" અત્યારે કોનો ફોન હશે?" વહેલી સવારે, ચાર વાગ્યાની આસપાસ મોબાઈલ ની રીંગ ના અવાજે, જાણે ઉપરાઉપરી તીર ભોંકાતા હોય તેમ, કાળજું કંપાવી દીધું. નિમેશ ને ફાળ પડી ગઈ. આટલો વહેલો ફોન આમતો આવે જ નહીં. પણ, ફોન આવે તો ઘરે થી જ હોય એવું બને. એવું જ થયું. મોટાભાઈ નો ફોન, છસ્સો કિલોમીટર દૂરથી. મોટાભાઈ નો ફોન હતો. નિમેશ ને એ ત્રણ ભાઈઓ. નીમેશ ઘરમાં સૌથી નાનો. એને હંમેશા ઘરથી દૂર રહેવાનું જ થયું. નોકરી નું સ્થળ વતનથી લગભગ છસ્સોએક કિલોમીટર દૂર.
ફોનની રીંગથી, અચાનક વહેલી સવારે, ગભરામણનાં ભાવ સાથે વિચારોના વંટોળ ઉમટી પડ્યા. વિચિત્ર અને અસહ્ય અટકળો સાથે મનમાં ' પપ્પા!' શબ્દ આવી ગયો અને એણે ફોન ઉપાડ્યો. નિમેશની પત્નીનાં પણ એવા જ હાલ. ભયભીત, પણ અડગ સાથી ની જેમ બાજુમાં જઈ ને ઉભી રહી ગઈ. એને પણ પરિસ્થિતી ની સમજ આવી જ ગઈ હશે! નીમેશ માટે આવો અણધાર્યો રાત્રીનાં રણકી ઉઠતો પ્રથમ ફોન હશે, એની પત્ની માટે નહીં.
"નીમેશ!" મોટાભાઈનો અવાજ કાને પડ્યો. "નીમેશ, સાંભળ, પપ્પા!, પપ્પા નથી રહ્યા." પરિસ્થિતિ સંભાળવી પડે તેમ હતી. મન મજબૂત રાખવાનો પ્રયત્ન પણ કરવો પડે તેમ હતો. બધી કોશિષ છતાંય, અસંખ્ય તીર વાગવાથી ભીષ્મ પિતામહ ધરાશાયી થયાં, એમ નીમેશ, એકદમ અવાક ને શૂન્ય, બાજુમાંની ખુરસી પર ધસડાઈ પડ્યો. પત્ની નો હાથ સ્નેહ ને સાંત્વના પ્રસરાવતો રહ્યો. ફોન ચાલુ હતો. "મોડી રાતે છાતીમાં દુખાવો શરૂ થયો, એમ્બ્યુલન્સ બોલાવી, પણ હોસ્પિટલ સુધી ન પહોંચી શક્યા." મજબૂત મન રાખી એક એક શબ્દ, મોટાભાઈએ ટૂંકમાં પણ સ્પષ્ટ રીતે રજૂ કરી દીધા; "..જે થવાનું હતું તે થઈ ગયું છે. ચિંતા કર્યા વગર ઘરે આવી જા. ઉતાવળ નહીં કરતો, પણ વહેલો પહોંચવા પ્રયત્ન કરજે." મોટાભાઈના શબ્દોએ નિમેશને છસ્સોએક કિલોમીટર કાર ચલાવાય એવી હિમ્મત ભરી દીધી ને બીજી બાજુએ નિમેશની પત્ની એ પરિસ્થિતિ ને સંભાળી, માનસિક હિમ્મત પુરી પાડી દીધી. એનેય ખબર હતી કે બહુ કિલોમીટર સુધી નિમેશને કાર ચલાવવાની છે. જીવનસાથી નો સાથ ,આવા સમયે, ભવસાગર તરી જવા સક્ષમ હોય એવી અનુભૂતિ ચોક્કસ કરાવી જાય; જો લાગણી ના સૂર સંભળાય તો! નિમેશના જીવનના એવા ઘણા પ્રસંગોમાં એની પત્નીએ એને તૂટવા નહીં દીધો હોય. આજે પણ એવું જ. કાર ઘર તરફ ચાલતી રહી. અઢળક આશ્ચર્ય! સફર ના મધ્યમાં જ નીમેશ ની પત્નીનું પિયર નું ગામ. ત્યાં એના કુટુંબી જનો મળવા આવ્યા. ને એનો ભાઈ તો કાર માં જ સાથે આવવા તૈયાર. નીમેશ ની આવી પરિસ્થિતિ માં કાર ચલાવવા માં ટેકો થઈ જાય!
કાર ચાલતી રહી, પોતે જ ચલાવી; પણ તેના હૃદયમાં 'પપ્પા, મારા પપ્પા! એક જ શબ્દ ગુંજયા કરતા હતા. નીમેશ, ત્રણ ભાઈઓમાં સૌથી નાનો અને સૌથી વહાલો. નિમેશના અંતઃમનમાં ભૂતકાળના સંસ્મરણો, પપ્પા સાથે થયેલ સંવાદ, સુખદ- દુઃખદ ઘટનાઓ; એક પછી એક તરવરતા રહ્યા ને કાર પુરપાટ રસ્તો ઓળંગતી રહી; ને સાથે એની પત્ની, તાકાત ને હિમ્મત બનીને અડગ સાથી- જીવનસાથી.
