવો ચહેરાની અંગભંગિમાઓમાં વ્યક્ત થવા માંડે એ પહેલાં જ સુનિતા બોલી, "ગાંધી ગ્રામ."

"નામ?" સુખદેવ સિંહનો બીજો સાદો સીધો પ્રશ્ન.

"સુનિતા."

"પપ્પાનું નામ?"

"ઘનશ્યામભાઈ." અણગમા સાથે બોલી સુનિતાએ તરત જ સામેથી કહ્યું, "સાહેબ, હવે મારે મોડું થાય છે. આપને વધુ કંઈ જાણવું હોય તો મારા પપ્પાને આપ કહો ત્યારે પોલીસ સ્ટેશને મોકલી આપીશ.

નિર્દોષ છોકરીની જેમ ગભરાટ ભર્યા સ્વરે સુનિતા બોલી છતાં સુખદેવ સિંહને લાગ્યું કે કંઇક ખૂટે તો છે જ. પણ છતાં એમણે તુલસીભાઈ ડાંગર તરફ ફરી સુનિતાને કહ્યું, "આ રહ્યા સ્મશાનના સંચાલક. તમે એમને જ ઝાડ કાપવા અંગે પૂછી જુઓ અને જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા ફરો." સુનિતાએ તુલસીભાઈ સામે જોયું.

"બેન, ઝાડ તો અમારો કાલી કાપી જશે, પણ તમારા પપ્પાને કહેજો ને કે કાલ સવારે અમારા કાલીને મળી જાય." બહુ જ વ્યવહારિક રીતે તુલસીભાઈ બોલ્યા એટલે સુનિતાને સહેજ રાહત થઈ. પોતે ખરેખર સાચી છે એવું જતાવવા એણે ફરી પૂછ્યું, "ઝાડ કાપવાનો કેટલો ચાર્જ થશે?" આ પૂછતી વખતે તેણે પોતાની આંખો તુલસીભાઈ પર કેન્દ્રિત રાખી. ભૂલથી પણ પેલા બંને પોલીસ વાળાઓ પર નજર ન જાય તેની તકેદારી રાખી.

"બેટા, કાલ તમારા પપ્પાને મોકલજો ને બધી વાત પતી જશે. ઝાડ કાપવાનો કોઈ ચાર્જ હોતો નથી. ખાલી ચા-પાણી પાઓ એટલે પત્યું. અને ઝાડના લાકડાં સ્મશાનના કામમાં આપી દેવાના હોં." તુલસીભાઈ વાત પૂરી કરતા બોલ્યા.

"ભલે, હું મારા પપ્પાને મોકલીશ." કહી સુનિતાએ સ્કૂટીનું હૅન્ડલ સહેજ વાળ્યું અને કીક તરફ પગ લંબાવ્યો એટલે સુખદેવ સિંહે છેલ્લી ટકોર કરી. "બીજી વખત ગાડીના કાગળિયાં અને લાયસન્સ સાથે રાખજો. ચાલ વિક્રમ.." કહી તેઓ ખસ્યા અને સુનિતાએ ગાડી ભગાવી મૂકી.

વિક્રમ ક્યાંય સુધી ચોરનજરે એ હુશ્નપરીને જતી જોઈ રહ્યો. પાછળથી દેખાતી એની એકસરખી પીઠ જાણે વિક્રમને પડકારતી હતી, આહ્વાન આપતી હતી. "અરે આ શું?" વિક્રમને આશ્ચર્ય થયું. તેણે જોયું કે સુનિતાએ સ્કૂટીની કીક મારી જમણી તરફનો વળાંક લીધો. તે વિચારવા લાગ્યો. "જો તેણે કહ્યું એમ તે જલારામ મંદિરે જ જવાની હોય તો તો તેણે ડાબી તરફનો વળાંક લેવો જોઈતો હતો, પણ આ જમણી તરફ તો એ આપઘાત ઝોનના ટ્રેનના પાટા જ આવે." અને ફરી તેના મગજમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો.

