“દિલ”ની કટાર.....
“લોકડાઉનની બલિહારી ક્યાંક થાય દિવાળી ક્યાંક ત્રાસદી...
થયાં જેવા ક્વોરોન્ટાઇન રોજ રોજ જાણે ઉજવે વેલેન્ટાઈન...”
લોકડાઉનને કારણે ઘેર ઘેર પરિવર્તનનો પવન ફૂંકાયો. જે નર સવારથી સાંજ સુધી નવરો નહોતો પડતો એ સાવ નવરો થઈ ગયો. એમાં વધું હાસ્ય થોડી તકરાર થોડો કરુણ રસ પણ છવાયો..
હાસ્યરસનો ફુવારો માણીએ મમરાવીએ...
પ્રસંગ:1
વર ઉવાચ: અરે વહાલી હું તને રોજ જોતો પણ આજે સાચી નજર તારાં મીઠાં ચહેરા પર ગઈ. તું તો મારી ખૂબ ગમતી ફટાકડી આલિયા જેવી લાગે છે.
ઘરવાળીનો જવાબ: આહાહા..આજેતો કંઇક વધુજ ખુશ લાગો છો..સવાર સવારમાં ઠઠાડ્યું છે કે શું? હું હોઈશ આલિયા જેવી પણ તમારાં ટાલિયાનો કંઈ ઈલાજ કરો.
પ્રસંગ:2
ઘરવાળી : આ ઘરમાં છો ત્યારથી સવાર બપોર સાંજ ખા ખા કરો છો..તમારું પેટ જુઓ જાણે પારનેરાનો ડુંગર..
હવે જરા ઉભા થવાની તસ્દી લો સ્ટોરરૂમમાં ભરાયો છે એ કાઢો ઉંદર..
પ્રસંગ 3:
ઘરવાળી : સવાર સાંજ ધાબે ચઢીને આખો વખત દૂરબીન લઇ શું તાક્યા કરો છો?
ઘરવાળો : અરે કંઈ નહીં..યાર..આતો કોયલ, ચકલી, મેના, બુલબુલ, મોર બધાં પક્ષીઓ જોઉં છું.
ઘરવાળીનો અકળાઈને જવાબ: બધી સ્ત્રીલિંગ તો મોર કેમ ? ઢેલ કહેવી હતીને? મને સમજાવ્યા વિના સીધા રહેજો.. મને બધી ખબર પડે છે..કઈ ચકલી ને કઈ કોયલ...કોઈ ગીધ જોઈ ગયો ત્યારે કબૂતર બનાવી દેશે...તમને પરણી ત્યારે બધાં સાચું જ બોલતાં હતાં કે કાગડો દહીંથરુ લઈ ગયો. તોય હજી બાધા મારવામાંથી ઊંચા નથી આવતાં. લાવો દૂરબીન...
જ્યારે ઘણાં ઘરમાં રોજ વેલેન્ટાઈન ઉજવાતું હશે. જે દંપતિઓને નોકરી વ્યયસાયમાંથી સમય નહોતો મળતો..પ્રેમના બે બોલ માટે તરસતાને જાણે લોટરી લાગી ગઈ.હવે લોકડાઉનમાં પ્રેમ પ્રેમ રમે છે અને પ્રેમ લૂંટે લૂંટાવે છે. ના ઉઠવાની ઉતાવળ ના સુવાનો નક્કી સમય બસ મસ્તી જ નિજાનંદની મસ્તી...
લોકડાઉનમાં કોઈકને ફસાઈ ગયાની લાગણી..ક્યારે બહાર નિકળાશે? ચાર દિવારમાં ક્યાં સુધી કેદીની જેમ ગોંઘાઈ રહેવું પડશે? હતું એટલું પૂરું થઈ ગયું..બીજું લાવવું ક્યાંથી? શોખીન જીવડાં તડપડી રહયાં છે..વિડિઓ અને સમાચાર જોઈ જોઈ કંટાળ્યા છે..ચાઈનાને મન ફાવેએમ ભાંડી રહયાં છે...
