Right Angle - 15 in Gujarati Moral Stories by Kamini Sanghavi books and stories PDF | રાઈટ એંગલ - 15

Featured Books
Categories
Share

રાઈટ એંગલ - 15

રાઈટ એંગલ

પ્રકરણ–૧૫

ઉદયએ સફાઇ આપવાની કોશિશ કરી,

‘મેં હજુ વકીલ નથી રાખ્યો. આજે હજુ તો કોર્ટમાં એ માટે સમય માંગ્યો.‘ એની વાત સાંભળીને ધ્યેય ખડખડાટ હસી પડ્યો, એ જોઇને ઉદય ખાસિયાણો થઇને એની સામે જોઇને બોલ્યો,

‘કેમ હસે છે?‘ ધ્યેયએ માંડ માંડ હસવાનું રોકીને બોલ્યો,

‘એ બધું તું કોર્ટમાં કહે તો ચાલે. પણ જેવા સમન્સ મળ્યાં હોય કે તરત તું વકીલ પાસે દોડ્યો હોય. એટલે ખોટા નાટક રહેવા દે. મુદ્દાની વાત કર!‘

ધ્યેય પાસે બધી વાત ખૂલી પડી ગઇ તેથી ઉદય સહેજ ઠંડો પડ્યો, બહુ બોલાચાલી થઇ ગઇ. હવે કામની વાત પર જ ધ્યાન આપવું બહેતર છે.

‘જો જે થઇ ગઇ ગયું તે થઇ ગયું. હવે કે શું થઇ શકે?‘

‘એક કામ થઇ શકે. કોર્ટ બહાર સમાધાન કરી શકાય. આ તને તારા વકીલે કહ્યું જ હશે અને એટલે જ તું મારી પાસે આવ્યો છે.‘ ધ્યેયએ ફરી ચોખ્ખીચટ વાત કરી એટલે ઉદયે શરણાગતિ સ્વીકારી લીધી. પણ એણે સ્વીકાર્યું નહીં કે એના વકીલ સમાધાન કરવાનું સૂચન કર્યું છે.

‘તું કશિશ સાથે વાત કરી લે. જો એ સમાધાન કરવા તૈયાર હોય તો હું મળવા તૈયાર છું.‘

‘ઓ.કે. હું એને કહી જોઇશ. એકાદ વીકનો ટાઇમ આપ. મારે બે–ચાર મહત્વના કેસ પતાવવાના છે તે પતી જાય એટલે આપણે મારા ઘરે અહીં જ મળી લઇએ. પણ એક વાતનું ધ્યાન રાખજે....એલફેલ બોલીને વાત બગાડીશ નહી. એ ઓલરેડી બહુ દુ:ખી થઇ છે હવે વધુ દુ:ખી નહીં કરતો.‘

‘સારુ.ચાલ હું નીકળું.‘ ઉદય ગયો અને ધ્યેય વિચારમાં પડ્યો,

‘કશિશ સમાધાન કરશે?‘

*****

‘શું કરવું?‘ કશિશનો હવે ઘરમાં સમય પસાર થતો ન હતો. એ દિવસે કૌશલે પોતાનો સંસાર સગળાવવાનો આરોપ લગાવ્યો તે પછી કશિશે સામે ચાલીને એને બોલાવ્યો ન હતો. તો બીજીબાજુ કૌશલ પણ કશિશ નજરે ન પડે તેની તકેદારી રાખતો. એક જ છત નીચે રહેતા હોવા છતાં બન્ને ખરા અર્થમાં અજનબીની જેમ જીવતાં હતા. હજુ એક જ બેડરુમમાં સુતા હતા, પણ પોત પોતાના સમયે. જેને જ્યારે સુઇ જવુ હોય તે પોતાના સમયે સુઇ જતું. બસ પથારીમાં એકબીજાને ઊંધતા જોવા જેટલો સંપર્ક ટક્યો હતો. બાકી બન્ને વચ્ચે કોઇ વાતચીત થતી ન હતી.

