''રુચિ...એ...રુચિ.... આ છોકરી ક્યારે સમજશે ???'' બુમો પાડતી દિશા કોલેજમાં ભણતી એકની એક દીકરીને સવારથી ત્રીજી વાર ઉઠાડી રહી હતી. શનિવાર હોવાથી ટિફિન બનાવવાની અને વહેલા સાડા પાંચ વાગે ઉઠવામાંથી બંનેને મુક્તિ મળી હતી.
''અરે મમ્મી...તું તો જો યાર...સુવા પણ નથી દેતી શાંતિ થી.. હું મારા ટાઈમ પર તૈયાર થઈ જઈશ. તું ચિંતા ના કર.'' કહેતી રુચિ આળસ મરડતી, પરાણે બાથરૂમ તરફ ગઈ.
દિશાએ ફટાફટ બે ભાખરી અને ચા નો કપ ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધા. અને બીજા કામોમાં વળગી ગઈ.
લગભગ વીસ મિનિટમાં રુચિ તૈયાર થઈને આવી ગઈ. ઘી સાથે એક ભાખરી ખાઈને જલ્દી જલદીમાં ચા ગટગટાવી ગઈ. અને લગભગ દોડતી દરવાજા તરફ ભાગી. ''મમ્મી...જાઉં છું જય શ્રી કૃષ્ણ... મને મોડું થાય તો તું જમી લેજે.'' મમ્મીએ સાંભળ્યું કે ના સાંભળ્યુંની પરવાહ કર્યા વગર કોલેજ જવા માટે નીકળી ગઈ.
દિશાએ સાંભળ્યું કે રુચિએ કંઈક કહ્યું, એટલે ડાઇનિંગ ટેબલ સુધી જોવા આવી. તો જોયું કે રુચિ નીકળી ગઈ હતી. એટલે ફરી પાછી એની ઉપર અકળાવા લાગી...''ખરેખર આ છોકરીનું શું થશે ??? લગ્ન પછી આ કરશે શુ ??? બહાર જતી વખતે દરવાજો બંધ કરવાની પણ અક્કલ નથી... ખાધું પણ નહીં સરખું... કેટલી વાર કીધું છે કે થોડી વહેલી ઉઠ...પણ એ છે કે સાંભળે છે જ ક્યાં ?''
મનમાં ને મનમાં મુંજાતી દિશા ડાઇનિંગ ટેબલ પર ચાનો કપ લઇ ભાખરીનો નાસ્તો કરવા બેઠી. બેઠાં-બેઠાં બીજા વિચારોએ વળગી, ''ક્યાંક એવું તો નથી ને કે રુચિને એના પપ્પાની ગેરહજરીના લીધે એના ઉછેરમાં મારાથી કોઈ ભૂલ થઈ હશે ? ના ના એવું તો ના જ હોય. મેં તો મારી રીતે કોઈ કચાશ નથી જ રાખી.'' આંખમાંથી અજાણતા જ બે આંસુ દડી પડ્યાં.
નાસ્તો કરી લીધા પછી દિશા ફરી પાછી રસોડાની સાફ-સફાઈના કામે લાગી ગઈ. રોજ સવારે સાડા પાંચ વાગે ઉઠી રુચિ માટે ટિફિન બનાવતી ત્યારે જ એ પોતાનું બપોરનું જમવાનું પણ સાથે જ બનાવી લેતી. પછી ઘરની સાફસફાઈ, કપડાં ધોવાના વગેરે ના રોજિંદા કામે લાગી જતી. રુચિના કોલેજ ગયા પછી રસોડામાં વધારાના કામ ફટાફટ આટોપી લેતી.એટલે હવે સાંજ સુધી એને ઘરનું બીજું કોઈ બાકી રહેતું નહીં. પેપરમાં આવતાં રોજ-બરોજના બળાત્કાર અને એક્સીડેન્ટના સમાચાર વાંચી તે અંદરો અંદર ખળભળી ઉઠતી કદાચ, એટલે જ રીતેષના ગયા પછી એણે ન્યૂઝ પેપર બંધ કરાવી દીધું હતું. દિશાને નાનપણથી સારા પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો, જે સાસરે આવીને પણ અકબંધ રહ્યો હતો. રીતેષે નજીકનાં પુસ્તકાલયમાં એને મેમ્બરશીપ લઇ આપી હતી. બપોરે નવરાશના સમયે તે ત્યાં જતી અને ગમતાં પુસ્તકો વાંચતી. સાંજે ફરી પાછી ઘરનાં અને બહારના કામો પતાવવામાં વ્યસ્ત થઈ જતી.
