Ajnabi Humsafar - 10 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૧૦

Featured Books
Categories
Share

અજનબી હમસફર - ૧૦

(સૌ પ્રથમ તો વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર.આપના થકી જ લખવાનું પ્રોત્સાહન મળે છે.આપના પ્રતીભાવો અને સુચનાઓ હંમેશા આવકાર્ય છે.)

આ અકસ્મીક કિસથી બંને ના શરીરમાં એક ઝટકો લાગ્યો. દિયાનુ તો લોહી જાણે જામી ગયુ . રાકેશ પણ પહેલી વખત કોઈના હોઠના સ્પર્શથી રોમાંચીત થઈ ગયો.

'સોરી' કહી રાકેશે દિયાનો સીટ બેલ્ટ બાંધ્યો. થોડી વાર સુધી બંને ચૂપ રહ્યા. પોતાને શું થઈ રહ્યું છે એ સમજવા દિયા મથતી હતી તો આ બાજુ રાકેશ પણ કંઇક અલગ જ લાગણી મહેસૂસ કરી રહ્યો હતો .

હાઈ વે પર ઘણી જગ્યાએ બાફેલી મકાઈ વેચાતી હતી . રાકેશે પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે દિયા ને પૂછ્યું," મકાઈ ખાઈશ"

આ સાંભળી દિયાની આંખોમાં પણ ચમક આવી ગઈ . રાકેશે કાર સાઈડમાં પાર્ક કરી અને બંને કારમાંથી બહાર નીકળ્યાં. રાકેશે મકાઈનો ઓર્ડર આપ્યો અને બંને પાસે ના બાંકડા પર બેસી ગયા. મકાઈ વાળો બંને ને મકાઈ આપી ગયો. સાંજ ના ઠંડા પવનમાં ગરમ ગરમ મકાઈનો સ્વાદ બન્નેએ માણ્યો.દિયા ના ચહેરા પર સ્માઇલ જોઈ રાકેશ ને પણ લાગ્યું કે હવે બધું બરાબર છે અને કાર તરફ ગયો.

કારમાં બેસી રાકેશે દિયા ને પાણી આપ્યું અને કાર સ્ટાર્ટ કરી આગળ જતાં સુરતનુ ટોલનાકુ આવ્યું સાંજનો સમય હોવાથી ટોલનાકા પાસે ગાડીઓની લાંબી લાઈન હતી . રાકેશે પણ ગાડી લાઈનમાં ઊભી રાખી એટલામાં એક કિન્નર પૈસા માંગવા આવ્યો. રાકેશના દરવાજાના કાચ પર હાથ ઠપકારી ઈશારો કર્યો ,રાકેશે કાચ નીચે કર્યો એટલે કિન્નરે પૈસાની માગણી કરી .રાકેશ પોતાના પર્સમાંથી પચાસની નોટ કાઢી તેના હાથમાં આપી. કિન્નર પૈસા લઈને ખુશ થતો બોલ્યો ,"ઉપર વાળો તમારી જોડી સલામત રાખે"

આ સાંભળી દિયા શરમથી લાલ થઇ ગઈ,"હજુ આ સાંભળવાનુ પણ બાકી હતું" તે મનમાં બોલી.

આખા રસ્તે બંને વચ્ચે ખુબ જ ઓછી વાતો થઈ .કાર કામરેજ હાઇવે પરથી સુરત સીટી માં અંદર વળી .

"હવે આગળ ક્યાં જવાનું? "રાકેશે પુછ્યુ

દિયા રસ્તો બતાવતી ગઈ તેમ રાકેશ કાર ચલાવતો ગયો.આખરે એક નાનકડા પણ સુંદર રોહાઉસ પાસે કાર‌ ઉભી રહી. દિયા કારમાંથી ઉતરી અને રાકેશને અંદર આવવા કહ્યું.રાકેશ દિયા ને ના પાડી શક્યો નહીં. દિયા ઘરમાં પ્રવેશી એટલે આશીષે જોરથી કહ્યું,
"દિદિ આવી ગઈ."

કમલેશભાઈ એ જોયું તો દિયાની સાથે કોઈ હતુ.
દિયા પણ જાણે તેના પપ્પાના ભાવ સમજી ગઈ અને તેણે કહ્યું ,

"પપ્પા આ રાકેશ છે. મેં વાત કરેલી ને તમને એ. આજે અહીંયા સૂરત તેના મામાના ઘરે આવવાનો હતો તો હું તેમની સાથે જ આવી છું"

"ઓહ રાકેશ ..આવ બેટા.. દિયાએ તારા વિશે જણાવેલું કે તે તેની ઘણી વખત મદદ કરી છે"કમલેશભાઈએ રાકેશને આવકાર આપતાં કહ્યું.

