A Living Chattel - 8 in Gujarati Classic Stories by Siddharth Chhaya books and stories PDF | જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૮)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૮)

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ

ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા

ભાગ - ૮

આ ઘટનાના લગભગ દસ દિવસ બાદ, એક સવારે મોડા ઉઠ્યા બાદ તે વરંડામાં ગયો અને તેણે જે દ્રશ્ય જોયું તેનાથી તે ચોંકી ઉઠ્યો, તેને ધ્રુજારી છૂટી ગઈ અને અત્યંત ગુસ્સે થઇ ગયો. સામેની વિલાના વરંડામાં બંને ફ્રેંચ મહિલાઓની વચ્ચે લીઝા ઉભી હતી. તે જાણેકે પોતાની તરફ જોઇને એમ કહી રહી હતી કે પેલો દુષ્ટ અને આપખુદ વ્યક્તિ જાગી ગયો છે, એવો વિચાર ગ્રોહોલ્સકીને આવ્યો. ઇવાન પેત્રોવીચ બાંય વગરના શર્ટ સાથે વરંડામાં ઉભો હતો અને તેણે ઈઝાબેલાને ઉપાડીને હવામાં ફેંકી, પછી ફેનીને અને પછી લીઝાને. જ્યારે તેણે લીઝાને ઉપાડી ત્યારે ગ્રોહોલ્સકીને લાગ્યું કે તેણે પહેલા એને પોતાના શરીર સાથે દબાવી હતી. લીઝાએ પણ પોતાનો એક પગ ઉછાળીને પાળી પર મૂક્યો હતો. ઓહ! આ સ્ત્રીઓ! અત્યંત ગૂઢ હોય છે, દરેક સ્ત્રીઓ!

જ્યારે લીઝા પોતાના પતિના ઘરેથી પરત થઇ અને જાણેકે કશુંજ બન્યું નથી તેમ દોડીને પોતાના બેડરૂમમાં જતી રહી, ગ્રોહોલ્સકી આ જોઇને અત્યંત દુઃખી થઇ ગયો, ઢીલો પડી ગયો અને એવું લાગી રહ્યું હતું કે કોઈ માણસ પોતાનો છેલ્લો શ્વાસ લેતા નિસાસા નાખી રહ્યો છે.

લીઝાને જોવાની સાથેજ તે ઉભો થયો અને તેના બેડરૂમ તરફ ગયો.

“એટલે તને એવું બધુંજ ગમે છે બરોબરને?” તેણે ડરામણા અવાજથી કહ્યું. “હા એમજ! મને બહુ આનંદ થયો! આ અત્યંત અદભુત છે મેડમ! ખરેખર તો યાદગાર કહી શકાય! હા એમ જ છે!”

લીઝા ગભરાઈ ગઈ અને સ્વાભાવિક રીતે રડવા લાગી. જ્યારે કોઇપણ સ્ત્રીને એવું લાગે છે કે તે સાચી છે ત્યારે તે વઢે છે અને પછી રડવા લાગે છે; જ્યારે તેમને ખબર હોય છે કે તેઓ વાંકમાં છે ત્યારે તેઓ માત્ર રડતી હોય છે.

“તું પેલી જાનવરોના સ્તર સુધી ઉતરી ગઈ! આ... આ... આ... અનુચિત હોવા કરતાં પણ વધુ નીચલું સ્તર છે! તને ખબર પણ છે એ લોકો કોણ છે? તેઓ રખાતો છે! વેશ્યાઓ છે! અને તું એક સન્માનીય સ્ત્રી હોવા છતાં ત્યાં દોડી પડી.... અને પેલો... પેલો! એને શું જોઈએ છીએ? એને મારા તરફથી હજી પણ શું જોઈએ છીએ? મને કશી જ ખબર નથી પડી રહી! મેં તેને મારી અડધી સંપત્તિ આપી દીધી, મેં તેને તેની યોગ્યતા કરતા પણ ઘણું બધું આપ્યું છે! તને પણ આ વાતની ખબર છે. મેં તેને એ આપ્યું છે જે મારી પાસે પણ ન હતું... મેં તેને મારી પાસે હતું એ લગભગ બધુંજ આપી દીધું છે...અને એ? તું એને વાન્યા કહીને બોલાવે છે એ પણ મેં સહન કરી લીધું, જો કે તેને આટલા બધા પ્રેમ પર કોઈજ હક્ક નથી. મેં રાત્રે જમ્યા બાદ તારી સાથે ચાલવાનું, તને ચુંબનો કરવાનું પણ ગુમાવ્યું... મેં બધું જ ગુમાવ્યું પરંતુ હવે હું વધુ સહન નહીં કરી શકું... હવે કાં તો એ કાં તો હું! કાં તો એ જતો રહે અથવા હું જતો રહું! હું હવે આ રીતે લાંબો સમય જીવવા માટે બિલકુલ તૈયાર નથી. તને પોતાને પણ ખબર પડે છે! કાં તો એ કાં તો હું... બસ હવે બહુ થયું! મારી સહનશક્તિનો બાંધ હવે ઉભરાઈ ગયો છે... મેં ખરેખર બહુ સહન કર્યું છે... હું તેની સાથે છેલ્લી વાર અત્યારે જ વાત કરીશ! ખરેખર એ શું છે? તેને શેનું અભિમાન છે? ખરેખર... તેની પાસે પોતાના વિષે ગૌરવ કરવાનું કોઈજ કારણ નથી...”