આજે પણ ઉતાવળે કામ પતાવી એ લાઈબ્રેરી જવા તૈયાર થઈ. ત્યાં જઈ રોજની જેમ જ કેટલાય પુસ્તકો ફેંદી નાખ્યા બાદ એક પુસ્તક લઇ એની રોજ ની નક્કી કરેલી જગ્યા ઉપર જઇ ને બેઠી. પુસ્તક ખોલીને વાંચવાનું શરૂ કર્યું ત્યાં જ આંખો સામે ભૂતકાળના એક જાણીતા પુસ્તકના પાના આપોઆપ ખુલવા લાગ્યા.
કોલેજનો પહેલો જ દિવસ હતો. બધા જ અજાણ્યાં ચહેરાઓ સામે જોતી દિશા પોતાનો ક્લાસ શોધતી હતી. કલાસ શોધવામાં પહેલો જ લેકચર છૂટી જાય એના કરતાં પૂછી લેવું વધારે યોગ્ય લાગ્યું. ત્યાં જ નજીકમાં દીવાલને અડીને ઉભેલા, વ્યવસ્થિત જણાતાં એક યુવક પાસે જઈને પૂછી જ લીધું, ''એક્સ્ક્યુઝ મી, હું આ કોલેજમાં નવી છું, બાર નંબરનો ક્લાસ ક્યાં આવ્યો મને ખબર નથી. તમે બતાવી શકશો ?'' યુવકે પહેલા તો થોડી વધારે જ દેખાવડી કહી શકાય એવી દિશા તરફ જોયું, ને અચાનક નજર ફેરવી લીધી, ''અ... હા... મેડમ, બાર નંબરનો કલાસ અહીં પહેલા માળે જ છે, અને ત્યાં જવા માટે સીધા જઇ જમણી બાજુ એક સીડી આવશે ત્યાંથી જતા રહેજો.'' કહી ફરી નજર નીચી કરી લીધી. જાણે કે પોતાની નજર સામે વાળી યુવતીની નજરોએ ઓળખી લીધી હોય. દિશા ફટાફટ ક્લાસ જવા નીકળી ગઈ. પરંતુ કલાસ શરૂ થયાને થોડી જ ક્ષણોમાં દિશા એ અજાણ્યા યુવકના વિચારોમાં ખોવાઈ ગઈ, ''કોણ હશે એ ? ક્યા ક્લાસમાં હશે ?'' આ વિચાર આવતાં જ એની નજર પોતાના કલાસના યુવકો ઉપર ફરી વળી. પરંતુ નિરાશ થઈ ફરી પાછી પોતાના એ વિચારોમાં આગળ વધી, ''કેટલો સિમ્પલ લાગતો હતો એ ? બોલવાની છટા પણ કેટલી સરસ હતી કે જાણે સાંભળતા જ રહેવાનું મન થાય. ફરી એ મને મળશે કે નહીં ? મળશે તો વાત કરશે કે નહીં ?''
પહેલી જ મુલાકાતમાં દિશાને એ યુવક વિશે જાણવાની જિજ્ઞાસા થઈ હતી.
