fulari in Gujarati Adventure Stories by ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી books and stories PDF | ફુલરી

Featured Books
Categories
Share

ફુલરી

વાત છે આ ગુજરાતના એક અંતરિયાળ ગામની.જે લગભગ જંગલની સાવ નજીકમાં વસેલું.આમ તો આ ગામ માટે વસેલું શબ્દ તો વધુ પડતો કહેવાય એટલે એમ કહેવું વધુ યોગ્ય છે કે જંગલની સાવ નજીકમાં આ જંગલી પ્રજાતિનાં સમુદાયે પોતાના કાચા ઝૂંપડાં બાંધ્યાં હતાં.આ સમુદાયના લોકો માત્ર દેખાવે જ માણસ લાગતા હતા. બાકી તદ્દન જંગલી પ્રકારના - ખડ પાનનો પોશાક, વન્ય પ્રાણીના નખ અને હાડકા વડે બનેલા આભૂષણો અને ઝનૂની પ્રકૃતિ.જે નાની અમથી વાતમાં એકબીજાને મારી નાખવા માટે તૈયાર રહે તેવા.

પણ જેમ કાદવમાં કમળ અને હજારો કાંટાઓ વચ્ચે એક ગુલાબ ખીલે એમ આ સમુદાયમાં પણ એક આવી નાનકડી બાળકી હતી. જે આ લોકોના સરદારની દીકરી હતી. પણ તેમાંના અમુક લોકો એવું માનતા હતા કે આ છોકરી સરદારની નથી પણ તેને શિકાર કરવા જતા મળી આવી હતી. કારણકે આ છોકરી આ સમુદાયના લોકો કરતા સાવ અલગ જ તરી આવે એવી હતી. શાંત, સરળ વહેતા પાણીના ઝરણાં જેવી, બુધ્ધિમાન અને મિતભાષી ને સુંદરતા તો તેને કુદરતે ભરી ભરીને આપી હતી.તેનું નામ "ફુલરી'' ગામલોકોએ રાખ્યું હતું. જાણે આ અબુધ લોકોને પણ એનામાં ફુલ અને પરી જેવી મૃદુતા અનુભવાઈ હશે!!

ફુુલરી જેમ જેમ મોટી થતી જાય તેમ તેમ તેના રૂપપ અને ગુણ પણ વધતા જાય છે.હવે આ સમુદાયના લોકો ફુલરીની સુઝબુઝ ને કારણે ધીમે ધીમે થોડુ ઘણું સામાન્ય માણસ જેવું જીવન જીવતા થયા છે અને આજુ બાજુના વિસ્તારના લોકો સાથે પરીચયમા પણ આવતા થયા છે. અને આજુબાજુના વિસ્તારમાં પણ ધીમે ધીમે ફુલરી ની નામના વધતી જાય છે કારણ કે તેની સમજણ અને શિખામણ ના લીધે જ આ જંગલી પ્રજાતિનાં સમુદાયે થોડી ઘણી માણસાઈ શીખી હતી.આ પહેલાં સ્થિતિ એવી હતી કે આસપાસ ના લોકો ને જંગલી પ્રાણીઓ કરતા પણ વધુ ડર આ જંગલી માણસોનો હતો. પણ હવે આ સમુદાયના લોકોની પાસે આવતા કોઈ ડરતું ન હતું.

થોડાં સમયથી જંગલમાં વસતા પ્રાણીઓના શિકાર માટે અમુક લોકો ગેરકાયદેસર આવ જા કરી રહયા હતા અને જંગલમાં ઘણું બધું નુકસાન કરી રહયા હતા એ વાત ફુુલરીના ધ્યાને આવી.આ જ જંગલમાં આવતાં જતાં પોતે મોટી થઈ હતી એટલે આખા જંગલથી તે વાકેફ હતી. એટલે તેણે જાતે જ જંગલમાં જાઈને આ વાતની ખાતરી કરવા નું નક્કી કર્યું અને જ્યાં સુધી આ બધાં પાછળ કોણ છે તે ખબર ન પડે ત્યાં સુધી આ વાત કોઈને પણ ન જણાવવાનું નક્કી કર્યું અને તે જંગલમાં પહોંચી ગઈ. થોડીવારમાં અમુક લોકો ના આવવાનો પગરવ સંભળાતા તે એક ઝાડ ની પાછળ સંતાઈ ગઈ.અને એ લોકોની વાત સાંભળ્યા પછી તેને ખબર પડી કે માત્ર વન્યપ્રાણીઓ ના શિકાર માટે જ નહીં પણ આ લોકો તો અનેક પ્રકારની ચોરી કરવા માટે આવતા હતા. ચંદન ના લાકડાં, વાંસ,દવા બનાવવા માટેની ઉપયોગી વનસ્પતિઓ અને વન્યપ્રાણીઓ - હાંથી ના દાંત, વાઘનખ, સિંહ વાઘના ચામડાં,સસલાં, શિયાળ અને વાંદરા એમ અનેક પ્રકારની ચોરી કરતાં હતાં.