અંદરથી રેશમા બહેન તેના માટે પાણી લઇ આવ્યા અને કહ્યું," બેટા અહીંયા જ જમી લેજે"

"અરે ના આંટી ..મામા મારી રાહ જોતા હશે. ત્યાં જ જમવાનું છે" રાકેશે કહ્યું

" અરે એવું થોડું ચાલે જમવા ટાઈમે કઇ એમ જ થોડી જવાતું હશે."

"હા રાકેશ જમી ને જ જા" દિયા એ પણ આગ્રહ કર્યો

"સારુ આંટી હું મામાને ફોન કરીને જણાવી દઉં છું" રાકેશે તેના મામા સાથે વાત કરી. રેશમા બહેને બધા નું જમવાનું તૈયાર કર્યું અને જમવા બેસાડયા. ઘણા દિવસો પછી રાકેશ ઘરનું ખાવાનું ખાઈ રહ્યો હતો .કમલેશભાઈ અને રેશ્મા બહેન પણ તેને ખૂબ આગ્રહથી જમાડી રહ્યા હતા તેથી રાકેશથી પણ જરૂર કરતા વધારે ખવાઈ ગયું .

જમી ને બધા હોલમાં બેઠા. દિયાએ તેના પપ્પાને ધનજીભાઈના ઘર બાબતની બધી વાત કરી આ સાંભળી કમલેશભાઈ ખુબ જ ખુશ થઇ ગયા અને કહ્યું "સારું થયું દીકરા કે તને વડીલો સાથે રહે એવું ઘર મળી ગયું, તને એકલું પણ નહિ લાગે ..સોમવારથી તુ ત્યાં જ શિફ્ટ થઇ જા એટલે અપડાઉન કરવું નહીં"

"હા પપ્પા સોમવારે જઈશ ત્યારે મારો સામાન લઈને જ જઈશ"

"રાકેશ દીકરા તારો ખૂબ ખૂબ આભાર તે દિયાની ઘણી મદદ કરી છે" કમલેશભાઈએ રાકેશ નો આભાર માનતા કહ્યું

"અરે અંકલ એમાં આભાર ના હોય ,દિયા મારી દોસ્ત છે અને દોસ્તીના નાતે હું એટલું તો કરી જ શકું ને..હવે મને રજા આપો.મામા મારી રાહ જોતા હશે"

"ભલે દીકરા" કમલેશભાઈએ કહ્યું અને રાકેશ જવા માટે ઊભો થયો. દિયા પણ તેને બહારના દરવાજા સુધી મૂકવા ગઈ એ જોઈ કમલેશભાઈએ રેશ્માબેન સામે સ્મિત કર્યું

રાકેશ કારમાં બેસ્યો અને જતો રહ્યો. જ્યાં સુધી તેની કાર દેખાઇ ત્યાં સુધી દિયા દરવાજે ઊભા રહીને તેને જોતી રહી.કમલેશભાઈએ તે જોયું અને બોલ્યા "બેટા હવે દરવાજે સુવાનું છે કે શું?"

દિયાને પરિસ્થિતિનું ભાન થતાં ફટાફટ અંદર ગઈ અને કહ્યું ,"ના પપ્પા એ તો આજે કેટલું મસ્ત વાતાવરણ છે બહાર.. એ જોતી હતી "

"બરાબર ..હવે સુઈ જા બેટા"

" હા પપ્પા" કહી દિયા પોતાના રૂમમાં જતી રહી .નાહિને ફ્રેશ થઈ હાથમાં ફોન લીધો તેને થયું કે રાકેશનો મેસેજ હશે પરંતુ તેની ધારણા ખોટી પડી. તે મનમાં બોલી," એક મેસેજ પણ નથી કરી શકતો ,ખબર નહી કયા કામમાં બિઝી થઈ ગયો હશે . લાવ હું મેસેજ કરૂ, પણ હું શું કામ કરું? જો એને નથી કરવો તો મારે પણ નથી કરવો." મનમાં બોલતી બોલતી ફોનમાં મેસેજ ટાઈપ કર્યો અને ડીલીટ માર્યો ત્યાં જ રાકેશનો મેસેજ આવ્યો," શું કરે છે ?

આ જોઈ દિયા ના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને રીપ્લાય કર્યો ,"કાંઈ નહિ સુવાની તૈયારી કરતી હતી."