પણ આજસુધી કશિશનું આખા દિવસનું ટાઇમટેબલ કૌશલની આસપાસ જ ગોઠવાયું હતું. સવારે સાથે ઊઠતાં, ચા પીને કાં તો સ્વિમિંગ કે પછી જીમમાં વર્ક આઉટ કરતાં. તે પછી કશિશ કિચનમાં ઓર્ડર કરીને બ્રેક ફાસ્ટ ટેબલ પર સર્વ કરાવતી અને બન્ને સાથે બ્રેક ફાસ્ટ કરતાં. કૌશલ નવ વાગે ઓફિસ જતો, બપોરે દોઢ વાગે લંચ માટે ઘરે પાછો આવતો. એ દરમિયાન ઘર અને ગાર્ડનની સાફ–સફાઇ સર્વન્ટ કરે તે પર કશિશ દેખરેખ રાખતી. કૌશલ લંચ માટે આવે તે પહેલાં સરસ તૈયાર થતી. કૌશલ લંચ લઇને જાય તે પછી સોશ્યલ કામકાજ પતાવતી. કદી કોઈ લેડિઝ કલબની મિટિંગ કે પછી કશે ઇનોગ્રેશન કે સોશ્યલ ગેટ ટુ ગેધરના નાણાવટી ફેમિલિને ઇન્વિટેશન હોય, તો કશિશ નાણાવટી ફેમિલિ વતી એ બધાંમાં હાજર રહેતી. પણ સાંજે કૌશલે ઘરે આવે તે પહેલાં આવી જતી.

કૌશલ આવે એટલે ડિનર લઇને બન્ને બહાર કોઇ ફ્રેન્ડસને ત્યાં જતા કે પછી મિત્રો ઘરે આવતા. કદીક મૂવી કે કદીક શોપિંગ. જીવન એદકમ જીવંત રહેતું. પણ બન્ને વચ્ચે બોલવાનું બંધ થઇ ગયું ત્યારથી સોશ્યલ લાઇફ જાણે ઝીરો થઇ ગઇ હોય તેવું કશિશને લાગતું હતું. ઈન્વિટેશન્સ તો ઘણાં રહેતાં પણ તેમાં જવાનો ઉમળકો કશિશ ગુમાવી ચૂકી હતી. તેમાં ય કૌશલ વિના એ ડગલું પણ ભરતી ન હતી તેની જગ્યાએ હવે તો એ નજરે પણ પડતો ન હતો. કેમ કરીને ટાઈમપાસ કરવો તેની કશી સમજ પડતી ન હતી. કશિશે જોયું તો દોઢ થવા આવ્યો હતો. એ લંચ માટે ડાઇનિંગ રૂમમાં આવી. નોકર બધુ સર્વ કરતો હતો ત્યાં એણે પૂછયું,

‘સાબ કા લંચ હો ગયા?‘

‘સાબ આજ સે ટૂર પર હે..! એ સાંભળીને કશિશને આંચકો લાગ્યો. કૌશલે એને કહ્યાં વિના ટૂર પર જતો રહ્યોં? બોલે નહીં તો કંઇ નહીં કમસેકમ વ્હોટસ એપ પર તો મેસેજ કરી શક્યો હોત ને! કેવા દિવસો આવી ગયા છે કે નોકર પાસેથી એ ટૂર પર ગયો છે તે ખબર પડે છે. કશિશને બહુ લાગી આવ્યું. એને થાળી હડસેલી દીધી. પણ થાળીમાં જમવાનુ પીરસાઇ ગયું હતું. અન્નનો અનાદાર ન કરવો જોઈએ તે મમ્મીએ નાનપણથી ટેવ પડી હતી એટલે એણે કમને ખાઇ લીધું.