''હેય સાંભળે છે ? કલાસ પૂરો થયો તારે ઉઠવું નથી હજુ ? પ્રોફેસર બહુ ગમી ગયા કે શું ?'' ટીખળ કરતી બે યુવતીઓ દિશાને તંદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરતી હતી. અચાનક વિચારોની એ શૃંખલા તૂટતાં જ થોડું શરમાતી, મલકાતી દિશા ઉભી થઇ અને બંને યુવતીઓ સામે થોડુંક હસી. યુવતીઓએ પોતાનો પરિચય આપ્યો, ''હાય સ્વીટી, હું કિંજલ અને આ છે મારી સ્કૂલ ફ્રેન્ડ મિત્તલ. તારું કોઈ ઓળખીતું અહીં ના હોય તો તું અમારું ગ્રુપ જોઈન કરી શકે છે.'' સામેથી ઓળખાણનો પ્રસ્તાવ આવતા જ દિશા ખીલી ઉઠી, ''હાય, મારુ નામ દિશા છે. અને ખરેખર હુ અહીં કોઈને ઓળખતી નથી. મને તમારા જેવી ફ્રેન્ડ્સ મળતી હોય તો મને તમારું ગ્રુપ જોઈન કરવું ગમશે.'' ઓળખાણની ઔપચારિકતા પુરી કરી ત્રણેય બહેનપણીઓ કિંજલના બતાવ્યા રસ્તા મુજબ કેન્ટીન તરફ ચાલવા લાગી.
કિંજલ થોડી વધારે જ ખુલ્લા મનની યુવતી હતી. એ ગમે ત્યારે ગમે તેની સાથે બેધડક વાત કરી શકતી. એના પપ્પા શહેરના એક નામી વકીલ હતા. મિત્તલ સામાન્ય ઘરનું સંતાન હતી. બંને યુવતીઓ છેલ્લા છ વર્ષથી સાથે અભ્યાસ કરતી હતી. મિત્તલનો ભણવાનો ખર્ચ કિંજલના પપ્પા જ આપતા હતા. બાકી બહાર નાસ્તા-પાણીનો ખર્ચ હંમેશા કિંજલ કરતી. થોડીવારે ત્રણેય કેન્ટીનમાં પહોંચ્યા. એકબાજુ જગ્યા લઇ બેસી ગયા. કિંજલ ફટાફટ કાઉન્ટર પાસે જઇ, આજના મેનુ પર નજર ફેરવી, અને ત્રણ સમોસા પ્લેટનો ઓર્ડર આપી આવી. ત્રણેય બહેનપણીઓ એ એકબીજાની ઔપચારિક ઓળખાણ વિધિ પતાવી. ત્યાં જ નાસ્તો આવી જતાં પેટપૂજાને ન્યાય આપવા તરફ ધ્યાન વાળ્યું. દિશાએ હજુ સમોસુ હાથમાં લીધું જ હતું કે સવાર વાળો પેલો યુવક બીજા ચાર-પાંચ મિત્રો સાથે કેન્ટીનમાં પ્રવેશતો દેખાયો. અનાયાસે જ બંનેની નજર મળી ગઈ. પરંતુ બંને એ પોતાની નજર એજ ક્ષણે ફેરવી લીધી. બંનેને ચોરી પકડાઈ ગયાનો મીઠો અફસોસ થયો.
દિશા : (મનમાં) ''આ યુવકમાં એવું છે શું ? કે જાણે અજાણે મને એની તરફ આકર્ષિત કરી રહ્યું છે ? ના..ના.. મને કાંઈ થઈ નથી જ રહ્યું.'' (પોતાની જાતને જ વ્યર્થ સમજાવવાનો પ્રયત્ન કરતી રહી.)
''અરે, આ ક્યાં ઘડી-ઘડી ગુમ થઈ જાય છે ? ઓય તને કહું છું દિશા...''કહેતી કિંજલે એને હલબલાવી નાખી. દિશા ફરી થોડું સ્વસ્થ થઇ ત્યાં જ કિંજલ અકળાઈ, ''દિશા, તને કોઈ ભૂત-બૂત વળગ્યું છે કે શું ?'' દિશાએ ઝડપથી વાત ફેરવવા માટે બીજી વાતો શરૂ કરી દીધી.