ગ્રોહોલ્સકીએ આ ઉપરાંત પણ ઘણી કઠે એવી, ડંખીલી વાતો કરી, પરંતુ તે “એ જ મીનીટે” ત્યાં ન ગયો; તેને થોડો ડર લાગ્યો અને થોડી શરમ પણ આવી... એ ઇવાન પેત્રોવીચ પાસે ત્રણ દિવસ બાદ ગયો.

જ્યારે તે એના ઘરમાં દાખલ થયો ત્યારે તેને જોઇને તેને ખૂબ આશ્ચર્ય થયું. તે બરગોવે પોતાના માટે એકઠી કરેલી અઢળક સંપત્તિ જોઇને અવાક થઇ ગયો! વેલ્વેટના પડદા, અત્યંત મોંઘી ખુરશીઓ... પગ મુકવાથી ડર લાગે એવી અમુલ્ય કાર્પેટ. ગ્રોહોલ્સકીએ અત્યારસુધીમાં અત્યંત શ્રીમંત વ્યક્તિઓને જોઈ હતી પરંતુ આ રીતે મોંઘીદાટ વસ્તુઓ એક સાથે એક જ જગ્યાએ ક્યારેય નહોતી જોઈ. તેણે આશ્ચર્યથી આ બધું જોયું અને તેને થોડી ધ્રુજારી પણ થઇ, તે ડ્રોઈંગરૂમમાં ગયો અહીં વિશાળ પિયાનો નજીક કેટલીક પ્લેટ પડી હતી જેમાં બ્રેડના ટુકડા હતા, ખુરશી પર કાચનો પ્યાલો પડ્યો હતો, ટેબલની નીચે એક બાસ્કેટ અને ગંદો રૂમાલ પડ્યો હતો... અખરોટના ખાલી ખોખા બારી પાસે વિખરાયેલા પડ્યા હતા. બગરોવ પણ તેના સામાન્ય વેશમાં ન હતો જ્યારે ગ્રોહોલ્સકી અંદર આવ્યો... તેનો ચહેરો લાલ હતો, માથાના વાળ અસ્તવ્યસ્ત હતા, તે રૂમમાં વસ્ત્રહીન અવસ્થામાં હતો, પોતાની સાથે વાત કરી રહ્યો હતો લગભગ ગુસ્સામાં હતો. મિશુત્કા ડ્રોઈંગરૂમના સોફા પર બેઠો હતો અને રૂમને હલબલાવી નાખે એ રીતે રડી રહ્યો હતો.

“આ અત્યંત પીડાદાયક છે ગ્રેગરી વેસીલીવીચ!” બગરોવે ગ્રોહોલ્સકીને જોતાની સાથે જ કહ્યું, “માંદગી છે, પુરેપુરી માંદગી... બેસ. હું અત્યારે આદમ અને ઈવના વેશમાં બેઠો છું એના માટે મને માફ કરજે... પણ આ ભયંકર બીમારી છે! મને એ ખબર નથી પડી રહી કે લોકો અહીં કેવી રીતે જીવી રહ્યા છે. મને ખરેખર ખબર નથી પડી રહી! નોકરો હુકમ આપ્યા અનુસાર કામ નાથી કરતા, વાતાવરણ ભયંકર છે... બધું જ અત્યંત મોંઘુ છે... અવાજ કરવાનો બંધ કર!” મિશુત્કાને વઢવાની સાથે બગરોવ થોડો સમય રોકાયો. “બંધ કર નાનકડા શૈતાન, બંધ કર! પણ તું નહીં સાંભળે મને ખબર છે.”

અને બગરોવે મિશુત્કાનો કાન ખેંચ્યો.

“આ કમકમાટી ઉપજાવે તેવું છે, ઇવાન પેત્રોવીચ,” ગ્રોહોલ્સકીએ રડમસ અવાજે કહ્યું. “તું એક નાનકડા બાળક સાથે આવો વ્યવહાર કેવી રીતે કરી શકે? ખરેખર તું એક... એક..”

“તો પછી એને રાડો પાડવાનું બંધ કરવાનું કહે... મૂંગો રહે, નહીં તો તેને હું મારીશ!”

“રડ નહીં મિશા... પાપા હવે તને ફરીથી અડશે પણ નહીં. અને તું એને મારીશ નહીં ઇવાન પેત્રોવીચ; અને એને મારવો પણ શા માટે જોઈએ? એ એક બાળક જ છે... તારા માટે એ નાનકડા ઘોડા જેવો જ છે... હું તને એક ઘોડો મોકલી આપીશ... તું ખરેખર નિષ્ઠુર છે...”