પણ જમીને પોતાના રૂમમાં આવી ત્યારે મનમાં એક નિર્ણય થઇ ચૂકયો હતો. આ રીતે એ જીવી નહીં શકે. જો પોતે પોતાની જાતને બિઝિ નહીં રાખે તો ચોક્કસ મેન્ટલ બેલાન્સ ગુમાવી દેશે. કોર્ટમાં કેસ લાંબો સમય ચાલશે. તેમાં ટકી રહવા માટે પણ કશુંક તો કરવું પડશે. પણ શું કરવું? અને એના મનમાં સ્ટ્રાઇક થઇ. મમ્મી ગુલાબ અને મોગરાનાં શરબત બહુ સરસ બનાવતી. ઉનાળામાં બહુ ગરમી પડે ત્યારે હાથે બનાવેલા શરબત ઠાકોરજીને ધરતી. એવું કશું કરી શકાય? જેથી ટાઈમપાસ થાયને પોતાની જાતને બિઝિ રાખી શકાય? આ વિચાર એને ગમ્યો.

એ તરત ઘરના ગાર્ડનમાં આવી. મોગરા અને એનો પ્રિય દેશી ગુલાબ ખોબલે ખોબલે ઊગ્યાં હતા. એણે સર્વન્ટને બોલાવીને ફટાફટ બધાં મોગરા અને ગુલાબ તોડાવ્યા. મમ્મી જે રીતે બનાવતી હતી તે રીતે એણે શરબત બનાવ્યા. ચોવીસ કલાક પછી એણે ગાળીને શરબત બોટલ ભર્યા અને એક ગ્લાસ ટેસ્ટ કર્યો તો ખુશ થઇ ગઇ. અદલોઅદ્લ એ મમ્મી બનાવતી હતી તેવા જ બન્યા હતા. એણે ઘરના બધાં સર્વન્ટસને તે ટેસ્ટ કરાવ્યો. બધાંએ શરબતના ખૂબ વખાણ કર્યાં. કશિશ ખુશ થઇ ગઇ. આજસુધી બધી જ વાત કૌશલ સાથે શેર કરવાની આદત હતી એટલે એક સેકન્ડ માટે એ ભુલી ગઇ કે કૌશલ સાથે અબોલા ચાલે છે અને એણે ફોન લગાવી દીધો. માણસનું અનકોન્શિયસ માઇન્ડ પણ ગજબ ચીજ છે. કોઇ વાત કે ઘટના એમાં એવી રીતે છુપાઇને બેઠી હોય જાણે મદારીના કરંડિયામાં સાપ. જેવું કરંડિયાનું ઢાંકણ હટે અને સાપ ફૂંફાડો મારીને બેઠો થાય તેમ માણસ જરાક બેધ્યાન થાય કે અનકોન્સશ્યસ માઇન્ડ જે વાત ભૂલી જવા ઇચ્છતું હોય તે ફટ દઇને બેઠી કરી દે.

સામે બે રીંગ ગઇ પણ ફોન ઉચકાયો નહીં ત્યાં એના કોન્સશ્યસ માઇન્ડે એને યાદ કરાવી દીધું કે પોતે કૌશલને ફોન કરી રહી છે. એણે ઝડપથી કટ કરી નાંખ્યો. પણ કૌશલ ફોન કરશે કે નહીં કરે તે વચ્ચે મન ઝોલાં ખાવા લાગ્યું. એણે અડધીકલાક એમ જ રાહ જોવામાં કાઢી નાંખી પણ કૌશલનો ફોન ન આવ્યો. અને કશિશે પોતાની જાતને ટપારી. હવે આવી ભૂલ કદી ન થવી જોઇએ. કૌશલ ઇચ્છતો જ ન હોય તો શું કામ પોતે સામેથી એને બોલાવવો જોઇએ?

