CHHABILOK - 1 in Gujarati Comedy stories by ARUN AMBER GONDHALI books and stories PDF | છબીલોક - 1

Featured Books
Categories
Share

છબીલોક - 1

(પ્રકરણ – ૧)

છબીયંત્ર શું છે ? જોયું છે ? જોયું હશે... પરંતું વિશ્વાસ નથી પોતાનાં નોલેજ પર અથવા એમ કહોને આવાં કોઈ યંત્ર હોય ? અરે યાર... શું મજાક કરો છો. થોડુંક ગુગુજી લઈએ, ગુગુજી લઈએ એટલે ? એટલે... જાણી લઈએ. ના, ના, કોઈ જરૂર નથી. અમે તો ગુગલ પરથી બધું જાણી લઈએ છીએ. બધું એટલે ? બધું બધુ જ. કોઇપણ પ્રશ્ન થાય એટલે તરત ગુગલ કરીએ સમજ્યા ? દુનિયાની બધી વાતો અને હકીકતો ફટાફટ ખબર પડે. અરે...ભાઈ... હું પણ એ જ ગુગુજીની જ વાત કરું છું. એમ..? તો ચાલ, છબીયંત્રનો મીનીંગ અંગ્રેજીમાં શોધી જો. પ્રયત્ન કર...કદાચ ના મળે. આમ ઘણાં શબ્દોના અર્થ ના મળે એ બનવા જોગ છે. કારણ આપણી સંસ્કૃતિ બહુ જુની. ઘણાં શબ્દો પણ આપણા પરિચયમાં પણ નહી હોય. અરે... હા.. છબીયંત્ર એટલે કે કેમેરો.

હવે કહો જોઈએ કેટલાં લોક છે ? લોક એટલે સંખ્યા..... લોકો ? ના, ના, પેલાં શાસ્ત્રમાં કહે છે ને આલોક, પરલોક. હાં બરાબર છે. કોઈ પૃથ્વીલોક કહે છે, પાતાળલોક પણ છે અને સ્વર્ગલોક પણ છે. ખબર નહી પણ તમને ખબર છે એક વધારાનું લોક પણ છે. એ લોક તમારાં ગુગલમાં નહી જ હોય. કારણ તેની શોધ અત્યારે જ કરી છે...મેં... હતું... કદાચ આ નવું નામકરણ થયું... લોકડાઉનમાં. એ છે છબીલોક.

છબીલોક... લોક તો સમજાયું પણ છબી એટલે ? ફોટા... ફોટા... અસલ ગુજરાતી શબ્દ પણ ભુલી ગયો ? ઓહ...એમ કહોને... સેલ્ફી. એ તો અમારાં લોહીમાં છે અત્યારે. કહો ત્યારે, ગમે ત્યારે, ગમે ત્યાં અમે સેલ્ફી લઈએ છીએ, સમજ્યા ? પણ આ છબીલોક શું છે ? અરે ભાઈ... આ છે આપણા સ્વર્ગવાસી સગાઓની છબી કે છબીઓ જેને આપને ફોટા કહીએ છીએ તે. સરસ મજાની કાચની ફ્રેમમાં સજાવેલ, આપણાં લોહીનાં તદ્દન નજીકના સબંધીઓ, સગાઓ. અર્થાત સ્વર્ગવાસીઓ. પ્રેમથી શણગારીને (ફ્રેમ કરીને) દિવાનખંડમાં કે ઘરમાં આવનાર જનારની નજરે પડે એ રીતે દિવાલ ઉપર સ્થાપિત કરેલ, એટલે ટીંગાડી (બહુ ગહન અર્થ છે આ શબ્દને, વિચારતાં રહેજો..) રાખેલ ! સરસ મજાનો સુખડનો હાર પહેરાવેલ હોય. કોઈ દિવો કરે, નહી તો અગરબત્તી તો કરેજ. કરવું તો પડેને ભાઈ... દુનિયાદારી માટે, દિલથી, નહી તો દેખાવા ખાતરપણ. ખુબ પૂજનીય પણ હોય, ઉપકારી.... કારણ એમણે પોતાની આખી જીન્દગી કરકસરમાં ખપાવી અને મોહથી આપણાં માટે રૂપિયા પૈસા, જાગીર મૂકી ગયાં અને તે જૂની જાગીર વેચી કે ઘટતાં ઉમેરી આપણે આ આલીશાન શહેરમાં, પોશ (પછીથી પોલિશ થયેલ) લોકોમાં રહેઠાણ લીધું અને તેમાં રહીએ છીએ. મોજ કરીએ. એ જ રીતે આ સ્વર્ગવાસીઓની, પૂજનીય આત્મીયોની એક દુનિયા છે. છબીલોક. દરેક ઘરમાં હશેજ... એક છબી.. ફ્રેમમાં એ લોકો પણ બોર તો થતાં જ હશેને ? આપણી જેમ. આખી જીન્દગી એમ કહેતાં રહ્યાં.... અમે દુનિયા જોઈ છે.. દિકરા.. તને હજુ ભાન નથી. અને હવે એ જ લોકો સ્વર્ગવાસી થઈને દિવાલ ઉપર ફ્રેમમાં ? એક નાની દુનિયામાં ? દિકરો, વહુ અને એક કે બે પોત્ર કે પોત્રીની દુનિયામાં ? વન બી એચ કે અથવા ટુ બી એચ કે જેટલી નાની દુનિયામાં ? આખો દિવસ પરિવારને જ સાંભળવાના, જોવાના. ગમે કે ના ગમે તો પણ. બોર તો થાય ને ? આપણી જેમ. આપણે તો રજા હોય એટલે ફરવાં જઈ શકીએ. મનોરંજન કરી લઈએ, પણ એમનું શું ? અને હવે આ કોરોના વાયરસથી લોકડાઉનમાં છીએ. ખ્યાલ તો આવી જ ગયો હશેને ? બોરિંગનો... કંટાળાનો... નહી ? નવો અનુભવ, દિવસો સુધી, ઘરમાં જ !

