" પ્રિયાંશી " ભાગ-5
માયાબેન જ્યારે આવુ કહેતા હતા ત્યારે પ્રિયાંશીને ખૂબજ દુઃખ થતું અને એ કહેતી, "હું પારકી કેમ થઇ જઇશ મમ્મી? હું તમારી પોતાની છું, મને તમે પારકી બનાવી દેશો? અને હા, હું સાસરે-બાસરે ક્યાંય જવાની નથી. હું તમારી લોકોની સાથે જ રહીશ. તે અને પપ્પાએ મને કેટલી મહેનત કરીને ડૉક્ટર બનાવી છે. પહેલા મને એટલા પૈસા કમાઇને પાછા તો આપવા દે પછી બીજી બધી વાત. "
ત્યારે માયાબેન પ્રિયાંશીને સમજાવીને કહેતા, "જો બેટા અમારાથી તારા પૈસા ન લેવાય અને તું દીકરી છે એટલે તને પારકા ઘરે તો મોકલવી જ પડે ને? બાકી તું અમને અમારા જીવ કરતાં પણ વધુ વ્હાલી છે, દુનિયાનો દસ્તૂર છે બેટા શું કરીએ?"
માયાબેનના શબ્દો સાંભળી પ્રિયાંશીની આંખમાં આંસુ આવી જતા અને તે રડી પડતી અને મમ્મી માયાબેનને ભેટી પડતી. અને બોલતી, "મમ્મી, હું તમને છોડીને ક્યાંય નહિ જવું."
માયાબેન હસીને કહેતા, "સારું બસ,અત્યારે તો નથી જવાનું ને? અત્યારે તું કેમ રડે છે, મારી ગાંડી દીકરી?અને બંને જણા હસી પડતા.
આ બાજુ મિલાપ વિચાર્યા કરતો હતો કે પ્રિયાંશીની આગળ પોતાના પ્રેમનો એકરાર કઇ રીતે કરવો. પ્રિયાંશી બસમાં અપડાઉન કરતી, એક દિવસ એ બસમાં જવા માટે એકલી જ હતી, એની કોઈ ફ્રેન્ડ સાથે ન હતી. તો મિલાપ એની સાથે સાથે બસમાં ચડ્યો અને પ્રિયાંશીની બાજુની સીટમાં બેઠો.
પ્રિયાંશીને નવાઇ લાગી કે ઘણી બધી સીટો ખાલી છે તો પણ આ મારી બાજુમાં આવીને કેમ બેઠો..!! અને એ તો બાઇક લઇને આવે છે, કેમ આજે નહિ લાવ્યો હોય??
છેવટે, પ્રિયાંશીએ પૂછી જ લીધું, કેમ, મિલાપ આજે તું બાઇક લઇને નથી આવ્યો?
ત્યારે મિલાપે કહ્યું કે, "બાઇક તો હું લઇને જ આવ્યો હતો. પણ કોલેજે મૂકી દીધું છે.
પ્રિયાંશીએ પાછો પ્રશ્ન કર્યો, કેમ બગડ્યું છે તારું બાઇક? મિલાપ એક સેકન્ડ વિચારમાં પડી ગયો કે હવે શું જવાબ આપું. પછી કહ્યું, "ના બસ એમજ આજે બસમાં આવવાનું મન થયું. "
પ્રિયાંશીએ આજે પીંક કલરનો ડ્રેસ પહેર્યો હતો. તે ખૂબજ સુંદર લાગતી હતી. રૂપાળી તો એટલી હતી કે બે મિનિટ તડકામાં ઉભી રહે તો ગાલ લાલ થઇ જાય. એની બોલવાની અને વાત કરવાની સ્ટાઇલ બધાથી કંઈક અલગ જ હતી.પતલી કમર, નાજુક-નમણી બધી રીતે એકદમ પરફેક્ટ, કોઇપણ છોકરાને તે ગમી જાય તેવી હતી.
મિલાપે ધીમે રહીને પ્રિયાંશી સાથે વાત કરવાની શરૂઆત કરી. " પ્રિયાંશી, તું એમ.બી.બી.એસ. પછી આગળ શું કરવાનું વિચારે છે?
પ્રિયાંશીએ જવાબ આપ્યો, " અમે ખૂબજ સામાન્ય ઘરના છીએ. મારા મમ્મી-પપ્પાએ મને ખૂબ તકલીફ વેઠીને ભણાવી છે. કેટલાય વર્ષોથી મારી મમ્મીએ એક નવી સાડી પણ ખરીદી નથી કે પપ્પાએ પણ નવા કપડા ખરીધ્યા નથી. બસ બધા જ પૈસા મને ભણાવવા પાછળ ખર્ચ કર્યા છે. એટલે હું હવે આગળ ભણવાની નથી. કોઈ સારી હોસ્પિટલમાં જોબ લઇ બસ સેટ થવાનું વિચારું છું.
મિલાપે પોતાની વાત કરતાં કહ્યું કે, "મને પપ્પા આગળ સ્ટડી માટે યુ.એસ. જવાનું કહે છે. પણ મારી ઇચ્છા નથી. હું અહીંયા રહીને જ આગળ એમ.ડી. કરવાનું વિચારું છું."
પ્રિયાંશીએ કહ્યું કે તારા મમ્મી-પપ્પાની ઇચ્છા હોયતો યુ.એસ. જાને, શું કરવા ના પાડે છે?
પણ, મિલાપનો જીવ પ્રિયાંશીમાં અટકેલો હતો. એને કહેવું હતું કે, " હું તને છોડીને ક્યાંય જવા નથી માંગતો." પણ કહેવું કઇ રીતે એ પ્રશ્ન હતો.
બસ ફુલ સ્પીડમાં ચાલી રહી હતી, તેટલી જ સ્પીડમાં મિલાપના વિચારો અને હ્રદયના ધબકારાપણ ચાલી રહ્યા હતા.
મનમાં ને મનમાં મૂંઝાયા કરતો હતો કે, "કઇ રીતે પ્રિયાંશીની આગળ મારા દિલનીવાત મૂકું."
એટલામાં પ્રિયાંશીનું સ્ટેન્ડ આવી ગયું અને તે ઉતરવા માટે ઉભી પણ થઇ ગઇ. મિલાપ તેને કહી શક્યો નહિ. પ્રિયાંશી બસમાંથી નીચે ઉતરી ગઇ અને એનો ભાઇ એની રાહ જોતો નીચે ઉભો જ હતો. જે તેને એક્ટિવા લઇને લેવા આવ્યો હતો.
પ્રિયાંશીના ભાઈને જોઇને મિલાપ તેની પાછળ નીચે પણ ઉતરી શક્યો નહિ. ખૂબજ ઉદાસ થઇ ગયો કે ચાન્સ હતો તો પણ હું પ્રિયાંશીને કશું કહી શક્યો નહીં.
પછી તેણે નક્કી કર્યું કે હું એક ચિઠ્ઠી લખીને પ્રિયાંશીને આપી દઇશ જેમાં મારા પ્રેમનો એકરાર હશે.
થોડા દિવસ પછી પ્રિયાંશી લાઇબ્રેરીમાં એકલી બેઠી બેઠી વાંચતી હતી. મિલાપ તેની બાજુમાં જઇને બેઠો...