Aryariddhi - 47 in Gujarati Love Stories by અવિચલ પંચાલ books and stories PDF | આર્યરિધ્ધી - ૪૭

Featured Books
Categories
Share

આર્યરિધ્ધી - ૪૭

સાંજનો સમય થયો હતો ત્યારે રાજવર્ધન પોતાના રૂમમાં બેસીને વિચારી રહ્યો હતો કે હવે આગળ શું કરવું જોઈએ જેથી રિદ્ધિ તેના બાળકનું ડીએનએ આપવા માટે તૈયાર થઈ જાય. ત્યાં દરવાજો નોક થયો એટલે તેણે દરવાજો ખોલ્યો તો સામે મેઘના ઊભી હતી.

આ જોઈને રાજવર્ધન કઈ બોલ્યો નહીં. મેઘના રૂમમાં આવી એટલે તેણે દરવાજો બંધ કરી દીધો ત્યારબાદ મેઘના રાજવર્ધન સામે જોઈને બોલી, “તું કેમ મને ઈગનોર કરી રહ્યો છે, હું તારી પત્ની છું. મારા પર ફક્ત તારો હક છે અને તારી દરેક તકલીફ, દુઃખમાં સાથ આપવો એ મારી ફરજ છે. તું મને તારી તકલીફ જણાવી શકે છે.”

આટલું સાંભળીને રાજવર્ધને મેઘનાને ગળે લગાવી લીધી. થોડીવાર પછી રાજવર્ધનથી અલગ થયા બાદ મેઘના તરત રૂમમાંથી બહાર નીકળીને રિદ્ધિના રૂમમાં ગઈ. ત્યાં જઈને તેણે જોયું કે રિદ્ધિ હજી સુધી ઊંઘી રહી હતી એટલે મેઘના ત્યાં જ એક જગ્યાએ બેસીને રિદ્ધિના જાગવાની રાહ જોવા લાગી.

ક્રિસ્ટલને એ દરમિયાન યાદ આવ્યું કે તેણે રિદ્ધિને સ્લીપિંગ પિલ્સ આપી હતી એટલે તે ઝડપથી રિદ્ધિના રૂમમાં ત્યારે તેણે જોયું કે મેઘના પહેલાથી રૂમ બેસીને કોઈ બુક વાંચી રહી હતી. આ જોઈને ક્રિસ્ટલ પાછી ફરી પણ ત્યારે મેઘના ની નજર તેના પર પડી એટલે મેઘનાએ તેને પાછી બોલાવીને પોતાની પાસે બેસવા માટે કહ્યું.

મેઘનાના બોલાવવાથી ક્રિસ્ટલ પાછી રિદ્ધિના રૂમ ગઈ અને મેઘના પાસે બેસીને વાતો કરવા લાગી. ભૂમિ સંધ્યાના ગયા પછી લમણે હાથ મૂકીને બેસી રહી હતી. તેને આવનારા સમય વિષે વિચારીને ડરી રહી હતી અને તેણે પોતે શું કરવું જોઈએ તે સમજાતું નહોતું.

આમ એક કલાક જેટલો સમય પસાર થયા પછી રિદ્ધિ જાગી ગઈ. રિદ્ધિએ બેઠા થઈને જોયું તો ક્રિસ્ટલ અને મેઘના તેની પાસે બેસી રહ્યા હતા. આ જોઈને રિદ્ધિના મનમાં તે બંને માટે માન ઉપજયું. રિદ્ધિએ પોતાના પેટ પર હાથ ફેરવ્યો અને આવનાર બાળક છોકરો હશે કે છોકરી તે વિષે વિચારવા લાગી.

ક્રિસ્ટલ બોલી, “રિદ્ધિ, મારે તને જરૂરી વાત કહેવાની છે, પાર્થ વિષે.” આ સાંભળીને રિદ્ધિએ ક્રિસ્ટલ સામે જોયું એટલે ક્રિસ્ટલ આગળ બોલી, “તું જ્યારે આરામ કરી રહી હતી ત્યારે પાર્થનો તારા ફોન પર કોલ આવ્યો હતો. તે વખતે ભૂમિ અને મે પાર્થ સાથે વાત કરી હતી.” આટલું કહીને ક્રિસ્ટલે પાર્થનો કોલ આવ્યા પછી ભૂમિએ તેની સાથે રિદ્ધિના અવાજમાં કરેલી વાત, રાજસ્થાનનો ઉલ્લેખ, પછી તેણે પોતે કરેલી વાત, આ બધી વાતો રિદ્ધિને જણાવી. ક્રિસ્ટલની વાત સાંભળીને રિદ્ધિને શું કહેવું તે સમજાયું નહીં એટલે તે ચૂપ રહી.

