" આનંદ અહીં કેટલો સમય આમ બેસી રહેશો..??.. ચાલોને હવે ઘરે જઈએ.. "
" કયું ઘર .. અલ્પા..??.. ત્યાંતો દીવાલો છે.. ઘર ક્યાં રહ્યું..!!.."
" જે થયું એ ભૂલી જાવ .. સમય દરેક ઘાવને ભરી દેશે.. ને સૌને સઘળું સમજાઈ પણ જશે... ને આમેય હું છું ને.. તમારી સાથે.. "
" અલ્પા.. તું જાણેજ છે કે એટલેજ જીવી શકું છું.. બાકી તો.. "
" બસ હવે... ચાલો ઉભા થાવ આમેય બગીચો બંધ થવાનો સમય થવા આવ્યો.."
( 65 વર્ષની અનુભવી ઉંમર... સમાજમાં એક જમાવેલું સ્થાન.. વ્યવસાયમાં મોટું સ્થાન .. આ બધા માટે 40 વર્ષ ભોગ આપેલો.. દિવસ-રાત મહેનત કરેલી... ઘરથી દૂર પણ રહેલા.. બસ અલ્પાબેનનો માનસિક સાથ સહકાર આનંદભાઈનું પીઠબળ બની રહ્યું.. ને સફળતા એમના કદમ ચૂમી રહી... દીકરીને પરણાવી એ ખૂબ ખુશ હતા.. દીકરાની આવનાર પુત્રવધુને વધાવવા માટે.. પુત્ર નીલાક્ષ ની પોતાની સેક્રેટરી નીલિમા ગમે છે એ વાત આનંદભાઈ સમજી ગયેલા ક્યાંક મનમાં આ સંબંધ એમને કે અલ્પાબેન ને મંજુર નહોતો પણ દીકરાની ખુશી સામે બંનેએ પોતાના અણગમા ને દબાવી દઈ હરખથી વહુને વધાવવા તૈયારીઓ કરવા લાગ્યા ને ધામે ધુમે પુત્ર ને પરણાવી લાવ્યા આનંદભાઈ એ નીલિમા ને પ્રથમ દિવસે જ કહેલું )
" નીલિમા બેટા અમારી એક દિકરીની વિદાય થતા અમે બીજી વળાવી લાવ્યા છીએ તું આ ઘરને તારું ઘર સમજજે ને... હા... મારો ઘૂમટો કાઢવાની જરૂર નથી તું એ મારી દિકરી છે હવે આ ઘર તારું જ છે સુખી થાવ "
" સર... સોરી... પપ્પા હું એ તમને દીકરી ની ખોટ નહીં સાલવા દઉં "
( સમય પોતાનું કામ કરતો રહ્યો મહિનાઓ ફરવામાં વિત્યા ધીરે ધીરે જવાબદારીઓ પણ ભાગે આવી આનંદભાઈ હવે શારીરિક થાક્યા હોવાથી રિટાયર્ડ થઈ ઘરમાં પોતાનું જીવન અલ્પાબેન અને પરિવાર સાથે વિતાવવા માંગતા હતા નિલાક્ષ અને નીલિમા એ આ નિર્ણય વધાવી લઇ પપ્પાને રીટાયર્ડ ઘોષિત કર્યા પાર્ટીઓ ઉજવાઈ રંગેચંગે આનંદભાઈ એ ઓટલા સભા માં સ્થાન ગ્રહણ કર્યું સવારે બે કલાક યોગા ધ્યાન પૂજા ત્યાર પછી નાસ્તો ને એ પછી ઓટલે જઇ મિત્રો સાથે જ્ઞાન ગોષ્ઠી ત્યાર પછી ઘરે આવી નીલિમા ને અલ્પાબેન ને રસોઈમાં મદદ કરાવતા નીલિમા સાથે એમને પહેલાથી જ સારું બનતું કારણકે એ એમની સેક્રેટરી રહી ચૂકેલી બંને બપોરના સમયે ચેસ, લુડો જેવી રમતો રમતા આનંદભાઈ સંતુષ્ટ હતા ને તેથી જ એમણે પોતાના દીકરા વહુ ની બીજી લગ્ન તિથિ નિમિત્તે ભેટ સ્વરૂપે સંપૂર્ણ મિલકત નિલાક્ષ ના નામે કરી દીધી સમય વિતતા આનંદભાઈ ને નીલિમા ના વર્તનમાં ફરક દેખાવા લાગ્યો મેં ધીરે ધીરે દીકરા ના વર્તનમાં પણ ભેદ લાગ્યો હવે બપોરે સસરા સાથે રમતો રમવામાં વહુને કંટાળો આવતો ને એ જ્યારે રસોડામાં મદદ કરવા આવતા એ પણ ખટકવા લાગ્યું અલ્પાબેન આ બધું સમજી રહ્યા હતા પણ શું બોલે..?? ત્યાં અચાનક અલ્પાબેન ના ભાઈનું અકસ્માતમાં મૃત્યુ થતા તેઓ પોતાના પિયર જોતા રહ્યા આનંદભાઈ પોતાના રોજિંદા ક્રમ મુજબ રસોડામાં નીલિમા ની મદદ કરવા આવ્યા ને શાકભાજી લઈને કાપવા લાગ્યા ત્યાં અચાનક )
" નિલાક્ષ... નિલાક્ષ.. "
" શુ થયું નિલીમા ...?? "
" હવે ક્યાં સુધી સહન કરું આ બધું... આજો તારા પપ્પા.. "