ખૂબ ગભરાટ સાથે નીતિનના કોઈ સમાચાર વિના પાછી ફરેલી સુનીતાથી અરીસા સામે હાથ-મોં લૂછતી વખતે ડૂસકું મૂકાઈ ગયું. તે મનોમન વિચારવા લાગી. “ગઈકાલે જ હું ત્યાં કેમ ન ગઈ? નીતિન ખરેખર મુશ્કેલીમાં હતો. એનો જીવ જોખમમાં હતો. કોઈ એની પાછળ પડ્યું હતું. એને લાગતું હતું કે એ હવે એને છોડશે નહીં. એ ક્યાંક ભાગી છૂટવા માંગતો હતો. એને પૈસાની જરૂર હતી. એ સ્મશાન પાસે હતો. ઢળતી સાંજે.. એ સ્મશાન પાસે હતો. એ ત્યાં કેવી રીતે પહોંચ્યો હશે? શું એ ત્યાં છુપાઇને બેઠો હશે? એનો પીછો કરનારા કોણ હશે? શું એ લોકોએ એને પકડી પાડ્યો હશે? કે નીતિન ભાગી છૂટવામાં સફળ થયો હશે? આવા અનેક પ્રશ્નો સુનિતાને ઘેરી વળ્યા હતા. ફોન કટ થયો ત્યારે તો એ રીતસર રડતો જ હતો. એણે મારા પર ભરોસો કરી મને ફોન કર્યો અને હું ત્યાં જઈ જ ન શકી. હું માત્ર એની સુખની જ સાથી? દુઃખની નહીં? જો નીતિનને કંઈ થયું હશે ને તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.”

ગઈકાલ સાંજે અને આજે સવારે પણ સુનિતાએ નીતિનને ફોન કરવાની, તેની સાથે વાત કરવાની ઘણી ટ્રાય કરી. પરંતુ જ્યારે કશી જાણકારી ન મળી ત્યારે એ ખુદ જ સ્મશાને આંટો મારવા નીકળી ગઈ હતી અને ત્યાં પેલા પોલીસ વાળાઓ ભટકાઈ ગયા હતા. નીતિનનું પ્રકરણ તેને હજુ રહસ્યમય લાગતું હતું. કંઇક ખતરનાક બનવાનું હોય અને નીતિન પોતાની તરફ આશાભરી મીટ માંડી જોતો હોય એવું વારંવાર સુનિતાને દેખાતું હતું.

રાત્રે દશેક વાગ્યે સુનિતાનો મોબાઈલ રણક્યો. નીતિનના ઘર સામે જ રહેતી પોતાની ફ્રેન્ડ રત્નાનો ફોન હતો.

“સુની.. બેડ ન્યુઝ છે. નીતિન એક્સપાયર્ડ થઇ ગયો.”

“હેં..? ના હોય..” સહેજ બૂમ પડી ગઈ સુનિતાથી.

“ગઈકાલે ટ્રેન નીચે ચગદાઈ ગયો. આવતીકાલે સવારે એની સ્મશાન યાત્રા છે. સવારે તું આવ એટલે આપણે સાથે જ માસી પાસે જઈએ.” ફોન પૂરો થતાં જ સુનિતા સેટી પર ફસડાઈ પડી. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. નીતિનનો સાદો-સીધો હસમુખો ચહેરો એની આંખ સામે ઉપસી આવ્યો. મધ્યમ બાંધો, ગરીબડું મોં, તગતગતી આંખો અને સપનાઓનો પાર નહીં. સુનિતા ઓશીકામાં મોં છુપાવી રડતી રહી. ક્યારે એને ઊંઘ ચડી ગઈ એની એને ખબર જ ન રહી.

સવારે રત્નાના ઘર પાસે સુનિતાએ સ્કૂટી પાર્ક કર્યું ત્યારે જરાક જ દૂર સામેના મકાન પાસે લોકોનું ટોળું ઊભું હતું. ગળા ફરતે અને ખભે ટુવાલ લટકાવી અહીં તહીં ફરતા અને ઉભેલા પુરૂષોના ચહેરા પર માયૂસીની સાથે કુતૂહલ પણ હતું.

"આવ સુની." રત્નાએ સુનિતાને આવકારી. બંને બહેનપણીઓ રત્નાના ઘરમાં પ્રવેશી. પાછળની તરફની દાદર ચઢી બંને ઉપરના રૂમમાં ગયા. "ગજબ થઈ ગઈ." રત્નાએ સીધી જ વાત શરૂ કરી. "ગઈકાલ નહીં ને પરમદિવસે નીતિન ટ્યુશન કરાવવા ગયો. ત્યાંથી પછી પાછો જ ના ફર્યો. એની મમ્મી અને નાની બહેનની હાલત તો તું જોઈ જ ના શકે એવી થઈ ગઈ છે." શ્વાસ લેવા પૂરતું રત્ના અટકી. બારીમાંથી નીતિનનું ઘર દેખાતું હતું. તેના ફળિયામાં કોઈ લાલ રંગની માટલીમાં સળગતાં છાણાં ગોઠવી રહ્યું હતું.