રાતના આઠ વાગ્યા એટલે ભૂમિ એક બટલર સાથે રિદ્ધિના રૂમમાં ડિનર ટેબલ લઈને આવી. બટલરે બધા માટે પ્લેટ તૈયાર કરીને આપી દીધી એટલે ભૂમિએ તેને પાછા જવા માટે કહ્યું. ભૂમિ, મેઘના, રિદ્ધિ, અને ક્રિસ્ટલ બધા એકસાથે ખાવાનું શરૂ કર્યું. બધા એકબીજાને પણ ખવડાવતા હતા.

અચાનક ભૂમિને યાદ આવ્યું કે રાજવર્ધન હાજર નહોતો એટલે તેણે મેઘનાને પૂછ્યું, “મેઘના, રાજવર્ધન ક્યાં છે? તે અહી ડિનર માટે આવ્યો નથી? મેઘનાએ જવાબ આપતાં બોલી, “રાજવર્ધન, થોડો સમય આરામ કરવા માંગતો હતો એટલે તેણે મને કહ્યું કે તે ડિનર નહીં કરે. પણ આપણે તો ડિનર કરી લઈએ.” આટલું કહીને તે હસી પડી.

મેઘનાની વાત સાંભળીને બધા હસી પડ્યા. થોડી વાર પછી ડિનર થઈ ગયા બાદ ક્રિસ્ટલે મેઘનાને રાજવર્ધનને કોલ કરી બોલાવવા માટે કહ્યું. એટલે મેઘનાએ રાજવર્ધનને કોલ કરીને રિદ્ધિના રૂમમાં આવવા માટે કહ્યું પણ ઘણી વાર સુધી રાજવર્ધન આવ્યો નહીં તેથી ક્રિસ્ટલ પોતાની જગ્યાએ થી ઊભી થઈને બોલી, “હું રાજવર્ધનને તેના રૂમમાંથી બોલાવી લાવું છું.”

આ સાંભળીને મેઘનાએ આંખો પલકાવી ઈશારો કર્યો એટલે ક્રિસ્ટલ રાજવર્ધનના રૂમ તરફ ગઈ. એ સમયે એક કાર મહેલના મુખ્ય દરવાજા આગળ ઊભી રહી અને તેમાંથી એક નૌજવાન યુવક બહાર આવ્યો. તેને જોઈને મહેલના બધા સેવકો કતારબંધ ગોઠવાઈને તે યુવકને સલામ કરવા લાગ્યા. તે યુવક બધાની સલામ સ્વીકારતાં સંધ્યાના બેડરૂમ તરફ ગયો.

સંધ્યા એ સમયે તેના રૂમમાં દરવાજો ખુલ્લો રાખીને બેડ પર બેઠા બેઠા ભગવદગીતા વાંચી રહી હતી ત્યારે તે યુવક રૂમમાં આવ્યો. તેને જોઈને સંધ્યા ખુશીથી ઊછળી પડી. સંધ્યા તરત ઊભી થઈને તે યુવકને ગળે મળી.

સંધ્યાએ તે યુવકની આંખોમાં જોયું તો તેને ગુસ્સો અને દુઃખ એમ બંને લાગણીઑ દેખાઈ. એટલે સંધ્યાએ તે યુવકને શાંત કરવા માટે બોલી, “બધા જ અહીં છે મેઘના, રાજવર્ધન અને ક્રિસ્ટલની સાથે રિદ્ધિ પણ છે. ચાલ, હું તને એ બધાને મળાવું.” આટલું કહીને સંધ્યાએ તે યુવકને આગળ ચાલવા માટે કહ્યું અને તે પોતે પાછળ ચાલવા લાગી.

મેઘનાએ રાજવર્ધનને કોલ કર્યો ત્યારે રાજવર્ધન મહેલની અગાશી પર હતો એટલે તે મેઘનાનો કોલ આવતાં રાજવર્ધન રિદ્ધિના રૂમ તરફ આવવા માટે નીકળ્યો. ક્રિસ્ટલ રાજવર્ધનના રૂમ ગઈ પણ રાજવર્ધન અગાશી પર ગયો હોવાથી તેને મળ્યો નહીં. એટલે ક્રિસ્ટલ રિદ્ધિના રૂમ તરફ પાછી આવતી વખતે તે યુવક સાથે અથડાઇ ગઈ.