"આટલું જલદી? પણ કાલે તો રજા છે."રાકેશે રિપ્લાઈ કર્યો.

"એમ તો હજુ વાર છે"- દિયા

"દિયા મારે કિચન માટે થોડો સામાન લેવો છે અને મામી આજે મુંબઈ જાય છે તો તું મારી હેલ્પ કરીશ? જો કાલે ફ્રી હોય તો મારી સાથે શોપિંગ કરવા આવીશ?"રાકેશે પોતાની વાત રજૂ કરી.

આજે જે થયું તેના લીધે દિયા થોડી અચકાય પરંતુ રાકેશે જે રીતે તેને મદદ કરી તેના લીધે તેને ના પણ પાડી શકે એમ નહોતી. આથી તેણે કહ્યું ,"કાલે રવિવાર છે એટલે જો મમ્મીને કંઈ કામ ના હોય તો હું તારી સાથે આવીશ. હું કાલે મમ્મી ને પૂછીને તને કહીશ "

"વાંધો નહીં" રાકેશ જવાબ આપ્યો.

આ બાજુ કમલેશભાઈ રેશ્માબેન સાથે દિયાની વાત કરતા હતા "રેશમા તે આજે કંઈ ધ્યાનમાં લીધું?

રેશમા બહેને કહ્યું,"શું?"

" હું રાકેશ અને દિયાની વાત કરૂ છું. મેં બંનેની આંખોમાં એકબીજા માટે લાગણી જોઈ છે. જો , દિયાની વાતો પરથી તો રાકેશ સારો છોકરો લાગે છે અને જો તે આ દોસ્તી આગળ વધારે તો આપણે આ બાબતે વિચારવું પડશે."

"સાચી વાત છે તમારી. એવું લાગે છે કે અતીત ફરીથી આપણી સામે આવી ગયું. તે આપણી જેમ કોઈ મુસીબતમાં ના મુકાય જાય" રેશમાં બહેને પતિની વાતમાં સૂર પુરાવ્યો.


સવારે દિયા મોડે સુધી સુતી રહી. તેના મમ્મીએ પણ તેને ઉઠાડી નહીં.કેટલા દિવસ પછી તેણે આટલી લાંબી ઉંઘ કરી હતી .અંતે મીઠી ઊંઘ માણી દિયા આળસ મરડતી ઊભી થઈ અને બ્રશ કર્યું.

રાકેશે દિયાને સવારમાં મેસેજ કર્યો ત્યારબાદ પણ બીજા બે ત્રણ મેસેજ કર્યા પણ તે સૂતી હતી એટલે દિયા નો કોઈ રિપ્લાય ન હતો આથી તેણે દિયા ને કોલ કર્યો થોડી રીંગ વાગ્યા પછી કોલ રિસીવ થયો.

" બોલ બેટા" સામે છેડે દિયાના મમ્મીએ ફોન ઉપાડ્યો.

" જય શ્રી કૃષ્ણ આંટી,દિયા છે?

" ના એ નાહવા ગઈ છે , કંઈ કામ હતું બેટા ?

"હા આંટી મારે થોડો રસોડાનો સામાન લેવા જવું હતું પણ મને એટલો બધો આઈડિયા નથી અને મારા મામી પણ આજે ઘરે નથી એટલે દિયાની મદદ જોઈતી હતી. જો તે ફ્રી હોય તો મારી સાથે ખરીદી કરવા આવે તો સારું પડે.

" અરે બેટા આજે કંઈ કામ નથી એ તારી સાથે ચોક્કસ આવશે હવે અત્યારે તો હજુ એ ઉઠી જ છે એટલે બપોર પછી જવાનું રાખો. હું એને કહી દઈશ "

"થેન્ક્યુ સો મચ આંટી "

"સારું બેટા જય શ્રી કૃષ્ણ"

આ સાંભળી રાકેશે ખુશ થતા કહ્યુ," યેસ્સ .. એ આવે છે ."અને નાચવા લાગ્યો.

"કોણ આવે છે ?એટલો બધો ખુશ કેમ થઇ ગયો?"

રાકેશ પાછળ ફરીને જોયું તો તેના મામા ઉભા હતા
" અરે મામુ કોઈ નહિ .એ તો દિયા મારી સાથે શોપિંગ કરવા આવે છે . "

"તો તેમાં આટલો બધો ખુશ કેમ થઈ ગયો ?લાગે છે એ સ્પેશ્યલ છે"

આ સાંભળી રાકેશ ના ચહેરા પર મુસ્કાન આવી ગઈ
તેના મામાએ કહ્યું," સમજી ગયો .. નક્કી ભાઈ ને પ્રેમ થઈ ગયો"

" શું મામા તમે પણ.. એવું કંઈ નથી .એ ફક્ત મારી દોસ્ત છે?