આ બધું જોઈને ફુલરી ખુબ જ ગુસ્સે થઈ ગઈ.પણ તેને આ બધું રોકવા માટે શું કરવું એ સમજમાં આવતું ન હતું.એટલે તેણે એક યુક્તિ વિચારી. જ્યારે તે પોતાનાં સમુદાય સાથે જંગલમાં વસવાટ કરતા હતા ત્યારે તેઓ એક પ્રકારની સાંકેતિક ભાષા માં વાતચીત કરતા હતા.તેને તે યાદ આવ્યું અને આ રીતે તેણે પોતે જંગલમાં કંઇક ખતરો છે એવું પશુ પક્ષીઓ જેવા અવાજે પોતાના સમુદાયના લોકોને જણાવ્યું.આ બાજુ આ ભાષા અને આ બાબતથી અજાણ આ શિકારીઓ અને ચોરોએ ફુલરી ના અવાજને ખરેખર પશુ પક્ષીઓ નો અવાજ છે એમ જ સમજ્યો અને તેઓએ વન્ય પ્રાણીના શિકાર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.પણ જેવા તે લોકો કોઈ પણ પ્રાણીનો શિકાર કરવા જતાં એવો જ કંઈક ને કંઈક યુક્તિ કરી ને ફુલરી તે પ્રાણીને ભગાડી દેતી અને આવું વારંવાર થવાથી હવે આ કંટાળેલા શિકારીઓ ઔષધિઓ ભેગી કરીને જવાની તૈયારી કરવા લાગ્યા,પાછા ફરવાનું વિચારવા લાગ્યા. પણ તેમાંનો એક આ યુક્તિને પામી ગયો અને તેણે છેલ્લી વાર આ બધા પાછળ કોણ છે તે જાણવા એક સસલાં પર બંધુક તાકી.અને આ વખતે એ સસલાને બચાવવા જતાં ફુલરી પકડાઈ ગઈ. જે વૃક્ષ પાછળ સંતાઈને તે ઊભી હતી તે બાજુ તેણે શિકારીઓને આવતાં જોયા. હવે ફુુલરી મનમાં મુંઝાવા લાગી કે હવે શું કરવું??!આ લોકો ને આમ કેવી રીતે રોકવા કારણ કે આટલી બધી વાર લાગી છતાં ગામ લોકો હજુ આવ્યા ન હતા. આખરે એણે હીંમત ભેગી કરી ને એ બંદૂકધારી શિકારીઓને રોકવા માટે અંધાધૂંધ તીર ચલાવ્યા.આમ અચાનક આટલા બધા તીર લાગવાથી ઘણા શિકારીઓ ઘાયલ થયા પણ તેઓએ પણ સામો ગોળીબાર શરૂ કરી દિધો અને તેમાંની એક ગોળી એ ઘટાદાર ઘેઘુર વૃક્ષની પાછળ સંતાયેલ ફુલરીને વાગી અને તે બેભાન થઈ ગઈ. જ્યારે તિરોનો મારો બંધ થયો ત્યારે શિકારીઓ પણ ઘાયલ હાલતમાં જેમતેમ કરીને ચોરેલ વસ્તુઓ લઇને જંગલમાંથી જલ્દી નાસી જવા માટે તૈયાર થયા. પણ વૃક્ષ પાછળ બેભાન હાલતમાં પડેલ ફુુલરી ને જોઈને તે શિકારીઓની દાનત બગડી અને તેઓએ આમ બેભાન થયેલ ફુુલરીને પોતાની હવસનો શિકાર બનાવવા નું વિચાર્યું. એટલી વારમાં આટલા બધા ગોળીબારનો અવાજ સાંભળતા સાંભળતા ગામલોકો ત્યાં આવી પહોંચ્યા અને શિકારીઓ ને પકડી લીધા.

ઘણી સારવાર બાદ બે દિવસ પછી ફુુલરી ભાનમાં આવી અને તેણે ગામલોકોને આ આખી વાત ની જાણ કરી.આ સાંભળી બધાં ફુુલરીની નીડરતા અને સુઝબુઝ ની વાહવાહ કરવા લાગ્યા અને ત્યારથી ફુુલરીને ગામલોકોએ સમુદાયની આગેવાન બનાવી લીધી. આજુબાજુના ગામના લોકોને આ વાતની ખબર પડી એટલે એ લોકોએ ફોરેસ્ટ અધિકારીઓને આ બાબતની જાણ કરી જેથી સરકારે આ શિકારી ટોળી ને આકરી સજા ફટકારી અને ફુુલરીને ઈનામ આપવામાં આવ્યું. બધાં ફુુલરીની બહાદુરીની પ્રશંસા કરવા લાગ્યા અને ફરી એકવાર જંગલ શિકારીઓની ખલેલથી મુક્ત બન્યું.


**********************





આપના પ્રતિભાવો ની પ્રતીક્ષામાં...........