"પપ્પા!" શબ્દ મન-હૃદય ની ઘણી બધી સ્મૃતિઓને ઉલેચવા લાગ્યો. નાની-મોટી ઘટનાઓ હોય કે ફરવા જવાનું હોય એટલે પપ્પાનો ફોન નીમેશ પર આવી જાય, "વેકેશનમાં શુ આયોજન છે?" થોડા દિવસ પૂર્વે જ ફોન હતો. એમની ઈચ્છા હતી કે આ વખત ની રજાઓ માં રામેશ્વરમ મંદિરે દર્શને જવાની ઈચ્છા છે, પણ શરીર માં હજુ તાકાત નથી જણાતી. નિમેશે આરામ કરવાની સલાહ આપતા જણાવેલું, " તબિયત સારી નથી તો પછીની રજાઓમાં જવાશે, પહેલા થોડો આરામ કરી તાજા-માઝા થઈ જાવ." પણ રાહ જોવાનો પહેલેથી સ્વભાવ જ નહીં એના પપ્પાનો; રામેશ્વરમ નહીં તો સીધા વૈકુંઠની વાટે ચાલ્યા.
નિમેશનું મન પૂરપાટ ઝડપે દોડ્યા જ કર્યું, કારની ઝડપ પણ કાંઈ ઓછી નહોતી. છસ્સો કિલોમીટર નું અંતર, ને મોટાભાઈની ' સાચવીને કાર ચલાવજે' એવી સૂચના, અને હૃદયમાં ઝીણું, પણ ધારદાર એવું સ્મૃતિઓ ઉથલાવતું દ્રાવક ને કરુણ સંગીત, ને સાથોસાથ પત્નીના સાથ-સહકારની સુમુધુર હૃદયસ્પર્શી, મનને ભીંજવી જતી સંગીતમય અસર. પણ મનમાં દુઃખનો ભાવ- "પપ્પાની ઈચ્છાઓ, સપનાઓ!", ઘરથી-પપ્પાથી આટલું દૂર હોવાની તેમજ આવા કપરા સમયે નજીક ન હોવાનો ભાવ.
વિધિ પૂરી થઈ. પંદર દિવસ જેવું પસાર થયું. કુટુમ્બના સર્વો ને આશ્વાસન આપી નોકરીના સ્થળ વાળા ઘરે પરત ફર્યા. દરેક કાર્ય, પરિસ્થિતિ માં નીમેશ ની પત્ની ઉષ્મા ભરી હિમ્મત આપતી રહી; છતાંય, નિમેશના હૃદયમાં " પપ્પાની ઈચ્છાઓ-સપનાઓ!' ને એમના છેલ્લાં સમયે, એમનો વ્હાલસોયો પુત્ર એમની સાથે ન હોવાનો ભાવ સળવળતો રહ્યો. બહુ દિવસ સુધી આ બધા ભાવ મન માં જ મથામણ કરતા રહ્યા, બહાર ન નીકળ્યા ને જ્યારે નીકળ્યાં તો....!
નિમેશની પ્રેમાળ, લાગણીશીલ ને વ્યવહારુ પત્નીના એક પ્રત્યુતરે જાણે હૃદયે બાંધેલા મહેલને એક જ ઝાટકે ધરાશાયી કરી દીધો, જેમ ધરતીકંપ ના એક નાનાં ઝર્ક થી ખખડધજ થયેલી જૂની ઇમારત જેમ કડળભુસ થઈને પડે તેમ! એ જરૂરી ન હોવા છતાં નવી ઇમારત ની નીવ નંખાઈ એ માટે સારું જ થયું. નિમેશની પત્ની, એના મમ્મી-પપ્પાની ખૂબ લાડલી, ઘરમાં સૌની લાડલી. એણે એના પપ્પાને બે વર્ષ ને મમ્મીને પાંચેક વર્ષ પહેલાં ગુમાવેલ. " તમને યાદ છે? મારાં મમ્મીની બહુ ઈચ્છા હતી..., આપણાં ઘરે થોડા દિવસ માટે રોકવા આવવાની..; એમના મૃત્યુના બેએક મહિના પહેલાજ...!! યાદ છે? ઘણી વાર મમ્મીએ ઈચ્છા વ્યક્ત કરી, કહ્યું,, પૂછ્યું પણ..; પણ....!"
ને..,નીમેશ અવાક...તેની પત્નીની આંખમાં છુપાયેલા આંસુને - હૃદયનાં ભાવને - વેદનાને જોઈ રહ્યો..! જોઈ રહ્યો - સાવ અવાક...!
-- કે. વ્યાસ
વાંચકનો અભિપ્રાય વાર્તા અને વાર્તાકાર માટે હૂંફ અને હિંમત આપનાર તેમજ દિશાસૂચક હોય છે.