ક્યારેય આટલો બધો સમય સાથેને સાથે રહયાં નહોતાં હવે બળજબરીથી રહેવાનું થયું એટલે બધાં ગુણદોષ સામે આવે છે..દરેક વાતમાં ટિક ટિક અને ટોકવાનું થાય છે.
મેનકા લાગતી ભાર્યા એકદમ તાડકા લાગે છે.આકર્ષણ ક્યારે ઘર્ષણમાં પરિવર્તિત થઈ ગયું ખબર જ ના પડી. બોલા અબોલામાં ફેરવાઈ ગયાં.
જેનો ડોળો કાયમ બહારને બહાર રહેતો એ ભડ હવે ઘરમાં ડોલો ઉચકતો થઈ ગયો છે. અંદરથી હુકમ છૂટે છે..” હવે થોડીવાર ટીવી બંધ કરો અને આટલાં કપડાં બોળી નાંખો.. હું એકલી તો કેટલું કરું? કામવાળી ને આરામ તમને આરામ હું જ છું જે અખોવખત વૈતરાં કર્યા કરું છું. થાવ ઉભા.. ટીવી હોલવો હવે... જુઓ પેલાં જતીનભાઈ વાસણ કપડાં બધું કરે છે....
સામે જવાબ: તો એને જ બોલાવી લે હું પગાર આપી દઈશ..મારાથી નહીં થાય હું મેનેજર છું ક્લાર્ક નહીં એની જેમ..
“ વાહ..મેનેજર પણ અત્યારે ડેમેજર છો કરો કામમાં મદદ નહીતો...જમવા પણ નહીં મળે..કેન્ટીનમાંથી મંગાવી લેજો આવેતો...
આમ મારી સામે ઘુરકિયા શું કાઢો છો? ગલીમાં ઘણાં છે...રાત્રે સુવા પણ નથી દેતાં... તમે સાટું ના વાળો..
એટલે શું કહેવા માંગે? હું..... અરે કંઈ નહીં તમારાથી શેકયો પાપડે નહીં ભંગાય છોડો.. તમારી માં એ કંઈ શીખવ્યું જ નથી..
ક્યાંક પારેવડા પ્રેમનાં બધાં કામમાં હાથ બટાવે છે..રોટલી ગોળ વણાય કે ચોરસ કે પછી અમીબા જેવી પણ જાડી પાતળી વણી મદદ કરવા મથે છે અને આનંદ લૂંટે છે. એક એક પળ પ્રેમની સાથ માણીને લૂંટે છે. તું રોજ આટલું બધું કામ કરતી હતી? હું તો કામે નીકળી જઉં પણ. તું આમ એકલી કેટલું કામ કરે? તારાં હાથ જો..એમ કહી હથેળીમાં હાથ લઈ ચૂમી લે છે..પ્રેમ જતાવે છે સંભાળ લઈશ એવું મૌન રાખી કહી દે છે....
ક્યાંક મનોરંજન પણ થાય છે.....
પતિ ઉવાચ: હવે મને ખબર પડી તરું... કે હું આવું એ કરતાં પણ રામલો આવે તું કેમ વધું ખુશ થતી...તારું કામ એ કરી લેતો..રામલાનાં નસીબ છે...જાઓને આવું શું બોલો છો? સહુથી વધુ આનંદ તમારાં આગમનનો હોય છે..મારો પિયુ ઘર આવ્યો. પણ હવે પિયુ ઘરે ને ઘરેજ ...
આમ લોકડાઉનમાં પણ પ્રતીતિ થઈ છે કે...ઘેર ઘેર માટીનાં ચૂલા...ના ના ઘેર ઘેર સળગતા ચૂલા...ક્યાંક પ્રેમથી પરોવાતાં પારેવડાંનાં આંગણા...
જયાં પ્રસરે પ્રેમની ફોરમ..
ત્યાં છે લાગણીનાં ફુવારા..
પ્રેમનાં ઘૂંટરઘુનાં સવાંદ છે તો
ક્યાંક બુચકારાં..
સલામત રહે લોકડાઉનમાં પ્રેમથી સબંધ મધુરા.
દક્ષેશ ઇનામદાર.”દિલ”..