ચાર વાગ્યાની આસપાસ અમારી સવારી ઉપડી નખી તળાવ જોવા. નખી તળાવ અમારી હોટેલથી વોકિંગ ડિસ્ટન્સ પર જ હતું. લગભગ ચાર વાગ્યાની આસપાસ અમે નખી તળાવ પહોંચ્યા.
નખી તળાવ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. તે ભારતનું પહેલું માનવનિર્મિત તળાવ છે. તેની ઊંડાઈ લગભગ 11000 મીટર છે. હિલસ્ટેશનની મધ્યમાં સ્થિત પર્વતો, હરિયાળી, વિચિત્ર પ્રકારના ખડકો, નાળિયેરી, અનેક પ્રકારના ફૂલોથી ઘરાયેલ નખી તળાવને માઉન્ટ આબુનું દિલ કહીશ તો જરાય અતિશયોક્તિ નથી.
તળાવમાં બોટીંગ કરવાનો લાભ લીધા જેવો છે. અમે નખી તળાવના સૌંદર્યને પૂરેપૂરું માણવા માટે પેદલ બોટ દ્વારા સામ કાંઠે જવાનું નક્કી કર્યું. જ્યારે તળાવના સ્વચ્છ, વાદળી અને શાંત પાણીમાંથી પસાર થતા હોય,ત્યારે માઉન્ટ આબુનું જીવન તમારી નજર સામે ઉભરેલું જોવાનું ખૂબ જ આનંદકારક છે. તળાવની વચ્ચે ફાઉન્ટેન ગોઠવેલ છે. જેનું પાણી વીસેક ફૂટ ઊંચે જાય છે. ઠંડા પવનને લીધે તેની વાછટ આજુબાજુ ફેલાય છે. એ વાછટમાં ભીંજાવાની મજા પણ આહલાદક હતી.
અમે હવે તળાવની સામેના કાંઠે પહોંચવા જ આવ્યા હતા. પાછળ છૂટેલા ફુવારા તરફ નજર કરતા અમારી વિરુદ્ધ બાજુએથી તેના પર સૂર્યપ્રકાશ પડતો હતો. પાણીના ટીપા પ્રિઝમ તરીકે વર્તીને મેઘધનુષ્યની રચના કરતા હતા. આ મેઘધનુષ્ય પર સૌથી પહેલી નજર મારી પડી. મેં આંગળી ચીંધીને બધાને બતાવવાનો પ્રયત્ન કર્યો. હિત મારી બાજુમાં જ બેઠો હતો,પણ તેને સરખું ના દેખાયું. એટલે મેં એને મારી જગ્યા પરથી જોવાનું કહ્યું. અક્ષય મને વચ્ચેથી અટકાવતા બોલ્યો "એલા !વિજ્ઞાન ભણ્યો કે નહીં,મેઘધનુષ્ય બધી બાજુથી દેખાય" મેં તેને મેઘધનુષ્ય પાછળનું વૈજ્ઞાનીક કારણ સમજાવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો પણ તેને મને કહ્યું " મારે 10thમાં વિજ્ઞાનમાં 90માર્ક હતા બકા" પછી મેં જીભાજોડી કરવાનું ટાળ્યું. હવે અમે બોટમાંથી ઉતરીને સામાકાંઠે પહોંચી ગયા. નિલનું ધ્યાન તે જ ફુવારા પર પડ્યું તેને અક્ષયને કહ્યું "જો એય જાડીયા, અહીંથી મેઘધનુષ્ય નથી દેખાતું" હવે મેં આમ થવા પાછળનું કારણ સમજાવ્યું. મેઘધનુષ્યની દશ્યતા એ આપણા સ્થાન અને આપણી દ્રષ્ટિએ તેની સાથે બનાવેલ ખૂણા પર આધાર રાખે છે. એટલે જ બધી જગ્યાએથી સરખું મેઘધનુષ્ય નહી દેખાય અને જાડીયાને હળવો ટોન્ટ પણ માર્યો" તું વિજ્ઞાન ભણ્યો, 90માર્ક પણ લાવ્યો ખરો, પણ ગણ્યો નહી..."
અમારી જગ્યા પરથી એક વિશાળ દેડકો પાણીમાં કૂદકો મારી રહ્યો હોય તેવો પથ્થર દેખાતો હતો. તેને 'ટોડ રોક' તરીકે ઓળખવામાં આવે છે. અઢીસો જેટલા પગથિયાં ચડીને ત્યાં જઈ શકાય. પરંતુ તેના કેટલાક ભાગમાં દાદરા તૂટી ગયા છે તેવું જણાવામાં આવ્યું તેથી અમે ત્યાં જવાનું માંડી વાળ્યું.