ચાલો હળવા થઈએ. હવે બીજો કોઈ રસ્તો જ નથી... હાં.. ઘરમાં, રસ્તા ના હોય.. એક રૂમથી બીજાં રૂમમાં મજા લઈએ થોડાં ફૂલ થઈએ. મશ્કરી નહી... અંદરની ઘુંટણ સમજીએ....એમની. લોકડાઉન થી એમની મુક્તિ.

પ્રથમ આપણાં એ પ્રિય સ્વર્ગવાસીઓને પ્રેમથી વંદન કરીએ. એમનાં આશીર્વાદ લઈએ. પગે લાગીએ. (કોઈના દિલને દુઃખ ના થાય તે માટે માફી માંગી લાવું છું. આપણા પૂજનીય કહેવાય, માર્ગદર્શક કહેવાય. ગુરૂ તો ખરા જ ને ! ).

‘*****’

બિલ્ડીંગના બધાં જ લોકો વિચારમાં હતાં. અચંબામાં હતાં. આવું કેવી રીતે શક્ય છે ? અને તે પણ બધાં સાથે ? એટલે એપાર્ટમેન્ટના બધાજ ઘરવાળાં સાથે ? એમાં કોઈ અપવાદ પણ હતું. પણ કારણ સમજાતું નહોતું. સવારથી બધાં કંઇક અજુગતી ગજબ ઘટનાને લીધે પરેશાન હતાં. કારણ હવે વિચાર ઓછો કરે છે અંને ન્યાય કે હલ ઉપર તરત સિક્કો મારી દે. બસ... જીતુભાઈએ પણ એમજ કર્યુ.

જીતુભાઈ બોલ્યા – “ચાલો પોલીસમાં ફરિયાદ કરીએ.”

પશાભાઇ (જીતુથી ઉમરમાં મોટા) – “અલ્યા જીતીયા, શું ફરિયાદ કરવાનો થયો છે, શું કહેવાનો ? કંઇક તો કહેવાં માટે મુદ્દો, હકીકત જોઈએને ?”

જીતુભાઈ – “હાં હાં, કેમ નહી ? આ આપણે બધાએ જે જોયું તે કહેવાય કે નહી. બધાએ સાથે મળીને કહેવુ કે આ જે કંઇ દેખાય છે તે હકીકત છે. સાચી વાત છે તે જ કહેવાની છે.

પશાભાઇ– “પણ આ કોઈ ચોરી તો થઇ નથીને ? કોઈ કિડનેપ નથી થયું ને ? નાની અમસ્તી વાત લાગે છે. તમે કદાચ રાત્રે ભૂલી ગયાં હોય તો ? આમ નવરા બેઠાં બેઠાં વાતવાતમાં ? બેધ્યાન થઇ જવાય !

દરેક રહેવાસી પોતપોતાના મુદ્દા ઉભાં કરી ગપસપ કરી રહ્યાં હતાં તો કોઈક નકામો શોર કરી રહ્યાં હતાં.

શોરબકોર સાંભળી એપાર્ટમેન્ટના દરેક ફ્લોરવાળા લીફ્ટ પાસેના સ્પેસમાં ભેગાં થઇ ગયાં. લાગતું હતું સોસીયલ ડિસ્ટન્સને નેવે મૂકી દેશે. પણ એવું બન્યું નહી.

“આ કોઈ ચોરનો ચોરીનો ઈરાદો લાગતો નથી. બધાં ઘરમાં જઈ કબાટ, તિજોરી જે કંઇ કિંમતી હોય તે ચેક કરીલો. કંઇક ચોરી થઇ હોય તો જણાઓ. પછી આગળ વિચાર કરીશું.” બધાંને સંભળાય એમ જીતુભાઈ બોલ્યા.

ધીરે ધીરે બધાં વિખેરાયા. કલાકોની ચુપકીથી સમજાયું કે બધું બરાબર છે, સલામત છે. દરેકે પોત-પોતાની ખુરશીઓ લીફ્ટ પાસેના સ્પેસમાંથી ઉચકી લઇ પોતપોતાનાં ઘરોમાં મૂકી દિધી. કેટલીક ખુરસીઓ નીચેના ફ્લોરવાળાની હતી તો કેટલીક ઉપરના ફ્લોરવાળાની. ટૂંકમાં એપાર્ટમેન્ટના ઘણાના ઘરોની ખુરશીઓ અહીં ભેગી થઇ હતી જેમાં સ્ટુલ પણ હતાં. જાણે કોઈ સમારંભ માટે ખુરશીઓ ગોઠવવામાં અને લાવવામાં આવી હોય તેમ.