એણે શરબતના નવા નવા એક્સપરિમેન્ટ ચાલુ કર્યા. એણે પોતાની લેડિઝ ક્લબથી લઇને પોતાના ફ્રેન્ડસ સર્કલ બધાંમાં શરબત ટેસ્ટ કરાવ્યા. ધ્યેયની ઓફિસમાં પણ એક બોટલ સર્વન્ટ સાથે મોકલાવી. પણ પછી બે–ચાર દિવસમાં જ કશિશ શરબત બનાવીને બોર થઇ ગઇ. રોજ રોજ તો કોને બોલાવે શરબત પીવા માટે? હવે શું કરવું તે પ્રશ્ન ફરી આવ્યો. એણે એક ફ્રેન્ડના કહેવાથી ઝુમ્બા ડાન્સ ક્લાસ ચાલુ કર્યા. એમાં એને મજા પડી. પણ બે–ચાર દિવસમાં ફરી સવાલ થયો કે એક–બે કલાક એક્સર્સાઇઝ માટે ઠીક છે પણ તેમાં આખો દિવસ ન જાય. નાનપણથી એને કથ્થક ડાન્સ શીખવાની બહુ ઇચ્છા હતી. એણે એ ટ્રાય કર્યા. એ એને શીખવાનું ગમ્યું. પણ એ તો વીકમાં ચાર દિવસ જવાનું અને વળી પાછું એકાદ કલાક માટે.

હવે શું કરવુ? કશિશને કોઇ ઉપાય સુઝતો ન હતો કે ટાઇમપાસ માટે શું કરી શકાય? ત્યાં એક દિવસ રાહુલનો ફોન આવ્યો કે કેસને લગતી કેટલી માહિતી જોઇએ છે તો ઓફિસ આવી જાવ. એ ઓફિસે ગઇ તો ધ્યેય ત્યાં જ હતો.

‘હેય, તું ફ્રી છે?‘

‘હા અને ના.‘ ધ્યેય સહેજ સ્માઇલ કરીને કહ્યું.

‘લે, એમ કેમ કહે છે?‘ કશિશે એની સામે આંખો કાઢી.

‘મૂવી જોવા જવું હોય તો ના બાકી હા!‘ ધ્યેય બોલ્યો એટલે કશિશ ખડખડાટ હસી પડી.

‘જા...નક્કામા...હવે તો તારી સાથે મૂવી જોવા જાવ જ નહીં. તે દિવસે ચાલુ મૂવીએ સુઇ ગયો હતો.‘

‘નાજી...હું તો મારા કેસ વિશે ગહન વિચાર કરતો હતો.‘ એ બોલ્યો એટલે રાહુલ સહિત ત્રણેય ખડખડાટ હસી પડ્યા.

પછી ધ્યેય ગંભીર થયો અને કહ્યું,

‘લુક હિયર! રાહુલ સાથે પછી વાત કર જે. પહેલાં મારી વાત સાંભળ. અને જો તરત રિએકશન નહીં આપતી શાંતિથી વિચારીને જવાબ આપજે.‘ ધ્યેય એની સામે જોઇ રહ્યોં કે કશિશ એની વાત બરાબર સમજે છે કે નહી. કશિશ કશું બોલ્યા વિના એને તાકી રહી.

‘ઉદય એકવાર તને મળવા માંગે છે. સોમવારે મારા ઘરે મળીએ?‘ ધ્યેય જાણી જોઇને ઉદય સમાધાન કરવા બોલાવે છે તેવું ના બોલ્યો. તો કદાચ કશિશ મળવા પણ ન આવે. કશિશ કશું બોલી નહીં. ધ્યેય એના ચહેરા પરના હાવભાવ જાણવાની કોશિશ કરતો હોય તેમ એને તાકી રહ્યો.