" અચ્છા ? દોસ્ત માટેની તારી આંખોમાં જે ખુશી છે તે કંઈક અલગ જ દેખાય છે"

"હા મામૂ કદાચ હું તેને પસંદ કરવા લાગ્યો છુ..અને આજે તે મારી સાથે કિચનનો થોડો સામાન લેવા માટે સાથે આવે છે એટલે હું ખુશ છું . એમ તો અમેં ઘણી વાર મળ્યા છીએ અને ઘણીવાર સાથે હોઈએ છીએ પણ આજે એવું લાગે છે જાણે હું તેની સાથે શોપિંગ નહીં પરંતુ ડેટ પર જઈ રહ્યો છું"

" અરે પાગલ ..ડેટ પર તુ કરિયાણાની દુકાને લઈ જઈશ? એક કામ કર પહેલા તો તેને લઇને બિગ બજારમાં જા.ત્યા થોડી શોપિંગ કરી લે પછી તેને લઈને કોઈ મુવી જોવા જજે, ત્યાં નજીકમાં ઘણી બધી મલ્ટિપ્લેક્સ છે એટલે જલ્દી ફ્રી થઈ મુવી જોવા જતા રહેજો"

"ઓહ મામૂ આઇડિયા મસ્ત છે..થેન્ક્યુ.. તમે મારું ટેન્શન દૂર કરી દીધું. "

દિયા નાહી ને નાસ્તો કરવા બેઠી એટલે રેશમાબહેને રાકેશ સાથે વાતચીત થઈ તે દિયાને જણાવી

"બેટા કંઈ કામ તો નથી એટલે તું અને રાકેશ બપોર પછી જરૂરી સામાન લઈ આવો. તારે પણ થોડી ઘણી ખરીદી તો કરવાની જ છે એટલે તું પણ તારી જોઈતી વસ્તુ લઇ લેજે"

દિયા રાકેશને તેની મમ્મી નું બહાનું બતાવી ના પાડવાની હતી પણ અહીંયા તો ઊલટું તેના મમ્મી એ જ રાકેશ સાથે જવાનું નક્કી કરી નાખ્યું. એટલે હવે તેને રાકેશ સાથે જવા સિવાય કોઈ ઉપાય ન હતો.

નાસ્તો કરી દિયાએ ફોન હાથમાં લીધો જોયું તો રાકેશના ચાર મેસેજ હતા. તેણે તરત રીપ્લાય કર્યો," બપોર પછી ત્રણ વાગે જઈએ . "

મેસેજ વાંચી રાકેશે રીપ્લાય કર્યો," સારુ હું ત્રણ વાગે આવી જઈશ તો તું તૈયાર રહેજે."

"તૈયાર રહેજે?ફરવા જવાનું છે તો તૈયાર રહું?"દિયા વિચારવા લાગી.

‌ બપોરે જમીને દિયા પોતાના રૂમમાં આવી અને કબાટ ખોલીને સામે ઉભી રહી ગઈ. "રાકેશે તૈયાર રહેવા કહ્યું છે ખબર નહિ કઈ જગ્યાએ શોપિંગ કરવા જવાની હશે કયા કપડાં પહેરૂ? કંઈ સમજ નથી પડતી" મનમાં વિચાર કરતાં કરતાં તેણે સ્લીવલેસ ટોપ અને લોંગ સ્કર્ટ હાથમાં લીધું અને પહેર્યુ.

બરાબર ત્રણ વાગે રાકેશની કાર દિયાના ઘરની સામે આવીને ઊભી રહી ગઈ. દિયા તેની રાહ જોતી બહાર જ ઊભી હતી . રાકેશ આવ્યો એટલે તરત ઊભી થઈ .દિયા ને કાર તરફ આવતા જોઈ એટલે રાકેશ તેને જોતો જ રહી ગયો.જેમ જેમ દિયા કારની નજીક આવી રહી હતી તેમ તેમ રાકેશ ના દિલની ધડકન વધારે તેજ થતી હતી.દિયાએ બાજુની સીટનો દરવાજો ખોલ્યો અને ત્યાં બેસી ગઈ ત્યારે રાકેશને ભાન થયું કે તે ક્યારનો દિયાને જોઈ રહ્યો હતો.