"આખી રાત એની મમ્મી, બહેન અને સોસાયટીના બેક ફૅમિલીએ નીતિનની શોધખોળ ચલાવી. અમારે ઘેર પણ પૂછી ગયા અને સવારે પોલીસને જાણ કરી. તો પોલીસે મોડી રાત્રે પેલા ટ્રેનમાં કચડાયેલા છોકરાની ઓળખ માટે નીતિનના મમ્મી ને બેનને બોલાવ્યા. સુની, એ લાશ નીતિનની જ નીકળી. આખી સોસાયટીમાં હાહાકાર મચી ગયો." આ સાંભળી સુનિતાથી ફરી ડૂસકું મૂકાઈ ગયું.

"એક વાત કહું રત્ના.." સુનિતાએ સંભાળીને વાક્ય બોલ્યું. "મને નીતિનનો ફોન આવેલો. પરમ દિવસે જ સાંજે."

"શું વાત કરે છે? એ જ સમયે તો એણે આપઘાત કર્યો." રત્ના આઘાત અને ચિંતા મિશ્રિત સ્વરે બોલી.

"હા, આપઘાત પહેલા એનો ફોન મને આવેલો. એ ઉતાવળમાં હતો. કોઈ એની પાછળ પડ્યું હતું. પેલા સ્મશાન પાછળ ક્યાંક એ છૂપાયો હતો. એણે ઝડપથી મને ત્યાં પૈસા લઈને આવવા કહ્યું." સુનિતાથી બોલતા બોલતા ફરી ડૂસકું મૂકાઈ ગયું.

"પછી તે ફોન પર નીતિનને શું કહ્યું?" રત્નાએ ફરી વાત સંભાળતાં પૂછ્યું.

"હું કશું બોલું એ પહેલા તો એણે ફોન કાપી નાખ્યો."

રત્નાની મુખમુદ્રા ગંભીર બની. "તો શું નીતિનની હત્યા થઈ હશે?" એણે સુનિતાની આંખમાં આંખ પરોવીને પૂછ્યું. "શું નીતિનનો પીછો કરનારા લોકો સ્મશાને પહોંચી ગયા હશે? તે લોકોએ નીતિનને મારીને તેની લાશ રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી હશે!" બંને બહેનપણીઓને ચિંતા, ભય અને ખુન્નસભરી લાગણીઓ ઘેરી વળી હતી. થોડી વારે સુનિતા બોલી. "હું તે દિવસે તો ન જઈ શકી પણ ગઈકાલે સાંજે સ્મશાને ગયેલી. ત્યાં પોલીસ તપાસ ચાલી રહી હતી. મને ત્યાં જતી જોઈને પોલીસ વાળાઓએ મારી પણ ઊલટ તપાસ કરી." સુનિતાના અવાજમાં થડકો હતો.

"પછી તે શું કહ્યું પોલીસ વાળાઓને?" રત્નાએ ધ્રૂજતા અવાજે પૂછ્યું.

"મેં તો ઝાડ કાપવાનું બહાનું બતાવી, સ્મશાનેથી જો કોઈ ઝાડ કાપવા આવતું હોય તો હું તપાસ કરવા આવી છું એવું કહી જેમ તેમ ત્યાંથી છટકી ગઈ. પણ છતાંય મારું નામ, સરનામું તો એ લોકોએ પૂછીને લખી જ લીધું છે." સુનિતાએ ગભરાટ સાથે જવાબ આપ્યો.

"જોજે સુની.. સાવચેતી રાખજે. ક્યાંક મોટાં કાવતરાંમાં ફસાઈ ન જતી." રત્નાને લાગ્યું કે નક્કી કંઈ મોટું કાવતરું કે મોટી ગરબડ છે. થોડું વિચારી એણે સુનિતાને કહ્યું, "એક કામ કરજે. અત્યારે આપણે માસી પાસે જઈ આવીએ પછી તું સીધી ઘરે જ ચાલી જા. હમણાં આ બાજુ ફરકતી પણ નહીં. ક્યાંય કશી જરૂર હશે તો હું તને ફોન કરીશ અથવા તારા ઘરે આવીશ. અને હા.. આ ફોન વાળી વાત તો કોઈ કરતાં કોઈને કરતી જ નહીં, ભૂલથી પણ નહીં." બંને ઉચક જીવે દાદર ઉતરી નીતિનના ઘર તરફ ચાલવા લાગ્યા. નીતિનના ઘરમાં હવે રોકકળનો અવાજ વધવા લાગ્યો હતો. નીતિનની લાશને નનામી પર મૂકી સ્મશાને લઈ જવાઈ રહી હતી. સુનિતાની આંખે ચોધાર આંસુ વહેવા લાગ્યા.

============