આમ જ સંતાકુકડીની રમતમાં છ મહિના વીતી ગયા. કિંજલ, દિશા અને મિત્તલ વચ્ચે ખૂબ જ સરસ મિત્રતા બંધાઈ ગઈ હતી. આખો દિવસ સાથે ને સાથે જ રહેતી. સાંજે કે રજાના દિવસે એકબીજાના ઘેર આવતી-જતી જ ક્યાંક બહાર નજીકમાં જ ફરવાનું ગોઠવતી. ખૂબ મસ્તી-મજાક કરતી. પણ કોલેજમાં તો દિશાનું અજ્ઞાત મન પેલા યુવકને જ શોધતુ રહેતું, એ સિવાય પણ એના વિશે જાણવાની એને ઇન્તેજારી રહેતી. ક્યારેક નજર મળી જતી તો બંને જણા સાચવીને પોતાની નજરો ફેરવી લેતા. પણ આ ઊડતી નજરથી પણ દિશા જાણે કે સમેટાઈ જતી. બસ આ એક જ વાત એ પોતાની ખાસ બહેનપણીઓ સાથે શેર કરી શકતી નહીં.
આજે કોલેજમાં વાર્ષિક કાર્યક્રમ હતો. મિત્તલ સારું ગાઈ શકતી હતી એટલે એણે પણ એમાં ભાગ લીધો હતો. દિશા અને કિંજલ પ્રેક્ષકોની ખુરશીઓમાં બેઠાં હતાં. મિત્તલે ભાગ લીધો હોવાથી આગળની હરોળમાં એને બેસવાનું હતું. મિત્તલનો વારો આવ્યો. એણે ખરેખર બહુ જ સરસ ગીત ગાયું. તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો. કિંજલ તો ચીસો પાડતી કૂદવા જ લાગી હતી. દિશા પણ ઉભી થઈને તાળીઓ પાડવા ગઈ અને અચાનક જ એની નજર મિત્તલ પછી ગીત ગાવા આવનાર યુવક ઉપર પડી, ''આ તો એજ'' ફરી પાછી આજુબાજુની દુનિયાથી અલિપ્ત થઈ ગઈ.
યુવક સ્ટેજ પર આવ્યો. પોતાના વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી અને ધીમો આલાપ લઇ એણે ગાવાનું શરૂ કર્યું. એના અવાજ થકી દિશા પહેલી મુલાકાતમાં જ એક અદ્રશ્ય તાંતણે બંધાઈ ચુકી હતી અને આ તો ખોબોલેને ખોબલે એનો અવાજ અંતરમાં ભરી લેવાનો જાણે એને અવસર મળી ગયો. યુવકે ખૂબ જ સરસ પ્રેમ નીતરતી ગઝલની શરૂઆત કરી. એની ગઝલ પુરી થવા સુધીમાં તો કાંઈ કેટલાય પ્રેમી પંખીડા પોતપોતાના સપનાઓમાં ખોવાઈ ગયા. કેટલાક તો એકબીજાના હાથ પકડી, આંખોમાં આંખો પરોવી એ ગઝલ સાથે ગૂંથાઈ રહ્યા. એક એક શબ્દ જાણે કે પ્રેમના દરિયામાં ડૂબવા માટેનું આહવાન કરી રહ્યો હતો. દિશા પણ એ ગઝલના પ્રવાહમાં અજાણતાં જ વહેતી રહી. પોતાની જાતને એ યુવક સાથેના શમણાંમાં દૂર દૂર ક્યાંક આભાસી નદીના કિનારે બાહુપાશમાં સમાઈને પાસેના જ થોડી વધુ ઊંચાઈ વાળા ઝરણાની વાછટોને આંખ બંધ કરીને પોતાના ચહેરા પર અનુભવી રહી.
વધુ આવતા અંકે...