થોડીવાર પછી કાર બીગ બાઝાર ની બહાર ઉભી રહી.બંને અંદર ગયા.ગ્રોસરી અને ડેઇલી રૂટિનનો સામાન લીધો . ત્યારબાદ તે ઉપરના ફ્લોર પર ગયા . ત્યાંથી બંનેએ કપડાંની ખરીદી કરી . જ્યારે કાઉન્ટર પર બીલ બનાવવાં ગયા તો દિયા એ પોતાના માટે ખરીદેલી વસ્તુ અને કપડાં અલગ કર્યા .

"હું પેમેન્ટ સાથે જ કરી આપુ છું " રાકેશે કહ્યું ,પણ દિયા ના માની તેણે અલગથી બીલ બનાવડાવ્યું.

રાકેશે કાર્ડથી પેમેન્ટ કર્યું જ્યારે દિયાએ કેશથી કર્યું.રાકેશને દિયાની ખુદ્દારી ગમી‌.બહાર નીકળી બધો સામાન કારમાં ગોઠવી રહ્યા હતા ત્યાં દિયાની મમ્મી નો ફોન આવ્યો.

"ખરીદી થઈ ગઈ દિયા?"

"હા મમ્મી લગભગ બધું આવી ગયું છે . કઈ બાકી રહેશે તો પછી લઈ જઈશ"

"બરાબર બેટા.. તને એટલે ફોન કરેલો કે હું, તારા પપ્પા અને આશીષ નવસારી જઈએ છીએ.તારા પપ્પાના ફ્રેન્ડ રાજેશ ભાઈને એટેક આવ્યો છે તો તેને હોસ્પિટલમાં મળવા.રાતે મોડું થશે એટલે ત્યાં જ રોકાઈ જઈશું એટલે તું કાલે બધો સામાન લઈ ને આમોદ ના જતી. મંગળવારે તારા પપ્પા કાર લઈને તારી સાથે તને મુકવા આવશે"

ઓકે મમ્મી હું કાલે શીફ્ટ નહીં થાઉં . તમે કાલે ક્યારે આવશો?

" કદાચ બપોર થઈ જાય , કઈ નક્કી નથી.તારા પપ્પા ને જ બધી ભાગદોડ કરવાની છે એટલે"

દિયા વાત કરતી હતી ત્યારે રાકેશે બધો સામાન કારમાં ગોઠવી દિધો. રાકેશે જોયું તો દિયાના ચહેરા પર ઉદાસી હતી એટલે તેને પુછ્યુ,"બધું ઠીક છે ને?"

હા .. એકચ્યુલી પપ્પા ના ફ્રેન્ડ રાજેશ અંકલને એટેક આવ્યો છે તો મમ્મી-પપ્પા ભાઈ સાથે નવસારી જાય છે અને કાલે આવશે.

"બરાબર તો હવે શું કરીશું?"

"મતલબ ?"

"મતલબ એ કે આજે મારે પણ બહાર ખાવાનું છે અને તારે પણ એકલા જ ખાવાનું છે તો આપણે સાથે ડિનર લઈએ?" કારમાં બેસીને રાકેશે કહ્યું

"હા ચોક્કસ..મને પણ એકલા જમવાનું ના ગમે"દિયા એ કહ્યું.

"લાગે છે આજે ભગવાન પણ મારી સાથે છે "રાકેશ મનમાં ખુશ થતો બોલ્યો .

"હજુ તો પાંચ પણ નથી થયા ત્યાં સુધી શું કરવું?"રાકેશે કહ્યું

"કશે જઈએ પણ ક્યાં જઈશુ ?"

" જો તને કોઈ વાંધો ના હોય તો આપણે મુવી જોવા જઈએ?"

દિયા ને થોડુ ઓકવર્ડ લાગ્યું પણ આટલો બધો ટાઈમ જવું ક્યાં તેના કરતાં મુવી સારો ઓપ્શન છે એટલે તેણે હા પાડી દીધી

( શું રાકેશ પોતાની લાગણી વ્યક્ત કરી શકશે? દિયા રાકેશ માટેની પોતાની લાગણીઓ સમજશે? દિયા ના મમ્મી-પપ્પા નું શું અતીત હશે કે તેઓ દિયા માટે ચીંતા કરે છે ? વાંચતા રહો અજનબી હમસફર..
વાચકમિત્રો,
આપને વાર્તા પસંદ આવે તો પ્રતીભાવ આપવાનું ચુકતા નહી.. આપના સૂચનો પણ આવકાર્ય છે.આપ મને ઈન્સ્ટાગ્રામમા dipupatel55 પર ફોલો કરી શકો છો.)