૧.કળિયુગનો અર્જુન
કુરુક્ષેત્રના મેદાન પર અર્જુન અને કૃષ્ણ ઉભા છે.આપણે સૌ કથા જાણીએ છીએ એ મુજબ અર્જુને પોતાની સામે સ્વજનો જોઈને હથિયાર હેઠા મૂકી દીધા છે.ભગવાન તેની સામે ગીતાનું ગાયન કરી રહ્યા છે.ત્યારે જરાક કલ્પના વિશ્વમાં વિહાર કરીને મારી વાતની શરૂઆત કરું છું.....
આજના જમાનાનો દસમા ધોરણમાં ત્રણેક વખત ફેલ થયેલો,જેને પક્ષીની આંખની સાથે બાજુમાંથી નીકળતી છોકરી,સામે પડેલું વિદેશી ભોજન,ઈર્ષ્યા કરી રહેલો દુર્યોધન આ બધું જ દેખાય છે એવો કોઈ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ સામે આવીને ઉભો છે.આવો અર્જુન કૃષ્ણને પૂછે છે કે,
"કૃષ્ણ એક વાત હજુ સાલી પચતી નથી."
કૃષ્ણ તરત જ પૂછે છે,"કઈ વાત?"
અર્જુન કહે છે,"આ તમે જે મોહમાયાની વાત કરી એ બધી મગજમાં બેઠી પણ સાલું સમજાતું એ નથી કે જો આ બધું જ નશ્વર હોય તો તમે કેમ આ બધા રસ લેવામાં કંઈ બાકી રાખ્યું નથી?તમે ન તો ગોપીઓને છોડી,ન તો માખણ છોડયું ને ન તો મામા કંસને છોડ્યો!તમે માત્ર ઉપદેશ જ આપો છો કે પછી...?"
કૃષ્ણને પણ ઘડીવારમાં તો મનમાં થઈ આવ્યું હશે કે આના કરતાં તો પેલો દ્વાપર યુગનો અર્જુન સારો હતો,આ કળિયુગનો ક્યાં આવ્યો?
કૃષ્ણ આવા અર્જુનના સારથી બન્યા એ બદલ પસ્તાવો કરતા હોય એમ બોલ્યા,"અર્જુન,તું ખરેખર નોટ છે.મારી વાત એમ છે કે તમે મોહમાયાના બંધનમાંથી છૂટી શકો એમ નથી.તમારે ને મારે બધાએ એ ભોગવવાનું જ છે.તારે પણ ઇન્દ્રિયોનો ભોગ કરવાનો છે....એટલે તો આપી છે...કંઈ સંન્યાસ લેવા થોડી આપી છે.પણ એ ઇન્દ્રિયોના ઉપભોગની તમને આદત ન પડવી જોઈએ.તમારે માનવમનરૂપી ઘોડાને વૈરાગ્યરૂપી ભાવની ચાબુકથી ફટકારતા રહેવાના છે."
હજુ કૃષ્ણ આગળ બોલે ત્યાં વચ્ચે અર્જુન બોલ્યો,"યાર,તમે પણ કરી છે હો ખરેખર!તમને પહેલા પણ કહેલું કે આ અલંકારિક ભાષા મારી સામે નહીં બોલવાની.તમારે સીધી રીતે સમજવું હોય તો ઠીક છે બાકી હું તો આ યુદ્ધે ચડું ને કામ પૂરું કરું."
વિસ્મયકારક ચહેરાની સાથે કૃષ્ણએ જવાબ આપ્યો કે,"તો સાંભળ અર્જુન!ટૂંકમાં અને સીધી ભાષામાં એટલું જ કે બધી ઇન્દ્રિયોનો ઉપયોગ માપમાં કરવો.જો એમાં જ આખો દિવસ રચ્યા પચ્યા રહ્યા તો મર્યા સમજો! સમજ્યો કે નહીં?"
અર્જુન સંતોષની લાગણી અનુભવતો હોય એમ બોલ્યો,"હા, હવે બરાબર.આમ બોલો તો કંઈક સમજાય!આભાર."
હવે કૃષ્ણએ બીજો ઉપદેશ આપવાનું જ માંડી વાળ્યું. તે દ્વાપરયુગના અર્જુનને યાદ કરતા હતા અને થોડી વારમાં ખબર આવી કે યુદ્ધ પૂરું થઈ ગયું.કારણ કે અર્જુને સીધા બધા પર બ્રહ્માસ્ત્ર જ છોડ્યા.સાલું પહેલા જ ઘામાં પૂરું!
હવે સમજવાનું આપણે છે કે હકીકતમાં કૃષ્ણ બદલ્યા છે કે અર્જુન?
૨. મારા બાપે કેમ પેદા કર્યો?
વાત ઇસ.૧૯૬૯ની છે.હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચન ને એ સમયે કોઈ ફીલ્મમાં કોઈ કામ મળતું નહોતું.આથી તે હવે કંટાળીને કોલકત્તા પાછા ફરવાનું વિચારી રહ્યા હતા.આવી નિરાશાજનક પરિસ્થિતિમાં તેઓ તેમના પિતા અને હિન્દી સાહિત્યનું એક મોટું નામ એવા હરિવંશરાય બચ્ચનને મળવા જાય છે અને ત્યારે અમિતાભ સાહેબ આવેશમાં આવી તેમના પિતાને પૂછે છે કે,"તમે મને પેદા જ કેમ કર્યો?પેદા જ ન કર્યો હોત તો આ ઝંઝટ જ ન થાત!"
ત્યારે તેમના પિતાએ ઉત્તર આપતા કહ્યું કે,"બેટા, મેં તને પેદા કર્યો એ કારણથી તું નિષ્ફળ નથી ગયો.એ તો જગતનો નિત્યક્રમ છે.આ દુનિયામાં કોઈને ખબર નથી હોતી કે તેમને તેમના બાપે કેમ પેદા કર્યા?મને મારા બાપે શા માટે જન્મ આપ્યો કે મારા બાપને એમના બાપે શા માટે જન્મ આપ્યો એ એમને પણ ખબર નથી."પછી તેમણે આગળ જે વાત કહી તે સફળતાનો મુળમંત્ર છે.આગળ તેમણે કહ્યું કે,
"જન્મ તો બધા જ લે છે અને બધાએ જન્મનું લક્ષ્ય પાર પાડવાનું હોય છે.જન્મ વખતે આસપાસ બે ત્રણ માણસો જ હોય છે પરંતુ મૃત્યુ વખતે આસપાસ આખું જૂથ ઉભું હોય તો સમજવું કે સફળતા મળી ગઈ."
બસ,આ વાત બચ્ચન સાહેબે મનમાં કોતરી લીધી અને આજે તેનું મુકામ આપણે સહુ જાણીએ જ છીએ.
(ક્રમશ:)