હવે નખી તળાવથી આગળ એક જોવાલાયક પોઈન્ટ હતો. હનીમૂન પોઈન્ટ. હનીમૂન પોઈન્ટ પહોંચવા માટે ફરજીયાત 200 મીટર જેટલું ચાલવું પડે એમ હતું. આ માર્ગમાં ઢોળાવ વાળો અને બાજુમાં છીછરી ખીણ અને એક બાજુ પર્વતો આવતા હતા. અમે સાડા-પાંચ વાગ્યાની આસપાસ હનીમુન પોઈન્ટ પહોંચ્યા. સાંકડી લોંખડની ડેલીનું પ્રવેશદ્વાર હતું. તેની આગળ એકદમ પડતર જમીન, ઝાડના કપાયેલા ઠુઠા અને સૂકા પાંદડાની વચ્ચે જમીનનો ભાગ ભાગ્યે જ જોવા મળતો હતો. એ સિવાય મુલાકાતીઓ એ ફેંકેલો કચરો અલગથી...આટલી ગંદકી વચ્ચે આદિવાસીઓનું ટોળું ત્યાં બુફેમાં ભોજન કરી રહ્યું હતું. એ પણ ડિસપોઝેબલ વાસણમાં જે ભોજન કરીને ત્યાં જમીન પર જ ફેંકતા હતા.
અમે એ ટોળાને ચીરીને હનીમૂન પોઇન્ટની ટોચ પર પહોંચ્યા. તેની ઉંચાઈ સમુદ્ર સપાટીથી 4000 ફૂટ છે. તેનું નામ હનીમૂન પોઈન્ટ પડયું કારણ કે ત્યાં એક પુરુષ અને સ્ત્રીની જેમ બે પથ્થરોની હાજરી છે. આખા દિવસની મુસાફરી પછી હનીમૂન પોઈન્ટ જોવા માટે એક આદર્શ સ્થળ માનવામાં આબે છે. તે ફોટોગ્રાફી અને પેનેરોમાં માટે લોકપ્રિય છે.
બે કપલ્સ પણ અમારી સાથે જ હનીમૂન પોઇન્ટનો નજારો માણી રહ્યા હતા. બન્ને કપલ્સની બે-ત્રણ વર્ષની છોકરીઓ પણ સાથે હતી. જે હજી સરખું બોલતા પણ નહીં શીખી હોય. ચોકલેટની લાલચ આપીને તે લોકો છોકરીઓ પાસે પોઝ અપાવીને તેના ક્યૂટ ફોટાઓ કેમેરામાં કેદ કરી રહ્યા હતા. તે દરમિયાન જ એક છોકરીના નાક માંથી સફેદ ચીકણું પ્રવાહી વહી આવ્યું. તેની મમ્મીને નજરે ચડતા તે લુછવા આવી એટલામાં છોકરીએ મમ્મીના હાથમાં રહેલ ફોન જટવાની કોશિશ કરી. પરંતુ મમ્મીએ ફોનની જગ્યાએ ચોકલેટ પકડાવી દીધી. હવે કપલ્સમાંની લેડીઝ ફોટા અને સેલ્ફી પડાવી રહી હતી અને બંને બે-ત્રણ વર્ષની છોકરીઓ તેના પપ્પાના ફોનમાં કેન્ડીક્રશ ગેમ્સ રમી રહી હતી.
પ્રકૃતિને પ્રેમ કરવાનો મતલબ ખાલી પંખીઓના ફોટા મુકવા, ફુલોની કવિતા લખવી કે પર્વતો ચઢવા એટલું જ નહીં. પ્રકૃતિનો પ્રેમ એટલે પ્રાકૃતિક રીતે વિચારવું, અનુભવવું અને જીવવું તે. નદીના કિનારે બેસવાથી પારદર્શક અને પ્રવાહી નથજ બની જવાતું. ઝાડને અડવાથી ગુણકારી અને ઉપયોગી નથી થઈ જવાતું. પ્રકૃતિ તમારી અંદર જીવવી જોઈએ, તમે પ્રકૃતિમાં નહી !
વધુ આગળના ભાગમાં.....
***************************************
Hope you guys enjoying...
પ્રિય વાંચકમિત્રો, આગળના અંતિમભાગમાં આપણે સનસેટ પોઈન્ટ જોવાનો બાકી રહી ગયો છે.
-સચિન