ગ્રોહોલ્સકી થોડો સમય રોકાયો અને પછી તેણે પૂછ્યું:

“અને તારી પેલી બંને સ્ત્રીઓ શું કરી રહી છે, ઇવાન પેત્રોવીચ?”

“જતી રહી. મેં એમને વિદાય આપ્યા વગર જ જતાં રહેવાનું કહ્યું. હું કદાચ તે બંનેને રાખી શક્યો હોત, પણ મને જરા વિચિત્ર લાગતું હતું... આ છોકરો મોટો થશે... એને એના પિતા વિષે કેવી લાગણી થાત... જો હું એકલો હોત તો વાત જરા જુદી હતી... આ ઉપરાંત તે બંનેને રાખીને પણ શો ફાયદો? હુહ... એકનો એક ચહેરો રોજ જોવાનો! હું એમની સાથે રશિયનમાં વાત કરું તે મને જવાબ ફ્રેન્ચમાં આપે. તેઓ મારી એક વાત પણ નહોતા સમજી શકતા. તમે એના મગજમાં એક સામાન્ય વાત પણ ઉતારી શકો.”

“હું તને કશું પૂછવા આવ્યો છું, ઇવાન પેત્રોવીચ, કેટલીક વાતો કરવી છે... હમમ.. ખાસ કશું નથી. પણ ફક્ત બે-ત્રણ વાતો... સાચું કહું તો મારે તારી મદદની જરૂર છે.”

“બોલને શું મદદ જોઈએ છીએ તારે?”

“શું તારા માટે એ શક્ય છે, ઇવાન પેત્રોવીચ કે તું અહીંથી જતો રહે? અમે ખૂબ રાજી થયા હતા જ્યારે તું અહીં આવ્યો હતો, અમે બંને એ બાબતે સહમત પણ થયા હતા, પણ હવે અસુવિધા લાગે છે... તને ખ્યાલ આવી જ ગયો હશે.. હું શું કહી રહ્યો છું એ તું સમજી શકે છે. આમ તો વિચિત્ર છે પણ આવા અનિશ્ચિત સંબંધોમાં આ પ્રકારની એકબીજા પ્રત્યેની વિચિત્ર ભાવના... આપણે અલગ થવું જોઈએ, અને એજ યોગ્ય રહેશે. મને આમ કહેવા બદલ માફ કરી દેજે, પણ... તું તારી જાતને જો, અને અલબત આ પ્રકારના સંજોગોમાં એકબીજાની આજુબાજુમાં રહેવું એ એકબીજાના જીવન પર અસર કરી શકે છે, કદાચ અસર ન પણ કરે તો પણ વિચિત્ર તો જરૂર લાગે છે...”

“હા... બરોબર છે. મેં પણ આમ જ વિચાર્યું હતું. સરસ. હું અહીંથી જતો રહીશ.”

“અમે બંને તારા અત્યંત આભારી રહીશું... મારો વિશ્વાસ કર ઇવાન પેત્રોવીચ. અમે તને ખૂબ યાદ કરીશું. જે પ્રકારનું બલીદાન તું આપી રહ્યો છે...”

“ખૂબ સરસ... પણ પછી મારે આ બધાનું શું કરવાનું? હું તો કહું છું કે તું મારું સઘળું ફર્નીચર ખરીદી લે. શું કહે છે? એટલું બધું મોંઘુ નથી, આઠ હજાર...દસ... આ ફર્નીચર, પેલી બગી અને પેલો વિશાળ પિયાનો...”

“બહુ સરસ... હું તને દસ હજાર આપીશ...”

“વાહ, આ બહુ મોટી રકમ છે! હું આવતીકાલે જતો રહીશ. હું મોસ્કો જઈશ. અહીં રહેવું હવે અશક્ય છે. બધુંજ સ્પષ્ટ થઇ ગયું છે! અત્યંત પીડા આપનારું છે. અને પૈસા તો જાણેકે ઉડવા જ લાગે છે. એક હજાર તો જાણેકે ચપટી વગાડતા જ ખર્ચ થઇ જાય છે! હું આ રીતે તો ન જ જીવી શકું. મારે એક સંતાન છે જેનો મારે ઉછેર કરવાનો છે... ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તું મારું ફર્નીચર ખરીદી રહ્યો છે. જો આટલા મારી પાસે ન હોત તો કદાચ હું દેવાળું ફૂંકી દેત.”

ગ્રોહોલ્સકી ઉભો થયો, બગરોવની વિદાય લીધી અને ખુશ થતો થતો પોતાને ઘરે ગયો. સાંજે તેણે તેને દસ હજાર રુબલ આપી દીધા.

બીજા દિવસે વહેલી સવારે બગરોવ અને મિશુત્કા ફેડોશીયા માટે રવાના થઇ ચૂક્યા હતા.

==:: અપૂર્ણ ::==