‘ઓ.કે. કેટલાં વાગે?‘

‘રાતે આઠેક વાગે આવી જા. આપણે સાથે ડિનર કરીશું.‘

‘ઓ.કે. ડન!‘ કશિશ કોઇ આનાકાની વિના માની ગઇ એટલે ધ્યેયએ રાહતનો શ્વાસ લીધો. ધ્યેયને એમ કે વાત પૂરી થઇ ગઇ એટલે કશિશ જતી રહેશે. પણ એ બેઠી રહી એટલે એ સમજી ગયો કે એ કશુંક કહેવા ઇચ્છે છે.

‘બોલ!‘

‘ધી...‘ બહુ અંગત વાત કરવી હોય ત્યારે જ કશિશ એને આ સંબોધન કરતી. કેમ કહેવું એની કશિશને સમજ પડતી ન હતી. કૌશલ સાથે ટેન્શન ચાલે છે તે કેવી રીતે કહે?

‘મને કોઇ કામ જોઇએ છે જેથી મારો ટાઇમપાસ થાય!‘ કશિશે એની સામ નજર મિલાવ્યા વિના કહ્યું. એને ડર હતો કે કદાચ ધ્યેય જાણી જશે કે એના અને કૌશલના રિલેશનમાં કોઈક દરાર પડી છે. કશિશ પોતાના વોલટેને વિના કારણ ખોલ બંધ કર્યા કરતી બેઠી રહી. ધ્યેય એને તાકી રહ્યોં. આટલાં વર્ષોના કોર્ટ કચેરીના અનુભવથી એ એટલું સમજ્યો હતો કે નક્કી કૌશલ સાથે કોઇ વાંધો પડ્યો છે નહીં તો કશિશ આવી વાત ન કરે. સામાન્ય રીતે સમાજીક રીતે પ્રતિષ્ઠિત પરિવાર કોર્ટ કચેરીથી દૂર રહેતાં હોય છે. કદાચ કૌશલને આ બધું પસંદ નહીં હોય. પણ જ્યાં સુધીએ કશિશ કહે નહીં ત્યાંસુધી પૂછવું સારું નહી. મિત્રની જિંદગીમાં એક હદ કરતાં વધુ દખલ કરવી ન જોઇએ.

‘કિશુ, ભગવાને તને પુષ્કળ નવરાશ અને પૈસો આપ્યો છે. તો કોઇ કામ શોધવાના બદલે મનને સંતોષ મળે તેવું સોસાયટીના વેલફેર માટે કામ કરતી કોઈ સંસ્થા સાથે જોડાય જા! તારો ટાઇમપાસ થશે અને સમાજ માટે કશુંક કર્યાનો આનંદ પણ મળશે.‘ કશિશ હવે વોલેટ સાથે રમવાનું છોડીને ધ્યેય સાથે નજર મેળવી.

‘નોઓ....એવી ઘણી બધી સંસ્થા સાથે હું જોડાઇ છું. લોકો માત્ર ત્યાં સજીધજીને શોભામાં અભિવૃત્તિ કરવા માટે જ આવે છે. આ વોન્ટુ ડુ સમથિંગ કોંક્રીટ.‘ કશિશે આજસુધીમાં એ જે તે સંસ્થામાં જોડાય છે ત્યાં કામ ઓછુંને શોબાજી વધુ થતી જોઇ છે. એટલે એણે તરત ના પાડી દીધી.

‘હમ્મ....તો એક કામ કર. બિઝનેસ કર. તે તારા લોહીમાં છે. એવું કશું જે તદ્દન અલગ હોય તને ગમે અને લોકોને મજા પડે!‘

‘હમમ..‘ આ વિચાર કશિશને ગમ્યો. ‘હું એ વિશે વિચારું. અને યસ થેન્કસ ફોર સજેશન!‘

‘યુ આર ઓલવેઝ વેકલમ!‘

કશિશ ગઇ અને ધ્યેય એને જતાં જોઇ રહ્યોં.

‘કૌશલ અને કશિશ વચ્ચે શું બન્યું હશે કે કશિશે ટાઇમપાસ કરવા માટે કામ શોધવું પડે?‘

(ક્રમશ:)

કામિની સંઘવી.