શ્રી ગણેશાય નમ:
કબિ ન હોઉઁ નહિ ચતુર કહાવઉઁ। મતિ અનુરૂપ રામ ગુન ગાવઉઁ।।
કહઁ રઘુપતિ કે ચરિત અપારા। કહઁ મતિ મોરિ નિરત સંસારા॥
પ્રભુ શ્રી રામનું ચરિત્ર અપાર છે અને હું તો સંસારમાં આસક્ત પામર મનુષ્ય છું, છતાં પોતાની બુદ્ધિ અનુસાર રામાયણ વિશે અગાઉ બે લેખ લખ્યા બાદ શ્રી રામચરિતમાનસ વિશે સંતના સ્વભાવ, ભગવાનના જન્મના કારણો વગેરે વિશે લખ્યા બાદ શ્રી રામ જન્મ વિશે લખવાની ઇચ્છા હતી. પરંતુ, આજના રામનવમીના પાવન પ્રસંગે થોડા પ્રભુ શ્રી રામ જન્મના ચરિત્રના ગુણ ગાઇએ. પ્રથમ તો બધાને રામનવમીના આ પાવન પ્રસંગની ખૂબ-ખૂબ શુભકામનાઓ….
શ્રીમદ્ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત રામાયણનું નામ ‘શ્રીરામચરિતમાનસ’ કેમ છે? તે બાબતે ગોસ્વામીજી લખે છે, “રચિ મહેસ નિજ માનસ રાખા। પાઇ સુસમઉ સિવા સમ ભાષા॥ તાતેં રામચરિતમાનસ બર। ધરેઉ નામ હિયઁ હેરિ હરિષ હર॥“ શ્રી મહાદેવજીએ આ ચરિતને રચીને પોતાના માનસમાં સંઘર્યુ હતું. શિવજીએ તેને પોતાના હૃદયમાં સંઘરાયેલું જોઇને આ ઉત્તમ ચરિતનું નામ ‘રામચરિતમાનસ’ એવું રાખ્યું છે.
ભગવાન તો પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે અને તેઓ દરેક કાર્ય નિમેષમાત્રમાં કરવા સક્ષમ છે. તેઓએ પૃથ્વી ઉપર અવતરવાની શું આવશ્યકતા છે? પરંતુ, જબ જબ હોઇ ધરમ કૈ હાની જ્યારે જ્યારે ધર્મનો હ્રાસ થાય છે અને બાઢ઼હિં અસુર અધમ અભિમાની એટલે કે જ્યારે નીચ અભિમાની રાક્ષસો વધી જાય છે. તબ તબ પ્રભુ ધરી બિબિધ સરિરા, હરહિં કૃપાનિધિ સજ્જન પિરા – ત્યારે ત્યારે કૃપાનિધાન પ્રભુ યથાયોગ્ય શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર જન્મ લે છે અને પૃથ્વી ઉપરના સજ્જનો અને ઋષિ મુનિઓને તેના દર્શન આપી પાવન કરે છે તથા તેઓના વર્ષોના તપનું પુણ્યફળ તેઓને સુલભ કરાવે છે. અહિં રાક્ષસ કે દાનવ એટલે કોણ? આપણે ટીવીમાં જોઇએ છીએ અને વાર્તાઓમાં જેનું વર્ણન વાંચીએ છીએ તેવા રંગે કાળા, શિંગળાવાળા, દેખાવમાં વિકરાળ લાગે તેવા પ્રાણીઓ એવું જ નહિં. આજના પરિપેક્ષ્યમાં જોઇએ તો, ગોસ્વામીજી કહે છે, બાઢે ખલ બહુ ચોર જુઆરા, જે લંપટ પરધન પરદારા, પારકું ધન અને પારકી સ્ત્રી પર જેની દ્રષ્ટી કે પ્રીતિ હોય તેવા દુષ્ટ, ચોર અને જુગારીઓ રાક્ષસ સમાન છે. આટલું જ નહિ માનહિં માતુ પિતા નહિં દેવા, સાધુન્હ સન કરવાવહિં સેવા એટલે કે જે વ્યક્તિ માતાપિતાને ભગવાન સ્વરૂપ નથી માનતા અને સાધુઓની સેવા કરવાને બદલે તેઓ પાસે સેવા કરાવતા હોય તેઓને પણ રાક્ષસ જ ગણવા.