( આનંદભાઈ તો આંખો જ પહોળી થઈ ગઈ જાણે સ્તબ્ધતા ઘેરી વળી.. )
" પપ્પા... તમને શરમ નથી આવતી ...?. આ તમારી દીકરી જેવી છે શું કહું તમને મને શરમ આવે છે"
" પણ.... પણ... મેં શું કર્યું ને નીલુ પણ મારી દીકરી જ છે એટલે તો એને મદદ કરવા... "
" પપ્પા.. એણે મને પંદર દિવસ પહેલા જ કહેલું કે તમારી નજર એના પ્રત્યે બદલાતી હોય એવું એ અનુભવે છે... ને હું એ નોટિસ કરું છું કે તમે એના આરામના સમયે પણ ચેસ, ને લુડો લઈને એની પાસે ચાલ્યા જાવ છો "
( ત્યાં પાછળ આવી ગયેલા અલ્પાબેન બધું સાંભળી રહ્યા હતા તે હવે બાજુમાં આવી ગયા )
" બેટા હવે તમારું બહુ થયું છે હા તારા પપ્પાએ મિલકત તારા નામે કરી છે ત્યાર નો તમારા બંને માં આવેલો બદલાવ અમારાથી એ અછાનો નથી જ ને... હા.. બીજી એક વાત આ ઘર હજુયે મારા નામે જ છે ને હું જાણું છું કે તમે પણ બીજું ઘર ખરીદી ચૂક્યા છો તો તમે બંને પ્રેમથી જઈ શકો છો "
" નિલાક્ષ... આતો ચોર કોટવાળ ને દંડે એવું થયું હવે હું અહીં એક પણ સેકન્ડ રહેવા નથી માંગતી તો પ્લીઝ મને અહીંથી લઈ જા.. "
" તું ચિંતા ના કરીશ નીલિમા આપણે અત્યારે જ અહીંથી નીકળી જવાના ચાલ નીકળી જઈએ "
( આનંદભાઈ હજુ સ્તબ્ધ હતા... અલ્પાબેન બધું સમજી ગયેલા તેથી તેમણે દીકરા કે વહુ ને સમજાવા કે રોકવાનો પ્રયત્ન પણ ના કર્યો અલ્પાબેન બંનેને જતા જોઈ રહ્યા એમણે પોતાના મનને સમજાવી લઈ આંખો લૂછી નાખી ને આનંદ ભાઈ ને સમજાવવા લાગ્યા પણ.. એતો ઢળી પડ્યા.. અલ્પાબેને તરતજ ડોકટરને તેડાવ્યા ને સારવાર થતા તે બચી ગયા નાનો એવો હૃદય રોગ નો હુમલો થયેલો...)
" અલ્પા મેતો નીલિમા ને દીકરી ગણેલી એણે આવું કેમ કર્યું.... ??.."
" આનંદ ક્યારેક અમુક લોકો વધુ પડતા પ્રેમને પીડા સમજી બેસે છે આવા લોકોથી દૂર જ સારા ને તમે ક્યાં એકલા છો હું છું એ તમારી પાસે તમારી સાથે "
( આનંદભાઈ રોજિંદી ક્રિયાઓ તરફ વળ્યા પણ રસોડામાં જતા હવે ગભરામણ અનુભવવા લાગ્યા, બોલવાનું ઘટી ગયું, રમવાનું તો જાણે બંધ થઈ ગયું હસવાનું પણ ખૂબ જ ઓછું થઈ ગયું સાંજે બગીચામાં બેસવા આવતા અહીં રમતા બાળકોને જોઈ-જાણે થોડો મનનો વિષાદ ઓછો થઈ જતો પણ... ઘરે જવાનો સમય થતા એમનું મન પાછું પડતું ત્રણ માળનો એ બંગલો રહેનાર એમાં માત્ર બે આજે પણ ઘરે જવાનું મન નહોતું થતું અલ્પાબેને હાથ પકડીને ઊભા કર્યા ને પોતાની સાથે ઘરે લઈ આવ્યા )
" અલ્પા આ આપણા ઘરમાં છોકરીઓ કોણ છે..??. "
" પેઇંગ ગેસ્ટ છે આજથી આપણી સાથે જ રહેશે... "
" પણ.... "
" આનંદ આટલું મોટું ઘર છે ને રહેનાર આપણે બે રૂપિયાનો પ્રશ્ન પણ હલ થઈ ગયો અને આ એકલતાનો પણ ફરી આપણા ઘરમાં કોલાહલ શરૂ... "
" પેઈંગ ગેસ્ટ :- અને હા અંકલ અમે આંટી પાસેથી તમારી રસોઈ કળા વિશે સાંભળ્યું છે તો તમારે અમને પણ રસોઈ બનાવતા શીખવાની છે હો અમને રસોઈ બનાવતા નથી આવડતી "
પેઈંગ ગેસ્ટ (૨) :- ને... હા... અંકલ મને એક વખત ચેસમાં હરાવી બતાવજો તો તો હું તમને જીનીયસ માનું નહીંતર માં હું પણ ચેસમાં ચેમ્પિયન છું..."
( આનંદભાઈ બંને દીકરીઓની સામે જોઈને પછી અલ્પાબેન સામે જાણે આભાર વ્યક્ત કરતા હોય એવી અમી ભરેલી નજરે એકટસ જોઈ રહ્યા... )