તે યુવકને જોતાં જ ક્રિસ્ટલનો ચહેરો સફેદ પડી ગયો. તે જોરથી ‘ભૂત-ભૂત’ ની ચીસ પાડીને ઝડપથી ભાગી અને રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો. ક્રિસ્ટલના ચહેરા પરથી પરસેવાની બુંદો ટપકી રહી હતી. ક્રિસ્ટલે સામે નજર કરી તો રાજવર્ધન આવી ગયો હતો અને ભૂમિ, મેઘના, રિદ્ધિ બધા તેની સામે જોઈ રહ્યા હતા.

મેઘના તરત ઊભી થઈને ક્રિસ્ટલ પાસે આવી અને તેને એક ખુરશીમાં બેસાડીને પાણી પીવા માટે આપ્યું તેનાથી ક્રિસ્ટલનો ડર થોડો ઓછો થયો પછી ક્રિસ્ટલને પૂછ્યું, “શું થયું હતું તને? કેમ આટલી બધી ડરી ગઈ હતી?”

ક્રિસ્ટલ ધૂર્જતા અવાજે બોલી, “આર્યવર્ધન, મેં આર્યવર્ધન ને જોયો. મને લાગે છે કે મેં તેનું ભૂત જોયું હતું.” ક્રિસ્ટલ આટલું બોલી ત્યાં જ દરવાજો કોઈએ નોક કર્યો. મેઘના દરવાજો ખોલવા ગઈ પણ ક્રિસ્ટલે તેને દરવાજો ખોલતાં રોકી એટલે મેઘના હસી પડી. તેણે ક્રિસ્ટલને શાંતિથી બેસવા માટે કહ્યું અને દરવાજો ખોલ્યો તો ત્યાં સંધ્યા ઊભી હતી.

સંધ્યાને જોઈને મેઘનાએ તને અંદર આવવા માટે કહ્યું. મેઘનાએ રિદ્ધિને સંધ્યાનો પરિચય આપતા કહ્યું, “રિદ્ધિ, આ સંધ્યા છે. આ મહેલની માલિક અને રાજકુમારી.” સંધ્યાને રિદ્ધિ વિષે ખબર હતી એટલે મેઘનાએ સંધ્યાને રિદ્ધિનો પરિચય આપ્યો નહીં.

સંધ્યાએ એક વખત બધા સામે નજર કરીને જોઈ લીધું કે બધા જ રૂમમાં હાજર હતાં. પછી સંધ્યા બોલી, “હું આપ સૌનો પરિચય એક વ્યક્તિ સાથે કરાવવા માંગુ છું. આટલું કહીને સંધ્યાએ તેની સાથે આવેલાં યુવકને રૂમમાં આવવા માટે ઈશારો કર્યો એટલે તે યુવક રૂમમાં આવ્યો.

તે યુવકને જોઈને ક્રિસ્ટલ જોરથી ‘ભૂત’ એવી ચીસ પાડીને બેભાન થઈ ગઈ આ જોઈને સંધ્યા અને તે યુવક હસી પડ્યા. પણ ભૂમિ, રાજવર્ધન, મેઘના સહિત બધા અચરજમાં હતાં. સંધ્યાએ બધાને તે યુવકનો પરિચય આપતાં કહ્યું, “આ છે આર્યવર્મન. મારા પતિ અને આ મહેલના રાજા.”

રિદ્ધિએ આર્યવર્મનનું નિરીક્ષ્ણ કર્યું તે આર્યવર્ધન જેવો જ દેખાતો હતો. બિલકુલ આર્યવર્ધનની ઝેરોક્ષ કોપી લાગતો હતો. રાજવર્ધનને પણ આ જોઈને એક ક્ષણ માટે લાગ્યું કે જાણે આર્યવર્ધન તેની સામે ઊભો છે. સંધ્યા આગળ બોલી, “રાજવર્ધન, તારો મારા પતિ સાથે નજીકનો સંબંધ છે. તે તારા મોટા ભાઈ છે. તારા મોટાભાઈ આર્યવર્ધન ના જુડવા ભાઈ આર્યવર્મન.”