ભગવાન શંકર અને બ્રહ્માજી પાસેથી હમ કાહૂ કે મરહિં ન મારેં, બાનર મનુજ જાતિ દુઇ બારેં – વાનર અને મનુષ્ય આ બે જાતિઓને છોડીને હું બીજા કોઈનો માર્યો ન મરું, તેવું અમોઘ વરદાન મેળવી રાવણ મનુષ્ય, દેવતા, નાગ, સિદ્ધ વગેરેને રંજાડવા લાગ્યો, ત્રણેય લોકને જીતવાના શરુ કરી દિધા, ધર્મનો હ્રાસ થવા લાગ્યો તથા ક્યાંય પણ બ્રહ્મભોજન, યજ્ઞ, હવન, શ્રાદ્ધ જેવા શુભ કાર્યો થઇ શકતા ન હતા. ધરતીને પર્વતો, જંગલો, સમુદ્રો વગેરેનો ભાર નથી લાગતો, પરંતુ પૃથ્વી પર જ્યારે અધર્મ અને અત્યાચાર વધે છે ત્યારે તેનો ભાર તે સહન કરી શક્તિ નથી. આવા સમયે પૃથ્વી ભયભીત અને વ્યાકુળ થઇ ગઇ અને ધેનુ રૂપ ધરિ હૃદયઁ બિચારી, ગઇ તહાઁ જહઁ સુર મુનિ ઝારી જ્યાં બધા દેવતાઓ અને મુનિઓ હતા ત્યાં ગાયનું રૂપ ધરીને ગઇ. ત્યાંથી બધા બ્રહ્માજી પાસે ગયા અને શિવજી સાથે પ્રભુને પ્રાર્થના કરી, ત્યારે ભગવાને પ્રસન્ન થઇને કહ્યું, અંસન્હ સહિત મનુજ અવતારા, લેહઉઁ દિનકર બંસ ઉદારા સૂર્યવંશમાં મારા અંશો સહિત મનુષ્યનો અવતાર લઇશ અને હરિહઉઁ સકલ ભૂમિ ગુરુઆઇ હું પૃથ્વીનો બધો ભાર હરી લઇશ.
રાવણ પણ મહાન તપસ્વી અને જ્ઞાની હતો. તેને પહેલેથી જ ખબર હતી કે, તેનું મૃત્યુ મનુષ્યના હાથે લખાયેલું છે. જેના સમર્થનમાં ગોસ્વામીજીએ લંકાકાંડમાં લખ્યું છે કે, જરત બિલોકેઉઁ જબહિં કપાલા ભગવાન શિવજીને પોતાના મસ્તક કાપીને ધરાવતી વખતે, બિધિ કે લિખે અંક નિજ ભાલા આમ તો આપણા લેખ આપણે વાંચી શકતા નથી, પરંતુ રાવણ એટલો પ્રકાંડ જ્ઞાની હતો કે પોતાના કાપેલા મસ્તકો ઉપર વિધિના લખેલા લેખ વાંચી શકતો હતો. લેખ શું લખેલા હતા? નર કેં કર આપન બધ બાઁચી મનુષ્યના હાથે પોતાનું મૃત્યુ થશે તેવું વાંચીને તે હસેઉઁ જાનિ બિધિ ગિરા અસાઁચી વિધાતાના લેખને અસત્ય જાણીને તે શઠ હસતો હતો. આવા રાવણના વધ માટે પ્રભુ શ્રી રામે જન્મ લેવો પડ્યો.
આ તો એક માત્ર કારણ હતું, બાકી રામ જન્મ કે હેતુ અનેકા, પરમ બિચિત્ર એક તેં એકા ભગવાન શ્રી રામના જન્મ લેવાના અનેક કારણો છે અને દરેક કારણો એકથી એક ચઢિયાતાં છે. ગોસ્વામી તુલસીદાસજીએ ભગવાન શ્રી રામના જન્મના પાંચ જેટલા કારણો વર્ણવેલા છે, તેની વિગતવાર ચર્ચા ફરી ક્યારેક કરીશું. આજે, રામનવમી નિમિતે ગોસ્વામી તુલસીદાસજી દ્વારા ભગવાન શ્રી રામ જન્મનું કરવામાં આવેલ વર્ણન જોઇએ.
પ્રભુ જન્મ સમયનું વર્ણન કરતા ગોસ્વામીજી લખે છે કે, જેવો શ્રી રામ ભગવાનના જન્મનો સમય નજીક આવ્યો, ધરતીને પાવન કરવા બ્રહ્મના પધારવાનો સમય થયો, રઘુકૂળ શિરોમણીનો પવિત્ર અયોધ્યાપુરીમાં અવતરવાનો સમય થયો, તે સમયે ધરતી પરની રજનો એક-એક કણ પુલકિત થઇ ગયો. જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભએ અનુકૂલ, ચર અરૂ અચર હર્ષજુત રામ જનમ સુખમૂલ યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ સર્વે અનુકૂળ થઇ ગયા અને જડ તથા ચેતન સર્વે આનંદમાં મગ્ન થઇ ગયા. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ હતી, માતા કૌશલ્યાનું ડાબું અંગ ફરકતું હતું, બપોરનો સમય થયો હતો, મંદ શીતળ અને સુગંધિત એવો ત્રિવિધ વાયુ વાતો હતો, ત્યારે અભિજિત નક્ષત્રમાં જગદાધાર પ્રભુનું પ્રાગટ્ય થયું. જન્મની સાથે મા કૌશલ્યાને પ્રભુના ચતુર્ભુજરૂપના દર્શન થયા અને માતાજીએ તેની સ્તુતિ કરી –
ભયે પ્રગટ કૃપાલા દીનદયાલા કૌસલ્યા હિતકારી।
હરષિત મહતારી મુતિ મન હારી અદ્ભુત રૂપ બિચારી॥
લોચન અભિરામા તનુ ઘનસ્યામા નિજ આયુધ ભુજ ચારી।
ભૂષન બનમાલા નયન બિસાલા સોભાસિંધુ ખરારી॥
હે દીનજનો ઉપર દયા કરનારા તથા કૌશલ્યાજીના હિતકારી એવા કૃપાળુ પ્રભુ પ્રગટ થયા. મુનિઓના મનને હરનારા તેવા પ્રભુના અદ્ભુત રૂપનો વિચાર કરીને મા કૌશલ્યાજી આનંદથી છલકાઇ ગયાં. ભગવાનનું શરીર નેત્રોને પરમાનંદ આપનાર મેઘ સમાન શ્યામ હતું. ચારેય ભુજાઓમાં પોતાના દિવ્ય આયુધ ધારણ કરેલા હતાં; પીતાંબર, આભૂષણ અને વનમાળા પહેરી હતી; નેત્રો મોટા-મોટાને નમણા હતા. આમ, શોભાના સમુદ્ર એવા તથા ખર રાક્ષસનો સંહાર કરનારા ભગવાન પ્રગટ થયા.