કોઈએ મજાક તો નથી કરીને ? બધાં ખોટું બોલે છે ? એકબીજાને તંગ કરવા માટે ? બધાં લોકડાઉનથી ઘરે છે એટલે કોઈ નિર્દોષ આનંદ લેવાં આવી હરકત નથી કરતું ને ? પણ એ કેવી રીતે શક્ય બને ? દરેકનાં ઘરની ખુરશીઓ કે સ્ટુલ આમ સહજ રીતે ચોરીને કે નજર બચાવી ભેગાં કરી શકાય ? એક તો કોરોનાનો ડર છે અને તેમાં આ બીજો ભય... રહસ્ય..

બે દિવસ અપાર્ટમેંટમાં આ જ વાત ચાલતી હતી કે રાત્રે ઘરમાંની ખુરસીઓ પેસેજમાં કેવી રીતે આવી. કોયડો દરેક ઘરવાળાને સતાવી રહ્યો હતો. જાતજાતની અટકળો થઈ રહી હતી. કોઈક બાળકોને ખખડાવી રહ્યાં હતાં તો કોઈક ધર્મપત્નીઓને. એમ લાગે છે કે બપોરે અમે સુતા હશું ત્યારે તમે કિટીપાર્ટી કરી હશે અને પછી ખુરશીઓ બહાર ભુલી ઘરમાં આવી ગયાં હશો.

કોઈક કહી રહ્યું હતું આ તો બાળકો કદાચ સંગીત ખુરશી ના રમતાં હોય બપોરે ? આપણા દરવાજાં તો આમેય બંધ જ હોય છે ને ? અવાજ ના સંભળાયો હોય આપણને ?

પરંતું કોઈપણ રહેવાસી કબુલ કરવા તૈયાર નહોતું. કમાલ.. કમાલ થઇ ભાઈ.. આ બાળકોના એકતાની અને મહિલાઓના ચુપકીની. હજુ કોઈના પેટમાંથી વાત બહાર જ નહોતી આવી. શું તેઓ ખોટું બોલતાં હતાં કે પતિઓને ઉલ્લુ બનાવવાની રમત રમાડી રહ્યાં હતાં ?

જોરદાર...... રહસ્ય હતું કે રમત હતી ? સાલું.... કોરોનાની જેમ આ પણ સમજાતું નહોતું. એય... કદાચ વાયરસ ખુર્ચીમાં ઘુસી અને પછી ચાલીને બહાર આવ્યો હોય. હવે આ હદ થાય છે ભાઈ... ષડયંત્રની !

કેટલાંક એમ કહેતાં હતાં કે આપણે મીટીંગ કરીએ પુરુષોની. આમ આપણે ભેગાં થઈશું તો કોઈને ખબર ના પડે, આ લીફ્ટના ઓપન સ્પેસમાં જ મળીએ. હાં... પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે. માસ્ક વગેરે બાંધીને. સમસ્યા ગંભીર છે અને ગંભીરતાને લક્ષમાં રાખી વહેલામાં વહેલી મીટીંગ આટોપી લેવી જેથી કોઈક નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય.

ના... ના... હો... આપણે કાયદાનું પાલન કરવું. લોકડાઉનમાં ભેગાં ના થવાય. એટલે ના થવાય. ! ભલે કોઈને ખબર પડે કે નહી. નૈતિકતા તો રાખવી જ. પોતાની સુરક્ષિતતા અને સલામતી આપણે જ કરવાની. ખોટું નહી કરવું. નહી તો આ એપાર્ટમેન્ટના કેમેરામાં આપણે રિકોર્ડ થઇ જઈશું. કોરોનાનો ડર લાગે છે એટલો જ ડર આ ઉપરવાળાનો રાખ્યો હોત તો આજે આ દિવસો જોવા ના પડત. કદાચ કુદરત આ ગંભીર દંડ ન કરત ! દેવેન્દ્રભાઈ ભેગાં થયેલ ઉત્સાહીત યુવાનોને સમજાવી રહ્યાં હતાં. કદાચ કાલે ઊઠીને સરકારને ખબર પડે અને છાપે કે ટી વી ઉપર બાતમી ચઢે તો આપણી રેસીડેન્સીનું નામ વગોવાય. આપણી ઈજ્જત નું શું ? કોને કોને જવાબ દઈશું. ના..ના.. આવી ભૂલ કરવી નથી. ભણેલાં ગણેલાં છીએ. ઇજ્જતદાર છીએ.

મજા આવે છે ને ? તમે વાચક તરીકે વિચારતાં હો તો વિચારી શકો છો. ઘરમાં બેઠાં બેઠાં કોયડાનો ઉકેલ લાવી શકાય. ઉકેલી જુવો.

ચાલો ત્યારે મળીએ....

(ક્રમશઃ)