કહ દુઇ કર જોરી અસ્તુતિ તોરી કેહિ બિધિ કરૌં અનંતા।
માયા ગુન ગ્યાનાતીત અમાના બેદ પુરાન ભનંતા॥
કરુના સુખ સાગર સબ ગુન આગર જેહિ ગાવહિં શ્રુતિ સંતા।
સો મમ હિત લાગી જન અનુરાગી ભયઉ પ્રગટ શ્રીકંતા॥
બન્ને હાથ જોડીને માતા કહેવા લાગ્યા – હે અનંત સ્વરૂપ! હું કઇ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા, ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણરહિત કહે છે. શ્રુતિઓ અને સંતજન આપને દયા અને સુખના સાગર, સર્વે ગુણોના ધામ કહીને આપના ગુણોનું ગાન કરે છે, તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે આપ પ્રકટ થયા છો.
બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ બેદ કહૈ।
મમ ઉર સો બાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ થિર ન રહૈ॥
ઉપજા જબ ગ્યાના પ્રભુ મુસુકાના ચરિત બહુત બિધિ કીન્હ ચહૈ।
કહિ કથા સુહાઇ માતુ બુઝાઇ જેહિ પ્રકાર સુત પ્રેમ લહૈ॥
વેદ કહે છે કે તમારા પ્રત્યેક રુંવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ ભરેલા છે. એવા આપ મારા ગર્ભમાં રહ્યાં – આ હાંસીની વાત સાંભળતા જ ધીર અને વિવેકી પુરુષોની બુદ્ધિ પણ વિચલિત થઇ જાય છે. જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે પ્રભુએ મંદહાસ્ય કર્યું. તે ઘણી જાતનાં ચરિત્ર ઇચ્છે છે, એટલે તેમણે પૂર્વજન્મની મનુ અને શતરૂપા સ્વરૂપે માંગેલ વરદાનની સુંદર કથા કહીને માતાને સમજાવ્યાં; જેથી તેમને ભગવાનના પ્રતિ પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય.
માતા પુનિ બોલી સો મતિ ડોલી તજહુ તાત યહ રૂપા।
કીજૈ સિસુલીલા અતિ પ્રિયસીલા યહ સુખ પરમ અનૂપા॥
સુનિ બચન સુજાના રોદન ઠાના હોઇ બાલક સુરભૂપા।
યહ ચરિત જે ગાવહિં હરિપદ પાવહિં તે ન પરહિં ભવકૂપા॥
માતાની તે જ્ઞાન ઉત્પન્ન થયેલી બુદ્ધિ બદલાઈ ગઇ કારણ કે મનુ અને શતરૂપા સ્વરૂપે વરદાન માગતી વખતે મનુએ એવું માંગ્યું હતું કે, સુત બિષઇક તવ પદ રતિ હોઊ – હે પ્રભુ, આપના ચરણોમાં મારી તેવી જ પ્રીતિ થાય કે જેવી પુત્ર ઉપર પિતાની હોય છે, ત્યારે તે ફરીથી બોલ્યાં – હે તાત! આ રૂપ છોડીને અત્યંત પ્રિય બાળલીલા કરો, મારા માટે એ જ સુખ પરમ અનુપમ હશે. માતાના આ વચન સાંભળીને દેવતાઓના સ્વામી સુજ્ઞ ભગવાને બાળક રૂપ થઇ રોવાનું શરૂ કરી દીધું. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જે આ ચરિત્રનું ગાન કરે છે, તે હરિનું પદ પામે છે અને સંસારરૂપી કુવામાં પડતા નથી.
ભગવાન શ્રી રામના જન્મ ચરિત્રને પરબ્રહ્મ પરમાત્માની માતા કૌશલ્યાજીની આ સુંદર સ્તુતિ સાથે વિરામ આપીએ…
બિપ્ર ધેનુ સુર સંત હિત લીન્હ મનુજ અવતાર્। નિજ ઇચ્છા નિર્મિત તનુ માયા ગુન ગો પાર॥
શ્રી રામચંદ્ર ભગવાન કી જય…